Premnu Rahashy - 9 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પ્રેમનું રહસ્ય - 9

Featured Books
Categories
Share

પ્રેમનું રહસ્ય - 9

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૯

અખિલ સારિકા સાથેની મુલાકાતનું સપનું જોઇ રહ્યો હતો ત્યારે પોલીસને જોઇ ચોંકી ગયો હતો. કાળો કાચ ખૂલવાની સાથે કારમાં લાઇટ થઇ અને એમાં પોલીસ અધિકારીને બેઠેલા જોઇ જાણે તેની વાચા હણાઇ ગઇ હતી. પોલીસ અધિકારીએ કારમાંથી જ પૂછ્યું:'મિસ્ટર, કોણ છો? આટલી રાત્રે અહીં અંધારામાં ઊભા રહી શું કરો છો? કોઇની રાહ જુઓ છો?'

'જી...જી સર, મારે ઘરે જવું છે...' અખિલ પોતાની વાત કહેવા જઇ રહ્યો હતો.

'ચાલો, હું તમને ઘરે મૂકી દઉં? એ પહેલાં તમારો પરિચય આપી દો.' પોલીસ અધિકારીએ એની વાતને વચ્ચેથી જ કાપતાં કહ્યું.

'આભાર સાહેબ!' કહી અખિલે ખિસ્સામાંથી કંપનીનો ઓળખકાર્ડ કાઢીને બતાવ્યો અને કહ્યું:'સાહેબ, આજે અરજન્ટ કામ આવી ગયું હતું એટલે મારે પાછું નોકરી પર આવવું પડ્યું હતું. મારો એક મિત્ર આવે છે. તમે મદદ માટે કાર ઊભી રાખી એ બદલ આભાર!'

અખિલને થયું કે હવે એ જલદી અહીંથી જતા રહે તો સારું છે. જો સારિકા એની કાર સાથે આવી ગઇ તો બંનેએ ખુલાસા કરવાનું ભારે પડી જશે. મામલો સંગીતાને ખબર પડી જાય ત્યાં સુધી જતો રહેશે.

'ઠીક છે...' કંઇક વિચારીને પોલીસ અધિકારીએ કહ્યું:'અમારી તો ફરજ છે કે રાત્રે ગુનેગારો ફરતા હોય તો અટકાવવા અને પ્રજા મુશ્કેલીમાં હોય તો એમને મદદ કરવી.'

'આભાર!' ફરી એક વખત અખિલે લળીને એમને કહ્યું.

'ચાલ ભાઇ...' કહી એમણે ડ્રાઇવરને કાર લઇ લેવા ઇશારો કર્યો.

અખિલને થયું કે છૂટ્યા! તે રોડની થોડી અંદરની તરફ ઊભો રહ્યો. જેથી આગળથી આવતી કોઇ કારને જલદી ખ્યાલ ના આવે કે અહીં કોઇ ઊભું છે. તે અડધો કલાક ઊભો રહ્યો પણ સારિકા આવી નહીં. તેણે જાતજાતના વિચાર કરી નાખ્યા. આજે એને વધારે કામ હશે? આજે રજા હશે? ક્યાંક બહાર ગઇ હશે?

રાહ જોઇને થાક્યો પણ સારિકા દેખાઇ નહીં. એણે નિરાશ થઇ કંપનીની બિલ્ડીંગ તરફ જવા મજબૂર થવું પડ્યું. પોતાની બાઇક લેવા ચાલતો પાછો કંપનીની બિલ્ડીંગમાં ગયો. ઓફિસેથી નીકળ્યો ત્યારે એને ઉજાગરાની કે થાકની કોઇ અસર વર્તાતી ન હતી. અત્યારે તે તનમનથી થાક્યો હોય એમ ચાલતો હતો.

અખિલે એક જ કિકમાં બાઇક ચાલુ કરી અને ચાર રસ્તા પાસે આવીને વળી ઊભો રહ્યો. સ્ટ્રીટલાઇટો ચાલુ થઇ ગઇ હતી. બાઇક પર બેસીને થોડીવાર સારિકાનો ઇંતજાર કરવા મન લલચાયું. એક વિચાર એવો આવી ગયો કે બાઇક લેવા પાછો ગયો ત્યારે સારિકા જતી રહી હશે તો? છતાં તેણે દસ મિનિટ રોકાવાનું વિચાર્યું. તે બાઇકને રોડથી દૂર મૂકીને આવ્યો. બાઇક બગડી ગયું હોય અને એ કોઇ બીજા વાહનની રાહ જોતો હોય એવો દેખાવ ઊભો કર્યો હતો.

અખિલની નવાઇ વચ્ચે દૂરથી એક કાર આવતી દેખાઇ. તેને એવી આશા જાગી કે એમાં સારિકા હોવી જોઇએ. કાર એકદમ નજીક આવીને ઊભી રહી અને એમાં સારિકાને જોઇ એનું મન ખીલી ઊઠ્યું. સારિકાએ ડાબી બાજુના દરવાજાનો કાચ ખોલી અંદર બેઠાં જ ડોક વાળીને પૂછ્યું:'મિસ્ટર, મારી જ રાહ જોતા હતા કે શું?'

'હા...' અખિલથી બોલતાં તો બોલાઇ ગયું પણ એમાં સુધારો કરતાં બોલ્યો:'આજે ફરી કંપની પર આવવાનું થયું અને બાઇક અહીં આવ્યો અને બગડી ગઇ એટલે તમારો જ વિચાર આવ્યો કે કદાચ અત્યારે પાછા ફરતા હોય તો લિફ્ટ મળી જાય...'

'ચાલો આવી જાવ. દરવાજો ખુલ્લો જ છે...' સારિકાએ હસીને આંખના ઇશારાથી કહ્યું.

'હું બાઇકને પેલી દુકાન પાસે પાર્ક કરીને આવું છું...' બોલતો અખિલ ઝડપથી બાઇક પાસે ગયો. બાઇકને દોરીને દુકાન પાસે મૂકી બરાબર લોક મારી ઝટપટ આવી કારમાં બેસી ગયો.

સારિકા સાથે કારમાં બેસતાં તેને રોમાંચ થયો. રસ્તામાં સારિકા સાથે ઘણી વાત થશે એવા વિચાર સાથે શરૂઆત કરી:'આજે તમને મોડું થયું લાગે છે...'

'હા, કામ વધારે હતું. કદાચ તમને ફરી લિફ્ટ આપવાની હશે એટલે જ!' તે એટલા પ્રેમભર્યા અવાજે બોલી કે અખિલ પાણી પાણી થઇ ગયો.

'ખબર નહીં પણ બાઇક આજકાલ બહુ દગો આપે છે.' અખિલ મનની ખુશી છુપાવતા બોલ્યો.

'લોકો પણ એકબીજાને દગો આપતાં હોય તો બાઇક તો નિર્જીવ છે.' સારિકા બોલી એમાં કયો સંદર્ભ હતો એ અખિલને સમજાયું નહીં.

'તમે કાલે મારી પત્નીને મળ્યા હતા?' અખિલે વાત બદલીને પૂછી લીધું.

હા, નામ... હં... સંગીતા છે ને?' સારિકાએ યાદ કર્યું.

હા, તમારા જેવા પડોશી હોય તો એને વધારે ગમે. તમારી પ્રશંસા કરતી હતી...' અખિલ મસ્કો લગાવતો હતો.

'મારા રૂપ વિશેને?' સારિકાએ કારની ગતિ વધારતાં એની સામે જોયું.

'હં...હા... બીજી કોઇ વાતનો તો હજુ પરિચય નથી ને? તમે કયા માળ પર રહો છો?' અખિલે એની સામેથી નજર હટાવી રોડ તરફ જોતાં વાતને વાળી લીધી.

'સાતમા માળે... આવજો ક્યારેક... સમય હોય તો અત્યારે જ...' કહી સારિકા અટકી ગઇ.

અખિલ એના ચહેરા સામે એક નજર નાખીને વિચારવા લાગ્યો:'આટલી હસીન સ્ત્રી મને અડધી રાત્રે બોલાવે છે એમાં એના કરતાં મને વધારે જોખમ છે. ભૂલેચૂકે સંગીતાને ખબર પડી ગઇ તો આવી જ બનશે.'

'અત્યારે તો તમે પણ થાક્યા હશો અને ઘરમાં બધાં ઊઘતા હશે...' અખિલે ના પાડવાને બદલે કારણ રજૂ કર્યું.

'ઘરે કોઇ નથી...' સારિકા આમંત્રણ આપતી હોય એમ બોલી.

'હું સંગીતા સાથે આવીશ. તમને સમય હોય ત્યારે તમે આવજો...' અખિલ ખચકાયો.

થોડીવાર સુધી બંને મૂંગા જ રહ્યા અને સોસાયટી આવી ગઇ.

સારિકા કાર પાર્ક કરીને આવી ત્યાં સુધી અખિલ ઊભો રહ્યો.

'ચાલો લિફ્ટમાં જ જઇએ...' કહી અખિલના જવાબની રાહ જોયા વગર તેણે લિફ્ટનો દરવાજો ખોલ્યો અને અંદર ગઇ.

અખિલ લિફ્ટનો ઉપયોગ કરતો ન હતો. પહેલા માળે ઘર એટલે જ લીધું હતું. પણ સારિકાને ના પાડી શક્યો નહીં. અખિલે લિફ્ટનો દરવાજો બંધ કર્યો અને સારિકાએ સાતમા માળનું બટન દબાવી અખિલ તરફ કાતિલ મુસ્કાન સાથે જોયું. અખિલ કંઇ વિચાર કરે ત્યાં સુધીમાં લિફ્ટ પહેલા માળથી ઉપર વધી ચૂકી હતી.

ક્રમશ: