Sacha hira ni Parakh in Gujarati Love Stories by Dr. Nilesh Thakor books and stories PDF | સાચા હીરા ની પરખ

Featured Books
Categories
Share

સાચા હીરા ની પરખ

પાટણ ની ગીતાંજલી સોસાયટી ના ઘર નં. 152/3 ના બીજા માળે આવેલ રૂમ માં સોફા પર બેસેલા ડૉ. આકાશ એ સામે બેસેલી ધરતી ને પૂછ્યું “ હું અત્યારે સર્જરિ ના પ્રથમ વર્ષ માં છું, ભવિષ્ય માં સર્જન બનીશ, હું જે ઉમદા વ્યવસાય માં છું એ જોતાં કદાચ દર્દીઓ ની સેવા માં અને સેવામાં તને અને આપણાં બાળકો ને સમય નહીં આપી શકું, શું તું મારૂ ઘર અને કુટુંબ બંને ને સાચવી લઇશ?”

ધરતી એ પણ આકાશ નો હાથ પોતાના હાથ માં લઈ પ્રેમ અને વિશ્વાસ થી બસ આટલું જ કહ્યું “તમે ચિંતા ના કરો, હું બધું જ સાચવી લઇશ”

        આ નાનકડા સંવાદ પછી આકાશ ને જાણે પોતાની સાચી જીવનસંગિની મળી ગઈ હોય એમ એ ધરતીનો હાથ પકડી નીચે આવ્યો, નીચે બેસેલા બંને ના માતપિતા એ આ સંબંધ માટે બંને ની આંખો માં વર્તાતી સ્પષ્ટ સંમતિ પારખી લીધી. આકાશ અને ધરતી ના ધડીયા લગ્ન લેવાયા. લગ્ન પછી થોડાજ સમય માં આકાશ એ પોતાનો અભ્યાસ પૂરો કરી પૈસા ની મોહજાળ માં ફસાયા વગર ગરીબ દર્દી ઓ ની સેવા કરવાનું વિચાર્યું અને એક સરકારી મેડિકલ કોલેજ માં મદદનીશ પ્રાધ્યાપક તરીકે નિમણૂક મેળવી. થોડાજ સમય માં આકાશ અને ધરતી ના આંગણા માં એક ફૂલ ખીલ્યું જેને આકાશ અને ધરતી એ “ક્ષિતિજ” એવું નામ આપ્યું. પોતાના ઘરે પુત્ર “ક્ષિતિજ” ના અવતરણ પછી આકાશે ધરતી પાસેથી પુત્ર ઉછેર ની જવાબદારી સરખી રીતે વહેંચી લીધી. સરકારી મેડિકલ કોલેજના બહોળા સ્ટાફ ના લીધે આકાશ ધરતી ને અને ક્ષિતિજ ને પૂરતો સમય આપી શક્યો.

        એક દિવસ આકાશ અને ધરતી એક લગ્ન પ્રસંગ માં ગયા, ક્ષિતિજ આકાશ ના ખોળા માં રમવામાં વ્યસ્ત હતો. ધરતી ની નજીક આવીને એક બહેને પોતાની પુત્રી આપતા કહ્યું “મારી જરા હેલ્પ કરશો. હું મારી પુત્રી એશા માટે જમવાનું લઈ આવું ત્યાં સુધી એને સાચવશો?”

“હા, કેમ નહીં ? આપો મને, મારો પુત્ર ક્ષિતિજ પણ આટલો જ છે” ધરતી એ પણ મદદ ની ભાવના સાથે કહ્યું.

એ બહેન જેવી જમવાની ડીશ લઈને આવ્યા એટલે ધરતી થી પૂછાઇ ગયું “તમારા પતિ તમારી સાથે નથી આવ્યાં ?”

“મારા પતિ હમણાં એમની બિઝનેસ ટુર માં એટલા વ્યસ્ત છે કે ઘર ની તમામ જવાબદારી મારે જ નિભાવવી પડે છે” આ સંવાદ માં એ બહેન નો થાક સ્પષ્ટ વાર્તાતો હતો.

        ધરતી પણ જાણે એ બાબત માં પોતાને નસીબદાર માનતી હોય એમ જરા વટ થી બોલી “મારા પતિ તો મને ક્ષિતિજ ના ઉછેરમાં અને ઘર ની તમામ જવાબદારી માં પૂરતો સાથ અને સહકાર આપે છે.”

“તમે સાચે જ નસીબદાર છો. મારી વાત છોડો, તમારો પુત્ર ક્ષિતિજ ક્યાં છે?” એ બહેને ઉત્સુકતા થી પૂછ્યું.

ધરતી પણ જાણે થોડાજ સમય માં આ બહેન પોતાના સખી બની ગયા હોય એમ ઉત્સાહ થી આકાશ મળાવવા આકાશ ને નજીક બોલાવ્યો “આકાશ, ક્ષિતિજ ને લઈ અહી આવો તો ?”

