પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૫૮
મીતાબેન રણજીતલાલની લખમલભાઇ સાથેની એ પહેલી મુલાકાતની વાત કરી રહ્યા હતા:'લખમલભાઇની વાત સાંભળી તારા પિતાને નવાઇ લાગવા સાથે એ ન સમજાયું કે બીજા મજૂરોને પોતાના કામથી શું વાંધો હોય શકે? ઉલટાનું એ તો બીજા મજૂરો સાથે સારો સંબંધ રાખતા હતા. એમને કંપનીના કે પરિવારના કોઇપણ કામમાં મદદરૂપ થતા હતા. મને મજૂર તરીકે ના રાખવાનું બીજું કોઇ કારણ હશે? તારા પિતાને એક ડર લાગ્યો કે આ નોકરી છૂટી જશે તો બીજી જલદી મળતાં વાર લાગશે અને ભૂખ્યા દિવસો કાઢવાનો વખત આવશે.
એ ગભરાઇને કહેવા લાગ્યા:"સાહેબ, મારો વાંક-ગુનો શું છે? એમણે શું ફરિયાદ કરી છે? મને ખુલાસો કરવાની તક આપો. મને વિશ્વાસ છે કે કોઇએ તમને ખોટી ફરિયાદ કરી છે. મારી કામગીરી વિશે મેનેજર સાહેબ બધું જાણે છે. હું બહુ પ્રામાણિક્તાથી કામ કરું છું. કોઇ વસ્તુની તો ઠીક કામચોરી પણ ક્યારેય કરી નથી. ઘણી વખત તો હું વધારે સમય કામ કરું છું..."
તારા પિતાની આ વાત સાંભળી લખમલભાઇ હસવા લાગ્યા અને બોલ્યા:"હું એટલે જ કહું છું કે તને મજૂર તરીકે રાખી શકાય એમ નથી. તને મુકાદમ બનાવવા માગું છું. તારે બધાં મજૂરો પાસેથી કામ લેવાનું રહેશે. તારી કામગીરી સારી છે. અત્યારે જે મુકાદમ છે એ અસલમ એના અંગત કારણથી નોકરી છોડી રહ્યો છે. એ સ્થાન પર હવે તારે કામ કરવાનું છે."
એમની વાત સાંભળીને તારા પિતાની ખુશીનું કોઇ ઠેકાણું ના રહ્યું. કેમકે એ વિચારતા કંઇક હતા અને વાત અલગ જ હતી. લખમલભાઇ એમના કામની કદર કરી રહ્યા હતા. લખમલભાઇએ બીજા જ દિવસથી એમને મુકાદમ બનાવી દીધા. થોડા દિવસ તો એમને પોતે કામ કરવાને બદલે બીજા પાસેથી કામ કરાવવાનું ગમતું ન હતું. પોતાના જ સાથીદારોને કામ માટે હુકમ કરવાનું યોગ્ય લાગતું ન હતું. પણ લખમલભાઇએ એમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એમને પરિણામ આપવાનું હતું. એમણે મજૂરો સાથે સારા સંબંધ બનાવ્યા હતા એટલે એમણે એમને સહકાર આપ્યો. લખમલભાઇનો એમને મુકાદમ બનાવવાનો નિર્ણય સાચો સાબિત થયો હતો. લખમલભાઇએ થોડા જ સમયમાં એમની જવાબદારીઓ વધારી દીધી હતી. એમનો પગાર થોડો વધારવામાં આવ્યો હતો.
આપણે ત્યાં ખુશીઓ વધી હતી. પછી લોકો એમને 'રણજીતલાલ' કહેવા લાગ્યા હતા. લખમલભાઇએ પોતાની કંપનીનો વિસ્તાર કરવાનું શરૂ કરી દીધું હતું. એમણે મોબાઇલની મોટી કંપનીની સ્થાપના કરી. તારા પિતાને એમ હતું કે એમને મેનેજર બનાવી દેવામાં આવશે. એ સપનાં પણ જોવા લાગ્યા હતા. મેં એમને ત્યારે જ કહ્યું હતું કે તમે મેનેજર બનવાની લાયકાત ધરાવો છો પરંતુ એ માટેની શૈક્ષણિક લાયકાત તમારી પાસે નથી. એમને એ વાત સમજાઇ હતી. એમણે સ્વીકાર્યું હતું કે પોતાને લાયકાત પ્રમાણેનું જ કામ મળી રહ્યું છે. પછી એમને થયું કે મજૂરો સાથે કામ કરવાની મજા આવે છે. મુકાદમ તરીકે જ કામ કરતા રહેવું જોઇએ. મજૂરો એમની સાથે કામ કરવામાં આનંદ અનુભવતા હતા. એ મુકાદમ બન્યા પછી મજૂરોને મહેનત મુજબ પગાર મળતો થયો હતો. એમણે જ પછી કહ્યું હતું કે અગાઉ જે મુકાદમ અસલમ હતો એ લુચ્ચો હતો. એમને કામના પૂરતા પૈસા અપાવતો ન હતો કે પોતે ખાઇ જતો હતો. એ વધારે સમય કામ લઇને કોઇને કોઇ કારણ આપી ઓછો પગાર આપતો હતો. મજબૂર મજૂરો એની સામે કંઇ કહી શકતા ન હતા. એક મજૂરે એની વિરુધ્ધ ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એણે ખોટી રીતે એને ફસાવીને કાઢી મૂકાવ્યો હતો. શેઠ લોકોને એ કારણે કોઇ ફરક પડતો ન હતો. પણ એમને પછી એવું જાણવા મળ્યું કે અસલમે મોટો ગોટાળો કર્યો હતો. એટલે એને પોલીસમાં સોંપવાનું નક્કી થયું હતું. પરંતુ એણે કરગરીને પોતાનાથી પાછા આપી શકાય એટલા રૂપિયા આપી દીધા અને માફી માગી લઇ રાજીનામું આપી દીધું હતું.
લખમલભાઇને તારા પિતા પર બહુ વિશ્વાસ આવી ગયો હતો. એ કારણે જ મુકાદમ તરીકે એમને કામ સોંપી દીધું હતું. તારા પિતાને ત્યારે ખબર ન હતી કે સમય કેવી કરવટ બદલવાનો હતો અને લખમલભાઇ ભવિષ્યમાં કેવી ચાલ ચાલવાના હતા.
ક્રમશ: