Avak 21-22 in Gujarati Travel stories by Dipak Raval books and stories PDF | ‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 21-22

Featured Books
Categories
Share

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 21-22

21

માનસરોવર....

આટલી ચમકતી એ બપોર ખરેખર હતી કે હવે થઈ ગઈ છે, સ્મૃતિમાં સોનેરી ?

સૂરજ નીચે ઉતરી રહ્યો હતો. અમારાં માથાને બદલે ચહેરા પર આવી ગયો હતો, જાણે થાકેલા ચહેરા પંપાળવા, કોઈ બાપ-દાદાની જેમ. છબીમાં મારા ચહેરા પર અસ્ત થતાં સૂરજનો પડછાયો જાઉં છું, તો દૈવી આશીર્વાદ જેવુ લાગે છે.

એ ત્યારે કેમ નહોતો દેખાયો ?

હરિદ્વારના પરમાર્થ નિકેતનવાળાઓની ધર્મશાળા છે. ભારતીય તીર્થયાત્રીઓની સુવિધા માટે. સાદી છ-આઠ પથારીવાળી રૂમ.

એક આઠ પથારી વાળી રૂમ અમને મળી છે.

આખી યાત્રામાં પહેલીવાર અમે ત્રણ –હું, રૂબી, પંકુલ અને રૂપા તથા એનાં ફિલ્મ ઉદ્યોગવાળા સાથી એક જ રૂમમાં રોકાયા છીએ.

એમનાં સાથી મોહનની તબિયત ઠીક નથી. કદાચ ઠંડી લાગી ગઈ છે અને તાવ આવ્યો છે. એટલું બધુ પહેરતાં હતા આ લોકો, બીજા ગ્રહના પ્રાણી લાગતાં હતાં, તો પણ....સૌથી ઉત્સાહી અને શાનદાર વ્યક્તિ મોહન જ છે.

-     ભલે અહીંથી હેલિકોપ્ટરમાં પાછું નેપાળ જવું પડે, કૈલાસ પરિક્રમા તો કરવી જ છે.

એણે આખે રસ્તે કહ્યું હતું. હવે એ ઉદાસ પડ્યો છે, એનાં સાથી એણે વારેવારે હલાવે છે, મોહન સૂપ લઈ લે.

સ્વામીજીને માનસરોવર લાવવાને બદલે સીધા દારચેન હોસ્પિટલ લઈ ગયા છે. ક્યાં એમને આવતી કાલે સવારે અહીં પુજા કરવાની હતી.....

અમે બધાં ઉત્સવમાં છીએ. હજી ઘણો દિવસ બાકી છે. જળને જોતાં જ સ્નાનની ઇચ્છા ઉપર આવી ગઈ છે. કાલે સવારે તો માનસરોવર ઠંડુ હશે. અત્યારે જ કેમ ના નહાઈ લઈએ ?પરંતુ અત્યારે હવા એટલી તેજ છે કે ટોપામાં એનાં અવાજ સિવાય કશું સંભળાતું નથી. આવી હવામાં ખુલ્લામાં સ્નાન કરવાનું ઠીક નથી. જે કંઈ હોય, પરમ દિવસે પરિક્રમા માટે સ્વસ્થ રહેવાનુ છે.

-અહીં થી બે કિલોમીટર એક ગરમ સ્રોત છે. સ્નાનઘર બનેલાં છે. વીસ યુઆન આપીને ગરમ સ્નાન કરી શકો છો.

ખબર નહીં, કોણે આ ખુશખબર આપી છે.

તરત હું અને રૂપા ટુવાલ-સાબુ લઈને તૈયાર થઈ ગયાં. કાલે સવારે પૂજા કરવાની છે.

અમારી ચોકડી  જીપમાં જઈ પહોંચી છે. રૂબી અને પંકુલ નીચે પ્રવાહ તરફ નીકળી ગયાં છે.

ગંધકનું ઝરણું છે, નામ છે, ગંગા - છૂ.

છૂ એટલે નદી.

એની એક ધારાને સ્નાનઘરમાં વાળી દીધી છે.

ટબ વાળી કેબિન છે. નળમાં ભરાવેલું કપડું કાઢી લ્યો તો ગરમ પાણી ભરાવા લાગે છે. પાણી ગરમ નથી, હુંફાળું છે. લાંબો રસ્તો કાપીને નીચે આવી રહ્યું છે, કદાચ એટલે. અમે એનાથી જ પ્રસન્ન છીએ. એટલાં કે રૂપા એની કેબિનમથી બૂમ પડે છે,

-     કોઈ ગીત આવડે છે તને ?

પોતપોતાના ટબમાં બેસીને અમારી અંતાક્ષરી ચાલી રહી છે.

-     ઓહ રે તાલ મિલે નદી કે જલ મે નદી મિલે સાગર મેં.....

બાળપણમાં શિખેલા ફિલ્મી ગીતો હજી સુધી યાદ છે મને ? ગાઈ રહી છું અને વિસ્મિત થઈ રહી છું....રૂપા જૂના રોમાંટિક ગીતો ગાઈ રહી છે.....એની ઉમર છે. હું એનાં ગીતો ધ્યાનથી સાંભળવા લાગી છું, તો બૂમ પાડીને કહે છે,

-     તું ચૂપ કેમ થઈ ગઈ, મારી સાથે ગાને !

કોઈ કહી શકે કે કાલે માનસરોવરને કાંઠે બેસીને પૂજા કરનારી અમે આવી પાક્કી ભક્તાણીઓ નિકળીશું ?

પાછાં વળીએ છીએ તો અંધારું ઘેરાઈ રહ્યું છે, ધર્મશાળાના આંગણામાં ઘણી હલચલ છે.

જાણવા મળે છે કે ચેન્નાઈવાળા મહારાજજીને દારચેનવાળી હોસ્પિટલે તેમને દાખલ કરવાની ના પડી દીધી છે. કહે, અહીં પૂરી વ્યવસ્થા નથી. આમને અહીંથી જલ્દી લઈ જાવ. એમના જીવને જોખમ છે.

હવે ?

-     હેલિકોપ્ટરથી લ્હાસા જવામાં ચાર લાખ થશે, ત્યાંથી કાઠમંડુની ફ્લાઇટ અલગ. ઓછામાં ઓછા ત્રણ-ચાર લોકો તો સાથે હોવા જોઈએ.....અંતે ચેન્નાઈવાળા નક્કી કરે છે કે કાલે સવારે માનસરોવરની પૂજા પછી તરત આખું ગ્રૂપ પાછાં જઈએ. ચાર દિવસનો રસ્તો બે દિવસમાં પાર કરી લઈએ તો નેપાળ પહોંચી શકીએ. ત્યાં એજન્સીને ખબર કરી દીધી છે. મિસ્ટર નારાયણ કોદારી બોર્ડર પર એમ્બ્યુલન્સ સાથે મળશે.

મહારાજજી બોર્ડર સુધી જીવતા પહોંચશે કે નહીં એ જ ચિંતા હવે અમને રહેવાની છે.  

સાતમે દિવસે અમે કાઠમંડુ પહોંચ્યા તો ખબર પડી કે બિલકુલ મૃતપ્રાય હતાં, જ્યારે બોર્ડર પર પહોંચ્યા ત્યારે. હવે આઈસીયુમાં હતાં, સ્વાસ્થ્યલાભ કરી રહ્યા હતાં. મહારાજજી મૃત્યુને સ્પર્શીને પાછાં આવ્યા હતાં.....

22

આજની રાત, બસ આજની રાત બચી છે, એ તપાસવા માટે કે અમે પરિક્રમા કરી શકીશું કે નહીં. રૂબી, પંકુલ, રૂપા એકદમ ફિટ છે. હું ડામાડોળ છું. ન રોકાઈ શકું છું કે ન જઈ શકું એમ છું.

-રૂબી !

એકાંત જોઈ એને કહું છું.

- મારી એક ઇચ્છા છે, તને કહું છું, પછી સમય મળે ન મળે....જો ઉપર ડોલ્મા લા માં મને કંઈ થઈ જાય તો દેહ પાછો ન લઈ જશો. ત્યાં જ મૂકી દેજો, મા તારા પાસે. કોઈ સંસ્કાર વગેરે ન કરશો.

- આ તમે શું કહો છો ?

- તમે લોકો મારી સાથે આવ્યા છો. ક્યાંક ફસાઈ ન જાવ. તમને મારી ઇચ્છાની પણ ખબર હોવી જોઈએને !

કહીને હું મુક્ત થઈ ગઈ છું.

શું પોતાની ઇચ્છા મને કહીને નિર્મલ પણ આ રીતે મુક્ત થયા હશે ?

નિર્મલ, જુઓ, હું ખરેખર માનસરોવર પહોંચી ગઈ છું.. તમે મારી સાથે જ છો ને ?

-     તમે રાતે અઢી વાગે જાગશો ? પંકુલ પૂછે છે.

માનસરોવરમાં રાતે બે થી ચાર વાગે બ્રહ્મમુહૂર્તમાં દેવતા સ્નાન કરવા આવે છે...દેવતા અને તારાઓ....એવો વિશ્વાસ છે.

પંકુલ એ જ દૃશ્ય જોવા વિશે પૂછી રહ્યો છે.

-     હું બહુ થાકી છું...તમે લોકો જોઈને કહી દેજો....

સાવ અંધારામાં, સન્નાટામાં અમે સાત જણ સૂઈ રહ્યા છીએ. દરેકની ઉંઘમાં ઘડિયાળ ચાલી રહી છે, ટીક-ટીક.

શું ખરેખર રાતના બે વાગે ‘તેઓ’ આવતા હશે ? આ જગ્યા દુનિયાથી આટલી દૂર અને સ્વર્ગથી આટલું પાસે છે, કે આવું બિલકુલ શક્ય લાગે છે.... એવો કટ્ટર અવિશ્વાસ નથી હોતો, જેમ મેદાનમાં.....

ખબર નહીં કેવી રીતે આંખ ખૂલી ગઈ છે. પેટમાં તીવ્ર પીડા થાય છે. શું બાથરૂમ જઈ આવું ?

એવી તીવ્ર પીડા  ઉપડી છે કે જેકેટ પણ પહેરાતું નથી. પેટ પર હાથ મૂકીને બહાર આવી ગઈ છું.

મહાદેવજી હવે શું મારો વારો છે ?

કોઈ જાણે ચીપિયાથી મારાં આંતરડા બહાર ખેંચી રહ્યું છે.....

બહાર કડકડતી ટાઢ છે, પરંતુ હવા નથી.

આકાશ...આટલા બધા તારા....લાખો....એકથી એક ચમકતા...

તારા આવી રીતે નાચે છે ? આકાશગંગા આવી શ્વેત હોય છે ?

પુર્ણિમા ક્યારે હતી ?

આઠ દિવસ પહેલાં. તો પણ આવી ચાંદની રાત !

કેટલાં વાગ્યા છે ?

રૂમમાં પાછી આવીને ટોર્ચના પ્રકાશમાં સમય જોઉ છું, સવા બે....

એ જરૂર દેવતા જ હશે....

મેં ક્યાં આ પહેલાં કોઈને જોયા છે તે કહું એ નથી... આટલાં તેજસ્વી... એ માત્ર તારા ન હોઈ શકે...જરૂર એમાં સપ્તઋષિ પણ હશે....એવો દાંડિયા રાસ ચાલી રહ્યો હતો આકાશમાં...

શું ફરીથી બહાર જાઉં ?

કોઈએ કહ્યું હતું, દેવતાઓને એવી રીતે સંતાઈને જજો કે એમને ખબર ન પડે, નહીં તો અદૃશ્ય થઈ જશે...હજી સુધી તો એમને ખબર નથી, હવે જો જઈશ તો જરૂર જાણી જશે...રહેવા દો, લીલા કરી રહ્યા છે, કરવા દો.

યુ આર લકી ! હું મારી જાતને કહું છું. એક મીઠું રહસ્ય મારી છાતીમાં ગલગલી કરી રહ્યું છે...હું આ રાતની વાત કોઈને નહીં કહું !

પરંતુ ક્યાં સુધી ?

-ઊઠશો નહીં ?

વહેલી પરોઢે આપણે માનસરોવરમાં સ્નાન કરીને પૂજા કરવાની હતી. બધું નક્કી કરીને સૂતાં હતાં આપણે.

રૂપા મને હલાવી રહી છે અને પીડાથી મારૂ મોં ભીંચાયેલું છે. રાતે અંધારામાં જ ગોળી ખાધી હતી, હજી પીડા એવીને એવી છે. કયા પડખે સૂવું કે સહન થાય....રેતી પર પડેલી માછલી થઈ ગઈ છું.

-     હું મરી રહી છું રૂપા...ખબર નહીં શું થઈ રહ્યું છે, તમે જાવ, શરૂ કરો.....

કેટલાં ઉત્સાહથી બધી તૈયારી કરી હતી એણે એકલીએ.

આ અજાણ્યા પ્રદેશમાં યજ્ઞ માટે લાકડાં, ઘી, ચંદન, ચોખા બધું એ જ એકઠું કરતી રહી હતી. જુદા જુદા પડાવમાં, એમાં અમારો એક શેરપા રોશન એની મદદ કરતો રહ્યો, મને તો એ ત્યારે કહેતી જ્યારે એક નવી વસ્તુ મળી જતી. એક તમિલ આંટી પાસેથી એણે પૂજા વખતે પહેરવા સાડી પણ ઉધાર માંગી લીધી હતી....

માનસરોવર પહોંચ્યા તો રૂપાની તૈયારી બિલકુલ આદર્શ હતી. યજ્ઞમાં ચડાવવાની મીઠાઇ સાથે. ખબર નહીં ક્યાંથી એ લાડુ અને પિન્નિઓ પણ લઈ આવી હતી !

અને અત્યારે હું અહીં પડી હતી...

જ્યારે ભાગ્યમાં ન હોય ત્યારે આવું જ થાય,

અને એ અસિમ પીડાની ક્ષણમાં હું પ્રાર્થનામાં ચાલી ગઈ. બરાબર એવી રીતે જેમ દિલ્હીમાં ડોક્ટરના મેજ પર ફિજીઓથેરપી કરાવતી વખતે ચાલી જતી હતી...

મહાદેવજી, તમારી બાળકી છું, બહુ દૂરથી આવી છું, મારી યાત્રા સુખદ કરો મહાદેવજી.....

ખબર નહીં કેટલીવાર.

અને ત્યારે અકસ્માતે જ એ અદૃશ્ય ચીપિયો હવામાં રોકાઈ ગયો, જે આખી રાત મારાં આંતરડા ચીરી રહ્યો હતો. હું એકદમ સ્વસ્થ થઈને પથારીમાં બેઠી થઈ ગઈ. શું થોડીવાર પહેલાં તે હું જ હતી, જે પીડામાં આળોટી રહી હતી ?

ન હવે પીડા હતી, ન એની સ્મૃતિ… ક્યાંક હું કોઈ સપનું તો નહોતી જોઈ રહી ?

પૂજામાં પહોંચી તો હજી પણ મૂંઝવણમાં હતી.....

રૂપને પૂજા શરૂ કર્યાને દસ જ મિનિટ થઈ હતી. રૂબી-પંકુલ, રોશન, એક પૂનાવાળા પ્રોફેસર હવનકુંડ આસપાસ બેઠા હતાં.

તેજ હવા હતી અને યજ્ઞનો અગ્નિ હતો....

પ્રાર્થનાના મંત્ર હતાં, રૂપાના ઉંચા સ્વરમાં આહ્વાન હતું. કયો એવો દેવતા હોય જે આ અવાજ, આ ભાવને સાંભળીને રોકાઈ જતો ?

નિર્મલ, જુએ છે આ નાનકડી છોકરીને ? કેવી બોલાવી રહી છે દેવતાઓને ? કહેતી હતી, પૂજા કરશે તારા માટે..રૂપાનું અડધું બિડાયેલું મુખ, સૂર્યના તેજથી ચમકતું....

અને ત્યારે મને અચાનક ચમકારો થયો. આ ક્યાંક ગાયત્રી તો નથી ?

એવું નથી કે આ વિચાર આ યાત્રામાં મને પહેલાં નહોતો આવ્યો...

આખે રસ્તે જ્યારે પણ હું એને જોતી, મંત્ર રટતી, દંડવત સૂર્યનમસ્કાર કરતી, શિવના સ્તોત્ર વાંચતી, તો મને આ જ સંદેહ થયા કરતો હતો....

બની શકે, આ સમયે ગાયત્રી મા એના પર સવારી કરી રહી હોય અને એને ખબર ન હોય ?

ઓળખવા તો તમારે જ પડશે, રિનપોછેએ કહ્યું હતું.

માનસરોવરની એ સવારે જ્યારે રૂપાએ અદ્ભુત પૂજા સમાપ્ત કરી ત્યારે હું અનાયાસ એના ચરણોમા ઝૂકી ગઈ.

ઓછામાં ઓછું એ ક્ષણે એ મારી દેવી ગાયત્રી જ હતી.....