વારસદાર પ્રકરણ 68
તલકચંદ ખૂબ જ હોશિયાર હતા અને કાબેલ વેપારી પણ હતા. દલીચંદના ડાયમંડ ખૂબ જ ઊંચી કવોલિટીના હતા. મંથનને ૭૮૨ કરોડ આપી એમણે એ ડાયમંડ લગભગ ૧૦૦૦ કરોડમાં વિદેશી પાર્ટીને ટુકડે ટુકડે વેચ્યા હતા. એમણે પોતાના સોલિસિટર મુનશી સાહેબને પણ એક કરોડ રૂપિયા ગિફ્ટ તરીકે પહોંચાડી દીધા હતા.
મંથન વિશે એ બધું જ જાણતા હતા કારણ કે મંથન દલીચંદનો કન્સ્ટ્રક્શન પાર્ટનર હતો અને એણે દલીચંદને કરોડો રૂપિયા કમાઈ આપ્યા હતા. આટલી ઉંમરે પણ વધુ પૈસા કમાવવાની લાલચ એમને હતી. મંથન ખૂબ જ પાણીદાર લાગ્યો. જો એની સાથે પોતે પણ પાર્ટનરશીપ કરે અને પોતાના પૈસા લગાવે તો મંથન એમને ઘણું કમાવી આપે. એકવાર મંથનને મળવું તો પડશે.
પરંતુ તલકચંદ મંથનને મળવા માટે બોલાવે એ પહેલાં તો મંથન જાતે જ એમના ઘરે આવી ગયો.
" વ્હોટ આ સરપ્રાઈઝ મંથનભાઈ ! તમારું આયુષ્ય ખરેખર લાંબુ છે. હું તમને જ યાદ કરતો હતો અને તમે આજે સામે ચાલીને મારા ઘરે પધાર્યા. બોલો શું સેવા કરી શકું ? " તલકચંદ બોલ્યા.
" તમે વડીલ છો. તમારી વાત મારે પહેલાં સાંભળવી પડે. બોલો મને તમે કેમ યાદ કરેલો ? " મંથન બોલ્યો.
" બસ નવરા બેસી રહેવું ગમતું નથી. વિચાર્યું કે તમારા જેવા યુવાનને હું મારા પાર્ટનર બનાવું તો મારી પણ યુવાની પાછી આવી જાય !" તલકચંદ બોલ્યા.
" હજુ પણ યુવાની પાછી મેળવવી છે શેઠ ? " મંથન હસીને બોલ્યો.
"યુવાની કોને ના ગમે ? આ આખું ય સામ્રાજ્ય યુવાનીમાં જ બનાવ્યું. તમારા જેવા યુવાનનો મને સાથ મળે તો હજુ પણ ઘણું કરી શકાય એમ છે. બુદ્ધિ તમારી, પૈસો હું લગાવું. એટલા માટે જ તમને યાદ કરતો હતો. " તલકચંદ બોલ્યા.
" દલીચંદ શેઠની પણ આકાશને આંબવાની ઈચ્છા હતી શેઠ. બધું અહીં જ મૂકીને ગયા અને કોઈ વારસદાર પણ રહ્યો નહીં. ખરેખર તો જીવનના અંતિમ પડાવના દિવસો યુવાનીમાં કરેલાં કર્મોનું પ્રાયશ્ચિત કરવાના હોય છે. " મંથન બોલ્યો.
મંથનની આ વાતથી થોડી વાર માટે તો તલકચંદ થોડા ગંભીર થઈ ગયા. મંથને એમના મર્મ ઉપર ઘા કર્યો હતો.
"તમે તો મારા વડીલ છો શેઠ. મારે તમારી પાસેથી શીખવાનું હોય. ખોટું ના લગાડતા પણ ઈશ્વર કૃપાથી હું ઘણું બધું જોઈ શકું છું. તમારા આત્માને આજે પણ શાંતિ નથી. એકાંત તમને અકળાવી રહ્યું છે. મનને બીજે પરોવવા માટે જ નવા ધંધાનું તમે વિચારી રહ્યા છો." મંથન બોલ્યો. જાણી જોઈને એ આવી વાતો કરતો હતો.
