વારસદાર પ્રકરણ 70
ઘરે પહોંચ્યા પછી મંથને અદિતિને બધી જ વાત વિગતવાર કરી અને એ પણ કહ્યું કે મને હવે એક સરસ બહેન મળી ગઈ છે. મને બહેનની ખોટ સાલતી હતી જે ઈશ્વરે પૂરી કરી. મેં દિલથી તર્જનીને મારી બહેન તરીકે સ્વીકારી લીધી છે. તારા પણ નણંદના ઓરતા પૂરા થશે. સુખ દુઃખની વાતો કરવા માટે એક નણંદ તો હોવી જ જોઈએ.
" તમારો નિર્ણય એ મારો નિર્ણય. તમે જે પણ વિચાર્યું હશે એ સારું જ હશે. ચાલો કમ સે કમ તર્જનીબેનને હવે એકલવાયુ જીવન જીવવું નહીં પડે. એમને ભાઈની ખોટ પણ પુરાઈ જશે" અદિતિ બોલી.
"હા અદિતિ એનો સ્વભાવ ખરેખર સરસ છે. હવે પ્રશ્ન એ થાય છે કે મારે તર્જનીને ક્યાં ગોઠવવી ? બહેન માની છે તો પછી એને આપણા ઘરે જ લાવવી ? કેતાની કંપનીમાં અદિતિ ટાવર્સમાં લઈ જવી કે પછી દલીચંદની દીકરી તરીકે એમના ઘરે જ લઈ જવી ? કારણ કે મારે એને હવે ત્યાં નથી રહેવા દેવી. " મંથન બોલ્યો.
" ગડાશેઠનાં પત્ની સુશીલામાસી દિલનાં બહુ જ ઉદાર છે. એમને હું સમજાવી શકીશ. નોકર ચાકરના ભરોસે છે. એમને દીકરીની કંપની મળશે કારણ કે મોટી દીકરી તો કાયમ માટે અમેરિકા સેટ થઈ ગઈ છે. " મંથન બોલ્યો.
" જુઓ દીકરી તો પારકા ઘરની લક્ષ્મી ગણાય. તમે કહો છો એમ એ જો ૨૩ વર્ષની થઈ ગઈ હોય તો બે ત્રણ વર્ષમાં એને પરણાવવાનો ટાઈમ આવશે. એ આપણી સાથે કેટલો સમય રહેવાની ? એ સાસરે જતી રહેશે પછી આપણને વધારે સૂનું લાગશે. એ નાની ઉંમરની હોય તો વાત જુદી છે. અને એ ગમે ત્યાં રહેશે તો પણ એ તમારી બહેન તો રહેવાની જ છે. એ આવતી જતી રહે તો પણ આપણને તો એટલો જ આનંદ મળવાનો છે. " અદિતિ બોલી.
" હમ્... તો પછી કેતાના ત્યાં મૂકવી જોઈએ ? બંને વચ્ચે ત્રણ ચાર વર્ષનો ફરક છે તો એકબીજાને કંપની રહેશે. " મંથન બોલ્યો.
" તમે કેમ સમજતા નથી ? તો પછી આપણા ત્યાં શું ખોટી ? એ તો એનું એ જ થયું ને ? અને તમે ગઈકાલે રાત્રે જ મને વાત કરી કે તલકચંદ શેઠ કેતા લોકોને પોતાના બંગલે લઈ જવાના છે પછી તર્જનીબેનને એમના ઘરે મૂકવાનો શું મતલબ ? એ દલીચંદનું લોહી છે એટલે પ્રથમ અધિકાર એના પોતાના પિતાના ઘરનો છે. " અદિતીએ પોતાનો અભિપ્રાય આપ્યો.
" તારી વાત સાચી છે. મારે સૌથી પહેલાં તો સુશીલા માસીને મળવું પડશે. એમને વિશ્વાસમાં લેવાં પડશે. અને એ પછી જ હું તર્જનીને એમના ઘરે મૂકી આવી શકું. " મંથન બોલ્યો.
એ પછી બીજા બે ત્રણ દિવસ મંથને પોતાની ઓફિસમાં ધ્યાન પરોવ્યું. લોઅર પરેલની સાઈટ ઉપર પણ વિઝીટ કરી અને એન્જિનિયરોને જરૂરી સૂચના આપી ફીડબેક લઈ લીધો.
ત્રણ દિવસ પછી સવારે ૧૧ વાગે એ દલીચંદ શેઠના બંગલે મુલુંડ પહોંચી ગયો. ડોરબેલ મારી એટલે નોકરાણીએ દરવાજો ખોલ્યો. મંથન સોફા ઉપર બેઠો. થોડીવાર પછી શેઠાણી ડ્રોઈંગ રૂમમાં આવ્યાં અને મંથનની સામે બેઠાં.
" બોલો મંથનભાઈ. બસ આ રીતે તમે ક્યારેક ક્યારેક આવતા જતા રહો તો સારું લાગે. એમના ગયા પછી ઘર સાવ સૂનું સૂનું થઈ ગયું છે. " શેઠાણી બોલ્યાં.
" તમારું આ એકલવાયાપણું દૂર કરવા તો હું આવ્યો છું. " મંથન બોલ્યો.
" પહેલા તમે એ કહો કે તમને શું ફાવશે ? " શેઠાણી બોલ્યાં.
" શેઠના ઘરમાં એમનો અતિ પ્રિય આઈસ્ક્રીમ તો હોય જ એટલે એ જ મંગાવો. " મંથન હસીને બોલ્યો.
" તમે તો એમની રગે રગ જાણતા લાગો છો. " શેઠાણી હસીને બોલ્યાં અને એમણે નોકરાણીને આઈસ્ક્રીમ લાવવાનું કહ્યું.
" શેઠની રગે રગ જાણું છું માસી એટલા માટે તમને સ્પેશિયલ મળવા આવ્યો છું. " મંથને વાતનું પ્લેટફોર્મ તૈયાર કર્યું.
" તમે ગુસ્સો ના કરશો માસી અને ભૂતકાળમાં જે પણ થયું એના ઉપર હવે ઝાઝા વિચાર પણ ના કરશો. પૈસો હોય યુવાની હોય એટલે ઘણીવાર કેટલીક ભૂલો થઈ જતી હોય છે. અને તમે તો સમજદાર છો. મારી વાતને તમે સમજી શકશો. " મંથને વાત ચાલુ કરી.
" ગડાશેઠથી યુવાનીમાં આવી એક ભૂલ થઈ ગયેલી અને એના ફળ રૂપે એક સુંદર મજાની દીકરીનો જન્મ થયેલો છે. મને તો આ વાતની કોઈ જ ખબર ન હતી. પરંતુ મને ગડાશેઠે જેમ પેલા સફેદ કવરની વાત કરી એમ પોતાની દીકરી વિશે પણ વાત કરી. એ દીકરી અત્યારે મા વગરની છે. બિચારી ટ્યુશન કરીને ઘર ચલાવે છે." મંથન બોલ્યો.
" શેઠે મને સપનામાં કહ્યું કે - ' એને મારા ઘરે લઈ જા. એ મારું જ લોહી છે. તું સુશીલાને કહેજે કે મને માફ કરી દે અને એ તારી પોતાની જ દીકરી છે એમ માનીને એને સ્વીકારી લે. તું અત્યારે એકલી છે તો એ તારી સેવા કરશે. બસ આ મારી અંતિમ ઈચ્છા છે." મંથને થોડી ઈમોશનલ વાત કરી.
શેઠાણી થોડીવાર કંઈ બોલ્યાં નહીં. એટલામાં નોકરાણી આઈસ્ક્રીમ લઈને આવી અને મંથનના હાથમાં આપ્યો.
મંથને આઈસ્ક્રીમ ખાધો ત્યાં સુધી શેઠાણી મૌન રહ્યાં. એ ઊંડા વિચારમાં પડી ગયાં હતાં.
" શેઠે ખરેખર તમને સપનામાં આ બધું કીધું ? " શેઠાણી બોલ્યાં.
" માસી તમે તો મને ઓળખો છો. શેઠનો મારા ઉપર કેટલો બધો વિશ્વાસ હતો એ પણ તમને ખબર છે. હું કદી જૂઠું બોલતો નથી. અને એ દીકરી તમારા ઘરે આવીને રહે કે ના રહે એનાથી મને કોઈ ફરક પડતો નથી. પરંતુ શેઠે બે વાર મને સપનામાં કહ્યું એટલું જ નહીં મને એમની દીકરીનું એડ્રેસ પણ આપ્યું. " મંથન બોલ્યો.
"અને પારલામાં એ એડ્રેસ ઉપર હું જાતે જઈને તપાસ કરી આવ્યો ત્યારે ખબર પડી કે ખરેખર તમારી દીકરી તર્જની ત્યાં રહે છે. ત્યારે મને પણ વિશ્વાસ આવ્યો કે શેઠની વાત એકદમ સાચી છે. મેં તર્જનીને પૂછ્યું તો એણે કહ્યું કે મમા તો અત્યારે નથી પરંતુ મારા પપ્પા કોઈ દલીચંદ ગડા છે પણ મેં એમને જોયા નથી. " મંથન બોલતો હતો.
" શેઠ એ પણ બોલ્યા કે મારી એ દીકરી જો મારા ઘરે જશે તો મારા પાપનું પ્રાયશ્ચિત થશે અને મારા આત્માને પણ શાંતિ મળશે. એટલા માટે જ મારે આજે અહીં આવવું પડ્યું." મંથને પોતાની વાત પૂરી કરી.
શેઠાણી ફરી પાછાં બે ત્રણ મિનિટ માટે મૌન થઈ ગયાં.
" મારે એ છોકરીને મળવું પડશે. તમે એકવાર એને મારા ઘરે લઈ આવો. આજકાલની યુવાન પેઢી છે. જો એ સંસ્કારી હશે તો જરૂર હું એના વિશે વિચારીશ. શેઠની ઈચ્છા છે એટલે અનાદર નથી કરતી પરંતુ મારે એને મળવું તો પડશે જ. " શેઠાણી બોલ્યાં.
" તમારી વાત હું સમજી શકું છું. હું ચોક્કસ તર્જનીને એકવાર અહીં લઈ આવીશ. પરંતુ હું તમને ખાતરી આપું છું કે એકવાર એને મળ્યા પછી એને તમે અહીંથી જવા નહીં દો. સંસ્કાર અને આચાર વિચારની તો વાત જ ના કરશો. એટલી બધી ડાહી અને લાગણીશીલ છે કે હું તમને વર્ણન કરી શકતો નથી. માત્ર ૧૫ ૨૦ મિનિટ માટે મળ્યો છું અને મારા મન ઉપર એની સરસ છાપ ઊભી થઈ છે. " મંથન બોલ્યો.
" સારુ ભાઈ. મને તમારી ઉપર પૂરો વિશ્વાસ છે. તમે એકવાર લઈ આવો તો ખરા ! " શેઠાણી બોલ્યાં.
હવે વધારે વાતચીત કરવાનો કોઈ અર્થ ન હતો એટલે મંથન એમને બે હાથ જોડીને ઉભો થયો અને બહાર નીકળી ગયો. મન ઉપરથી એક બોજો હળવો થયો હોય એવી લાગણી થઈ.
હવે કેતાને અને મૃદુલાબેનને સરપ્રાઈઝ આપવાનું હતું. જમવાનું હજુ બાકી જ હતું એટલે મંથને ગાડી ત્યાંથી મલાડ લેવડાવી.
જમીને આરામ કર્યા પછી એણે કેતાને ફોન કર્યો જેથી એ લોકો ઘરે રહે.
કેતાના ઘરે પહોંચ્યો ત્યારે સાંજના છ વાગ્યા હતા.
" હમણાંથી બોરીવલી બાજુ આવતા નથી કે શું ? " કેતા દરવાજો ખોલીને બોલી.
" ના હમણાં નો આ બાજુ આવ્યો નથી. પપ્પાના ઘરે એકવાર હું અને અદિતિ આવ્યા હતા પરંતુ એ વખતે ટાઈમ ન હતો. " મંથન સોફામાં બેઠા પછી બોલ્યો.
" બોલો શું સેવા કરું તમારી ? આજે તો તમારે જમીને જ જવાનું છે. તમારો ફોન આવ્યો એટલે મેથીના ગોટાનું ખીરું બનાવીને તૈયાર જ રાખ્યું છે. ગરમા ગરમ તમને મળી જશે સાહેબ." કેતા હસીને બોલી.
" અરે પણ આવી બધી ધમાલ કરવાની ક્યાં જરૂર હતી ? હું મહેમાન થોડો છું ? " મંથન બોલ્યો.
" મહેમાન નથી એટલા માટે તો આ બધું હું કરું છું. તમને જમાડવાનો મને એક અલગ જ આનંદ હોય છે. તમે એ નહીં સમજી શકો. " કેતા બોલી.
મંથન સમજી શકતો હતો પરંતુ એ કંઈ બોલ્યો નહીં. કેતાનો એક તરફી પ્યાર હતો !
"સારુ. મારે મમ્મી સાથે થોડી અંગત વાત કરવી છે. મમ્મીને હું મળી શકું ?" મંથન બોલ્યો.
" મમ્મી સાથે અંગત વાત? એવી શું વાત છે કે આજે તમે મમ્મીને મળવા માંગો છો ?" કેતા આશ્ચર્યથી બોલી.
" ભાઈ અમારે પણ ક્યારેક પર્સનલ હોય ને ! " મંથન હસીને બોલ્યો.
" સારું સારું. મારે નથી જાણવું. મમ્મી બેડરૂમમાં છે હું જરા એમને કહી આવું. " કહીને કેતા ઉભી થઈને બેડરૂમમાં ગઈ.
ત્રણ ચાર મિનિટમાં જ કેતા બહાર આવી. " તમે જઈ શકો છો સાહેબ"
મંથન બેડરૂમમાં ગયો અને દરવાજો અંદરથી આડો કર્યો.
" શું વાત છે સાહેબ ? આજે તમે મને મળવા માંગો છો ! " મૃદુલાબેન બોલ્યાં.
"તમે મને સાહેબ ના કહો માસી. હું તો તમારા દીકરા જેવો છું. " મંથન બોલ્યો.
"એ તમારી મોટાઈ છે. આખા મુંબઈમાં તમારું નામ છે. મારી શીતલને પણ તમે લાખો રૂપિયા કમાવી આપ્યા. એનાં લગ્ન કરાવી આપ્યાં. અમને મુંબઈમાં લાવીને આટલો મોંઘો ફ્લેટ તમે અમને રહેવા માટે આપ્યો. તમે માનને લાયક છો." માસી બોલ્યાં.
" હું તો નિમિત્ત બનું છું માસી. બાકી તમારા પ્રારબ્ધમાં જે હોય એ તમને મોડું કે વહેલું મળે જ છે. માસી એક વાત પૂછું ? મને સાવ સાચો જવાબ આપજો. એટલા માટે જ હું તમને એકાંતમાં મળવા આવ્યો છું. " મંથન બોલ્યો.
મંથનના સવાલથી મૃદુલાબેન ચમકી ગયાં. મંથનભાઈને શું પૂછવું હશે ? થોડીવાર પછી મન મજબૂત કરીને એ બોલ્યાં.
" ઠીક છે પૂછો. તમારી આગળ ખોટું નહીં બોલું. " મૃદુલાબેન બોલ્યાં. એમનું દિલ ધડકતું હતું.
" તમે મુંબઈ પહેલીવાર જ આવ્યાં છો માસી? " મંથને શરૂઆત કરી.
" ના. હું પહેલાં પણ આવેલી છું. " મૃદુલાબેન બોલ્યાં.
"મુંબઈ તમારું સાસરુ છે માસી. કેતાના પિતાને ભૂતકાળની ભૂલ માટે બહુ જ પસ્તાવો છે. એ તમારી માફી માગવા માંગે છે. બીજી વારની એમની પત્ની વર્ષો પહેલા ગુજરી ગઈ છે. એ સાવ એકલા પડી ગયા છે. દીકરો વહુ છે પણ એ એમની દુનિયામાં મસ્ત છે. અબજો રૂપિયા એમની પાસે છે પરંતુ પોતાનું કોઈ નથી. એમને એમની દીકરીઓનો પ્રેમ જોઈએ છે માસી. દિલ મોટું રાખીને એમને માફ કરી દો. મારી તમને વિનંતી છે." મંથન બે હાથ જોડીને બોલ્યો.
મૃદુલાબેન ખરેખર મૂંઝાઈ ગયાં. મંથન ની વાત સાંભળીને એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. મન ભૂતકાળમાં સરી પડ્યું. પતિએ કરેલો બધો ત્રાસ યાદ આવવા લાગ્યો.
પરંતુ મંથનની વાત સાંભળીને એમનું હૃદય દ્રવી ઉઠ્યું. ગમે તેમ તોય એ ભારતીય પત્ની હતી. પતિવ્રતા સ્ત્રી હતી ! તલકચંદ આજે એમની માફી માગતા હતા અને પોતાની દીકરીઓને અપનાવવા માગતા હતા !!
" એ તો અહીં તમને મળવા માટે આવવાના હતા પરંતુ મેં જ એમને રોક્યા છે કે એક વાર તમારી સાથે હું વાત કરી લઉં. એ તો તમને લઈ જવા પણ માગે છે. " મંથન બોલ્યો.
"એ અહીં આવે તો ભલે આવે. હું માફ પણ કરી દઈશ પરંતુ એ મને લઈ જવા માગતા હોય તો એમના દીકરા વહુ સાથે વાલકેશ્વરના બંગલે રહેવા હું જઈ શકું એમ નથી. હું આ જગ્યા છોડવા માગતી નથી." મૃદુલાબેન બોલ્યાં.
"વાલકેશ્વર લઈ જવાની વાત જ નથી માસી. તમને ખબર છે તમારા માટે જૂહુ તારા રોડ ઉપર તલકચંદે એક બંગલો તૈયાર કર્યો છે. એટલું જ નહીં ૫૦૦ કરોડ રૂપિયા જેવી મોટી રકમ તમારા અને દીકરીઓના સુખ માટે એ તમને આપી રહ્યા છે. " મંથન બોલ્યો.
આ વાત સાંભળીને ફરી મૃદુલાબેનની આંખોમાં પાણી આવી ગયાં. એમને તો કલ્પના પણ ન હતી કે પાછલી ઉંમરમાં આટલું બધું સુખ ઈશ્વર એમને આપશે !
"મારી દીકરીઓને આજ સુધી મેં મારા ભૂતકાળની કોઈ વાત કરી નથી. એ કરોડોપતિ છે એ વાત પણ મેં મારી દીકરીઓને કરી નથી. મેં એટલું જ કહ્યું છે કે એમણે મને છોડી દીધી છે અને બીજે લગ્ન કર્યા છે. હવે મારે એમને કેવી રીતે વાત કરવી ? " મૃદુલાબેન બોલ્યાં.
"એ ચિંતા તમે મારી ઉપર છોડી દો માસી. કેતા અને શીતલને હું સંભાળી લઈશ. મારે તો તલકચંદને તમારા ઘરે લાવતાં પહેલાં માત્ર તમારી સંમતિ જોઈએ છે બસ." મંથન બોલ્યો.
"તમે અમારા માટે કેટલું બધું કરી રહ્યા છો ? ખબર નહીં તમારા અને અમારા ગયા જનમના કોઈક તો ઋણાનુબંધ હશે જ મંથનભાઈ ! નહીં તો આ દુનિયામાં કોણ કોના માટે આટલું બધું વિચારે છે ?" મૃદુલાબેન બોલ્યાં.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)