આકાશનાં લગ્નની વિધિઓ પ્રારંભ થઇ ચુકી હતી. અંદર રૂમમાં રત્નાને જોવાં ગયેલી દિવ્યા અને ચાંદની પોતાના ઉદાસ ચહેરો બનાવી બહાર નીકળી. દિવ્યા મનમાં તો રત્નાની મમ્મીને કોશતી હતી. " એક વખત ચહેરો જોવા દિધો હોત તો શું અપશુકન થઈ ગયુ હોત ". મનમાં દિવ્યા બોલતી હતી.
ચાંદની અને દિવ્યા બધાંની સાથે બેસીને લગ્નની ચાલતી વિધિઓ જોવાં લાગી. પંડિતજીએ કન્યાને મંડપમાં લાવવા કહ્યું. રત્ના નાં મામા અને તેની મમ્મી બન્ને ઘરમાંથી રત્નાને બહાર મંડપ સુધી લાવી રહ્યાં છે. લાલ રંગની ચમકતી સાડી પહેરીને મહેંદીથી રંગેલા હાથ વડે પોતાનાં ઘુંઘટને ઝાલીને રત્ના ધીમે-ધીમે મંડપ તરફ આગળ વધી રહી છે.
બેઠેલાં બધાં મહેમાનો રત્ના તરફ જોવાં લાગ્યાં. આકાશ પણ રત્ના તરફ જોવાં લાગ્યો. સામે બેઠેલી અવનીના આંખોમાં લાગણીની સરવાણી મનમાં જાતજાતની અભિલાષા સાથે રત્નાની તરફ જોવાં લાગી. લગ્નની વિધિઓ ચાલુ હતી. કન્યાદાન માટે પંડિતજી કન્યાનાં માતા-પિતાને બોલાવ્યાં. પરંતુ રત્નાના પિતાજી નાનપણથી નહોતાં તેથી મામાજી કન્યાદાન કરે છે. હસ્તમેળાપ કરવામાં આવ્યો અને ત્યાર બાદ ફેરાનો સમય થવા આવ્યો. વર-વધુ ફેરા માંટે ઉભાં થયાં અને ફેરાની વિધિ આગળ વધારવામાં આવી. પરંતુ જાનના સ્વાગત માટે નહીં તો ઢોલ નહીં મહેમાનો અને નહીં કો સંબંધિઓ. આકાશની બાજુમાં બેસેલો સમીર આ બધી વાતને નોટિસ કરી રહ્યો હતો.
લગ્નની વિધિ પતવા આવી છે. આકાન રત્નાના ગળામાં મંગલસૂત્ર પહેરાવે છે. હવે રહ્યું સિંદુર પુરવાનું છતાં રત્ના પોતાનો ઘુંઘટ ઉઠાવતી નથી. અંતે આકાશ સિંદુર કેવી રીતે પુરવો એ મુંજવણ અનુભવે છે. રત્નાની માં બાજુમાં ઉભીને એનો ધુઘટ સાવ નહીંવત હટાવીને આકાશને વિધિ પુરી કરવાનું કહે છે. પંડિતજી દ્વારા લગ્નની સમાપ્તિ જાહેર કરવામાં આવી. નવદંપતી બધાને પગે લાગીને આશીર્વાદ આપે છે.
પિયુષ અને અક્ષય વ્હીલચેર પર અધિરાજ કાકાને લગ્ન સ્થળે લાવ્યાં. જેવી રત્ના અધિરાજના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાં નજીક વધી રહી હતી. તેમતેમ અધિરાજને હાથ-પગ વધારે ધ્રુજવા લાગે છે. બધાંએ ખુબ વ્હાલથી આશિર્વાદ આપ્યા. આકાશની આંખો અવનીના ઉદાસ ચહેરાને વારંવાર નિહાળી રહી હતી. સપનામાં પણ કદી આકાશને અન્ય કોઈ છોકરી સાથે જોવાનું વિચાર્યું નહોતું. લગભગ બપોરનાં બે વાગવા આવ્યા હતા.
જમવાનો સમય થવા આવ્યો હતો. બહારથી બે વ્યક્તિઓ આવીને બાર- પંદર વ્યક્તિઓનું જમવાનું તૈયાર કરીને આપી ગયાં. બધા ભોજન કરવા બેઠા પરંતુ રત્ના પોતાનો ઘુંઘટ ઉઠાવતી નથી. આકાશની મમ્મીએ રત્નાનુ આજે વ્રત હોવાનું જણાવ્યું. બધા જમીને ઉભા થયાં. જાનને વિદાય લેવાની તૈયારીઓ શરૂ થઈ રત્ના તેની માને ભેટીને રડવા લાગી. માં અને મામાજીને મળીને રત્નાને વિદાય આપવામાં આવી.
સમીર, પિયુષ અને અક્ષયને આ લગ્ન થોડાં અજુગતા લાગી રહ્યાં છે. રત્ના અને આકાશ ગાડીમાં બેઠાં અને ગાડી આગળ વધવા લાગી." અરે...! યાર હું જમવા બેઠો ત્યાં જ મારો ફોન ભુલાઈ ગયો ". ગાડી ચલાવતાં પિયુષ બોલ્યો. આગળની ગાડીમાં આકાશ, રત્ના અને સમીર હતાં બીજી ગાડીમાં અક્ષય, અધિરાજ કાકા, સુધા અને સવિતાબેન હતાં. બન્ને ગાડી હવેલી તરફ આગળ વધી રહી હતી.
ત્રીજી ગાડીમાં પિયુષ, દિવ્યા, ચાંદની અને અવની બેઠાં હતાં. પિયુષ ગાડી પાછી રત્ના નાં ઘર તરફ વાળી. પિયુષ ઘર તરફ આગળ ગાડી રાખીને આમતેમ જોવા લાગ્યાં. પરંતુ ઘર આસપાસ ક્યાંય દેખાણું નહીં. પિયુષ ગાડીમાંથી ઉતરીને આમતેમ જોવા લાગ્યો. અવની, દિવ્યા અને ચાંદની ત્રણેય ગાડીમાંથી ઉતરીને આશ્ર્ચર્ય માં પડી ગઈ. હમણાં થોડીકવાર પહેલાં અહીં ઘરેથી નીકળ્યાં એ ઘર ત્યાંથી ગાયબ હતું.
પિયુષ ધીમે-ધીમે આગળ વધવા લાગ્યો ત્યાં તેનો ફોન જમીન પર ધુળમાં પડ્યો હતો. પિયુષએ આગળ વધીને જોયું ત્યાં જમીન પર બે લીંબુ પડેલા હતાં. રત્ના ની મમ્મી,મામાજી અને ઘર બધું અદ્રશ્ય થઈ ગયું હતું. પિયુષ અવની, દિવ્યા અને ચાંદનીને ત્યાં પડેલાં લીંબુ બતાવે છે. બધાં મિત્રોનાં હાથ-પગ ધ્રુજવા લાગે છે. " પિયુષ આ કોઈ માયાવી જગ્યા લાગી રહી છે. આપણે વધારે સમય અહિયાં રોકાવું જોઈએ નહીં ".ચાંદની ધ્રુજતાં અવાજે બોલી.જલ્દીથી બધાં ગાંડીમા બેસી ગયા.
પિયુષએ પોતાનો ફોન ચાલુ કર્યો અને સમીરને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સમીર ફોન ઉઠાવતો નથી. સમીર અને અક્ષયની ગાડી હવેલીએ લગભગ પહોંચવા આવી હતી. સમીર ગાડીમાંથી ઉતરીને પિયષને ફોન કરવા જતાં નેટવર્ક નથી મળી રહ્યું. સુધા ગાડીમાંથી ઉતરીને ગૃહપ્રવેશની તૈયારીઓ કરી નવી વધુના કંકુ પગલાં કરવામાં આવ્યાં. કંકુની થાળીમાં પગ બોળીને રત્ના જેવાં ઘરમાં પગ માંડવા લાગી ત્યાં પાછળથી એનાં પગનાં નિશાન લાલ રંગનાં બદલે કાળાં રંગનાં થવા લાગ્યાં. સુધાના હાથમાંથી રહેલી આરતીની થાળી નીચે પડી ગઈ.
બધાં એકબીજાના ચહેરા તરફ જોવાં લાગ્યાં. રત્નાએ પોતાનો ઘુંઘટ ઉઠાવી નાખ્યો અને પાછળ ફરીને બધાંની તરફ જોતાં બધાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.
ક્રમશ...