come to see me in Gujarati Moral Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મને મળવા આવીશ?

Featured Books
Categories
Share

મને મળવા આવીશ?

વાર્તા: મને મળવા આવીશ?
રચનાકાર: શ્રીમતી સ્નેહલ રાજન જાની



"દીકરા, મને મળવા તો આવીશ ને?" ઈચ્છા ન હતી, પૂછવું ન હતું છતાં પણ મમતાબેન પોતાનાં દીકરા મિતને પૂછી બેઠાં.



મિત આજે અમેરિકા જઈ રહ્યો હતો. એનું ભણતર એણે ત્યાં જ કર્યું હતું. ભણવામાં પહેલેથી હોંશિયાર હતો ઉપરથી ઘર પૈસેટકે સુખી હતું એટલે કોઈ ચિંતા ન્હોતી. સ્નાતક સુધીનો અભ્યાસ એણે ભારતમાં જ કર્યો હતો અને અનુસ્નાતક માટે એ અમેરિકા ગયો હતો. ત્યાંથી પદવી મેળવી લાવી ભારતમાં એણે પોતાની બહુ મોટી કંપની ખોલવી હતી.




એ અમેરિકા ભણતો હતો એ દરમિયાન એનાં પિતાનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું અને એની માતા મમતાબેન એનાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. મિત ખાસ પંદર દિવસ માટે આવ્યો હતો. પિતાની અંતિમ ક્રિયાઓ પૂર્ણ કરી ફરીથી પાછો ભણતર પૂરું કરવા જતો રહ્યો.




ભણતર દરમિયાન એને એ દેશની આબોહવા અનુકૂળ આવી ગઈ. ત્યાં એણે કાયમી રોકાવું ન હતું છતાં પણ હવે ત્યાં જ વસી જવાનો એણે વિચાર કર્યો. ભણતર પૂર્ણ થાય ત્યાં સુધીમાં એને ત્યાંની જ એક કંપનીમાં નોકરી પણ મળી ગઈ. ત્યારબાદ એ એક મહિના માટે પાછો ભારત આવ્યો અને એની માતાને પોતાનો વિચાર જણાવ્યો. મમતાબેને રાજીખુશીથી મંજૂરી આપી દીધી. મિત નોકરીમાં સેટ થાય પછી મમતાબેનને લઈ જશે એવું નક્કી થયું. ખૂબ જ ટૂંકા ગાળામાં એ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યો અને એની માતાને લઈ ગયો. બંને સુખેથી ત્યાં રહેતા હતા.


મિતને ત્યાંની જ નિવાસી એવી એક અમેરિકન છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને એની સાથે લગ્ન કરી લીધાં. એને મમતાબેન સાથે ફાવ્યું નહીં અને મિતને કહી દીધું કે પોતાની માતાને ક્યાંક બીજે મૂકી આવે અથવા તો એ બંને મિતનાં સાસરે જઈને રહેશે. મમતાબેન ભલે ત્યાં રહેતાં. મિત છૂટાછેડા લેવા તૈયાર થઈ ગયો, પણ મમતાબેને એને આમ ન કરવા સમજાવ્યો. મિત સાસરે જઈને રહેશે એવું નક્કી થયું. મિત મમતાબેનને ભારત પાછા મોકલવા તૈયાર ન હતો. એ અહીંયાં હોય તો મિત એમનું ધ્યાન રાખી શકે.


એ પોતાનો સામાન લઈને જ્યારે જઈ રહ્યો હતો ત્યારે મમતાબેનથી પૂછાઈ ગયું, "મને મળવા તો આવશે ને?" "હા મમ્મી. હું તને મળવા દરરોજ આવીશ." કહીને મિત જતો રહ્યો. પહેલાં તો બધું બરાબર ચાલ્યું. મિત દરરોજ દિવસમાં એક વાર તો એની માને મળવા જતો જ હતો. પછી એની પત્ની ગર્ભવતી થતાં મિત એની મમ્મીને મળવા આવવા દિવસો લંબાવતો ગયો.



દીકરાનો જન્મ થયા પછી તો આવવાનું ખૂબ જ ઓછું થઈ ગયું. મમતાબેન એને ફોન કરીને હંમેશા પૂછતાં, "દીકરા મળવા ક્યારે આવીશ? અહીંયાં એકલું એકલું લાગે છે. બહાર પણ નથી જઈ શકતી." અને મિત કાયમ કોઈને કોઈ બહાના બતાવી વાતને ટાળી દેતો.



મિતનો દીકરો બે વર્ષનો થયો પછી એને સાચવવાની તકલીફ પડવા માંડી. બધાં નોકરીએ જાય અને આયા રાખવી પોષાય નહીં. આથી એક દિવસ મિત મમતાબેનના ઘરે ગયો અને પૂછ્યું કે, "મમ્મી તને મારા દીકરા સાથે રહેવાનું ફાવશે? તુ રાખી શકશે એને? વધારે નહીં રાખવો પડે. સવારે તારી પાસે મૂકી જઈશ અને સાંજે પાછો લઈ જઈશ." મમતાબેન આ વેપાર સમજી ન શક્યાં. એઓ તો એકદમ. હરખઘેલાં થઈ ગયાં. દીકરાના દીકરાની સાથે રહેવા મળશે એની કલ્પનામાત્રથી જ એઓ તો રાજીના રેડ થઈ ગયા.



આ બહાને મિત પણ દરરોજ ત્યાં આવતો. પણ આ સુખ લાંબુ ટક્યું નહીં. મિતનો દીકરો મોટો થયો અને સ્કૂલમાં એડમિશન લીધાં પછી મિત એને મમતાબેન પાસે મૂકવા આવતો ન હતો. એની ગરજ પતી ગઈ હતી. મમતાબેન ફરીથી એકલાં પડી ગયાં. એ દીકરાનો લાગણીનો વેપાર સમજી ગયાં. ત્યારબાદ એમણે ક્યારેય મિતને પૂછ્યું નથી કે, "દીકરા મને મળવા આવીશ?"




વાંચવા બદલ આભાર.🙏

સ્નેહલ જાની