Dashavtar in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 35

Featured Books
Categories
Share

દશાવતાર - પ્રકરણ 35

          “તને કદાચ માનવ બુધ્ધિની અસીમતા ખયાલ નથી પણ યાદ રાખ કે માનવની બુધ્ધિ, તેની યાદશક્તિ, તેની નિર્ણયશક્તિ, તેની દરેક પ્રક્રિયા માટે મન જવાબદાર છે અને એ મનમાં હંમેશાં ન્યૂરોન તૂટતાં અને બનતા રહે છે. તારી સામે જે આ ક્ષણે દેખાય છે એ એક સુપર કોમ્યુટર છે જેને શૂન્ય લોકો દૈવીયંત્ર કહે છે.” દેવતાએ ટેબલ પરની વિશાળ સ્ક્રીન તરફ હાથ કર્યો, “આ મશીન તારા મગજમાં ન્યૂરોન વિધુતમય થઈ કેટલા પ્રમાણમાં અને કઈ પેટનમાં ક્રેક થાય છે એ સમજી શકે છે. કદાચ તેં સાંભળ્યુ હશે કે સત્યયુગમાં ધર્મને ચાર પગ હતા જેમ જેમ યુગ વિતતા ગયા તેમ તેમ એક એક પગ ઓછો થતો ગયો અને આખરે ધર્મ જમીન પર ફસડાઇ પડ્યો. એ બધુ સિમ્બોલિક છે તેનો સીધો અર્થ માનવ મન સાથે છે.”

          “તમે મને આ બધુ કેમ કહો છો?”

          “કેમકે તું જ એક છો જેનામાં આ કળિયુગમાં પણ સત્યયુગ જેટલી શક્તિઓ છે. ધારો કે કોઈ વ્યક્તિના મગજના ન્યૂરોનમાં અનેક ગણો વધારો કરી નાંખવામાં આવે તો એનું મન અનેક ગણું શક્તિશાળી બની જાય પણ એ માટે મગજમાં પૂરતા પ્રમાણમાં ઊર્જા પહોંચવી જોઈએ કેમકે દરેક ન્યૂરોન વિધુતમય રહે છે. તેં સ્ટેશન બિલ્ડીંગ પર જે બલ્બ જોયા છે તેમાં જેટલી વિધુત વપરાય તેટલી જ વિધુત દરેક સેકંડે તારા મગજમાં વપરાતી રહે છે.” દેવતાએ ફરી એક નજર દરવાજા તરફ કરી, “વિસ્મયની વાત એ છે કે દુનિયાના કોઈ પણ માનવ શરીર કરતાં તારું શરીર અનેક ગણી ઊર્જા મગજ સુધી પહોંચાડે છે અને સામાન્ય વ્યક્તિ કરતાં અનેક ગણા વધુ ન્યૂરોન વિધુતમય રહે છે જેને પરિણામે તારી માનસિક શક્તિઓ સત્યયુગના ઋષિઓ જેટલી છે અને એ જ કારણે તારી શારીરિક શક્તિઓ એ સમયના બળવાન યોદ્ધાઓ સમાન છે. તું બાકીના લોકો કરતાં અંદાજે સો ગણો તેજ અને શક્તિશાળી છે કેમકે તારા મનમાં બાકીના કરતાં દસ ગણા ન્યૂરોન અને બાકીના કરતાં દસ ગણી વિધુત સર્જાય છે. શારીરિક તથા માનસિક બંને શક્તિઓ એ બંનેના ગુણાકાર પર આધાર રાખે છે.”

          “મને આ બધું ખાસ સમજાતું નથી.” વિરાટે કહ્યું.

          “આ બધી બાબતો સમજવા વર્ષો જોઈએ.” દેવતાએ કહ્યું, “ટૂકમાં તારું મગજ તારા શરીરમાં સૌથી વધારે ઊર્જા વાપરે છે અને બધુ તારા મગજ પર જ આધાર રાખે છે.”

          “કેમ હું જ?”

          “દરેક વખતે કલિયુગના અંત પછી સત્યયુગ આવે છે અને એના આગમનની આગાહીરૂપે કળિયુગના અંત સમયે એવા લોકો જન્મવા લાગે છે જે ખરેખર સત્યયુગમાં જન્મવા જોઈએ. ખબર નહીં એ પાછળ પણ કોઈ ચોક્કસ કારણ હશે પણ એ સમજવા યુગચક્રોથી લઈને બ્રહ્માણ્ડની દરેક નાનામાં નાની ઘટનાને સમજવી પડે. પણ ગમે તે કારણ હોય તારા જન્મ સમયે જ તારા મનમાં એટલા ન્યૂરોન હશે કે તું પુષ્કળ પ્રમાણમા ઊર્જા તારા મનમાં મૂકી શક્યો અને જેમ જેમ વધારે ઊર્જા મળતી રહી તારા મગજના ન્યૂરોંસમાં સતત વધારો થતો રહ્યો. જ્યારે બાકીના સમાન્ય લોકો આ યુગમાં એકદમ નહિવત ન્યૂરોન લઈને જન્મે છે અને એટલે મગજમાં જરૂરી ઊર્જા પણ પહોંચાડી શકતા નથી તેથી નવા ન્યૂરોન ન વધવાને લીધે તેમનું મગજ કદમાં નાનું થયા કરે છે. તને ખબર છે પૃથ્વી પર માનવ જ કેમ સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે?”

          “ના.” વિરાટે કહ્યું.

          “કેમકે દુનિયામાં બીજા કોઈ પણ પ્રાણીનું મગજ તેના શરીરના પ્રમાણ મુજબ માનવ મન જેવડું નથી.”

          “તો કારુ મને કેમ મારવા માંગે છે?”

          “કેમકે તારા મનમાં એટલા જ ન્યૂરોન છે જેટલા કારુના મગજમાં છે. તમારા બંનેમાં સમાન શક્તિઓ છે. એ ઋષિઓ જેમ જ છેલ્લા પાંચ સો વર્ષથી જીવે છે કેમકે તેના મગજ પર તેનું સો ટકા નિયંત્રણ છે.” દેવતાએ કહ્યું, “તારું મન સત્યયુગના માનવ જેટલું શક્તિશાળી છે એટલે લોકો માને છે કે તું અવતાર છો અને તેઓ સાચા પણ છે. તું માનસિક ઉત્ક્રાંતિની શરૂઆત છો. તારા પછી ધીમે ધીમે એવા બાળકો જન્મતા રહેશે જેમના મન સત્યયુગ માટે યોગ્ય હશે. ધીમે ધીમે બાકીના સામાન્ય મનવાળા લોકો પણ એમને અનુસરીને માનસિક શક્તિઓને સમજવા લાગશે. તને ખબર છે લોકો માને છે કે અવતાર સફેદ ઘોડા પર આવશે. કેમ લોકો તને સફેદ ઘોડા પર કલ્પે છે?”

          “મને ખબર નથી.” 

          “કેમકે સફેદ ઘોડો એ ઉજાસ અને પ્રકાશનું પ્રતિક છે. પ્રલય પહેલાના ગ્રંથોમાં જે ભવિષ્યવાણીઓ થઈ છે એ બધા રૂપકો છે બસ હવે લોકોમાં એ રૂપકો પાછળનું સત્ય સમજવાની શક્તિ નથી એટલે એ એમ સમજે છે કે ખરેખર અવતાર કોઈ સફેદ ઘોડા પર બેસીને આવશે. એ સફેદ ઘોડો એ તેની માનસિક દિવ્યતા છે જે કલિયુગના અંધકાર અને અજ્ઞાનને દૂર કરશે.”

          “તો મારે શું કરવું જોઈએ?”

          “એજ સમજાવું છું.” દેવતાએ કહ્યું, “એ લોકો છેલ્લા પાંચસો વર્ષથી તને શોધવા આ દૈવી પરીક્ષા લઈ રહ્યા છે અને આજે તું અહીં છો. એમણે તારા લોકોને એમ વિચારતા કર્યા છે કે તેઓ જ્ઞાની બાળકોને શોધવા માંગે છે પણ એ હકીકત નથી.”

          “કેમ કારુ એમ ઇચ્છે છે કે મારા લોકોને દૈવી પરીક્ષા પાછળની હકીકત ખબર ન પડે?” એણે પુછ્યું, “કદાચ મારા લોકોને એ ખબર હોય તો પણ તેઓ કારુ વિરુદ્ધ જઈ શકે એમ ક્યાં છે?”

          “એ કારુ વિરુદ્ધ નથી જતાં કેમકે એ લોકો એને ભગવાન સમજે છે. માત્ર શૂન્ય લોકો જ નહીં, વેપારીઓ, નિર્ભય સિપાહીઓ અને દેવતાઓ પણ તેને ભગવાન સમજે છે. હવે જો કારુ એ હકીકત જાહેર થવા દે કે એક બાળક છે જેનામાં તેના જેટલી જ શક્તિઓ છે અને એ તેના વિનાશ માટે અવતર્યો છે તો તેના અમર હોવાના દાવા અને ભગવાન હોવાની પોકળ વાતો ખુલ્લી પડી જાય. એકવાર એ ભગવાન નથી એમ સાબિત થતાં જ લોકો તેની સામે બળવો કરે. ખુદ નિર્ભય સિપાહીઓ અને દેવતાઓ પણ તેની વિરુદ્ધ ચાલ્યા જાય.” દેવતા જરાક અટક્યો, “એટલે જ કારુએ આ સુપર કોમયુટરમાં ચાર અલગ અલગ બ્લૂપ્રિન્ટ ગોઠવી છે જે મગજની અલગ અલગ પેટર્ન સમજવા માટે છે. જો કોઈ મગજની બ્લૂપ્રિન્ટ શૂન્યનું મગજ જેવું હોવું જોઈએ તેવી હોય તો તેની પેટર્ન મુજબ કોમયુટર લીલો રંગ દર્શાવે છે. લીલો રંગ મતલબ કોઈ જોખમ નહીં. એ રંગ લગભગ બધા શૂનયોમાં જોવા મળે છે.  જો મગજની બ્લૂ પ્રિન્ટ નિર્ભય સિપાહી જેવી હોય તો કેસરી રંગ બતાવે છે અને વેપારીના જેવી બ્લૂપ્રિન્ટવાળા મગજ માટે કોમ્પ્યુટર વાદળી રંગ બતાવે છે. જો કોઈ મગજ દેવતાની બ્લુપ્રિંટમાં સેટ આવે તો એ સફેદ રંગ બતાવે છે.”

          દેવતા ફરી અટક્યો. એક ઊંડો શ્વાસ લીધો અને આગળ વધ્યો, “જો કોઈ વ્યક્તિનું મગજ આ ચારમાંથી એક પણ બ્લૂપ્રિન્ટ સાથે મેચ ન થાય તો એ મગજ માટે કોમ્પ્યુટર મલ્ટીકલર બતાવે છે. જ્યારે પણ કોઈ શૂન્યનું મગજ મલ્ટીકલર બતાવે કે તેના પોતાના લીલા રંગ સિવાય બીજો રંગ બતાવે તેને પાટનગરની પ્રયોગશાળામાં લઈ જવામાં આવે છે અને તેના પર અનેક પ્રયોગો કરવામાં આવે છે કેમકે એવા લોકો જ ઉત્ક્રાંતિની શરૂઆત છે. કારુ માનવમનની ઉત્ક્રાંતિ અટકાવવા માંગે છે કેમકે માનવમનની ઉત્ક્રાંતિ જ કલિયુગને તેના અંત તરફ દોરી જશે. કારુ તેના પર પ્રયોગો કરે છે અને એ સમજવવાનો પ્રયત્ન કરે છે કે કેમ મગજની બ્લૂપ્રિન્ટ બદલાય છે.”

          વિરાટ કશું જ બોલ્યા વગર બધુ સાંભળતો રહ્યો.

          “રહસ્યની વાત એ છે કે કારુ આ સુપર કોમયુટરમાં પોતાના મગજની બ્લૂપ્રિન્ટ ગોઠવી રાખી છે અને એક સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું છે જે સુપરકોમ્પ્યુટર દ્વારા નક્કી થતી દરેક બ્લૂપ્રિન્ટને કારુના મગજની બ્લૂપ્રિન્ટ સાથે સરખાવે છે. જ્યારે પણ કોઈ મગજની બ્લૂપ્રિન્ટ કારુના મગજની બ્લૂપ્રિન્ટ જેવી જ દેખાય મશીન જોખમનું સાયરન વગાડે છે અને લાલ રંગ બતાવે છે. જોકે આજ સુધી ક્યારેય મશીને લાલ રંગ બતાવ્યો નથી કે જોખમનું સાયરન વાગ્યું નથી.”

          “અને જો આજે એ લાલ રંગ બતાવશે તો?” વિરાટે પુછ્યું, “કદાચ આજે મશીન જોખમનું સાયરન વગાડશે તો?”

          “કશું નહીં થાય... જો તને ખબર હોય કે શું કરવાનું છે તો મશીન લાલ રંગ નહીં બતાવે અને એ માટે જ તો હું અહીં આવ્યો.” દેવતાએ તેને સાંત્વના આપી, “કારુના વૈજ્ઞાનિકો માને છે કે સુપરકોમ્પ્યુટર એક પરફેક્ટ મશીન છે. એ કોઈ પણ મગજની રચના, પેટર્ન અને તેની બ્લૂપ્રિન્ટ સમજી શકે છે. એ ખોટા પણ નથી. બસ તેમના ધ્યાન બહાર એક જ બાબત રહી ગઈ છે. આ મશીન વ્યક્તિના મગજ પર પ્રોસેસ કરી તેની પ્રતિક્રિયાના આધારે તેની બ્લૂપ્રિન્ટ નક્કી કરી શકે છે. પણ જો કોઈનું મગજ સત્યયુગમાં માનવ મગજ જેટલું શક્તિશાળી હતું તેટલું શક્તિશાળી હોય તો એ મગજ કોમ્પ્યુટરને છેતરી શકે છે. એ સોફટવેરને છેતરી શકે છે કેમકે કોમ્પ્યુટરની મગજને સમજવાની ક્ષમતા મગજમાં ક્રેક થતાં ન્યૂરોનની સંખ્યા, મગજ સુધી પહોચતી ઊર્જા અને ત્યાં વપરાતી વિધુત પર આધાર રાખે છે. એ સિવાય મગજની બ્લૂપ્રિન્ટ સોફટવેર માનવમનની અલગ અલગ પરિસ્થિતી સામેની પ્રતિક્રિયા આપવાની ક્ષમતા મુજબ તૈયાર કરે છે. જો કોઈ વ્યક્તિ મગજને કાબુમાં રાખી પોતાની મરજી મુજબની પ્રતિક્રિયા આપે તો સૉફ્ટવેર થાપ ખાઈ જાય છે અને કોમ્પ્યુટર ખોટી બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે. જોકે આજ સુધી કોઈ એવું કરી શક્યું નથી અને કોઈને આજ સુધી એવું કરવાની જરૂર પણ નથી પડી. પણ તું એ કરી શકીશ કેમકે તારા મગજમાં એ ક્ષમતા છે. આ કોમ્પ્યુટર તારા જેવી વ્યક્તિના મગજને ચકાસી ન શકે કેમકે એ કામ તેની મર્યાદા બહાર છે.”

          “હું આ મશીનને કઈ રીતે છેતરી શકું?” એણે મશીન સામે જોયું, “હું તો તેના વિશે કશું જાણતો પણ નથી. આ કોમ્પ્યુટર છે એ ખબર પણ મને કેટલીક મિનિટ પહેલા જ પડી છે.”

