(એ સ્ત્રીનો ધણી દોડાદોડ આવ્યો અને ઉચ્ચક જીવે પૂછ્યુ શુ થયુ પૂર્વીને) હવે આગળ વાંચો....
એ સ્ત્રી કે જેનું નામ રમીલા હતુ. એ પોતાના ધણીને જોઈને એકદમ એને વળગી પડી. અને ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગી.અને રડતા રડતા બોલી.
"પ્રભુનો પાડ માનો કે આપણી પૂર્વી બચી ગઈ."
એના ધણીએ રમીલાને પોતાનાથી અળગી કરતા ઉચ્ચકજીવે પૂછ્યુ.
"માંડીને વાત તો કર કે થયુ શુ?"
"તમે પૂર્વીના જન્મદિવસે લાલ રંગનું ફરાક લાવ્યાતા ને.એ પહેરાવીને હું એને નિશાળે મુકવા આવતી તી.ત્યાં એક આખલો એનુ લાલ ફરાક જોઈને ભૂરાયો થઈને.એની પાછળ દોડ્યો. પૂર્વી આગળ અને આખલો એની પાછળ. અને હું આખલાની પાછળ.મારી છોડીને બચાવો.મારી છોડીને બચાવો.એમ બૂમો મારીને દોડતી હતી.લગભગ અડધુ ગામ તમાશો જોતું હતુ.પણ કોઈની હિંમત ન થઈ કે એ આખલાને રોકે.એ તો ભલું થાય આ જુવાનનુ કે જેણે પોતાના જીવની પરવા કર્યા વગર આખલાની સામે આવીને ઉભો રહ્યો. અને આપણી પૂર્વીનો જીવ ઉગાર્યો."
હવે રમીલા ના ધણીએ જીગ્નેશ તરફ જોયું જીગ્નેશની આંખો સાથે એની આંખો ચાર થતા જ એને કાલે બપોરે ખેતરમાં ભજવાયેલું એ દ્રશ્ય તરી આવ્યુ.
હાથમાં શેરડીનો સાઠો લઈને પોતાને અને પોતાના સાથી જસાને ઠમઠોરતો જીગ્નેશ..અને પછી ખેતરમાં જ પોતાની બાઈક મૂકીને ભાગતા ભાગતા પોતે જીગ્નેશને આપેલી ધમકી પણ એને યાદ આવી ગઈ.'તને હું ક્યારેક ને ક્યારેક. ક્યાંક ને ક્યાંક હું જોઈ લઈશ.'
પોતાના જ વેરીને આમ પોતાની દીકરીના તારણહાર તરીકે જોઈને રમેશને પહેલા તો શું બોલવું એ જ સુજતુ ન હતુ.પણ કાલના પ્રસંગનો આજના પ્રસંગની સાથે એણે સરખામણી કરી જોઈ. ગઈકાલે એ મહેર દાદાની મદદે આવ્યો હતો. અને આજે પોતાની પુત્રીને મદદરૂપ થયો હતો એને પોતાની કાલની વર્તણુક ઉપર પસ્તાવો થવા લાગ્યો.
કાલે એને ખૂબ જ ક્રોધ આવ્યો હતો જીગ્નેશ ઉપર કે એને અને મહેરદાદાને શું લેવા દેવા? શા માટે એ પરાઈ આગમાં કુદયો હશે?પણ આજે એને જીગ્નેશના એ પારકી આગમાં કૂદવાના સ્વભાવ બદલ.માન ઉપજી આવ્યુ.એના એ પરગજુ સ્વભાવના કારણે જ આજે પોતાની લાડકી પૂર્વીનો જીવ બચ્યો હતો. એણે પોતાના અહમ ઉપર વિજય મેળવતા જીગ્નેશને કહ્યુ.
"ભાઈ તું કોણ છો.એ હું નથી જાણતો પણ તારા આ પરોપકાર કરવાના સ્વભાવના કારણે જ આજે મારી દીકરીનો જીવ બચ્યો છે તારો હું જેટલો પાડ માનુ એટલો ઓછો છે.અને આપણી વચ્ચે કાલે જે કંઈ પણ થયું એ માટે હું શરમ અનુભવું છુ. અને એ માટે હું તારી હાથ જોડીને માફી માગું છુ."
રમેશનો પસ્તાવો જોઈને જીગ્નેશે પણ એને પોતાનાથી વયમા મોટા હોવાના કારણે માનથી સંબોધતા સ્પષ્ટ શબ્દોમા કહ્યુ.
"અગર ખરેખર તમને કાલની વાતનો પ્રશ્ચાતાપ હોય ને રમેશભાઈ તો તમારે મારી નહીં પણ મહેર દાદાની માફી માંગવાની હોય."
રમીલાને આ વાર્તાલાપ થી ખાસ કાંઈ સમજાણું નહિ.ફક્ત આટલુ જ સમજાયું કે આ બંને અત્યારે બીજી વાર મળી રહ્યા છે.
"તમે આ ભાઈને ઓળખો છો?"
રમીલાએ રમેશને પૂછ્યુ.
"હા અમે કાલે જ મળ્યા હતા.તે મારા પગ અને પેટ ઉપર જે લાલ સોળ જોયા હતા ને એ તારા આ ભાઈએ જ આપ્યા છે."
"હેએ એ..."
રમીલાનુ આ સાંભળીને મો ખુલ્લું રહી ગયુ. પછી રમેશે જીગ્નેશ ને કહ્યુ
"ખરેખર જુવાન તારા આજના પરાક્રમ બદલ મને મેં કરેલા અત્યાર સુધીના મારા તમામ કૃત્યો માટે અફસોસ થાય છે.કે મેં લોકોને ત્રાસ અને તકલીફ આપીને ફક્ત નફરત જ ભેગી કરી છે અને તે અહીં આવીને એક દિવસમાં લોકોનો પ્રેમ જીતી લીધો છે.તારા કરતા હું ઉંમરમાં મોટો ભલે છુ પણ તારી આગળ હું મારી જાતને વામણો અનુભવું છુ."
વધુ આવતા અંકે