તલકચંદ મંથનની વાતો સાંભળી રહ્યા. કોણ જાણે કેમ મંથન એમના હૃદયને કોતરી રહ્યો હોય એવું લાગતું હતું. મંથનની વાતોથી ભૂતકાળ એમની સામે આવતો હતો. જો કે એમને મંથન પોતાનો ભૂતકાળ જાણે છે એવી કોઈ શંકા આવી ન હતી.
" યુવાનીમાં ભૂલો થતી જ હોય છે મંથનભાઈ. પૈસા કમાવા માટે ઘણીવાર આડા અવળા રસ્તા લેવા પડતા હોય છે. " તલકચંદ બોલ્યા.
" પરંતુ તમારી આ ઉદાસીનતા માત્ર ધંધાના કાવાદાવાની નથી. અંગત જીવનમાં કોઈ ખોટો નિર્ણય લેવાઈ ગયો હોય કે કોઈને અન્યાય કરી દીધો હોય તો જ પાછલી જિંદગીમાં એના ડંખ વાગતા હોય છે. " મંથન હવે ધીમે ધીમે મૂળ વાત ઉપર આવી રહ્યો હતો.
" તમારી વાત સાચી છે મંથનભાઈ. અન્યાય થઈ ગયો છે પરંતુ હવે એને યાદ કરીને કોઈ ફાયદો નથી. મને એની સજા પણ મળી ગઈ છે. જુઓ ને આ વૃદ્ધાવસ્થામાં હું એકલો છું." તલકચંદ બોલ્યા.
" ભૂલ સુધારી ના શકાય ? હજુ પણ સમય તમારા હાથમાં છે. નવો જન્મ લઈને પાપની સજા ભોગવવી એના કરતાં આ જ જન્મમાં કર્મનું બંધન દૂર કરી દેવું વધુ યોગ્ય નથી ? તમે તો મારા કરતાં વધુ દિવાળી જોઈ છે. ખોટું ના લગાડશો. કર્મના સિદ્ધાંતોને મેં સારી રીતે પચાવ્યા છે એટલે આવી સલાહ આપી. " મંથન બોલ્યો.
" તમે આજે મારી દુખતી રગ પકડી છે મંથનભાઈ. હવે હું ચાહું તો પણ એ પ્રાયશ્ચિત થઈ શકે એમ નથી. બાવીસ વર્ષનાં વહાણાં વહી ગયાં છે. હવે એ ભૂતકાળને દફનાવી દેવો જ સારો. " તલકચંદ ગંભીર થઈને બોલ્યા.
" તમે તો ભૂતકાળને દફનાવી દેશો પણ છતા બાપે બાપ વગરની બનેલી બે યુવાન દીકરીઓનું શું ? " હવે મંથને સીધો ઘા માર્યો.
તલકચંદ હચમચી ઉઠ્યા. મંથને એવી વાત કરી હતી કે તલકચંદનું પિતૃ હૃદય દ્રવી ઉઠ્યું. બે નાની નાની દીકરીઓ બાપને પૂરેપૂરા ઓળખે એ પહેલાં જ મૃદુલાની સાથે કાયમ માટે વળાવી દીધી હતી. પોતાનું જ લોહી હતું. અત્યારે ક્યાં છે કેવી હાલતમાં છે એ આજ સુધી ખબર લીધી ન હતી.
" તમે મારી દીકરીઓ વિશે જાણો છો ? તમે મારા વિશે શું શું જાણો છો ?" હવે તલકચંદ થોડાક ડરી ગયા. એમને ખબર નહોતી પડતી કે મંથન એમના ભૂતકાળ વિશે કેવી રીતે જાણે છે ! શું એક કંચનના મર્ડર વિશે પણ જાણતો હશે ?
" હું તો માત્ર તમારી દીકરીઓ વિશે જાણું છું. તમારી નાની દીકરી શીતલનાં જેની સાથે લગ્ન થયાં છે એ મારો મિત્ર છે. શીતલને જાણું છું એટલે એની મોટી બહેન કેતાને પણ જાણું છું. મારો મિત્ર પણ નડિયાદનો જ છે એટલે મૃદુલાબેનનું નડિયાદ દેસાઈ વગાનું ઘર પણ જોયું છે." મંથને વાર્તા કરી.
આ બધું સાંભળ્યા પછી તલકચંદ થોડા સાવધાન થઈ ગયા. પોતાની યુવાન દીકરીઓને અને પત્નીને મંથન ઓળખે છે એ વાત એમના માટે આંચકા સમાન હતી. મંથન એમના માટે કોયડા સમાન બની ગયો.
મંથનને શું જવાબ આપવો એની મૂંઝવણ એમને થઈ પડી. ૨૨ ૨૩ વર્ષ પહેલાં છોડી દીધેલી પોતાની પત્નીને સ્વીકારી લેવી કે પછી જેમ ચાલે છે એમ જ ચાલવા દેવું ? એક તરફ પોતાની દીકરીઓને જોવાની ઈચ્છા જોર કરી રહી હતી તો બીજી તરફ પોતાનો ઈગો આડે આવતો હતો !
" અંકલ તમારે મૂંઝાવાની જરૂર નથી. તમારી બંને દીકરીઓ એમની રીતે સુખી છે અને મૃદુલાબેનનું પણ હું ધ્યાન રાખું છું. આ તો મને ખબર પડી એટલે જસ્ટ તમને કહેવા આવ્યો. " મંથન બોલ્યો.
" તમે ધ્યાન રાખો છો એટલે ? હું સમજ્યો નહીં. " તલકચંદ બોલ્યા.
" મૃદુલાબેનને મારી સ્કીમમાં એક ફ્લેટ મેં આપી દીધો છે. એ કેતા સાથે મુંબઈમાં જ રહે છે અને દર મહિને હું એમને ૫૦૦૦૦ આપું છું. એ લોકો એમાં આરામથી રહે છે. શીતલનાં લગ્ન મારા ફ્રેન્ડ સાથે થયાં છે. એ પણ શ્રીમંત છે અને ડાયમંડ માર્કેટમાં છે. " મંથન બોલ્યો.
આ બધું સાંભળીને તલકચંદ અવાક થઈ ગયા. એનો મતલબ એ જ કે મંથન એમના ફેમિલીથી ખૂબ જ નજીક હતો. જે કામ એક પતિ તરીકે અને પિતા તરીકે પોતે કરવાનું હોય એ કામ મંથને કર્યું હતું. એણે પોતાની સ્કીમમાં મુંબઈમાં એમને ફ્લેટ પણ આપ્યો હતો અને દર મહિને ભરણપોષણના પૈસા પણ આપતો હતો ! પોતાના માટે આ વાત શરમજનક હતી !!
આટલું બધું જાણ્યા પછી તલકચંદના દિલમાં મમતા ઉભરાઈ આવી. પોતાનો વિખુટો પડેલો પરિવાર મુંબઈમાં જ છે ત્યારે હવે સંબંધો ભૂલી જવા એ યોગ્ય નથી. મંથને કહ્યું એમ ભૂતકાળની ભૂલોને આ જન્મમાં જ સુધારી લેવી પડે. અબજો રૂપિયા પોતાની પાસે છે કાલ ઊઠીને મને કંઈ થઈ જાય તો મારી પત્ની અને મારી દીકરીઓ આ બધાથી વંચિત રહે.
" તમે મારા પરિવાર માટે આટલું બધું કર્યું એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે તો હવે મારી ખૂબ જ નજીક આવી ગયા. તમે કહ્યું એમ ગઈ ગુજરી ભૂલીને મારે એમને ફરી સ્વીકારી લેવાં જોઈએ. મારે એકવાર મૃદુલાને મળવું છે. તમે મને લઈ જાઓ. " તલકચંદ બોલી રહ્યા હતા.
"જો કે એકદમ હું મારા ઘરે એ લોકોને બોલાવી શકું એમ નથી. મારે મારા દીકરા વહુને પણ સમજાવવાં પડશે. દીકરો મૃદુલા વિશે જાણે છે પરંતુ સંબંધો ફરી શરૂ કરવાની વાત આવે એટલે સમીકરણો બદલાઈ જતાં હોય છે. અત્યારે અબજો રૂપિયાનો એક માત્ર વારસદાર મારો પુત્ર છે. હવે એ લોકોને મારા ઘરમાં લાવું તો ઘણી સમસ્યાઓ ઊભી થાય. " તલકચંદ વ્યથિત હૃદયે બોલ્યા.
" હું સમજી શકું છું શેઠ. તમારી જગ્યાએ તમે સાચા છો. જર જમીન અને જોરુ એ ત્રણ કજીયાના છોરું એ આપણી ગુજરાતી કહેવત મને યાદ છે. તમારો દીકરો અને ખાસ કરીને તમારા દીકરાની વહુ કોઇ પણ સંજોગોમાં આ લોકોને આ બંગલામાં આવવા નહીં દે. તમારી સ્થાવર જંગમ મિલકતના ભાગલા પડે એ કોઈપણ સંજોગોમાં એ લોકો ચલાવી નહીં લે. " મંથન બોલ્યો.
"હું પણ એ જ મૂંઝવણમાં છું. મારો દીકરો હજુ ૨૩ વર્ષનો છે. મા વગરના છોકરાને ૨૪ કલાકની સ્પેશિયલ આયા રાખીને મેં લાડથી એને મોટો કર્યો છે. છતાં એક વર્ષ પહેલાં જ આ ઉંમરે મારી ઈચ્છા વિરુદ્ધ એણે પ્રેમલગ્ન કરી દીધાં છે. છોકરીએ મારી સમૃદ્ધિ જોઈને મારા દીકરાને ફસાવ્યો છે. છોકરી જેટલું પાણી પીવડાવે એટલું જ મારો છોકરો પીએ છે. " તલકચંદ બોલ્યા. એમની વાતોથી એવું લાગતું હતું કે એમને પોતાના દીકરાથી સંતોષ નથી.
" તમારો દીકરો પણ તમારા જ બિઝનેસમાં હશે ને ? " મંથને પૂછ્યું.
" હા મારી જ પેઢી સંભાળે છે. મારો એકમાત્ર વારસદાર છે. બે વર્ષથી એને ટ્રેઈન કરી રહ્યો છું. સ્વભાવ જરા ગુસ્સાવાળો છે. " તલકચંદ બોલ્યા.
" એક રસ્તો છે. સાપ મરે નહીં અને લાઠી પણ ભાગે નહીં. જૂહુ તારા રોડ ઉપરનો બંગલો ખાલી જ પડ્યો છે. મૃદુલાબેન કાયદેસરનાં તમારાં પત્ની છે. એ બંગલો તમે એમને લખી આપો અને હું એમને તમારા બંગલામાં શિફ્ટ કરી દઉં. જો અહીં તમે એમને ના લાવી શકતા હો તો એ રસ્તો શ્રેષ્ઠ છે. તમારો એટલો તો અધિકાર છે જ કે તમારી હયાતીમાં તમારી મિલકતનો તમે ગમે તે ઉપયોગ કરી શકો. તમે પોતે પણ ત્યાં રહી શકશો. તમારી કેતા ખૂબ જ સેવાભાવી છે એ તમારી સેવા કરશે. " મંથન બોલ્યો.
મંથનની એકે એક વાત ઉપર તલકચંદ ચોંકી જતા હતા. જૂહુ તારા રોડ ઉપરના બંગલાની વાત મંથનને કેવી રીતે ખબર ? એની કોઈપણ વાત ઉપર એ ઇન્કાર પણ કરી શકે એમ ન હતા.
"તમે મારા બંગલા ની વાત કેવી રીતે જાણો ? ખોટું ના લગાડતા પણ આજની તમારી વાતો મારા માટે થોડી શોકીંગ છે. તમે મારા વિશે આટલું બધું જાણો છો એ જાણીને મને ખૂબ જ આશ્ચર્ય થાય છે ! " તલકચંદ બોલ્યા.
" અરે શેઠ એમાં નવાઈ પામવા જેવું કંઈ છે જ નહીં. ગડાશેઠ સાથે મારે ખૂબ જ અંગત સંબંધો હતા. એમણે એમના ભૂતકાળની બધી જ વાતો મને કરી છે. યુવાનીમાં કરેલી ઐયાશી નો એકરાર પણ મારી સાથે કર્યો છે. આ બંગલામાં એમણે કેટલા પૈસા ખર્ચ્યા છે એ વાત પણ એમણે મને કરી છે. " મંથન એક પછી એક પત્તાં ખૂલ્લાં કરતો હતો.
" અને મને તમારા ભૂતકાળની વાતો ઉખેડવામાં કોઈ રસ નથી. મને તો એટલું જ છે કે તમે તમારા પરિવારને અપનાવી લો અને એ બંગલો એમને આપી દો. એમના હકના જે પણ પૈસા આવતા હોય એ તમે એમને આપી દો. તમારી પાસે હજાર કરોડ હોય કે બે હજાર કરોડ હોય એમાં એમને કોઈ રસ નથી. તમે ખાલી એમને ૪૦૦ ૫૦૦ કરોડ આપશો તો પણ એ ખુશ છે. અને તમારે તમારા દીકરાને આ બધું જણાવવાની જરૂર નથી. એવા તો કેટલાય વહીવટો તમે ચૂપચાપ કર્યા હશે. મારી વાત ખોટી છે ? " મંથન ધીમેથી ચાબખા મારતો હતો.
" ઠીક છે એ પણ મારો જ પરિવાર છે એટલે બંગલો લખી આપવામાં મને કોઈ વાંધો નથી. મારો પરિવાર ત્યાં રહેતો હોય તો હું પણ ત્યાં એમની સાથે રહી શકીશ. હવે મારે પણ કેટલા વર્ષ જીવવાનું છે ? " તલકચંદ બોલ્યા.
" હવે મારી વાત તમે સમજ્યા શેઠ. આ બંગલામાં જે અશાંતિ છે, જે અસંતોષ છે એ ત્યાં જોવા નહીં મળે. તમારી દીકરી પાસે રહેવા ગયા પછી તમે પણ મને યાદ કરશો. અને ખબર નહીં કેમ આ બંગલામાં મને કોઈની કાળી છાયા દેખાય છે. એક વાત પૂછું ? " મંથન બોલ્યો.
" હા બોલો. "
" તમે આ જગ્યા ખરીદી ત્યારે કોઈ તપાસ કરેલી ? કોઈ જૂનો બંગલો હતો કે પ્લોટ હતો ? કારણ કે આ ભૂમિ ઉપર કોઈનું ખૂન થયું હોય એવું મને કેમ લાગે છે ? ખૂબ જ નેગેટિવ વાઇબ્રેશન્સ આવે છે. " મંથન બોલ્યો.
" ના મેં તો કોઈ તપાસ કરી ન હતી. મને પણ આ બંગલામાં શાંતિ નથી મળતી. તમારી વાત સાચી હોઈ શકે છે. " તલકચંદ બોલ્યા.
" તમે વહેલી તકે જૂહુ તારા રોડ ઉપરનો બંગલો મૃદુલાબેનના નામે કરીને તમારા પરિવારને ત્યાં બોલાવી લો. અને તમે પણ ત્યાં શિફ્ટ થઈ જાઓ. વૃદ્ધાવસ્થાના દિવસોમાં અહીં તમારી કોઈ સેવા નહીં થાય. તમારી દીકરીઓ ખૂબ જ લાગણીશીલ છે. " મંથન બોલ્યો.
" ઠીક છે તમે મને એકવાર મૃદુલા પાસે લઈ જાઓ. મારે એની માફી પણ માગવી છે. અને મારી દીકરીઓને પણ જોવી છે. " તલકચંદ ભાવુક થઈને બોલ્યા.
" જી જરૂર. હું વહેલી તકે તમારી મુલાકાત કરાવું છું. પરંતુ એ પહેલાં મારે પણ મૃદુલાબેનને અને કેતા શીતલને આ શુભ સમાચાર આપવા છે. ૨૩ વર્ષના વિયોગ પછી દીકરીઓને એમના પિતા મળશે. " મંથન બોલ્યો.
મંથને પોતાનું કાર્ય ખૂબ જ સરસ રીતે પાર પાડી દીધું હતું. કંચનની ચિઠ્ઠી બતાવીને બંગલો પોતે લઈ લેવાનો વિચાર એણે પડતો મૂક્યો હતો કારણ કે એ એના લોહીમાં ન હતું. બંગલો એના અસલી વારસદારને જ મળે એવી જ એની ઈચ્છા હતી.
તલકચંદને તો મનાવી લીધા પરંતુ કેતા અને શીતલ વર્ષો પહેલાં પોતાની માતાને છોડી દેનાર તલકચંદને પિતા તરીકે સ્વીકારશે કે નહીં એ યક્ષ પ્રશ્ન હજુ ઉભો હતો !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)