ઈશાન અને અપેક્ષાના લગ્ન ધામધૂમથી અને સુખરૂપ સંપન્ન થયા અને ઈશાન તેમજ અપેક્ષા યુએસએ પોતાના ઘરે પણ પહોંચી ગયા ત્યારબાદ ઈશાન લગ્ન પછીનો થોડો સમય અપેક્ષા સાથે એકાંતમાં વિતાવવા માંગતો હતો એટલે તેણે બાલીની કપલટૂરમાં ફરવા જવા માટેનું બુકિંગ પણ કરાવી દીધું હતું. હવે આગળ....
ઈશાન અને અપેક્ષા દુન્યવી ચિંતાઓથી મુક્ત એકાંતમાં બંને એકબીજાને માણવા અને લગ્ન પછીના નજીકના જે યાદગાર દિવસો હોય છે તેને વધુ યાદગાર બનાવવા માટે બાલી પહોંચી ગયા હતા અહીંયા તે બંનેને ડિસ્ટર્બ કરવાવાળું કોઈ નહોતું બસ તે બંને, એકાંત અને તેમનો મીઠો પ્રેમ અને જીવનની યાદગાર ક્ષણો....
લગ્ન પછી પણ અપેક્ષા જેવી ખુશ હોવી જોઈએ તેવી ખુશ નહોતી અંદરથી જાણે કોઈ વાતમાં ઉલજેલી અને મૂંઝાયેલી લાગતી હતી. "ના કોઈને કહેવાય, ના સહેવાય" તેવી તેની પરિસ્થિતિ હતી.
ઈશાન ખૂબજ ખુશ હતો અને તે મનભરીને આ દિવસોને માણવાના મૂડમાં હતો પરંતુ અપેક્ષાને આમ જરા ઉદાસ જોઈને તે પણ વિચારમાં પડી જતો હતો...!!
બાલી પહોંચ્યા એ દિવસ તો તેમનો આમ થાક ઉતારવામાં અને આરામ કરવામાં જ પસાર થઈ ગયો પછી બીજે દિવસે સવારે ઈશાન થોડો વહેલો જ ઉઠી ગયો હતો અને એક્સસાઈઝ કરીને, સવારની ગુલાબી રંગત તેણે સ્ટ્રેસ ફ્રી થઈને જરા માણી અને રિલેક્સ થયો અને તેમને સાઈટ સીન માટે જવાનું હતું એટલે અપેક્ષાને ઉઠાડવા માટે તે તેની બાજુમાં જઈને સૂઈ ગયો. અપેક્ષાને સવાર સવારમાં ખૂબજ મીઠી નીંદર આવી રહી હતી તેણે ઉઠવાનો ઈન્કાર કર્યો પરંતુ ઈશાન તેમ જપે તેમ નહોતો તેણે તો અપેક્ષાને પોતાની બાથમાં ભીડી લીધી અને તેને કીસ કરવા લાગ્યો છેવટે અપેક્ષાની નીંદર ઉડી અને તે ઉઠી ગઈ. બંને તૈયાર થઈને સાઈટસીન માટે નીકળી ગયા.
બંને એકબીજાના હાથમાં હાથ નાખીને હર્યા ફર્યા અને ખૂબ ફોટા પણ પડાવ્યા. બંનેએ ઈશાનના મોમ અને ડેડ સાથે વાતો કરી અને પછી લક્ષ્મી અને અક્ષત, અર્ચના સાથે પણ અપેક્ષાએ વાત કરી લીધી.
રૂમ ઉપર આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી.
બંને જમીને બેડમાં લગોલગ શાંતિથી નાઈટ ડ્રેસ પહેરીને બેઠાં અને ઈશાને પોતાનો કેમેરા ફોટા જોવા માટે ખોલ્યો અને એક પછી એક બંને ફોટા જોયા કરતા હતા ઈશાન પોતાની અપેક્ષાના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો અને અચાનક ઈશાને અપેક્ષાને પૂછ્યું કે, "અપુ હું તને એક વાત પૂછું?" અપેક્ષાની કોમળ આંગળીઓ ઈશાનના માથામાં પ્રેમથી ફરી રહી હતી અને તે ઈશાનના કપાળને પ્રેમથી ચૂમી રહી હતી અને બોલી કે, "હં પૂછ ને"
"આ બધાજ ફોટા મેં જોયા પણ એમાં તું એકદમ આમ ખુશખુશાલ, ફુલેલી ફુલેલી, હસતી ખેલતી મારી અપેક્ષા નથી લાગતી. તું કંઈક ચિંતામાં હોય તેમ જાણે વિચારોમાં ખોવાયેલી લાગે છે. આપણાં લગ્નથી તું ખુશ નથી કે પછી મોમ કે ડેડ તને કંઈ બોલ્યા છે કે પછી અક્ષતે તને કંઈ કહ્યું છે કે પછી તારા મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે..!! લગ્ન પહેલાં આપણે મળતાં અને આમ જરાક અમથો પણ રોમાન્સ કરતાં તો પણ તારા ચહેરા ઉપર એકદમ ખુશી આવી જતી અને તારા ગાલ ઉપર જાણે લાલી પથરાઈ જતી અને શરમની મારી તારી આંખો ઢળી પડતી, મારી એ બિંદાસ અપેક્ષા જાણે ક્યાંક ખોવાઈ ગઈ છે અને માટે જ મેં કપલટૂરનો પ્લાન કર્યો, હું મારી એ નિશ્ચિંત, બિંદાસ્ત અને હસતી ખેલતી અપેક્ષાને પાછી મેળવવા માંગુ છું માટે તારા મનમાં જે કંઈપણ હોય તે તું મને કહી દે, કયું દુઃખ તને સતાવે છે? તારે મન ભરીને રડવું હોય તો રડી પણ લે, મારો કંઈ વાંક હોય તો તું મને પણ બિંદાસ કહી શકે છે પણ આમ મનમાં ને મનમાં મુંઝાયા ન કરીશ.. મારાથી મારી આ અપેક્ષા નથી જોવાતી..!!"
ઈશાનના આ શબ્દો સાંભળીને અપેક્ષા જાણે ચોંકી ઉઠી તેને ખબર પણ નહોતી કે તે જાણે સૂનમૂન રહ્યા કરે છે અને તેના ચહેરા ઉપરની લાલી ગૂમ થઈ ગઈ છે ઈશાનના આ શબ્દોથી તે જાણે ભાનમાં આવી ગઈ.. તેણે એટલું બધું તો પોતાના મનમાં ભરી રાખ્યું હતું ને કે તેણે થોડા હલકા થવાની જરૂર હતી પણ તેની એટલી નજીક તો કોઈ હતું જ નહીં જેને તે પોતાની દિલની વાત કરી શકે... ક્યારેક પોતાના દિલની વાત કહેવા માટે પણ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિનું આપણાં જીવનમાં હોવું આવશ્યક બની જાય છે.. જેને આપણે બધુંજ કહી શકીએ અને આપણું મન હલકું બની જાય અને તે વ્યક્તિ આપણી વાત કોઈને કરે પણ નહીં...
અપેક્ષાની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા તે ચૂપ રહી પણ અંદરથી જાણે તેને કંઈક ગૂંગળામણ થતી હોય તેમ લાગ્યું. તેણે પોતાની આંખો બંધ કરી દીધી અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી....
અપેક્ષા મિથિલની વાત કરવા તૈયાર છે કે નહિ? કે પછી રડીને ચૂપ થઈ જશે?
અને તેના મગજ ઉપર આની કોઈ ખરાબ અસર તો નહીં પડે ને?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/11/22