Varasdaar - 63 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 63

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વારસદાર - 63

વારસદાર પ્રકરણ 63

દલીચંદ ગડાએ પોતાની જ પિસ્તોલથી મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી. ખૂબ જ સનસનાટી ભર્યા સમાચાર હતા. સવારે મુંબઈની તમામ ન્યૂઝ ચેનલોમાં આ સમાચાર વારંવાર ફ્લેશ થતા હતા.

દલીચંદ ગડાને કોઈ પુત્ર ન હતો. એમના પરિવારમાં એમની પત્ની અને એમની સાસરે ગયેલી એક માત્ર દીકરી જ હતાં. જો કે દીકરી પણ લગ્ન પછી અમેરિકા સ્થાયી થઈ ગઈ હતી.

લાશને મોડી રાત્રે જ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. માથામાં જ કાનપટ્ટી પાસે ગોળી મારી હતી એટલે ચહેરો જોવા જેવો હતો જ નહીં. ખોપરી આખી ફાટી ગઈ હતી અને બંને આંખો બહાર લટકી પડી હતી. પોલીસે એમની પત્નીની જરૂરી પૂછપરછ કરી સ્ટેટમેન્ટ લઈ લીધું હતું.

દલીચંદ ગડાએ મરતી વખતે એક નાનકડી ચિઠ્ઠી પણ લખી હતી. જેમાં લખ્યું હતું કે ...

" મારી ભૂલની મેં સજા ભોગવી લીધી છે. આટલી ઉંચી પ્રતિષ્ઠા મેળવ્યા પછી આવી બદનામી હું સહન કરી શકતો નથી એટલે મારા જીવનનો અંત લાવી રહ્યો છું. મારી આત્મહત્યા માટે મારી પત્ની કે અન્ય કોઈ જવાબદાર નથી. "

સવારે ૯ વાગે દલીચંદની બોડી નજીકના પરિવારજનોને સોંપવામાં આવી હતી. દલીચંદ ગડાના સંપર્કો બહુ જ ઊંચા હતા અને એ પોતે પણ બહુ જ મોટા ગજાના માણસ હતા. એમના નજીકના કુટુંબીઓની સાથે બહુ મોટો વર્ગ એમની સ્મશાન યાત્રામાં જોડાયો હતો. મંથન પણ એમાંનો એક હતો.

મંથનને વહેલી સવારે જ કિરણે ફોન કરીને સમાચાર આપી દીધા હતા એટલે એ સવારે ૮ વાગે મુલંડ પહોંચી ગયો હતો. દલીચંદની પુત્રી તાત્કાલિક આવી શકે તેમ હતી નહીં. દલીચંદના એક પિતરાઈ ભાઈના દીકરાએ એમને અગ્નિદાહ આપ્યો.

સ્મશાનની બધી વિધિ પતાવીને મંથન ઘરે પહોંચ્યો ત્યારે બપોરનો એક વાગવા આવ્યો હતો.

મંથને ઘરે આવીને શાંતિથી નાહી લીધું અને ફ્રેશ થઈ ગયો. જમવાનું હજુ બાકી જ હતું એટલે અદિતિએ રસોઈ ગરમ કરીને મંથનને જમવા બેસાડી દીધો.

" આ તો બહુ જ આઘાતજનક ઘટના છે. તમારા તો એ પાર્ટનર હતા. આપણી સાથે તો સંબંધો પણ સારા હતા. " અદિતિ બોલી.

" માત્ર પાર્ટનર નહીં અદિતિ એ મારા બાપ જેવા હતા. મારું બહુ જ ધ્યાન રાખતા હતા. આજે આપણે જે કંઈ છીએ એ બધું ગડાશેઠને આભારી છે. અબજોપતિ હોવા છતાં એમનો અંત બહુ જ ખરાબ આવ્યો. વિચાર્યું પણ ન હતું કે આમ અચાનક એમને મરવું પડશે." મંથનનું હૃદય ભરાઈ આવ્યું અને એની આંખમાં પાણી આવી ગયાં.

" એમના ભાગ્યમાં આ રીતે મૃત્યુ લખેલું હશે. તમે હવે શાંતિથી જમો. જે થનાર હતું તે થઈ ગયું. " અદિતિ બોલી.

" એક મરદની જેમ મારી પડખે ઊભા હતા. આંધળો વિશ્વાસ મારા ઉપર મૂક્યો હતો. પોતે ઉંમરમાં આટલા મોટા હોવા છતાં પણ મને મહેતા સાહેબ કહીને સંબોધન કરતા. એક રાજાની જેમ રહેતા હતા. ડાયમંડમાં કરોડો રૂપિયા એમણે કમાઈ લીધા હતા છતાં ડ્રગ્સના કારોબારમાં કેમ રસ લીધો એ જ સમજાતું નથી." મંથન બોલ્યો.

" નાસીરખાન એમના મિત્ર છે એ તો મને ખબર હતી. રફીકે જ આ બધી ઓળખાણ કરાવી હતી પરંતુ ગડાશેઠ પોતે ડ્રગ્સ પોતાની પાસે સાચવતા હશે અથવા નાસિરખાન સાથે એમની ડ્રગ્સના ધંધામાં ભાગીદારી હશે એવી તો મને કોઈ કલ્પના જ ન હતી !!" મંથન બોલ્યો.

અદિતિ ગમે એટલું સમજાવે છતાં પણ મંથન દલીચંદ ગડાના વિચારોમાંથી બહાર આવી શકતો ન હતો.

અચાનક એને ગુરુજીની સલાહ યાદ આવી. ગુરુજી અવશ્ય આ ભાવિ ઘટનાને જાણી ચૂક્યા હતા એટલા માટે જ એમણે મને ભાગીદારીમાંથી છૂટા થવાનો વારંવાર સંકેત આપ્યો હતો !

બપોર પછી ઝાલા પણ મંથનને મળવા માટે આવ્યા. ગડા શેઠના મૃત્યુથી ઝાલા સાહેબને પણ ઘણો આઘાત લાગ્યો હતો. એમના જમાઈની પ્રગતિમાં દલીચંદ ગડાનો સિંહ ફાળો હતો !

" તમે મુલુંડ જઈ આવ્યા ? " ઝાલા બોલ્યા.

" હા પપ્પા એક વાગ્યે જ આવ્યો. બહુ ખોટું થયું. મારો એક બહુ મોટો સપોર્ટ ચાલ્યો ગયો. મૃત્યુ પણ બહુ જ દર્દનાક થયું. પોતાના માથામાં ગોળી મારવા માટે કેટલી બધી હિંમત જોઈએ ? " મંથન બોલ્યો.

"મૃત્યુને કોઈ મિથ્યા કરી શકતું નથી કુમાર. આટલી બધી ઊંચી પ્રતિષ્ઠા મળી. આટલું મોટું નામ થઈ ગયું અને છેલ્લે આખા મુંબઈમાં બદનામ થઈ ગયા. કાળી ટીલી લાગી જાય એટલે મરવાની હિંમત આવી જ જાય !! " ઝાલા સાહેબ બોલ્યા.

"છેલ્લે છેલ્લે મારા ઉપર વિશ્વાસ મૂકીને કેટલી બધી સંપત્તિ મને સોંપી દીધી ? મને તો ખબર જ નથી કે કેટલી લગડી છે અને કેટલી ચલણી નોટોના બંડલો છે ! " મંથન બોલ્યો.

" હા... એક દિવસ તમારે એના માટે ફાળવવો પડશે. અંદર બેસીને બધી જ ગણતરી કરવી પડશે. અને આ કામ એવું છે કે જાતે જ કરવું પડે. " ઝાલા બોલ્યા.

" હવે તો એ માલ ઘરે લઈ આવવામાં કોઈ જ વાંધો નથી. તમારા ઘરે મૂકો તો ય મને કોઈ વાંધો નથી. કોમ્પ્લેક્સની ઓફિસમાં આ બધું લાંબો સમય રાખવું મને સલામત લાગતું નથી. " મંથન બોલ્યો.

" એ વિચાર મને પણ આવી ગયો. હું અત્યારે તો બે ચાર દિવસમાં મારા ઘરે જ લઈ જઈશ. " ઝાલાએ કહ્યું.

" સોનાની લગડીઓનું બોક્સ ઓછામાં ઓછું દશ કિલો વજનનું છે. મેં ગાડીમાંથી ઉતારતી વખતે ચેક કર્યું હતું. મતલબ ઓછામાં ઓછું ૫ કરોડનું સોનું હશે. " મંથન બોલ્યો.

" હવે આ સંપત્તિનું શું કરવું એ જ સમજાતું નથી. ગમે તેમ તોયે એ ગડાશેઠની અમાનત હતી. એક વિચાર તો એવો આવે છે કે એમના ઘરે જઈને એમનાં પત્નીને આ અમાનત સોંપી દઉં પરંતુ ખબર નહીં કેમ અંદરથી કોઈ પોઝિટિવ સંકેતો મળતા નથી." મંથન બોલ્યો.

" થોભો અને રાહ જુઓ...ની નીતિ અપનાવો કુમાર. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. બધો માલ સલામત પડ્યો છે. એકાદ મહિનો જવા દો. હા આપણે ગણતરી ચોક્કસ કરી લઈશું." ઝાલાએ સલાહ આપી.

" ઠીક છે પપ્પા. તમે જેમ કહો તેમ. મને તો કશો ફરક પડતો નથી. આટલી બધી અબજોની ધન સંપત્તિ અને ઐશ્વર્ય મને મળ્યાં હોવા છતાં હું અંદરથી જાણે કે અલગ જ છું. મને કોઈ રોમાંચ પણ થતો નથી કે નથી મને કોઈ અભિમાન." મંથન બોલ્યો.

" તમે નાની ઉંમરમાં આધ્યાત્મિકતામાં ખૂબ જ ઊંચાઈ ઉપર પહોંચી ગયા છો કુમાર. પરંતુ આ કળિયુગમાં એનું જ મહત્વ છે અને તમારી ચારે બાજુ પ્રતિષ્ઠા પણ એને જ આભારી છે. અભિષેક ખરેખર નસીબદાર છે કે આપણા ઘરે એણે જન્મ લીધો છે. જિંદગીમાં એને કદી આર્થિક સંઘર્ષ જોવા નહીં મળે." ઝાલા સાહેબ બોલ્યા.

"એ તો છે જ પપ્પા. 'અભિષેક એન્કલેવ' નાં પાંચ ટાવરો બની રહ્યાં છે. મારી જિંદગીની આ કદાચ સૌથી મોટી સ્કીમ છે. ૧૩ માળના એક ટાવરમાં ૫૨ ફ્લેટ છે. પાંચ ટાવરમાં ૨૬૦ ફ્લેટ થયા. આ ટાવર બનાવવા માટે તમામ મૂડી ગડાશેઠે મને આપી દીધી છે એટલે મારે વેચવાની કોઈ ઉતાવળ નથી. ૩૦૦૦ ચોરસ ફીટનો એક ફ્લેટ ૧૫ થી ૨૦ કરોડમાં વેચાશે." મંથન બોલ્યો.

"નસીબની બલિહારી છે કુમાર. આજે તમને કિસ્મતે અમદાવાદની એક નાનકડી પોળમાંથી ઉઠાવીને આવડા મોટા સામ્રાજ્યના માલિક બનાવી દીધા." ઝાલા સાહેબ બોલ્યા.

" પપ્પા હવે તમે અત્યારે જમીને જ જજો. સાંજ પડી ગઈ છે. હું મમ્મીને ફોન કરી દઉં છું" અદિતિ બોલી.

" અરે પણ જમવા ટાઈમે હું રાત્રે ઘરે પહોંચી જઈશ. અમારી વાતો પતી જ ગઈ છે અને હવે હું નીકળું જ છું. " ઝાલા હસીને બોલ્યા.

" જમીને જ જાઓ હવે. હું મમ્મીને કહી દઉં છું. જમવામાં અત્યારે પાલક પનીર અને પરોઠા છે તમને ભાવશે. " અદિતિએ કહ્યું.

