Safe future in Gujarati Love Stories by Dr. Nilesh Thakor books and stories PDF | સુરક્ષિત ભવિષ્ય

Featured Books
Categories
Share

સુરક્ષિત ભવિષ્ય

અમદાવાદ ના ટાઉન હોલ ના પડદા પાછળ થી અવાજ આવ્યો “ આરવ અને અદા, હવે તમારો વારો છે.”

આરવે ઝડપ થી અદા નો હાથ પોતાના હાથ માં લેતા કહ્યું “મારા પર વિશ્વાશ તો છે ને ?”

“સૌથી વધારે” અદા એ પણ પોતાનો હાથ આરવ ના હાથ માં આપતા કહ્યું.

ત્યાં જ ગીત ની સૂરાવલિ રેલાઈ “ ઐસી ક્યા ચલી હવા, કે લે ગઈ મેરી સાંસો કો મુઝસે દૂર ............”

અને આરવે અદા ને કમર થી પકડી હવામાં ઊંચકી લીધી, આરવ અને અદા નો મનમોહક ડાન્સ શરૂ થયો, આરવ ક્યારેક અદા ને પકડતો તો ક્યારેક અદા ને હવામાં જ ઝૂલાવતો. અદા ને પણ જાણે આરવ પર પૂરો ભરોશો હોય એમ એ એની જાત ને આરવ ના ડાન્સ ને સમર્પિત કરી દેતી, આરવ અને અદા એ એ ગીત પર હવામાં અદભૂત ડાન્સ રજૂ કર્યો. બધાજ દર્શકો આરવ અને  અદા ના ડાન્સ પર ઓવારી ગયા, બધાજ દર્શકો એ પોતાની બેઠક પરથી ઊભા થઈ આરવ અને  અદા ના ડાન્સ ને વધાવી લીધો. આ સાથે જ આરવ અને અદા એ શહેર ની ડાન્સ સ્પર્ધા જીતી લીધી.

        આરવ કે જેને હમણાં જ અમદાવાદ ની પ્રિન્સ ડાન્સ એકૈડમી માં એડ્મિશન લીધું અને અદા એ શહેર ના પ્રષ્ઠિત પેડિયાટ્રીક ડોક્ટર ની પુત્રી, જે પહેલાથી જ આ ડાન્સ એકૈડમીની વિદ્યાર્થીની હતી. આરવ નું ડાન્સ પ્રત્યેનું ઝનૂન જોઈ સૌ તેની પર મોહી પડ્યા, આરવ નું આકર્ષક શરીર શૌષ્ઠવ, બોલવાની અનેરી છટા અને તેના મૃદુ સ્વભાવે અદા નું પણ મન મોહી લીધું. સામે પક્ષે અદા પણ ગાંજી જાય તેવી નહોતી, આકર્ષક દેહલાલિત્ય અને તેના ગાલ માંના ખંજન સાથે ના મોહક હાસ્ય એ કેટલાય ના દિલ ચોરી લીધાં હતા. એ જ્યારે પણ હસતી ત્યારે જાણે શીતળ ચાંદની રેલાઈ હોય એમ વાતાવરણ દીપી ઊઠતું. અને અદા ની આ અદા થી આરવ પણ ઘાયલ થઈ ગયો એટ્લે જ જ્યારે ડાન્સ સ્પર્ધા માટે ડાન્સ ટીચર એ જોડી બનાવવાનું કહ્યું તો આરવે અદા પર પોતાની પસંદગી નો કળશ ઢોળ્યો. આરવ અને અદા ના ડાન્સ વચ્ચે ગજબ નું સામ્ય હતું. આરવ અને અદા જ્યારે પણ ડાન્સ કરતાં ત્યારે એકરૂપ બની જતાં અને બધાની આંખો આરવ અને અદા ના ડાન્સ પર સ્થિર થઈ જતી.

        હવે આરવ ને અદા રાજ્ય સ્તર ની સ્પર્ધા માટે પસંદગી પામ્યાં. આરવ નું ડાન્સ પ્રત્યેનું  ઝનૂન એટલું બધુ હતું કે એને મન માં જ આ રાજ્ય સ્તર ની સ્પર્ધા જીતવાનું નક્કી કરી લીધું. રાજ્ય સ્તર ની સ્પર્ધા પહેલાં આરવ પોતાના મન ની વાત અદા ને કહેવા એ અદાને શહેર થી દૂર આવેલા મંદિરે લઈ ગયો. મંદિર માં દર્શન કરી મંદિર ના જ પ્રાંગણમાં અદા નો હાથ પોતાના હાથ માં લઈ બોલ્યો “જેટલો ડાન્સ ડાન્સ કરતી વખતે મારા પર વિશ્વાશ મૂકે છે એટલો જ વિશ્વાશ શું આખી જિંદગી મારા પર મૂકી શકીશ?” “એટલે ?” અદાએ આશ્ચર્ય અને ઉત્સુકતા ભરી નજરે આરવ ને કહ્યું.