આકાશ ક્ષિતિજ ને લઈ જેવો નજીક ગયો ત્યાંજ એ સામે રહેલી કાવ્યા ને ઓળખી ગયો. થોડીવાર માટે બંને ની આંખો એક થઈ અને આકાશ ના માનસપટ પર એક પછી એક ઘટનાઓ નો ક્રમ રચાતો ગયો.

        આકાશ અને કાવ્યા એક જ સોસાયટી અને એક જ સ્કૂલ માં હતા. કાવ્યા ને આકાશ સ્કૂલ સમય થી પસંદ કરતો. ધીમે ધીમે આકાશ ના મનમાં કાવ્યા માટે કુણી લાગણીએ અને પછી એક ઉત્કટ સ્નેહબંધને જન્મ લીધો. એ કાવ્યા ને મનોમન પસંદ કરવા લાગ્યો. દૂર રહેલી કાવ્યા ના ઘર ની ગૅલૅરી માં કાવ્યા ની એક ઝલક માણવા એ ઘર ની બહાર બૂક લઈ ને વાંચતો. કાવ્યા ગૅલૅરી માં આવતી અને આકાશ ની આંખો સાથે આંખો મિલાવી એક આછેરું સ્મિત આપી ને જતી રહેતી. આ સ્મિત ને આકાશ આંખો બંધ કરી પોતાના મન માં સાચવી લેતો. કાવ્યા જ્યારે અગાશી માં કપડાં સુકવવા જતી ત્યારે આકાશ કોઈ ના કોઈ બહાને અગાશી માં જતો ત્યાં પણ કાવ્યા ને કામ કરતી જોઈ મનમાં ને મનમાં કાવ્યા ને પોતાની પત્ની તરીકે ની છબી ઉપસાવી ખુશ થતો.

        સમય ના વહાણે આકાશને મેડિકલ માં એડ્મિશન અપાવ્યું. એ હોસ્ટેલમાં રહેવા જતો રહ્યો, પણ જ્યારે એ ઘરે આવતો ત્યારે કાવ્યા ના એક સ્મિત માટે પોતાનો બૂક લઈ બહાર વાંચવાનો અને અગાશી માં જવાનો ક્રમ જાળવી રાખ્યો. પોતાની શરમાળ પ્રકૃતિ ના લીધે એ ક્યારેય કાવ્યા જોડે વાત ના કરી શક્યો. જોત જોતાં માં તો MBBS પૂરું કરી સર્જરી ના પ્રથમ વર્ષ માં એડ્મિશન લીધું. જેવુ પોતાનું ભવિષ્ય સુરક્ષિત થયું કે તરત જ આકાશ એ પોતાના માતા પિતા સમક્ષ કહી દીધું કે લગ્ન કરીશ તો ફક્ત કાવ્યા જોડે જ. માતા પિતા પણ રાજી હતા, કાવ્યા ને એ લોકો નાનપણ થી જાણતા હતા. આકાશ ના માતા પિતા એ કાવ્યા ના માતપિતા સાથે વાત કરી આકાશ ને લઈ કાવ્યા ના ઘરે આવ્યાં. કાવ્યા ના માતા પિતા પણ ખુશ હતા અને ખુશ કેમ ના હોય ? પોતાની પુત્રી માટે આકાશ જેવો શુશીલ,સંસ્કારી અને વળી પાછો સર્જન ડોક્ટર પતિ ક્યાં મળવાનો હતો ?

        આજે કાવ્યા ની આંખો માં આકાશ, ધરતી અને ક્ષિતિજ નો ખુશહાલ પરિવાર જોઈ એક સ્પષ્ટ અફસોસ વાર્તા તો હતો. કેમ ?

        જ્યારે આકાશ પોતાના ઘરે પોતાને જોવા આવ્યો ત્યારે ઉપરના રૂમ માં આકાશ એ થોડી વાતચીત પછી આટલું કહ્યું “હું અત્યારે સર્જરિ ના પ્રથમ વર્ષ માં છું, ભવિષ્ય માં સર્જન બનીશ, હું જે ઉમદા વ્યવસાય માં છું એ જોતાં કદાચ દર્દીઓ ની સેવા માં અને સેવામાં તને અને આપણાં બાળકો ને સમય નહીં આપી શકું, શું તું મારૂ ઘર અને કુટુંબ બંને ને સાચવી લઇશ?”

આના જવાબ માં કાવ્યા એ જાણે ના ગમ્યું હોય એમ આકાશ ને કહ્યું “ જુઓ આકાશ હું તમારી લાગણી ને માન આપું છું પરતું મને એવો જ પતિ પસંદ આવશે જે મને પૂરતો સમય આપી શકે. મને માફ કરશો હું આ સંબંધ ને મંજૂરી નહીં આપું.”

        આજે કાવ્યા ની આંખોમાં પોતે એક સાચા હીરા ની પરખ ના કરી શકી એના અફસોસ સિવાય કઇં જ નહોતું.