*..........*..........*.........*.........*
" આભા, તું મારી એક વાત માનીશ??" આદિ એ પ્રેમ પૂર્વક પૂછ્યું.
" આદિ... ક્યારેય એવું બન્યું છે કે મેં તારી વાત ના માની હોય??" આભા એ જવાબ આપ્યો.
" મારા ગયા પછી...." આદિત્ય ભવિષ્ય માટે ચિંતિત હતો.
" આદિ પ્લીઝ.. આગળ કંઈ ન કહેતો. તું ક્યાંય નથી જવાનો. હું તને નહીં જવા દઉં. આપણે સારામાં સારા ડોક્ટર પાસે તારો ઈલાજ કરાવશું. તું એકદમ ઠીક થઈ જશે." આભા એ વાત માનવા તૈયાર જ ન્હોતી કે આદિત્ય હવે બહુ થોડા સમય નો મહેમાન છે.
" આભા, મેં તારી લાઇફ બરબાદ કરી નાંખી ને?" આદિત્ય હાંફતા હાંફતા બોલી રહ્યો હતો.
" એવું શું કામ બોલે છે? " આભા તેને અટકાવતાં બોલી.
" જો ને ભૂલ મેં કરી, અને સજા તું ભોગવીશ. " આદિત્ય પોતાની ભૂલનો પસ્તાવો કરી રહ્યો હતો.
" આદિ, બસ હવે. તું આરામ કર.. " આભા તેને નાના બાળક ને સુવરાવતી હોય એમ સુવાડી રહી હતી.
" આકૃતિ હજુ બહુ નાની છે. તાારી સામે તારી આખી લાઈફ પડી છે. તુંં બીજા મેરેજ..."
" બસ, આદિ.. તું ઈચ્છે છે કે આકૃતિ માતા પિતા બંને ને ગુમાવી દે. અને હું તારી એ વાત માની લઉં??" આભા એ આદિત્યને વચ્ચે જ અટકાવી પૂછ્યું.
" આભા, હું બસ એટલું ઈચ્છું છું કે હું આ દુનિયામાં ના હોઉં ત્યારે તું જીવનસફરમાં એકલી ના રહે." આદિત્ય માંડ બોલી શક્યો.
" બસ કર આદિ.. તારી જગ્યાએ બીજું કોઈ?? એ ક્યારેય નહીં બને." આભા રડી પડી.
ઘણા દિવસો થી આભાને બિહામણા સપનાંઓ આવતા હતા. આદિત્ય એ અનંતની વાટ પકડી લીધી હોય અને એ બસ આદિ ના નામની બૂમો પાડી એને શોધતી હોય.
" આદિ.. આદિ...."
*.........*.........*.........*.........* ........*
"આદિ.. આદિ.." આભા ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી આદિ ને પોતાની આસપાસ શોધવા લાગી.
આકાશ તેની આ દશા જોઈ ભાંગી પડ્યો. બા, અને બાપુજી આભાને બીજા રૂમમાં લગાવેલા આદિત્ય નાં ફોટા સામે લઈ ગયા. આદિત્ય જાણે હજુ હમણાં જ મૃત્યુ પામ્યો હોય એમ આભા હૈયાફાટ રુદન કરી રહી હતી. બધા એ તેને રડવા દીધી. થોડી વાર પછી આકાશ આકૃતિ ને લઈ એની સામે આવ્યો.
આકૃતિ આકાશને પૂછી રહી હતી, " પપ્પા, મમ્મા કેમ રડે છે.?
આભા એ એમની તરફ જોયું. થોડીવાર પહેલા જે આદિત્ય ને યાદ કરી રડી રહી હતી એ આભા ને થોડા સમય પહેલાં નાં આકાશ સાથે ના સંબંધો નજર સામે ફરવા લાગ્યા. આકાશ નો આકૃતિ પ્રત્યેનો પ્રેમ, એની પિતા તરીકેની ફરજ, એની દરકાર એ અવગણી શકે એમ ન હતી.
પણ પોતે...?
પોતે આદિત્ય ને ભૂલી જઈને આ રિલેશન માં કઈ રીતે આગળ વધી???
પોતે આસાનીથી આદિત્ય ને ભૂલી ગઈ.?
પોતે આવું કઈ રીતે કરી શકે??
પણ હજુ ભૂતકાળના અમુક અંશો તેની સ્મૃતિમાંથી ગાયબ હતા.
