ફ્રેડી
-રાકેશ ઠક્કર
કાર્તિક આર્યનની 'ફ્રેડી' ને OTT પર રજૂ કરવામાં આવી છે. નિર્માતાએ થિયેટરથી ડરીને આ ફિલ્મ પર લાવવાનો નિર્ણય કર્યો હોય તો એ એમની ભૂલ છે. રેટિંગમાં 'ફ્રેડી' ને 3 કે તેથી વધુ સ્ટાર મળ્યા છે. 'ફ્રેડી' માં કાર્તિકનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ ઇમોશનલ અભિનય ગણાયો છે. એટલે જ OTT પર હોવા છતાં થિયેટરમાં રજૂ થતી ફિલ્મો કરતાં 'ફ્રેડી' ની વધુ નોંધ લેવાઇ છે. બાકી OTT પર મહિનામાં અડધો ડઝન હિન્દી ફિલ્મો આવે છે. કાર્તિકે ચોકલેટી હીરોની ઇમેજથી વિપરિત દાંતના ડૉકટરની ભૂમિકાને એવો અંજામ આપ્યો છે કે કેટલાક દ્રશ્યો જોઇને દર્શકો 'દાંતો તલે ઉંગલી દબાના' કહેવતને સાર્થક કરે છે. કાર્તિક એક હત્યા કર્યા પછી ખુશીમાં જે ડાન્સ કરે છે એ જોઇને દર્શકોમાં ડર ઊભો થાય છે. એ તેની અભિનય ક્ષમતા બતાવે છે. તે માત્ર રોમાન્સ અને કોમેડી જ કરી શકે છે એવું કોઇ કહી શકશે નહીં. તેનો પ્યારો ચહેરો સાયકોની ભૂમિકા માટે યોગ્ય ના ગણાય પણ એ જ ચહેરો એની ભૂમિકાની ખૂબી બન્યો છે. કેમકે એક માસ્ટર માઇન્ડ તરીકે તે જ્યારે હસે છે ત્યારે દર્શકના ચહેરા પરથી હાસ્ય ગાયબ થાય છે! ક્લાઇમેક્સમાં તેનું શારીરિક અને માનસિક પરિવર્તન ચોંકાવી દે એવું છે. કાર્તિક જેટલો ભલોભોળો લાગે છે એટલો જ સનકી તરીકે પણ જીવંત અભિનય કરી જાય છે. ફિલ્મની શરૂઆત દિલચસ્પ રીતે થાય છે. ઇન્ટરવલ સુધી ગતિ થોડી ધીમી રહે છે. નિર્દેશકે પાત્રને સ્થાપિત કરવામાં સમય વધારે લીધો છે. બીજા ભાગમાં વાર્તામાં ઘણા વળાંક આવે છે. વાર્તા ફ્રેડી જિનવાલા (કાર્તિક) નામના એક દાંતના ડૉકટરની છે. તે એકલો અને અંતર્મુખી છે. તે લગ્નની વેબસાઇટ પર જીવનસાથીની શોધ કરતો હોય છે. પરંતુ વિચિત્ર સ્વભાવથી મજાકનો વિષય બને છે. એક લગ્ન પ્રસંગે તે કૈનાઝ (અલાયા) ને જુએ છે અને તેના પ્રેમમાં પડી જાય છે. અસલમાં તે પરિણીત હોય છે એ જાણતો નથી. તે ઘરેલૂ હિંસાનો શિકાર થયેલી સ્ત્રી હોય છે. એ કારણે તે ફ્રેડીની નજીક આવે છે અને એને પ્રેમ કરવા લાગે છે. આગળ જતાં વાર્તામાં ફ્રેડી અને કૈનાઝને કારણે પ્રેમ ત્રિકોણમાં એવા વળાંક આવે છે કે રુંવાડા ઊભા થઇ જાય છે. ફ્રેડી કૈનાઝના પતિને પોતાના માર્ગમાંથી હટાવવાનો નિર્ણય લે છે. અને જ્યારે ફ્રેડીને ખબર પડે છે કે કૈનાઝે પતિને મારી નાખવા એનો ઉપયોગ કર્યો છે ત્યારે તે બદલો લેવાનું શરૂ કરે છે. વાર્તા હજુ વધુ સારી રીતે લખાવી જોઇતી હતી. ઘણી જગ્યાએ કંટાળો લાવે છે. અંત પણ કલ્પના કરવાથી જાણી શકાય એવો છે.
કાર્તિક દરેક ફિલ્મમાં કંઇક નવું કરીને પોતાની કારકિર્દીને વધુ લાંબી બનાવી રહ્યો છે. આ પ્રયોગાત્મક ફિલ્મ માટે તેણે પોતાનું વજન વધાર્યું હતું. એક સમીક્ષકે તો એને લાંબી રેસનો ઘોડો નહીં ચિત્તો કહ્યો છે. એમ કહી શકાય કે શાહરૂખને 'બાજીગર' માં મળી હતી એવી તક કાર્તિકને 'ફ્રેડી' માં મળી છે. જો તમે કાર્તિકના નહીં હોય તો પણ આ ફિલ્મ જોઇને અવશ્ય ચાહક બની જશો. તેની સાથે અલાયા ફર્નિચરવાળાએ પણ પોતાની અભિનય ક્ષમતા બતાવી છે. તેનું પાત્ર એટલા રંગ બદલે છે કે અલાયા હેરાન કરી દે છે. કાર્તિકની ફિલ્મ હોવા છતાં અલાયાએ એમાં પોતાનું સ્થાન ઊભું કર્યું છે. અભિનય જોઇને લાગતું નથી કે અલાયાની આ બીજી ફિલ્મ હશે. અગાઉ 'વીરે દી વેડિંગ' અને 'ખૂબસૂરત' નું નિર્દેશન કરનાર શશાંક ઘોષ બહુ પ્રભાવિત કરે છે. એમની OTT પર આવેલી રિતેશ- તમન્નાની 'પ્લાન એ પ્લાન બી' વિશે કોઇ જાણતું નથી. 'ફ્રેડી' માં એમણે એવા ટ્વીસ્ટ અને ટર્ન આપ્યા છે કે ફિલ્મ દર્શકને જકડી રાખે છે.
ફિલ્મમાં એવા પ્રસંગો બને છે કે તેની કોઇએ કલ્પના કરી હોતી નથી. અલબત્ત ટ્રેલરમાં જેટલો ડર ઊભો કર્યો હતો એ ફિલ્મમાં વર્તાતો નથી અને ક્યાંક વાર્તાની ગતિ ધીમી પડી જાય છે. ગીત- સંગીતમાં ફિલ્મ નબળી પડે છે. તુઝ સે પ્યાર કરતા હૂં, કાલા જાદૂ વગેરે સામાન્ય છે. બેકગ્રાઉન્ડમાં હજુ વધુ જગ્યાએ થીમ સંગીતનો ઉપયોગ કર્યો હોત તો જે-તે દ્રશ્યનો માહોલ વધુ ઊભો થયો હોત. કાર્તિક અને અલાયા ફિલ્મના હીરો અને વિલન પણ છે! બંને કલાકારોનો વાસ્તવિક અભિનય એને દમદાર અને જોવાલાયક બનાવે છે.