          “આ કોમ્પ્યુટર નહીં પણ એક સુપરકોમ્પ્યુટર છે જે બનાવવામાં એક આખું શહેર ઊભું થઈ જાય એટલો ખર્ચ કરવામાં આવ્યો છે પણ તારે એ ફિકર કરવાની જરૂર નથી. તારે એટલુ જ યાદ રખવાનું છે કે આ મશીન તારા જીવનું દુશ્મન છે. હવે દુશ્મનને માત કરવા તેને સમજવાની જરૂર નથી પણ દુશ્મનને માત કરવા પોતાની શક્તિઓનો અંદાજ લગાવવો પડે, પોતાને સમજવાની જરૂર પડે છે.” દેવતાએ સમજાવ્યું, “યાદ રાખજે કે એક શૂન્યના મગજ કરતાં વધારે શક્તિશાળી પ્રતિક્રિયા ન આપીશ. કોમ્પ્યુટર તારા મનમાં એવા ઇલેક્ટ્રીક તરંગો છોડશે કે તને એમ લાગશે જાણે તારી આંખો સામે બધુ થઈ રહ્યું છે પણ એ બધુ તારા મગજમાં જ હશે. તું આ ખુરશી પર બેઠો હોઈશ અને તારી સામે હું જ હોઈશ બીજું કોઈ નહીં. કદાચ કોમ્પ્યુટર તને એવું બતાવે કે નિર્ભય સિપાહીઓ કોઈને મારતા હોય તો તેને બચાવવાનો પ્રયત્ન ન કરીશ. કદાચ તને કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકવામાં આવે તો તું બચવા માટે એક શૂન્ય કરી શકે તેના કરતાં વધારે પ્રયત્ન ન કરીશ. એ તારી સામે કુદરતી આફત ખડી કરી નાખે તો એક શૂન્ય કરી શકે તેની મર્યાદા બહારનું કશું જ ન કરીશ કેમકે એ બધુ કાલ્પનિક હશે. તું જે માનસિક પ્રતિક્રિયા આપીશ એ પ્રમાણે કોમ્પ્યુટર તારા મગજની બ્લૂપ્રિન્ટ નક્કી કરશે. તું શૂન્ય બની રહેવાનો પ્રયત્ન કરજે.” દેવતાએ વિરાટની આંખોમાં જોયું, “હવે હું દૈવી પરીક્ષા કે જે ખરેખર દૈવી નહીં પણ યાંત્રિક પરીક્ષા છે એ શરૂ કરવા જઈ રહ્યો છું. તારી જાતને તૈયાર કરી લે અને મહેરબાની કરી લાલ રંગ કે સાયરન વાગે એવું કશું ન કરતો.”

          “એક મિનિટ...” વિરાટે કહ્યું, “તમને કઈ રીતે ખબર કે મશીન મને શું બતાવશે?”

          “હું તારા જન્મ પહેલાથી આ ટર્મિનસ પર કામ કરું છું. મને છેકથી ખબર હતી કે એક દિવસ જરૂર આવશે જ્યારે મારે આ મશીન સામે બગાવત કરવી પડશે અને એટલે જ હું મોટે ભાગે જ્યારે જ્ઞાની બાળકો દૈવી પરીક્ષા પાસ કરે તેમની સાથે પ્રશ્નોતરી કરી જાણી લેતો કે મશીને તેમના મનની બ્લૂપ્રિન્ટ કઈ રીતે નક્કી કરી. વર્ષો સુધી એ રીતે તેની બ્લૂપ્રિન્ટ નક્કી કરવાની રીત પરથી હું સમજી ગયો કે મશીન પાસે અમુક વેરિએબલ છે એ વેરિએબલ મુજબ એ મગજ પર ક્રિયા કરે છે અને મગજની પ્રતિક્રિયા જાણી બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે.” દેવતાએ સમજાવ્યું, “હવે હું પરીક્ષા શરૂ કરું છું.”

          વિરાટે હા કહી એટલે દેવતાએ મશીનનું હેન્ડલ નીચું નમાવ્યું અને કંઈક થયું. વિરાટ ટર્મિનસને બદલે જાણે ક્યાક બીજે જ પહોંચી ગયો.

ક્રમશ: