Baa na Ashirvad in Gujarati Short Stories by Dr. Nilesh Thakor books and stories PDF | બા ના આશિર્વાદ

Featured Books
Categories
Share

બા ના આશિર્વાદ

બી. જે મેડિકલ કોલેજની બી- બ્લોક ની હોસ્ટેલ ના રૂમ નં. 59 ના બારણે ટકોરા પડયા, અંદર થી અવાજ આવ્યો

“ બારણું ખુલ્લુ જ છે”,

બારણું ખોલી કાર્તિક અંદર આવ્યો અને ખુરસી ટેબલ પર વાંચી રહેલા નિસિથ ને કહ્યું

“ચાલ, હવે મેસ માં જમવા નથી આવવું? પછી આપણે યુનિવર્સિટિ જવાનું મોડુ થશે.”

“મારે હજુ રેસ્પિરેટરિ સિસ્ટમ ડિસિઝ (શ્વસન તંત્ર ના રોગો) નું રિવિઝન બાકી છે, હજુ તો કાર્ડિયો વાસ્ક્યુલર ડિસિઝ (હ્રદય ના રોગો) વાંચું છું. તું જા જમી ને નિકળી જા.’’ નિસિથ ના સ્વર માં પરીક્ષા નો ઉચાટ સ્પષ્ટ વર્તાઇ રહ્યો હતો. 

 “સારું હું જાઉં છું”  કાર્તિક પણ જલ્દી હતો અને એ બારણું બંધ કરી નીકળી ગયો.

        આજે એમબીબીએસ ના ફાઇનલ યર ની પરીક્ષા નો પ્રથમ દિવસ અને મેડિસિન વિષય નું પ્રથમ પેપર હતું. પરીક્ષા ની બેઠક વ્યવસ્થા યુનિવર્સિટિ એ હતી. બરાબર બાર ના ટકોરે નિસિથ ઊભો થઈ તૈયાર થયો ને નીચે મેસ માં જમવા ગયો. આજે પરીક્ષા નો પ્રથમ દિવસ હોવાથી જમવા માં લાપસી હતી  પરંતુ પરીક્ષા ની ઉત્તેજના માં નિસિથ થી બરાબર જમાયું પણ નહીં અને એ પરીક્ષા આપવા માટે રિક્સા માં યુનિવર્સિટિ જવા નીકળી ગયો,  બપોરના 2:30 વાગ્યે પેપર હતું અને અત્યારે એની ઘડિયાળ માં 12:30 થયા હતા.

        રિક્સા થોડી આગળ ગઈ ત્યાંજ નિસિથે રિક્સા વાળા ભાઈ ને કહ્યું

“ ભાઈ જરા 5 મિનિટ ઊભા રહેશો ? હું મંદિરમાં દર્શન કરી લઉં.”

એમ કહી નિસિથ સિવિલ ના કેમ્પસ માં આવેલા ખોડિયાર માં ના દર્શન કરવા ગયો. આ મંદિર માં રોજ સાંજે એ દર્શન કરવા આવતો, બધા પેપર આપતા પહેલા એ રોજ દર્શન કરીને જ જતો. એનાથી  પેપર સારા જતાં એવું નહોતું, પણ દર્શન કરવાથી ગજબ નો આત્મવિશ્વાસ આવતો.

        દર્શન કરીને એ બહાર જ નીકળતો હતો કે એને જોયું કે એક ઘરડા બા જોર જોર થી હાંફતા હતા. મેડિકલ શાખા નો સ્ટુડન્ટ હોવાથી એને ખબર પડી ગઈ કે બા ને અસ્થમા ના રોગ નો એટેક  આવ્યો હતો. એને બાની નજીક જઇ ને ચિંતાતુર સ્વરે કહયું

“ બા, જલ્દી થી અહીં તાત્કાલિક સારવાર વિભાગ માં ચાલ્યા જાઓ, ત્યાં તમારી સારવાર થઈ જશે અને તમને આ જે શ્વાસ ચડ્યો છે બેસી જશે ”.

“મન કુણ લઈ જાય, માર થી તો હેડાતું ય નહીં અન કોઈ સગું વ્હાલું ય નહીં. હવ તો મરું તોય હારુ” બા ના અવાજ માં ભારોભાર જીવન પ્રત્યેની નિરાશા ટપકતી હતી.  

“બા એવું ના બોલશો, હું લઈ જાઉં છું.”

નિસિથ એની રિક્સા માં બાને ટેકો આપી જલ્દી થી તાત્કાલિક લઈ ગયો. રિક્સાવાળાને બા ને દાખલ કરી ને આવે ત્યાં સુધી થોભવાનું કહી દીધું.

        નિસિથે ત્યાં ફરજ પર રહેલા ડોક્ટર ને બા ના અસ્થમા ના રોગ ના એટેક  વિશે જણાવ્યું.  ડોક્ટર એ તરત જ બા ને દાખલ કરી સારવાર આપવાનું શરૂ કર્યું. સિવિલ માં ડોક્ટર્સ અને સ્ટાફ નર્સ ની ફરજ 2 વાગે બદલાતી હોવાથી સ્ટાફ નર્સ  હાજર નહોતાં એટલે ફરજ પર ના ડોક્ટર એ નિસિથ ને બા ની સારવાર માં મદદ કરવા વિનંતી કરી. નિસિથ હોંશે હોંશે બા ની સારવાર માં લાગી ગયો. 20 મિનિટ ની સારવાર પછી હવે બા ની સ્થિતિ માં ખાસો સુધાર જણાતો હતો. ડોક્ટર એ કેટલીક દવાઓ અને ફરી શ્વાસ ચડે એ ત્યારે લેવાનું ઇનહેલર પણ લખી આપી.

        આ બધી દવાઓ અને ઇનહેલર લઈ નિસિથ એ બા ને વંદન કરતાં જોડે જઈ કહ્યું

“ લો, બા આ દવાઓ સવાર સાંજ લેજો અને આ પંપ રોજ સવારે અને જ્યારે શ્વાસ ચડે ત્યારે આ રીતે લેજો. હું જાઉં છું, મારે આજે પરીક્ષા નું પ્રથમ પેપર છે.’’ નિસિથ દવા સાથે પંપ કઈ રીતે લેવો તેની વિગતવાર માહિતી બા ને આપી રહ્યો હતો.

બાની આંખ માં આંસુ સાથે પુત્ર જેવુ હેત વરસતું હતું. બા એ આશીર્વાદ આપતાં કહ્યું “ ભગવોન તારું ભલું કરે દીકરા!”

        બા ના આશીર્વાદ એ અનેરો ઉત્સાહ અપાવ્યો હોય એમ ફટાફટ એ રિક્ષામાં બેસી યુનિવર્સિટિ પહોંચ્યો, એને વિચાર્યું હતુંકે યુનિવર્સિટિ જઈ બાકી રહેલા અભ્યાસ ક્રમ નું રિવિઝન કરશે, પણ હવે મોડુ થઈ ગયું હતું ને એ સીધો જ  પરીક્ષા ખંડ માં ગોઠવાઈ ગયો. 2:30 વાગ્યે પેપર આપવાનું શરૂ થયું, પેપર નિસિથ ના હાથ માં હતું જેમાં પ્રથમ જ પ્રશ્ન રેસ્પિરેટરિ સિસ્ટમ ડિસિઝ (શ્વસન તંત્ર ના રોગો) માંથી હતો, જે નિસિથ થી વાંચવાનો જ બાકી રહી ગયો હતો અને એ હતો

          અસ્થમા ના રોગ ના એટેક વાળા દર્દી ની સારવાર કઈ રીતે કરશો ?

નિસિથ મન માં ને મન માં મલકાઈ રહ્યો હતો, ભલે એનાથી આ ટોપિક વંચાયો નહોતો પણ થોડા જ સમય પહેલા બા ને આવેલા અસ્થમા ના રોગ ના એટેક ની સારવાર માં મદદ કરી ને આવ્યો. ડોક્ટર એ બા ને આપેલી સારવાર અથ થી લઈ ઈતિ સુધી યાદ હતી. નિસિથ ની પેન પેપર માં ઝડપ થી અક્ષરો પાડી રહી હતી અને મન માં એ બા ના આશીર્વાદને યાદ કરી રહ્યો હતો

“ ભગવોન તારું ભલું કરે દીકરા!”