Doesn't even the mobile feel tired??? in Gujarati Motivational Stories by Rasik Patel books and stories PDF | શું મોબાઇલ ને પણ થાક નહિ લાગતો હોય ???

Featured Books
Categories
Share

શું મોબાઇલ ને પણ થાક નહિ લાગતો હોય ???


શું મોબાઇલ ને પણ થાક નહિ લાગતો હોય?? એને પણ આરામ ની જરૂર નહિ પડતી હોય ?? શું એને પણ એમ નહિ થતું હોય કે આ માણસ હવે મને છોડે તો સારું !!..એને પણ રિલેક્ષ થવાની ઈચ્છા નહિ થતી હોય ?? જો માણસનું શરીર સતત ૮ ૧૦ કલાક કામ કર્યા પછી થાક અનુભવતું હોય... આરામ માંગતું હોય... મનને પણ આરામ જોઈતો હોય.... વળી આપણે થાકી ને લોથપોથ થઈ ગયા પછી આરામ માટે ઉંઘી જતા હોઈએ.... તો પછી મોબાઇલ ને પણ અમુક કલાક ઉંઘાડી ના દેવો જોઈએ, નાના બાળકની જેમ આપણે પણ મોબાઇલ ને આખો દિવસ અને આખી રાત રમાડ્યા કરીશું તો મોબાઇલ ઊંઘશે ક્યારે ?? મોબાઇલ નો આરામ આપણી ઇન્દ્રિયો ને તંદુરસ્ત રાખશે અને તન મન ને હળવાશનો અનુભવ કરાવશે તે નક્કી, કુદરતે નિર્માણ કરેલી દરેક જીવ સૃષ્ટિ તે પછી નિર્જીવ હોય કે સજીવ.. આરામ માંગે છે.હજારો વર્ષો થી સ્થિર ઉભેલું વૃક્ષ પણ વાવાઝોડાથી અને પવનની થપાટો થી થાકી ને આરામ માંગે છે, જો મોબાઇલ ને વાચા ફૂટે તો માણસ ઉપર શાબ્દિક હુમલો કરી ને જરૂર બૂમો પાડે કે હે માણસ તેં તો મારું જીવવાનું હરામ કરી નાખ્યું..માંડ હું કંઇક શ્વાસ લઉં ત્યાં તો કોઈ ને કોઈ ની રીંગ વાગે અને વળી વાયબ્રેશન મોડ માં તો મારું આખું શરીર ધ્રુજવા માંડે અને મને તાવ ચડી જાય છે..ભગવાન પાસે એક જ પ્રાથૅના કરું કે મને પુનર્જન્મ "મોબાઇલ" નો તો ના જ આપે..આવો આપણે સૌ સાથે મળી ને મોબાઇલ ને ૧૨ કલાક નો વિરામ આપીએ..

એક નાનકડી નિર્જીવ વસ્તુ આપણા તન મન બુદ્ધિ નો કબ્જો લઈ લે તેવું કેમ ચાલે?? પૂરી ૬ ફૂટ ની કાયા નો કબ્જો એક ૪ ઇંચ ના મોબાઇલ પાસે હોય તેવું કેમ ચાલે?? આવો મનોમંથન કરીએ...

4 કે 5 ઇંચ નો મોબાઇલ 6 ફૂટના માણસ નો કબ્જો એવો લઈ લે કે જેમ શ્વાસ વગર માણસ નું મૃત્યુ થઈ જાય તેમ મોબાઇલ વગર માણસ એક મિનિટ જીવી ના શકે, માણસ ભોજન કરતો હોય અને જ્યાં પહેલો કોળિયો મોંઢામાં નાખે ત્યાં દૂર ડ્રોઈંગ રૂમ ના સોફા પર પડેલા ભોરિંગ નાગ જેવા મોબાઇલ ની રીંગ વાગે અને કોળિયો હાથમાં જ રહેવા દઈને ડાબા હાથે મોબાઇલ પકડી વાત કરતો જાય અને એ વાતો ને ખાતો જાય... ખાવામાં એનું બિલકુલ ધ્યાન નથી અને બને છે એવું કે ખાતા ખાતા મોબાઇલ ઉપર એવો વળગે કે રઘવાયો થઈ સામેના માણસ જોડે ઉગ્ર ભાષા માં બાઝતો જાય..ભયંકર ગુસ્સો કરતા કરતા મોબાઇલ ઉપર જ બરાડા પાડતો જાય અને બને એવું કે એનું ભોજન પણ ઝેર બની જાય..અને આવું ઝેરી ભોજન ખાધા પછી પાછો પરિવાર ઉપર તૂટી પડે..આખરે આ બધું મોબાઇલ ને કારણે જ ને!!

ક્યારેક કોઈ કહેશે કે અરે યાર તમને કેટલા ફોન કર્યા તમે તો મોબાઇલ ઉપાડતા જ નથી..મારે તે ભાઈને વંદન સાથે એટલું જ કહેવું છે કે મોબાઇલ સીવાય ની પણ કોઈ દુનિયા હોય છે મારા ભાઈ...,મોબાઇલ ને ગળે સર્પ ની જેમ ટીંગાડી ફરી શકાય નહિ, ક્યારેક તો તમે પોતાની જાત સાથે જીવો!!.. જાત સાથે વાતો કરો.. જાત સાથે ખોવાઈ જાવ.. જાત સાથે અંદર ઉતરીને જોવો..ઊંડા ઉતરો..પ્રભુની સમીપ બેસો... જ્યાં ફકત તમે પોતે હોવ, જ્યાં દૂર દૂર સુધી કોઈ મોબાઇલની રીંગ ના વાગતી હોય..જ્યાં દૂર દૂર સુધી કોઈ ટીવી નો ઘોંઘાટ ના હોય..જ્યાં જ્યાં ફકત એવું એકાંત હોય કે જ્યાં શાંતિ હવામાં લહેરાઈ ને પ્રવાહિત થઈ રહી હોય .આવી પરમ શાંતિ નો અનુભવ કરો, જ્યાં તમારું તન મન ઓગળી જાય..શરીર થી દુર આત્માનું અનુસંધાન લાગી જાય..શાંતિ દૂર ક્યાંય નથી એતો અકડે ઠકડે તમારી અંદર જ ઠાંસી ઠાંસી ને કોઈ શાંત સરોવર ની જેમ બિરાજમાન છે, તમારે એ શાંત સરોવર સુધી પહોંચીને તેમાં તરવાનું છે છબછબીયા કરવાના છે,..આવો મોબાઇલ ને પણ થોડોક આરામ આપીને તેને નકોડો ઉપવાસ કરાવીએ જેથી તેનું અને આપણું બન્ને નું આરોગ્ય સારું રહે...તે નિર્વિવાદ છે..

શિક્ષક અને લેખક(matrubharati) રસિક પટેલ તા.2.12.2022