આપણે સહુ નરસિંહ મહેતા ના ભજનો જાણીયે છીએ પણ ક્યારેય નરસિંહ મહેતા ના શૃંગારિક કાવ્યો થી સાવ અજાણ છીએ. કેમ કે આપણને શૃંગાર રસ કે સેક્સ વિષે વાતો કરતા શરમ આવે છે.
જે નરસિંહ મહેતા એ ભજનો લખ્યા એ જ નરસિંહ મહેતા એ કૃષ્ણ ભગવાન ની રાસલીલા ના શૃંગાર કાવ્યો પણ લખ્યા છે. પણ શૃંગાર રસ વિષે વાતો કરતા તો આપણને શરમ આવે એટલે આપણે એને સાવ ભૂલી જ ગયા.
લગભગ આપણે સહુ એ નરસિંહ મહેતા ના જીવન નો એ પ્રસંગ તો સાંભળ્યો જ હશે કે નરસિંહ મહેતા એની યુવા વય માં ભાભી ના મેણાં ટોણાં થી દુઃખી થઇ ને શંકર ભગવાન ની પૂજા કરવા જતા રહે, નરસિંહ મહેતા ની પૂજા થી શંકર ભગવાન પ્રસ્સન થાય, અને નરસિંહ મહેતા ને કૃષ્ણ ભગવાન ની રાસલીલા ના દર્શન કરવા લઇ જાય.
કૃષ્ણ ભગવાન ની રાસલીલા ના દર્શન કરવા જાય ત્યાં શંકર ભગવાન નરસિંહ મહેતા ને એક દિવ્ય પ્રકાશ વાળી મશાલ આપે જેના પ્રકાશ ના અજવાળે નરસિંહ મહેતા રાસલીલા જોઈ શકે. આ રાસલીલા જોવા માં નરસિંહ મહેતા એટલા મગ્ન અને તલ્લીન થઇ જાય કે મશાલ પુરી થઇ ગયા પછી એમનો હાથ સળગવા લાગ્યો હોય એનું પણ એમને ભાન ના રહે.
વિચારો કે પોતાનો હાથ સળગવા લાગે એની પણ ખબર ના પડે કે ભાન ના રહે એ રાસલીલા નું દ્રશ્ય કેવું મનોહર હશે ? નરસિંહ મહેતા એ પોતાની આંખે જોયેલી આ અલૌકિક રાસલીલા નું વર્ણન કરતા શૃંગાર કાવ્યો લખ્યા છે, પણ આપણે કોઈ એ કાવ્યો વિષે વાતો કરતા જ નથી. આપણા માટે તો નરસિંહ મહેતા એટલે બસ ભજનો.
નરસિંહ મહેતા ના તમામ ભજન, કાવ્યો, ગીતો, નું સંકલન કરેલો ગ્રંથ - "શબ્દવેદ- નરસિંહ મહેતા ની સમગ્ર કવિતા" કે જેનું વિમોચન મોરારી બાપુ ના વરદ હસ્તે થયું છે, તે પુસ્તક માં કૃષ્ણ પ્રેમક્રીડા ના ટોટલ ૬૩૨ કાવ્યો (પાન નંબર ૫૬ થી ૩૧૨ સુધી) છે, તેમાંથી નમૂના રૂપે અમુક કાવ્યો અહીં તમારી સાથે શેર કરું છું.
સૌથી પહેલા એ કાવ્ય થી શરૂઆત કરું કે જેમાં નરસિંહ મહેતા ને શંકર ભગવાન કૃષ્ણ ની રાસલીલા જોવા લઇ જય છે તેનો ઉલ્લેખ કરે છે -
૧-
સુંદરી પામી અતિ ઉલ્લાસ જી કરતાં કામભોગ વિલાસ જી,
વહાલો વિલસ્યો બહુ વાસ જી, હુતો નરસૈંયો તિહાં પાસ જી.
પાસે રહીને પેખિયો, અનુભવ્યો રસ જેહ,
જેહવી લીલા નયણે દીઠી, મેં મુખે ગાઈ તેહ.
દીવી મારે કર દીધી : 'નરસૈયા! નિધ તું જોય,
વિલાસ ગોકુલનાથનો, ભૂતલ ગાજે સોય.'
વળી અદકી કરી કરુણા, અને આપિયાં કરતાળ;
હું સુખે લાગ્યો ગાન કરવા, પ્રસન્ન થયા ગોપાળ.
ભામિની માંહે ભળી ગયો. જેમ સાગર માંહે રતન;
મહારસ માંહે ઝીલિયો, પ્રભુજી થયા રે પ્રસન્ન.
ભાવ જણાવ્યો નયણમાં જે ઊપજે મન માંહે;
માનુની રૂઠીને મનાવું દૂતી થઈને તાંહે,
જે રસકણિકા કોઈ ન પામે,હું ઝીલિયો તે માંહે;
મહારસ માંહે મહાલિયો શંભુજી કેરી બાંહે.
અનાથ ટાળીને સનાથ કીધો મુંને પાર્વતીને નાથ;
દિવ્ય ચક્ષુ દીધાં મુજને, મસ્તક મેલ્યો હાથઃ
તેના ચરણપ્રતાપથી પામિયો પરમ નિધાન;
ગોપેશ્વર ગોપીનાથનું અહોનિશ કરું હું ગાન.
ભાભીએ ભાગ્ય ઉદે કર્યું : મુંને કહ્યાં કઠણ વચંન,
તેણે નરસૈંયો નિરભે થયો, પામ્યો તે જગજીવન.
'રુડો આવ્યો આસો માસ કે નવરંગ શરદ ભલી રે લોલ' કરીને નરસિંહ મહેતા પોતે જોયેલી અલૌકિક રાસલીલા ને શબ્દોમાં ઉતારે છે.
રૂડો આવ્યો આસો માસ કે નવરંગ શરદ ભલી રે લોલ;
ગરબે રમે શ્રીગોકુળનાથ કે સંગ ગોપી બની રે લોલ.
કૃષ્ણ ભગવાન કેવી રીતે સજી ને આવે છે ?-
પ્રભુજીએ પીતાંબરની પલવટ વાળી કે પાવડીએ ચડયા રે લોલ;
પ્રભુજીને કુંડળ ઝળકે કાન કે મુગટ હીરા જડ્યા રે લોલ
વહાલો મારો વાહે મધુરો વાંસ કે ગોપી સહુ સાંભળે રે લોલ;
અબળા નાની-મોટી નાર કે સહુ ટોળે મળે રે લોલ.
(કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે એટલે નાની મોટી બધી જ ગોપી એની આજુ બાજુ ટોળે વળે છે)
ગોપીઓ કેવી રીતે સજીને આવે છે ?-
'પહેર્યા ચરણા ને વળી ચીર કે ચોળી કસમસે રે લોલ,
પહેર્યા મોતીના શણગાર કે મહિલા મન હસે રે લોલ....'
મસ્તક લીધાં મહીનાં માટ કે ચતુરા ચાલતી રે લોલ;
અમ્રીત વેણ ને ચંચળ નેણ કે પ્રભુને નિહાળતી રે લોલ.
આવ્યાં બંસીવટને ચોક કે રમવા નાથ-શું રે લોલ;
વહાલે મારે બળવંત ભીડી બાથ કે કોમળ હાથ-શું રે લોલ.
રૂડી રમત રમે રંગીલો કે રાધા રસભર્યા રે લોલ;
તાંહાં તો થઇ રહ્યો થેઈકાર કે વાગે ઘૂઘરા રે લોલ.
જોવા મળિયાં ચૌદે લોક કે ઇન્દ્ર તિહાં આવિયા રે લોલ;
રૂડાં પારિજાતનાં પુષ્પે કે પ્રભુ ને વધાવિયા રે લોલ.
બ્રહ્મા-રુદ્ર ધરે એનું ધ્યાન કે પાર પામે નહિ રે લોલ;
ગાયે નરસૈયો સુખ જોઈ કે લોલા નાથની રે લોલ.
(કોમળ હાથોથી બાથ ભીડીને શ્યામ-રાધા રસઝરતી રાસલીલા નો પ્રારંભ કરે છે ત્યારે ઈન્દ્ર-બ્રહ્મા સહિતના ચૌદ લોકના દેવો એ જોવા ઊમટીને પુષ્પવ્રૂષ્ટિ કરે છે !)
આજના અર્વાચીન દાંડિયા રાસના ગ્રાઉન્ડમાં કોઈ જોડલું રમતાં રમતાં એકબીજાને જાહેર મ વળગી પડે, કિસ કરે કે 'સ્તનમર્દન' (આ પણ સંસ્કૄત શબ્દ જ છે, જેનો અર્થ થાય કે સ્તન દબાવવા કે સ્તન સાથે કામુક રમત કે સ્પર્શ કરવો) કરે તો કેવો હોબાળો મચી જાય?
તો અધર (હોઠ), સુધરસ (અમૄત), ઉર (છાતી), મદન (કામદેવ) અને કુચ (સ્તન) એ શબ્દાર્થની 'ટર્મિનોલૉજી' યાદ રાખીને નરસિંહ જે જોઈને રંગતાલમાં મસ્ત બને છે એ રાસલીલાનાં કેટલાંક શબ્દચિત્રો એમના જ શૃંગાર કાવ્યો માંથી વાંચોઃ
૨-
'વૃંદાવનમાં મહારસ ઝીલે ગોપી-ગોવિંદ સંગે રે,
થેઈ થેઈ કાર કરીને ભળિયાં અંગોઅંગ રે.
કુચ-શું-કુચ, અધર અધર શું, તાલી શું તાલી રે,
આનંદી અબળા, ઉર પર રાખ્યો, વશ કીધો વનમાલી રે.
એક એકને આલિંગન આપે, વહાલે ભુજબળે ભીડી રે,
અધર અમૃત રસપાન કરવા વહાલે ભીડી અંગે રે.
આલિંગન, ચુંબન, પરિરંભણ, વધ્યો રતિરસ રંગે રે.
છેલપણે છેડ્લો સંભાળે, મુરમરકલડાં કરતી રે,
ભોળી ભામિની કંઈ ન સમજે, મોહનસંગે રમતી રે.
'મનગમતું ભોગવતી ભામિની, કરે નેણના ચાળા રે,
કંઠ પરસ્પર ઘાલી બાંહડી અધરસુધારસ પીતાં રે.
વાજાં વાજે, નાદે નાચે, ગમતાં ગાન કરંતા રે,
ભણે નરસૈયોઃ અબળાના ઈર-શું અંગોઅંગ ભળતા રે."
(શબ્દાર્થ - પરિરંભણ = બિગ 'હગ' , રતિરસ = કામુક્તાનો ઉન્માદ, મુરમરકલડાં = સ્મઈલ, બાંહડી =હાથોનાં બાવડાં, અધરસુધારસ= ચુંબનનો ઝરતો રસ, ઈર-શું = માત્ર છાતી જ નહીં )
૩-
'નાથ ને બાથ ભરી રહી ભામિની, અબળાં ઉરઅંગ આનંદ ન માયે,
ગરજે ગજગામિની રાસમંડળ મધ્યે એક-એક અંગના અધિક રંગે.
એક તે રસ થયા, અંગોઅંગ ભેળતાં, કામિનીકર કૃષ્ણ્કંઠ સોહે,
પ્રેમદા પ્રેમ શું અધર ચુંબન કરે, અંક ભરી નાથ ઉર માંહે રાખે.
ધન્ય રે ધન્ય રે ધબ્ય રે સુખ આ, નયણ ભરી નર્સૈંયો પ્રગટે પેખે!'
(શબ્દાર્થ - અંગના = સ્ત્રી, અંક = ખોબો)
૪-
'ઝાંઝર ઝમકે ને ખળકે ચુડી, વહાલાશું રમતાં રે,
પીન પયોધર ઉર પર રાખી, અધર અમૃતરસ પીતાં રે.
(ગોપી ના ભરાવદાર સ્તન પોતાની છાતી (કૃષ્ણની) પર રાખી ગોપી ના હોઠ ના અમૃત નું રસપાન કરે છે)
નલવટ ટીલી ને ઝાલ ઝબુકે, નેણે કાજળ સાર્યું રે,
મારો વહાલો સામું જુવે, તન મન ઉપર વારું રે.
મા'જમ રેણી મહારસ માંહે, વહાલો વાદે ચઢીયા રે,
નરસૈંયાચો સ્વામિ મનમોહન, મહારી સેજે શોહીયા રે.'
કૃષ્ણ સાથે કરેલી પ્રેમક્રીડા ની વાત એક ગોપી બીજી ગોપી ને કહે છે તે અંગે ના નરસિંહ મહેતા ના કાવ્ય પણ ખુબ રોમાંચક છે. કૃષ્ણ ના સમય માં કે નરસિંહ મહેતા ના સમય માં એક સ્ત્રી (ગોપી) બીજી સ્ત્રી ને પોતાની કામક્રીડા વિષે આટલું ખુલી ને વાત કરી શક્તિ હતી એ જોતા વિચારવું પડે કે એ સમય મોર્ડન હતો કે આજનો સમય.
૫-
'સજની! સાંભળ માહરાં વચંન જી, ધીરજ રાખજે તાહરે મંન જી;
આજ હું ગઈ'તી મહાવંન જી, જે સુખ પામી આણે તંન જી .
મહાવન માંહે ગઈ હુતી, મસ્તક મહિનો ભાર;
કારમા તે આવ્યા કુંજમાં, નટવર નંદકુમાર.
(શબ્દાર્થ - કારમા= ઓચિંતા, અચાનક)
વિઠલે રોકી વન માંહે, હું કરું કોણ ઉપાય?'
આજ જાણી એકલી, મહાવજી! મ કરો અન્યાય,
મલળ ખોટું મન વિના, ઘેલા થયા રે ગોવિંદ!
ચીર માહરું ફાટશે, વળી તૂટશે ચોળી-બંધ.
(શબ્દાર્થ - મલળ= મિલન)
વળગ મા, રહે વેગળો, ફૂટશે મહીનું માટ;
માહરે માણસ માંહે ચાલવું, તુજને તે નહિ ઉચાટ.'
'મહીડાં ઉતારો શિર થકી, ધીરજ રાખો મંન;
આવ ઓરી, દેખાડું તુજને માહરું કુંજભવન'
શીતળ સેજ્યાં પાથરી વહાલે રચ્યો રંગવિલાસ;
અનેક પેરે પિયુ અનુભવ્યો મેં મન ધરી હુલાસ.
(શબ્દાર્થ - હુલાસ=ઉલ્લાસ)
હું હુતી જોવન-સમે, કુચફળ પિથુડા જોગ;
કોમળ કર લેઈ સોંપિયાં કરવાને રસભોગ.
(શબ્દાર્થ - જોવન= યૌવન,તારુણ્ય, કુચફળ= સ્તન )
અમૃતફળ લેઈ અરપિયું મેં પિયુના મુખ માંહે;
રસ પી રસિયો પાય મુજને, આનંદ પામી તાંહે.
કંઠ ઘાલી બાહોડી ચુંબન દિવે રે કપોલ,
સંગમનાં સુખ શાં કહું? કરતી હું કામ-કલ્લોલ.
(શબ્દાર્થ -કપોલ= ગાલ )
વદન સુકોમળ શ્યામનું કરતી તે નયણે પાન,
નિરખતાં ધીરજ નવ રહે કંદર્પ-કોટિનનિધાન.
રમતાં તે રંગીલે એમ કહ્યું : 'જુવતી! તું પ્રાણજીવન;
સર્વસ્વ માહરે, સુંદરી! તું માન વેદ-વચન.'
અકળ ગતિ એની કોઈ ન જાણે, નહિ કેહને રે આધીન;
વિનય-વચને કરી બોલિયો મુજ આગળ થઈ દીન.
સાંઇડું લીધું શામળે : વા'લપ કહી નવ જાય;
મૂકતો નહોતો મહાવજી, હું કરગરી લાગી પાય.
આટલા દિવસ નવ જાણતી, હું હુતી રે અસંન;
હવે મૂકું નહિ વેગળો, વેધ્યું તે માહરું મંન.
સંસારનાં સુખ શું કરું? નવ ગમે ઘરની વાત;
નરસૈંયાના નાથ-શું વિલસું તે દિવસ ને રાત.'
૬-
'રજની આજુની ધંન ધંન જી, રમવાની હુતી ઇચ્છા મંન જી;
સજની! આજ માહરે ભવંન જી પ્રીતે પધાર્યા જગજીવંન જી.
પ્રીતે પધાર્યા, હે સખી! સંધ્યા સમે તે શ્રીહરિ;
પ્રેમે-શું પધરાવિયા સેજલડી ફૂલે પાથરી.
કૃષ્ણગાર-કપૂર લેઈને અગ્રે તે કીધી આરતી;
પ્રસન્ન થઈ પિયુનું વદન જોતાં તનમન ઉપર વારતી.
પ્રથમ સમાગમ પિયુ-શું, રમવા તે મન માહડું થયું;
હું લશ્જા લોપી નત શકું, મુખડે તે નવ જાવે કહ્યું.
જવન માહરું જાશિયું, કામાતુર અંગે થઈ;
ભાવ જણાવ્યો નયણમાં, સ્નેહ-શું પિથુડે ગ્રહી.
લજ્જા લોપી જોવન સોંપી, પ્રેમે હું પિયુને મળી;
રમતાં તે રસબસ એક થયાં જેમ દૂધમાં સાકર ભળી.
છેલને છંછેડિયો : 'હવે આપ સંભાળે તાહરું;
અનેક રામા-શું રમ્યો, પણ જોજે પ્રાક્રમ માહરું.
સંમુખ થા રે, શામળા! કરવા તે રણસંગ્રામ;
આજ તાહરાં મન તણી સઘળી પૂરું હામ.
મુજ અબળા આગળ આમ કાં કાયર થયો રે,શામળા?
સાવધાન થા, તુંને શીખવું સંગ્રામની સઘળી કળા.
બળ મ રાખીશ તાહરું; હું રતિપતિને રણ ચડી;
સુરતની કરવા સાધના મહા જોધ સાથે આખડી.
નાથ સાથે બાથે આવી, ને ધસી લીધો ઉર;
અધર ડસીને મૂકિયો ત્યારે લડથડ્યો મહા શૂર.
બાળપણમાં બળ કરીને ગોવર્ધન કર તોળિયો,
તે સુભટને મેં તારૃણીએ રણ વિષે લઈ રોળિયો.
ભુકુટિ ચડાવી, નયણ જોડી, મેં મારિયાં ખટ બાણ;
કામી તે અંગે થયો કાયર, માગવા લાગ્યો માન :
'શરણ રાખો, સુંદરી! તુજ આગળ હું ઓસર્યો;
દીન જાણી, મહેર આણી, પ્રેમ-શું લઈ ઉર ધર્યો.
'આજ પછે, કહું છું, વાલ્હમા! મોટપ મ આણીશ મંન;
લઘુ વય જાણી, કરુણા આણી, મૂકું છું, જગજીવંન!'
સાસે ભરાણો શ્રીહરિ અને સ્વેદ-કણ અંગે ઝરે;
'મુજને તેં જીત્યો, જીવતી! કાયર થઈ પિયુ કરગરે :
અબળા! તે માહરું અંગ દૂખે, ભીડ મા રે, ભામિની!
કઠણ પયોધર તાહરાં મુજને તે ખૂંચે, કામની!
(એકબીજા ને ભીંસી દેતું હગ કરે ત્યારે બંને ના ખુબ નજીક આવી જવાથી એ ભીડ માં કૃષ્ણ ભગવાન કહે છે કે તારા કઠણ ભરાવદાર સ્તન મારી છાતી માં ખૂંચે છે)
અમૃત થકી મીઠું હતું મુજ કને ફળ જેહ,
પ્રેમે-શું માહરા પિયુજીનાં મુખ માંહે મૂક્યું તેહ.
(મારી પાસે અમૃત કરતા પણ મીઠું ફળ- સ્તન હતું તે મેં પ્રેમ થી મારા પિયુજી ના મુખ માં મૂક્યું )
પ્રસન્ન થયો પિયુ પાન કરતાં, રસિયાને મન રસ ગમ્યો.
ચુંબન દે પિયુ હસી હસી, પ્રગલ ચિત્ત રંગે રમ્યો.
કુસુમની પેરે રાખિયો કુચ પર ચારે જામ;
માહરા તે મનની પિયુડે સઘળી પૂરી હામ.
સફળ રજની આજુની, ધન્ય ધન્ય માહરો અવતાર;
નરસૈયાના નાથ-શું રંગે રમી રે વિહાર.
(શબ્દાર્થ - પીન= સુપુષ્ટ , ઊંચા અને ભરાવદાર, પયોધર= સ્તન , ઉર= છાતી)
૭-
'સજની! સુરતનાં સુખ જેહ જી, સાંભળ, કહું છું તુજને તેહ જી;
જે રસ અનુભવ્યો મેં આજ જી, તે કહેતાં થાય હવે મુજને લાજ જી,
કહેતાં તે મુજને લાજ થાયે પુષ્ટ લીલા જેહ,
તે તુજને કહું છું, તારૃણી! તું ગોપ્ય રાખે તેહ.
રખે કોને જણાવતી વ્યભિચારની એ વાત;
શ્યામ સંજોગી રસનો ભોગી, વનમાં મળ્યો વ્રજનાથ.
કર ગ્રહ્યો માહરો કામીએ : 'તું ભલે આવી, ભામિની!
આવ, અબળા! આનંદ-શું, કીજે તે ક્રીડા, કામિની!
અમૃત એનાં નયણમાં તે સિંચિયું ઘનશ્યામ;
હું અંગ ફૂલી, થઈ ઘેલી, કામીએ જગાવ્યો કામ.
કસણ જે ચોળી તણી, ઉર-બળે ત્રૂટી તેહ,
મેં નીલાંબર નવ જાણિયું, કટિ થકી ખસિયું જેહ.
(શબ્દાર્થ- કસણ= ચોળી ને બાંધવા ની દોરી કે કસક કે કમખા)
પ્રેમસાગર ઉમગ્યો ને વાધ્યો ત્રેહ અપાર;
હું કામીને જઈ કંઠ વળગી, માહરું ચિત્ત ચળ્યું તેણી વાર.
ઉછંગે લીધી વાલ્હમે અને વિવિધ વિલસ્યો શ્રીહરિ;
જેણે ગોવર્ધન કર ધર્યો તેને મેં રાખ્યો ઉર ધરી.
આલિંગન લીધું વાલ્હમે, કર ભીડયા તે તંન,
અંતર ટાળીને એક કીધું, માનિયું માહરું મંન.
શ્યામ સકોમળ અંગ પિયુનું, કઠણ કુચફળ માહરાં;
આલિંગને ભુજ ભીડતાં તે ઉર વિષે ખૂત્યાં ખરાં.
ચુંબન ચારુ કપોલ ચરચ્યું, અધર ડસી કર્યું પાન;
રતિપતિ રણજોધ જીત્યો, મદને તે માગ્યું માન.
આજનાં સુખ તણી સીમા સંક્ષેપે કહું છું, સુંદરી!
વિસ્તાર એનો નરસૈંયો ભૂતલ કહેશે અવતરી.'
૮-
સુંદરી! સાંભળ મારાં વેણ જી, રસભર્યા દીસે તાહરાં નેણ જી;
શિરથી છૂટી કિહાં વેણ જી? તે હવે દાખો સર્વે સેણ જી.
(હે સુંદરી , મારી વાત સંભાળ, તારા નયન રસભર્યા દેખાય છે, તારા માથા ની વેણી ક્યાં છૂટી ગઈ ? તે બધું વિગતે કહે હવે)
વેણ વછૂટી ને કસણ ત્રૂટી, ઉલટ દીસે અંગ;
સાચું કહે-ની, સુંદરી! કેમ રમી પિયુને સંગ.
(શબ્દાર્થ- ઉલટ= ઉમંગ, આનંદિત)
(વેણી છૂટી ને ચોળી ની કસ (દોરી) તૂટી, તારું અંગ આનંદિત દેખાય, સખી સાચું કહે, પિયુ ની સંગે કેવી રીતે રમી)
હારનાં એંધાણ હૈયે, અંગ કુંકુમ-રોળ;
વાંસે તે રેખા નખ તણી, મુખ ચાવિયાં તંબોળ.
(શબ્દાર્થ- તંબોળ= ઘાટો લાલ રંગ)
(હૈયા (છાતી) પર હાર ના ઉઝરડા છે, તારા અંગો પર લાલ ચકમાં છે, વાંસા મા નખ ના ઉઝરડા ની રેખાઓ છે, મુખ (હોઠ) તારું રાતું ચોળ છે)
કપોલ તાહરા હસી રહ્યા, મુખે તે પ્રગટ્યું નૂર;
ડસણ-ડંક દીસે ઘણા, અબળા! તે તાહરે અધુર
(શબ્દાર્થ- ડસણ ડંક= દાંત ના ડંખ )
(ગાલ તારા હસી રહ્યા છે, તારા ચહેરા પર અનેરું નૂર ઝળહળે છે, તારા હોઠ પર દાંત ના ઘણા ડંખ દેખાય છે.)
પીયલ પૂરી રહી અધૂરી, ટીલી તે કાજળ-રેખ;
બોલ અભિનવા ખોલતી, વનિતા!તું તો વિશેખ.
(શબ્દાર્થ- પીયલ= કપલ પરનું ચુંબન)
(તારા કપાળ પર ચુંબન કરવા જતા તારી આંખ ના કાજળ વિખાય ગયું છે.)
તિલક પિયુંનું નિલાડ તાહરે, દર્પણ લેઈ મુખ જોય;
પીતાંબર કિહાં પાલટ્યું? નીલાંબર તાહરું ન્હોય.
(શબ્દાર્થ- નિલાડ= કપાળમ, નીલાંબર= કાળા કે આસમાની રંગનું વસ્ત્ર)
(તારા કપાળ પર પિયુ ના તિલક ની છાપ પડી ગઈ છે, દર્પણ મા તારું મુખ જો. પીતાંબર ક્યાં બદલાવ્યું ? નીલાંબર તારું વસ્ત્ર નથી.)
કૌસ્તુભમણિ આ કેહનો? નહિ ઉર એકાવળ હાર,
પાલટી આવી, પ્રેમદા! મુજને તે કહેની વિચાર.
ચુઆ ચંદન પુષ્પ-પ્રેમલ અંગ માંહે સુગંધ,
હું જાણું છું, હે સખી! ભેટ્યો નંદનો નંદ.
(શબ્દાર્થ- ચુઆ= અત્તર )
(તારા શરીર માંથી ચંદન ના અત્તર ની સુગંધ આવે છે , હું જાણું છું કે તને નંદ નો નંદ ભેટ્યો છે. )
સ્વેદ-શીતળ તન તાહડું, દેતું હસી મુખ સાખ;
સંકોચ શાને કરે, શ્યામા? મુજ આગળ સર્વે દાખ.
ઊંચું તે જોની, અંગના! કાં ઢાળે નીચાં નેણ?
વણકહ્યે સર્વે મેં લ્યું, તું સાંત શાને વેણ?
સુરતનાં સુખ કહે મુજને : મા કર માહરી લાજ,
નરસૈંયાનો નાથ તુજ-શું કેમ વિલસિયો આજ'
આપણે જેને વ્યભિચાર કે પાપ ગણીએ છીએ એવા સબંધ વિષે પણ નરસિંહ મહેતા ના કાવ્ય વાંચો. પરણિત ગોપી પોતાના પતિ ને મેલી ને કૃષ્ણ જોડે કામક્રીડા કરવા જાય છે અને પતિવ્રતા સ્ત્રી જયારે કૃષ્ણ ને કામક્રીડા કરવાનું કહે ત્યારે કૃષ્ણ શું જવાબ આપે છે તેનું કાવ્ય પણ વાંચો -
૯-
'શાને કાજે આવ્યાં સરવે ? શું છે તમારે કામ રે?
પતિવ્રતાનો ધરમ નહીં એ, જાઓ તમારે ધામ રે.'
મોહન કેરાં વચન સાંભળી નીચું નિહાળે બાલી રે;
મુખ આંગળી ને મન વિમાસે : 'શું કહે છે વનમાલી રે?'
ગદગદ કંઠે વચન પ્રકાશે : 'સુણજો, દેવ મુરારિ રે!
ભૂધર!અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે.'
અંતર-પ્રીત જોઈ હરિ હસિયા, રુદિયા ભીતર ભીડી રે;
પ્રેમ ધરી નરસૈયો નિરખે : સરખાસરખી જોડી રે.
૧૦-
'આવ્યાં આશાભર્યાં રે, વહાલાજી! આવ્યાં આશાભર્યી રે;
વીંધાયું મન વળે ન પાછું, તારી મોરલીએ મગન કર્યા.
સુતને મેલ્યા, પતિને મેલ્યા, મેલી કુળની લાજ;
માત-તાત વિસાય વલ્લભ! એક તમારે કાજ.'
એવાં વચન સુણી હરિ હસિયા : 'આપણ રમશું રાસ;
મોટાં કુળની તમો માનિની, પૂરું તમારી આશ.'
સુંદર રાત શરદપૂનમની, સુંદર આસો માસ;
નરસૈના સ્વામી-સંગ રમતાં રજની થઈ ખટમાસ.
૧૧-
'તું તો સાંભળ, મારી સજની! એક વાત અનોપમ આજુની;
મારો પિયુ નિર્લજ્, હું લાજું-ની, એવી અકળ ગતિ મહારાજની.
હું માહરે મંદિર હુતી, વહાલે પ્રેમ ધરી મોકલી દૂતી;
અંગોઅંગે ભૂષણ હું સજતી, ધ્યાન વહાલાજીનું ધરતી.
દૂતી સામું જોઈ પાછી વળી, કપટ કરી હરિને મળા;
ત્યારે નિશા હતી અંધારી, માહરે મંદિર આવ્યા મુરારિ.
મેં તો આવતો પિયુ નવ જાણ્યો, કપટ કરી પાલવ તાણ્યો;
ફરી જોયું તો કહાનડ કામી, મુખ જોઈને લજ્જા પામી.
દીપક લેઈને મેં શમાવ્યો, તિહાં અંધકાર અતિ હુવો;
ત્યારે મણિ મોહનજીએ કર ધર્યો, મુખ માંહે તે મેં મેલ્યો.
એ મર્મ પિયુજીએ જાણ્યો, શેષનાગ જગાડીને આણ્યો;
તેહની સહસ ફણા ઝળહળે, તેણે તેજે તિમિર ટળે.
હું ભય પામી ઉર પર લાગી, મારી કામ-વાંછના ભાંગી;
એમ રંગે વિહાણી રાતલડી, તું સાંભળ, બહેનડ! વાતલડી.
માહરા મનની વહાલે પૂરી આશ, તેહનો સાખી નરસૈંયોદાસ.'
૧૨-
'સજની! સાંભળ માહરી વાત જી, ધન્ય ધન્ય બાજુની તે રાત જી,
ભવન પધાર્યા માહરો નાથ જી, સરવ મનોરથ ફલિયાં સાથ જી.
ભવન પધાર્યા નાથજી અબળાને સુખ આપવા;
કોટિ કંદ્રપ થયા કામી, નાથ મારે વશ હવા.
નવલ સજ્જા, કુસુમ-પ્રેમલ, ભવન અતિ રળિયામણું;
ચિહુ દિશ દીપક ઝળહળે, હું હરખ મન પામી ઘણું.
શણગાર કીધો શોભતો, નયણે તે કાજળ સારિયાં,
કંટાક્ષ-શર શાં કસીકસીને મેં કામીને ઉર મારિયાં.
શ્યામસુંદર વદન જોઈ અનંગ અંગે સજ થયો,
રતિપતિ રણ જીતવાને સુભટને મેં જઈ ગ્રહ્યો.
નાથને ભુજ-બાથ ભીડી રુદે-શું લેઈ ચાંપિયો;
સુભટ શૂરાશૂર કહાવે, મુજબ અબળા આગળ કાંપિયો.
મદનમાતી શ્યામ સંગે રતિરસરંગે રમી;
અતિ હાસ-વિલાસ કરતાં પિયુને મન હું ગમી.
પીન પયોધર પાણ પિયુને, અધર મુખમાં રહ્યો ગ્રહી,
કામી તે ત્રિપત ન થાયે, રસમાં હું લાબર થઈ રહી.
ચોળી તણા બંધ ગયા તૂટી, વેણી શિર શિથળ થઈ;
ભેલ, મહાવા! માન માગું, અમૃતથી અધિકી લહી.'
દરપણ લેઈને વદન જોતાં અધર ડંખ દીસે ઘણા :
'નિર્ગુણ! તાહરા જો એ કામા, નિર્લજ! કાંઈ રાખી મણા?'
પણ કહ્યું ન માને કંથ, હેલી! ભુજ-બળે ભીડી રહ્યો;
સુરતનો સંગ્રામ, સજની! વળી તે તુજને કહ્યો.
એણી પેરે રસપાન કરતાં નાથ નયણે નિરખતી;
પિયુને મન પ્રેમ વાધ્યો, હું પલકી પલકી મન હરખતી.
અનંગની આપદા અંગે, તે ટળી, તન શીતળ થયું,
તે સમેનું સુખ, સજની! મુખડે નવ જાયે કહ્યું.
માહરા સમ, મ કહીશ કેહને, વાત મન માંહે જાણજે;
વિહારચરિત્ર-વિનોદલીલા તે નરસૈંયો થઈ માણજે.'
૧૩-
મહાવન શ્યામા ને શ્યામ જી કરતાં કોટિક લીલા-કામ જી;
દંપતી પૂરે મનની હામ જી ભુજ ભીડી રાખી ચારે જામ જી.
ભુજ ભીડી ચારે જામ રાખી ભોગવે રસ ભામિની,
અબળાએ બળ કરી પિયુને કુચ પર લીધો કામિની.
સરોજ સકોમળ સુંદરી અને માલતી-મકરંદ,
ભ્રમર થઈ પિયુ ભોગવે, સુધી સિંચે શ્રીગોકુલચંદ.
સુરતની સાધના સઘળી, રંગે રમે કોટિ કળા કરી,
મુદ્તિ થઈ તિહાં માનિની લજ્જા તે પિયુની પરહરી.
મૃગાનયણી કરે મરકલા, મોહિની પિયુનું મન હરે;
અતિ નિપુણ નાગર નાગરી તે વિવિધ વનકીડા કરે.
પ્રેમદા સાથે પ્રેમશું પિયુડો અતિ રંગે રમે,
અધર ડસી,કર કુચ ગ્રહી કૃષ્ણજી કંદર્પને દમે.
ભુજ-બળે ભીડી કરી તે કસકસે તિહાં કામિની,
કંનકવેલ તમાલ લપટી, જાણીએ ધન દામિની.
ચુંબન ચારુ કપોલ કામી પ્રેમ-શું પિયુડો દિયે;
સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લિયે.
સ્વર્ગ-મૃત્યુ-પાતાળમાં, બ્રહ્મલોક ને કૈલાસ,
વૈકુંઠ માંહે સાગરસુતા તે કરે રસની આશ.
શ્રીવૃંદાવન જમુનાતટે અને બંસીવટ-વીથિ નિર્વહ્યો,
પ્રેમપ્રવાહ-રસ ઉમગ્યો, નરસૈંયો મધ્ય ઝીલી રહ્યો.
૧૪-
હરિ ઉર લીધો રે,' પીધો રસ ચારે જામ;
સ્નેહ ધરી વહાલો સંગમ આવ્યો,હું વિલસી સુંદરશ્યામ.
સુણ, સખી રે મારા બોલ, સેજડીએ થયો રે ઝાકમઝોળ;
પ્રાણ-પિયુશું પ્રીત બાંધી મેં કીધો રે કલ્લોલ.
અધર ધરી કીધું રસપાન, તેણે ગયું મારું માન;
અંતર ટાળીને એક કીધાં, પામી વર હું કહાન.
એ ધન્ય ધન્ય મારો નાથ, અમને કીધાં રે સનાથ;
નર્સૈયે રંગની રેલમાં રે હસી તાલી દીધી હાથ.
૧૫-
કર-નખ રાતા કામિનીના રે, રાતા અધર-સુદંત,
રાતો અબીર-ગુલાલ ઉડાડે રાતો નવલ વસંત.
રાતી ચોળી કસણ-કસી રે, રાતી કુંકુમ-રોળ,
રાતે સિંદૂર માંગ ભરી રે, મુખ રાતા તંબોળ
(મેંદીને લીધે હાથ અને નેઈલ-પોલિશ કે પછી તંદુરસ્તીને લીધે નખ રતાશ પડતાં ગુલાબી છે. હોંઠ અને એમાંથી ડોકાંતા પેઢા પણ રતુમડાં ગુલાબી છે. આસ પાસ ગુલાબ જેવા ફૂલો ખીલેલા છે. કંકું-સિંદૂરથી શણગાર રડે છે ને મોઢું પાન ખાઈને લિપસ્ટિકની જેમ લાલચટ્ટક થયું છે ને લાલ કલરની ચોળી વળી ફિટમફિટ એટલે કસમસાવીને પહેરી છે, વળાંકો ઉપસે એમ !)