એ અંશો યાદ કરવા એ મથી રહી હતી. તેની આંખોમાંથી આંસુઓ ભૂંસાઈ ગયા હતા એની જગ્યા આકાશ વિશે એની જીજ્ઞાસા એ લઇ લીધી હતી.
આદિત્ય નાં ભાઈ ભાભી, તેની બહેન, તેનાં બા બાપુજી, આભા નાં મમ્મી પપ્પા, આકાશનાં મમ્મી પપ્પા, તેનાં કાકા કાકી, તેનો ભાઈ બધાં જ આભા ને એનાં ભૂતકાળના દરેક પાસાથી અવગત કરાવવા તૈયાર હતા. એના સિવાય કોઈ વિકલ્પ નહોતો.
*..........*...........*..........*..........*..........*
રિયા અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરતી હતી. આમ તો એ રૂઢિચુસ્ત પરિવાર માંથી હતી એટલે છોકરાંઓ સાથે વાત કરવામાં પણ શરમાતી. પણ એની અન્ય સહેલીઓ રાહુલના ફ્રેન્ડ સર્કલ માં ભળેલી હતી. એટલે રાહુલ તેને ઓળખતો. રિયાની સાદગી એને પહેલાથી જ પસંદ હતી.
એકવાર જ્યારે આદિત્ય તેનાં બાપુજી સાથે અમદાવાદ આવ્યો ત્યારે બાપુજીની તબિયત પણ થોડી લથડી ગઇ હતી. અને આદિત્યને અમુક રિપોર્ટ કરાવવા રોકાવું પડે એમ હતું. રિયા હોસ્ટેલમાં રહેતી અને બીજા કોઈ સગા તો અમદાવાદમાં હતાં નહીં. ત્યારે રાહુલને જાણ થતાં એ એમને પોતાના ઘરે લઈ આવ્યો.
પછી તો જ્યારે આદિત્ય અમદાવાદ આવતો એમના ઘરની મુલાકાત અચૂક લેતો. આકાશ એનો સારો મિત્ર બની ગયો હતો. આકાશ સાથે વાતો વાતોમાં જ એને જાણ થયેલી કે આકાશ એનાં મનમાં એક મૂર્તિ કંડારીને બેઠો છે એનાં સિવાય અન્ય કોઈ એને ક્યારેય પસંદ જ ના આવ્યું એટલે તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. અને એ મૂર્તિ આભાની હતી એ પણ અમુક વાતો પરથી સ્પષ્ટ હતું. એટલે જ આદિત્ય પોતે ઈચ્છતો હતો કે પોતે આ દુનિયા છોડી ને જાય ત્યારે આકાશ એની જગ્યા લે.
*...........*..........*..........*..........*
" આદિત્ય, તું ઠીક થઈ જાય પછી હું તારા ઘરે ચોક્કસ આવીશ. બા, રિયા, ભાઈ ભાભી, એન્ડ સ્પેશિયલી તારી આકૃતિને મળવા." આકાશ દર વખતે આદિત્યને કહેતો.
" આકાશ, તું આ વખતે જ મારી સાથે ના આવી શકે? " આદિત્ય એ આશા ભરી નજરે આકાશ તરફ જોયું.
" આદિત્ય, શું વાત છે?? આ વખતે તારી વાતો મને ડરાવે છે. તું ઠીક તો છે ને?" આકાશે ગભરાતા અવાજે પૂછ્યું.
" અત્યારે તો ઠીક છું પણ ક્યાં સુધી ઠીક રહીશ?? મેં તારા ઘરે બહુ મહેમાનગતિ માણી. એકવાર તું પણ મારા ઘરે આવ. મને સારું લાગશે." આદિત્ય એને વિનવણી કરી રહ્યો હતો.
આદિત્ય એની વાત માની એનાં ઘરે આવ્યો. બાપુજી અને રિયા ને ઓળખતો જ હતો. બા અને હિતેશ ભાઈને મળીને એ પોતે એ ઘરનો સભ્ય હોય એવું લાગ્યું. હેમાલી અને દર્શિલ સાથે રમતી નાનકડી આકૃતિ ઉભી રહેતા શીખી હશે. આટલી નાની ઉંમરે એ ઢીંગલી પિતાની છત્રછાયા ગુમાવી દેશે એ વાત યાદ આવતા તે દુઃખી થયો. થોડી વારમાં આભા ચા લઈને આવી. પણ બાપુજી હોવાથી આભા ઘુુંઘટમાં હતી. થોડી વાર પછી બધા પોતાના કામ માં પરોવાયા. આકાશ અને આદિત્ય બહાર ફળિયામાં લીમડાના છાંયે બેઠાં હતાં. જ્યાંથી ઘરની અંદર તરફ જોઈ શકાતું હતું. અંદર ભારતી ભાભી અને આભા રસોઈ ની તૈયારી માં લાગી ગયા હતા. આકાશે આભા ને બૂમ મારી પાણી મંગાવ્યું. આ વખતે આકાશ તેનો ચહેરો જોઈ શક્યો. અને જોતો જ રહી ગયો.
" શું આ એ જ આભા છે જે મારા મનમાં આટલા વર્ષોથી ઘર કરીને બેઠી છે.??"
" એ કઈ રીતે હોય શકે?? તો પછી એ એના જેવી કેમ લાગી??"
" ના, આ આભા નહીં હોય. હું બસ એનાં વિશે વિચાર્યા કરું છું એટલે મને એવું લાગ્યું હશે."
" પણ, આ પહેલા તો આવું ક્યારેય નથી બન્યું. તો પછી આ....?"
" આ છે મારી વાઈફ આભા." આદિત્ય આકાશને આભાનો પરિચય આપતાં બોલ્યો.
આકાશ અવાક્ થઈ જોઈ રહ્યો. આજ પહેલા ક્યારેય એણે આદિત્યની વાઈફ વિશે ચર્ચા નહોતી થઈ.
" તો શું થયું કે એનું નામ આભા છે? એ મારી આભા નથી. " આકાશ મનોમન વિચારી રહ્યો હતો.
" આભા સુરતની છે..... નસીબ એને અહીંયા લઈ આવ્યું." આદિત્ય એ હસતાં હસતાં કહ્યું.
( આકાશે પહેલી વાર આભા ને જોઈ ત્યારે તે તેની એક ફ્રેન્ડ ને હેરાન કરતાં છોકરા સાથે લડી રહી હતી. ત્યારથી એના મન પર એ છવાયેલી રહેતી. પણ એ કેટલી ખતરનાક છે એ જાણ્યા બાદ એ તેને પોતાની મનની વાત કહેતા ડરતો હતો. અને આમ પણ તેઓ હજુ સ્કૂલમાં હતાં. પોતાની લાગણીઓ સમજવા એને પણ સમયની જરૂર હતી. સતત ચાર વર્ષથી તે રોજ આભા ને અચૂક નિહાળી લેતો હતો. સ્કૂલ પૂરી કરી કોલેજમાં એ આભા સાથે એડમિશન લેશે અને પછી પોતાની લાગણીઓને તે વ્યક્ત કરશે એવું આકાશે નક્કી કરેલું. પણ તે પહેલાં જ તેનાં પપ્પા એ પોતાના બિઝનેસ માટે અમદાવાદ શિફ્ટ થવાનું નક્કી કર્યું. અને એનો પરિવાર અમદાવાદ આવી ગયો. ત્યાર બાદ એ પોતે અભ્યાસ માટે વિદેશ જતો રહ્યો. ચાર વર્ષ બાદ જ્યારે તે પાછો આવ્યો. અને સુરત ગયો ત્યારે આભા ની એક ફ્રેન્ડ પાસેથી એને જાણવા મળ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યાં છે. પછી પોતે પિતાનાં વ્યવસાય માં ખૂંપી ગયો. એ આભા ને ક્યારેય ભૂલી શક્યો નહીં એટલે એણે ક્યારેય લગ્ન ન કરવાનું નક્કી કરેલું.)
" સુરત.....! તો આ એ જ...?" આકાશ હજુ મનોમન સંવાદ કરી રહ્યો હતો.
" હેલ્લો.." આભા એ સસ્મિત કહ્યું.
એકબીજા સાથે થોડી વાતચીત કરી આભા પાછી પોતાના કામમાં વ્યસ્ત બની ગઈ. આકાશ થોડો વ્યથિત થઈ ગયો. આદિત્ય એ બાપુજી, બા, અને હિતેશ ભાઈને અગત્યની વાત કહેવા બોલાવ્યા.
બધા આતુરતાથી આદિત્ય નાં બોલવાની રાહ જોઈ રહ્યા હતા.
*..........*..........*..........*...........*
આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.