પ્રેમ શું છે? પ્રેમ એ હર વચન, બંધનથી ઉપર હોય છે. પ્રેમ માટે ના કોઈના કહ્યાની જરૂર પડે છે કે ના કોઈના દબાવની જરૂર પડતી હોય છે. પ્રેમ તો બસ થતાં થઈ જાય છે. એમાં કોઈ કશું નથી કરી શકતું. પ્રેમનો તો ઉંમર સાથે પણ કોઈ સંબંધ નથી હોતો. પ્રેમ એટલે કોઈ એવું જે જ્યાં હોય ત્યાં બસ ખુશ રહે અને એને જોઈ આપણને સુકુન મળે તે પ્રેમ. પછી એ વ્યક્તિ આપણી સાથે હોય કે ન હોય. જેનું દર્દ જાણ્યે અજાણ્યે આપણે મહેસૂસ કરી શકીએ તે પ્રેમ. જેની યાદમાં ક્યારેક આંસુઓ પણ બાંધેલા બંધ તોડી મૂકે એ પ્રેમ.... પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે.
એવી જ એક પ્રેમની કહાની.. હું તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું. અલગ કુળ અને અલગ શક્તિઓ ધરાવતી જુદી જુદી બે વ્યક્તિઓની અનોખી પ્રેમ કહાની. તો ચાલો, તમે પણ તૈયાર થઈ જાઓ, વેમ્પાયર અને અય્યારની આ જાદુઈ દુનિયાની સેર કરવા....🚅
આશા છે તમને આ ધારાવાહિક જરૂર પસંદ આવશે. મારી આગલી રચનાઓને તમારા અમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ ખુબ ખુબ આભાર...🙏 પ્રસ્તુત ધારાવાહિક સંપૂર્ણપણે કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યકિત, સ્થળ કે સમાજ સાથે કોઈ સંબંધ નથી.
વેમ્પાય્યાર ( Part 1)
" પ્લીઝ મને છોડો. મને જવા દો. " ગાઢ જંગલની વચ્ચોવચ એક ઘર હતું. એ ઘરમાં બે ત્રણ રૂમ હતાં. જેમાંથી એક રૂમમાંથી આ પ્રકારનો અવાજ આવી રહ્યો હતો. બહાર એક વૃદ્ધ સ્ત્રી એક વાડકામાં લાલ રંગનું પ્રવાહી અને દૂધને મિક્સ કરી રહી હતી. જ્યારે બંને એક બીજામાં સંપૂર્ણપણે ભળી ગયું, ત્યારે તે વાડકો લઈ તે સ્ત્રી પેલા રૂમમાં ગઈ.
સામે એક નવયુવાનને સાંકળથી બાંધેલો હતો. તેનો ચહેરો અને શરીર સંપૂર્ણપણે ફિક્કું હતું. આંખોની કીકી ભૂરા રંગની હતી. તે સ્ત્રીએ બળજબરીથી તે મિશ્રણ તે નવયુવાનને પીવડાવી દીધું. તે યુવાન છૂટવાના નીર્થક પ્રયાસો કરી રહ્યો હતો. પરંતુ મિશ્રણમાં ભેળવેલી દવાની અસર હેઠળ તે બેભાન થઈ ગયો. તેને જોઈ તે સ્ત્રીએ અટ્ટહાસ્ય કર્યું.
" જે મારું કહેલું માનશે તેને જીવનદાન મળશે અને જે ના માને તેને સજા મળશે. " અટ્ટહાસ્ય કરતા તે સ્ત્રી બોલી.
📖📖📖
" વૈભુ... ઉઠ... ઉઠ તો... પછી લેટ થઈ જઈશ. અને તારા ફ્રેન્ડસ્ તારી પર બબડશે. ચાલ દીકરા ઉઠી જા. " વૈભવીની મમ્મી તેને વ્હાલથી ઉઠાડવા પ્રયત્ન કરી રહ્યા હતા.
" મમ્મી પ્લીઝ થોડી વાર સુવા દેને.. " ગોદળા નીચેથી વૈભવીનો મધુર અવાજ સંભળાયો.
" ઠીક છે. લેટ થઈ જાય તો મને ના કે'તી. આ છોકરી ક્યારે મારી સંભાળશે ખબર નહિ. " બારીના પડદા ખોલતા વૈભવીના મમ્મી બબડી રહ્યા હતા.
" અરે અદિતિ, શા માટે મારી પ્રિન્સેસ પર ગુસ્સો કરે છે? એનો ટાઈમ થશે એટલે તે ઉઠી જશે..." વૈભવીનો પક્ષ લેતા આધેડ વયનો એક પુરુષ રૂમમાં પ્રવેશ્યો.
" પ્રકાશ, તમે તો રહેવા જ દો. તમે જ આને લાડ લડાવીને બગાડી છે. " અદિતિબેન વૈભવીના પિતા એટલે કે પ્રકાશભાઈ તરફ ફરીને બોલ્યા.
" અરે મારી પગલી હું તો એમ કહું છું કે એક વખત એ લેટ થશે પછી એને સમજાશે. એમાં હું કંઇ એને લાડ થોડી લડાવું છું. જીવનમાં બોધ પાઠ મળવો જોઈએ. માણસ એક્સપિરીએન્સથી પણ ઘણું શીખી શકે છે." અદિતિબેનના ગુસ્સાને શાંત કરતા પ્રકાશભાઈ બોલ્યા. તેમની વાત સાંભળી અદિતિબેન મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા. અને માથું ધુણાવી તેઓ રૂમની બહાર નીકળી ગયા.
" બેટા, મોડું કરીને તારી મમ્મીને કેમ ગુસ્સો કરાવે છે? મોટી થઇને ઘણી મસ્તીખોર થઈ ગઈ છે. ટાઈમસર ઉઠી જજે. નહી તો તારી મમ્મીને હું પણ નહી સમજાવી શકું." બેડ પર સૂતી વૈભવીના માથે વ્હાલથી હાથ મૂકી પ્રકાશભાઈ બોલ્યા. વૈભવી તેમની તરફ જોઈ મુસ્કુરાઈ. પછી તેઓ પણ રૂમની બહાર નીકળી ગયા.
📖📖📖
રવિવારના દિવસે ભરૂચની ગલીઓમાં સવારના આઠ વાગ્યાની આસપાસના સમયે એક જીપ ચાર રસ્તા પાસે ઉભી હતી.
" આ વૈભવી કેટલી વાર લગાડશે? જ્યારે હોય ત્યારે બસ એના લીધે જ આપણને લેટ થઈ જતું હોય છે. આજે જો એ જલ્દી ના આવી તો મારા હાથનો જબરો માર ખાશે એ." જીપની બહાર ગુસ્સામાં લાલચોળ થઈ ગયેલી લગભગ છવ્વીસ વર્ષની છોકરી આંટા મારતાં બોલી.
" ચીલ... કર નિયતિ, હજી પાંચ મિનિટની વાર છે. આવી જશે વૈભવી એમાં આટલો ગુસ્સો શું કામ કરે છે." જીપમાં પાછળના ભાગે બેઠેલી તેની જ ઉંમરની બીજી છોકરી બોલી પડી.
" ના પણ એક વાત તો કહેવાય પડશે. ત્રિવેણી સંગમમાંથી દર વખતે કોઈ એક પાર્ટનર તો લેટ પડે જ." ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો છોકરો બોલ્યો. અને પછી હસી પાડ્યો.
" હા હો, એ તો એમની આદત છે. ક્યા કરે આદત સે મજબૂર જો હૈ." પાછળ બેઠેલી છોકરીને વધુ હેરાન કરવા ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ પર બેઠેલો બીજો છોકરો બોલ્યો.
" હાર્દ, સુલભ , તમને બંનેને હું નહી છોડીશ. દર વખતે અમારી મજાક ઉડાવવી જરૂરી છે?" પાછળ બેઠેલી છોકરી ગુસ્સો કરતાં બોલી.
" અરે યાર... સુનિધિ...તું ફક્ત કહે એટલું જ. બાકી તારાથી કશું જ નહીં થાય. ભસતા કૂતરા કરડતા નથી." ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો હાર્દ બોલ્યો અને હસવા લાગ્યો. પછી બાજુમાં બેસેલ સુલભની સાથે પોતાનો હાથ ટકરાવ્યો. " તમને બંનેને હું છોડીશ નહી..." સુનિધિના ચાળા પડતો સુલભ બોલ્યો. અને પછી હાર્દ અને સુલભ બંને હસી પડ્યા.
તેટલામાં સામેથી બ્લેક કાર્ગો પેન્ટ, તેની સાથે ફ્લોરોસન્ટ પિંક કલરના ફુલ સ્લિવની હુડી, હાઈ પોનીમાં બાંધેલા લાંબા વાળ અને કાનમાં એરપોર્ટસ્ ભેરવીને એક છોકરી આવી રહી હતી. બધાનું ધ્યાન તે તરફ ગયું.
" લો આવી ગઈ વૈભવી.. " તે છોકરી તરફ હાથ બતાવી હાર્દ બોલ્યો. વૈભવી અને નિયતિ બંને આવીને જીપમાં ગોઠવાયા. હાર્દ અને સુલભ બંને આગળ પોતાની મસ્તીમાં મસ્ત હતા. અને પાછળ ત્રિવેણી સંગમ એટલે કે વૈભવી, સુનિધિ અને નિયતિ પોતપોતાની મસ્તીમાં મસ્ત હતા.
કૉલેજથી આ પાંચ જણાનું અનોખું ગ્રુપ હતું. આખા ગ્રુપમાં સુલભ, હાર્દ, સુનિધિ, વૈભવી અને નિયતિ એમ પાંચ જણા હોવાથી ગ્રૂપનું નામ પંચવટી પડ્યું હતું. જ્યારે ત્રણ છોકરીઓનું પોતાનું અલગ ગ્રુપ હતું જે 'ત્રિવેણી સંગમ' ના નામથી જાણીતું હતું. પાંચેય જણ સાહસિક સ્વભાવ ધરાવતા હતા. કૉલેજ પૂરી થયાં બાદ પણ આ ગ્રુપ હંમેશા સાથે ફરવા જવાનો જ પ્લાન ગોઠવતાં. આ વખતે તેઓ પશ્ચિમ ઘાટમાં સહ્યાદ્રી પર્વતમાળામાં ટ્રેકિંગ માટે જઈ રહ્યા હતા. ભરૂચથી જીપ ઉપડી. આશરે છ - સાત કલાકને અંતે તેઓ ટ્રેકિંગ પોઇન્ટ પર પહોંચ્યા. બપોરનો આછો તડકો ધરતી પર પથરાઈ રહ્યો હતો. શિયાળાની ગરમી હોવાથી એટલી ગરમી લાગતી ના હતી. રસ્તામાં એક જગ્યાએ જમવા માટે સ્ટોપ કરી બધાએ જમી લીધું હતું, એટલે જમવાની કોઈ ચિંતા હતી નહી. મોટે ભાગે જંગલમાં ટ્રેકિંગ માટે જઈએ ત્યારે કોઈ ગાઈડ કરવાવાળું સાથે હોય તો સારું પડે. પરંતુ પંચવટી ગ્રુપ કોઈ ગાઈડ વગર જ ગયા હતા. જેનું મુખ્ય કારણ છ મહિના પહેલા સુલભ તેના પરિવાર સાથે એક વાર અહી ટ્રેકિંગ માટે આવી ચૂક્યો હતો, એટલે ખાસ ચિંતા ન હતી.
જંગલમાં થોડી ખુલ્લી જગ્યામાં તેમણે ગોળાકારમાં ટેન્ટ બાંધ્યા. સાંજ સુધી આમતેમ નજીકમાં ટ્રેકિંગ કરીને ફરી પાછા બધા ટેન્ટ પાસે ભેગા થયા. શિયાળામાં રાત જલ્દી પડી જતી હોય છે. સુલભ અને હાર્દે મળીને આસપાસથી સૂકી ડાળખીઓ ભેગી કરી તાપણું લગાવ્યું. તાપણા પર ઇન્સ્ટન્ટ ખાવાનું બનાવી બધાએ ખાઈ લીધું અને શાંતિથી બેઠા બેઠા ગપ્પા મારી રહ્યા હતા.
તેટલામાં દૂરથી વૈભવીને કોઈની ચીસ સંભળાઈ. તરત જ તે સતર્ક થઈ ગઈ. બીજા બધાને તેણે પૂછ્યું તો કોઈએ અવાજ સાંભળ્યો ના હતો. એટલે ભ્રમ હશે એમ માની તે ફરી ફ્રેન્ડસની ગપશપમાં ફરી જોડાઈ ગઈ.
વધુ આવતા અંકે.....
તે સ્ત્રી કોણ હશે?
તેને તે નવયુવાન ને શા માટે કેદ કર્યો છે?
શું વૈભવી ને ખરેખર કોઈ ભ્રમ થયો હતો કે હકીકત હતી?
જાણવા માટે વાંચતા રહો....
નોંધ:
આશા છે તમને આ ભાગ પસંદ આવ્યો હશે. તમારા અભિપ્રાય જરૂરથી જણાવજો અને રેટિંગ આપવાનું ભૂલતા નહિ. તમારા અમૂલ્ય પ્રતિભાવથી મને આગળ લખવા પ્રેરણા મળે છે. આભાર....🙏🙏