“ આઇ લવ યૂ અદા, જ્યારથી ડાન્સ  એકૈડમી માં એડ્મિશન લીધું છે ત્યાર થી જ તું મારા મન માં વસી ગઈ છે, પહેલાં દિવસથી જ અદા હું તને અનહદ ચાહું છું, શું મારી આ જીવન નૈયા નું સુકાન તું સંભાળી લઇશ?”

અદા તો ભાવ વિભોર બની હર્ષાશ્રુ સાથે આરવ ને ભેટી પડી અને ભેટતા ભેટતા બોલી “હું પણ આરવ તને એટલો જ પ્રેમ કરું છું અને હા તારી જીવન નૈયા નું સુકાન સંભાળવા હું તૈયાર છું.”

        રાજ્ય સ્તર ની સ્પર્ધા શરૂ થઈ, આરવ અને અદા એ પોતાનો ડાન્સ હવા માં રજૂ કર્યો. આરવ ક્યારેક અદા ને પકડતો તો ક્યારેક અદા ને હવામાં જ ઝૂલાવતો. અદા ને પણ જાણે આરવ પર પૂરો ભરોશો હોય એમ એ એની જાત ને આરવ ના ડાન્સ ને સમર્પિત કરી દેતી અને વળી ભરોશો કેમ ના હોય ? અદા હવે પોતાના ભાવિ પતિ પર ભરોશો મૂકતી હતી અને અદા ને પોતાના ભાવિ પતિ પર સંપૂર્ણ ભરોશો હતો. અદા એ નિશ્ચિંત બની અદભૂત ડાન્સ રજૂ કર્યો, દર્શકો ફરી એકવાર ઓવારી ગયા અને રાજ્ય સ્તર ની સ્પર્ધા પણ આરવ અને અદા જીતી ગયાં.

        હવે વારો હતો અદા ના પપ્પા નું દિલ જીતવાનો. અદાએ પોતાના પપ્પા સમક્ષ આરવ ની વાત કરી. અદા ના પપ્પા ગુસ્સે થઈ ગયાં અને અદાને કહી દીધું કે એક ડાન્સર સાથે હું તારા લગ્ન કદાપિ નહીં થવા દઉં. અદા ભાંગી પડી અને રોવા લાગી. પપ્પા એ પણ પછી ધીરે રહી ને પોતાની પુત્રી ને સમજાવતા કહ્યું “ બેટા આપના ઘર માં જે વૈભવ અને સુખ સાહયબી છે એ કદાચ આરવ તને ડાન્સ માંથી નહીં આપી શકે, તું આરવ ને બેટા ભૂલી જા.”

અદા પપ્પા ના આ નિર્ણય સામે કઈંજ ના કહી શકી. અદા ની આંખો માં આરવ પ્રત્યે નો પ્રેમ અદા ની મોટી બહેન પારખી ગઈ. અદા ની મોટી બહેને અદા વતી પપ્પા ને સમજાવતા કહ્યું, “પપ્પા, એકવાર આરવ ને મળવામાં શું વાંધો છે ? એની ભવિષ્ય ની શું યોજના છે એ તો પૂછી જોવો ? એને મળ્યા પછી તમને જો આપની અદા નું ભવિષ્ય સુરક્ષિત ના લાગે તો ના પાડજો પણ એકવાર આરવ ને અહી ઘરે બોલાવી વાત કરી જુઓ.”

અદા ના પપ્પા એ થોડી નારાજગી સાથે આરવ ને મળવાની હા પડતાં કહ્યું “ હું આરવ ને મળીશ અને એને એની ભવિષ્ય ની યોજનાઓ વિષે પૂછીશ, યોગ્ય લાગશે તો જ અદા નો હાથ આરવ ના હાથ માં આપીશ.”

