Ek Chahat ek Junoon - 8 in Gujarati Love Stories by જાગૃતિ ઝંખના 'મીરાં'.. books and stories PDF | એક ચાહત એક ઝનૂન - ભાગ 8

Featured Books
Categories
Share

એક ચાહત એક ઝનૂન - ભાગ 8


રાશિ આચાર્યએ પ્રવેશ પંડ્યાની કુંડળી કઢાવી લીધી. તેણે ઇરાદાપૂર્વક એનાં માટે જ પોસ્ટ ઊભી કરી. તેને ખબર હતી કે પ્રવેશને કારકિર્દી બનાવવી છે, જો તેને આચાર્ય પ્લાસ્ટોમાં રાશિ આચાર્યનાં પી.એ.ની પોસ્ટ ઑફર થશે તો તે નકારશે નહીં. રાશિને પ્રવેશમાં કોઈ રસ ન હતો. તેને તો બસ તૃષાની સામે તેને છતો કરવો હતો. અરે રાશિને તે દરેક પુરુષને હરાવવો હતો, જેનામાં રાજેશ વસતો હોય.

પ્રવેશને મેઇલ મળી ગયો. તેણે નક્કી કર્યું કે જ્યારે પહેલી સેલેરી આવશે ત્યારે હું સરસ રિંગ ગિફ્ટ કરી તૃષાને સરપ્રાઇઝ આપીશ. ત્યાં સુધી જૉબ વિષે કશું શેર નહીં કરું.

પહેલાં દિવસે જ ઓફિસમાં પ્રવેશ સમયસર પહોંચી ગયો. રાશિએ જ્યારે કેબિનમાંથી પ્રવેશને બોલાવ્યો ત્યારે તેનાં ચહેરાની શિકલમાં સ્હેજ પણ બદલાવ ન આવ્યો. "મે આઈ કમ ઇન મેમ?" નો મી. શર્માનો એક સરખો અવાજ આજે અલગ લહેકામાં પરિવર્તિત થઈ રાશિનાં કાન સુધી પહોંચ્યો."તો હું આવું ને અંદર રાશિ મેમ?" એમ બોલતો સદાબહાર હાસ્ય રેલાવતો તે અડધો તો અંદર આવી પણ ગયો.

રાશિને મેમ સાંભળવાની આદત હતી પણ પોતાનું નામ સાંભળવાની નહીં. તેથી એક ક્ષણ માટે કાનને આ નવીન સંબોધનથી આનંદ થયો તો ટોકવા માટે જીભ સુધી આવી ગયેલ શબ્દોએ પણ બોલવામાં સાથ ન આપ્યો. પછી ઔપચારિક કામને લગતી ચર્ચા થતી રહી. રાશિ ઇચ્છતી હતી કે તૃષાને કશી ખબર પડે અને તે પ્રવેશને કહી દે કે તે રાશિની બહેનપણી છે તે પહેલાં જ પ્રવેશ સુધી પહોંચી જવાનું હતું.

હજુ સુધી એક રવિવાર વીતી ગયો તો પણ મુલાકાત વખતે પ્રવેશની જૉબ વિષે તૃષા કશું બોલી નહીં તેથી રાશિને એ ખાત્રી થઈ ગઈ હતી કે આ બંને વચ્ચે ક્યાં જૉબ મળી તેની ચર્ચા નથી થઈ. કદાચ પ્રવેશ પોતે જ્યાં સુધી જૉબ સિક્યોર્ડ ન થાય ત્યાં સુધી આ વિષે કશું તૃષાને કહેવા નહીં માંગતો હોય તેમ વિચારીને રાશિએ પોતાની દિશા તરફ ડગલું માંડવાનું શરૂ કર્યું.

અચાનક રાશિની તૈયાર થવાની પદ્ધતિ પણ બદલાય ગઈ. તેણે દરેક વાતમાં પ્રવેશને વધારે ઈમ્પોર્ટન્સ આપવાનું ચાલું કર્યું. કંપનીનાં એક મોટા ઑર્ડરની તમામ ડિલથી માંડી તેનાં પ્રોડકશન અને સપ્લાય સુધીની બધી બાબતોનો પ્રવેશને ઇન્ચાર્જ બનાવી દીધો. એ બહાને તે પ્રવેશને નજીક ખેંચતા માંગતી હતી.

વાતચીત દરમિયાન પ્રવેશ રાશિની આભાથી અંજાઈ જતો એ જોઈ રાશિ મનોમન ખુશ થતી. તે જ્યારે જરૂર પડે ત્યારે એકદમ સપાટ બની જતી અને અચાનક એકદમ નજીક હોવાનો ડોળ પણ કરી લેતી.


બરાબર એ સમયગાળામાં તૃષાનાં પપ્પાને એક ખાસ કેસમાં અનિશ્ચિત સમયગાળા માટે બદલી કરી બીજાં શહેરમાં મૂકાયા. તેથી તૃષાને પણ જવું પડ્યું. તેણે પ્રવેશને જ્યારે આ વાત કહી કે તેને તાત્કાલિક જવું પડશે, તો પ્રવેશનાં હાવભાવમાં ક્યાંય તૃષા ઇચ્છતી હતી તે ફેરફાર જોવા ન મળ્યાં. જરા ઝંખવાઈ ગયેલી તૃષા બોલી, "શું થયું પ્રવેશ? કેમ આટલો ખોવાયેલ લાગે છે? તારું ધ્યાન મારી વાતો કરતાં મોબાઈલની સ્ક્રીન તરફ વધારે જતું રહે છે. તું બહુ બિઝી હોય તો હું હવે જાવ. તને સમય મળે ત્યારે તું તારી અનુકૂળતા મુજબ કૉલ કે મેસેજ કરજે. બાય.."

એ વખતે રાશિએ સતત પ્રોજેક્ટ રિપોર્ટ વિષે, નેક્સ્ટ મીટિંગ વિષે, પ્રેઝન્ટેશન વિષે સવાલો અને ચેટ કરી પ્રવેશને બિઝી રાખ્યો. પ્રવેશ ન્હોતો ઇચ્છતો કે કોઈ પણ ભોગે રાશિ આચાર્ય તેનાંથી કોઈ વાત પર નારાજ થાય અને સફળતાની પહેલી સીડી પર જ તે કોઈ પણ કારણોસર થાપ ખાય. તેથી તે અત્યારે તૃષા સાથે હોવા છતાં તેની સાથે ન હતો. તૃષા બહુ ભાગ્યેજ આ રીતે પ્રવેશને મળતી પણ જ્યારે મળતાં ત્યારનાં પ્રવેશ કરતા આજનો પ્રવેશ તેને અલગ મહેસૂસ થયો!

આ તરફ પ્રવેશ તૃષાને વધુ ખુશ કરવાની લ્હાયમાં અત્યારે પોતે જે કરી રહ્યો છે તે વર્તનની તૃષા પર શી અસર પડશે તે વિચારવાનું ચૂકી ગયો. તેણે તૃષાને કહ્યું,"એક્ચ્યુઅલી તૃષા મારા એક ફ્રેન્ડને નવી જૉબ મળી છે. તેને એક પ્રોજેક્ટમાં હું હેલ્પ કરી રહ્યો છું. હી વાન્ટસ ટુ મીટ મી ફોર ધેટ. સો આઇ..."

"ઇટ્સ રિઅલી વેરી ઑકે. પ્રવેશ. મને તે કહ્યું હોત કે તું આટલો બિઝી છે તો હું તને આમ અચાનક મળવા ન બોલાવી લેત. ધેટ વોઝ માય મિસ્ટેક. ડોન્ટ વરી. યુ મે કૅરી ઓન. ટેક કેર ઓફ યોર સેલ્ફ. બબાય!" તૃષાએ ચહેરા પર શક્ય એટલી સ્વસ્થ હોવાનો ડોળ ચાલુ રાખ્યો અને પછી સડસડાટ કરતી બહાર નીકળી ગઈ.

પ્રવેશ તેને કશું કહે કે રોકે ત્યાં રાશિ મેમ કૉલિંગ મોબાઈલની સ્ક્રીન અને તેની આંખો બંનેને ચમકાવી રહ્યું.

ક્રમશઃ...

જાગૃતિ, 'ઝંખના મીરાં'....