        અદા તો દોડતી આરવ પાસે પહોંચી ગઈ અને આરવ ને ભેટી પડતાં કહ્યું “ ચાલ આરવ આપણે ભાગી જઈએ, મને નથી લાગતું કે મારા પપ્પા આપણાં પ્રેમ ને સમજે. એમને મારા ભવિષ્ય ની બહુ જ ચિંતા છે, મને તારા ડાન્સ પર પૂરો ભરોશો છે પણ કદાચ એમને નથી. એમને તને કાલે આપણાં ભવિષ્ય વિષે પૂછવા ઘરે બોલાવ્યો છે”

આરવ પણ જાણે ભાવ વિભોર થતાં અદાને સમજાવા લાગ્યો “તને ભગાડી ને લઈ જવી હોત તો ક્યારનો ય લઈ ગયો હોત. તને મારા પર વિશ્વાશ તો છે ને ?”

“સૌથી વધારે” ભેટેલી અદા એ કહ્યું.

“તો તું ચિંતા ના કરીશ મેં બધુ જ વિચારી લીંધુ છે. મારા ભાવિ સસરા ને મળવા તો હું જરૂર આવીશ. બસ તું ઘરે જઈ મારા આગમન ની તૈયારી કર.” અદા ખુશ થતી થતી ઘરે પહોંચી અને આરવ ના આવવાની આતુરતાં પૂર્વક રાહ જોવા લાગી.

        અને એ દિવસ ઊગ્યો, આરવ વહેલી સવારે ઉઠી તૈયાર થઈ અદા ના ઘરે પહોંચી ગયો. પોતાના ભાવિ સસરા ને પગે લાગી એમની જોડે બેઠો. 10 થી 15 મિનિટ વાત શું કરી આરવે કે અદાના પપ્પા માની ગયાં. પોતાની પુત્રી સામે જોતાં કહ્યું “મને ગર્વ છે અદા કે તે આરવ ને પોતાના ભાવિ પતિ તરીકે પસંદ કર્યો.” અદા પણ ચોંકી અને ખુશ થઈ ગઈ. આરવ અને અદાના સંબંધ પર મંજૂરી ની મોહર લાગી ગઈ.

        આરવે એવું તે શું કહ્યું કે અદા ના પપ્પા માની ગયાં? એવી તો ભવિષ્ય ની એને શું યોજના કહી કે અદા ના પપ્પા મના ના કરી શક્યાં? શું આરવ કોઈ મોટી ડાન્સ એકૈડમી ખોલવાનો હતો ? શું આરવ ને ફિલ્મો માં રોલ મળી ગયો હતો ?

        ના ....આરવે અદા ના પપ્પા ને પગે લાગી બસ આટલું કહ્યું, “નમસ્તે સર, ડાન્સ એ મારૂ ઝનૂન છે, ડાન્સ મારૂ જીવન છે, સ્કૂલ સમય થી ડાન્સ ની બધી સ્પર્ધાઓ હું જીતતો આવ્યો છું અને કોલેજ ની પણ બધી જ સ્પર્ધાઓ જીત્યો છે, રાજ્ય સ્તર ની સ્પર્ધા જીતવાનું મારૂ સ્વપ્ન હતું જે અદા એ પૂરું કરાવ્યુ, પણ ક્યારેય આ ડાન્સ ને મેં મારા અભ્યાસ  ના આડે નથી આવવા દીધો, અભ્યાસ  માં પણ મેં એટલી જ મહેનત કરી છે, સર મારૂ નામ આરવ શર્મા, પૂરું નામ ડૉ. આરવ શર્મા છે. મેં હમણાં જ એમબીબીએસ નો અભ્યાસક્રમ પુર્ણ કરી અનુસ્નાતક ના અભ્યાસ ની પણ પ્રવેશ પરીક્ષા આપી દીધી છે જેમાં હું યુનિવર્સિટિ માં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થઈ ગયો છું, હું આપની જેમ પીડિયાટ્રીક ડોક્ટર બની ડાંગ જિલ્લો કે જ્યાં બાળમૃત્યુદર વધારે છે ત્યાં જઈ મારી નિષ્ણાત સેવાઓ આપી આ તમામ બાળકો ના જીવ ને સુરક્ષા આપવા માંગુ છું, અને મારા આ માનવ સેવા ના ઉમદા કાર્ય માં જો અદા મારો સાથ આપશે તો હું મારી જાત ને ભાગ્યશાળી માનીશ.”

        ડાંગ જિલ્લા ની સરકારી હોસ્પિટલ ના ક્વાર્ટર્સ માં  ગીત ની સૂરાવલિ રેલાઈ “ ઐસી ક્યા ચલી હવા, કે લે ગઈ મેરી સાંસો કો મુઝસે દૂર ............” અને 3 વર્ષ ના આરવ અને અદા ના પુત્ર સક્ષમ ના પગ થીરકવા લાગ્યા પોતાના પાપ્પા ના નકશે કદમ પર ચાલવા....