" આ છોકરી મારી દુખતી રગ જાણી ગઈ છે. એને હું ના પાડી શકતો જ નથી. " અદિતિની વાત સાંભળીને ઝાલા સાહેબ હસી પડ્યા.

દલીચંદ ગડાના મૃત્યુને એક મહિનો પૂરો થઈ ગયો. બધું નોર્મલ થતું ગયું. દલીચંદ ગડાની ઓફિસ બંધ થઈ ગઈ કારણ કે ઓફિસ ચલાવવા માટે એમનો કોઈ વારસદાર હતો જ નહીં. બધું જ સામ્રાજ્ય દલીચંદ ગડાએ પોતાના માટે જ ઊભું કરેલું. દલીચંદ ગડાની પત્ની એક સીધી સાદી ધાર્મિક સ્ત્રી હતી.

દલીચંદ ગડાના મૃત્યુના સવા મહિના પછી એક દિવસ મંથન ઉપર ગડાશેઠના એડવોકેટનો ફોન આવ્યો.

" આપ મંથન મહેતા બોલો છો ? " એડવોકેટે પૂછ્યું

" જી. આપ કોણ ? " મંથને પૂછ્યું.

" હું એડવોકેટ શરદ મુનશી. સ્વ. દલીચંદ ગડાનો હું સોલિસિટર હતો. એમણે એમના મૃત્યુના આગલા દિવસે તમારા માટે એક બંધ કવર મને આપ્યું હતું. એમના મૃત્યુના એક મહિના પછી મારે તમને પહોંચાડવાનું હતું. મારા એમની સાથેના ખૂબ જ અંગત સંબંધો હતા." મુનશી બોલ્યા.

" જી સર. આપ મારી ઓફિસે ગમે ત્યારે પધારી શકો છો. મારું એડ્રેસ હું તમને વોટ્સએપ કરી દઉં છું. કેટલા વાગે તમને ફાવશે ? તો હું હાજર રહું." મંથન વિવેકથી બોલ્યો.

"હું સાંજે પાંચ વાગે આવી જઈશ. તમારું એડ્રેસ મારી પાસે છે જ. શેઠે મને આપેલું જ છે." કહીને શરદ મુનશીએ ફોન મૂકી દીધો.

મંથને એ પછી તરત જ ઝાલા અંકલને ફોન કર્યો.

" પપ્પા કોઈ એડવોકેટ શરદ મુનશીનો ફોન હતો. એ ગડાશેઠના સોલિસિટર હતા. ગડાશેઠે મારા માટે એમને એક બંધ કવર આપેલું છે. એ મને આપવા માટે સાંજે પાંચ વાગે મારી ઓફિસે આવવાના છે. " મંથને કહ્યું.

" શરદ મુનશીનો ફોન હતો ? અરે એ તો મુંબઈ હાઇકોર્ટના બહુ મોટા વકીલ છે. ઠીક છે. હું તમારી ઓફિસે સાંજે સાડા ચાર વાગે આવી જઈશ. " ઝાલા બોલ્યા અને ફોન કટ કર્યો.

શરદ મુનશી સમયના પાકા હતા. એ સાંજે પાંચ વાગે મંથનની ઓફિસે આવી ગયા. ઝાલા સાહેબે જ એમનો આવકાર કર્યો.

" હું એડવોકેટ ઝાલા. આ મંથન મહેતા મારા જમાઈ થાય. આપણે ભૂતકાળમાં એક કેસમાં સામસામે આવેલા છીએ." ઝાલાએ હસીને કહ્યું.

" તમને જોઈને જ હું ઓળખી ગયો. તમને અહી મળીને આનંદ થયો. તમારી હાજરીમાં ચર્ચા કરવી વધુ યોગ્ય રહેશે." મુનશી બોલ્યા.

મંથને એમને પોતાની ચેમ્બરમાં ટેબલની સામેની રિવોલ્વિંગ ચેરમાં બેસવાનું કહ્યું. એમની બાજુમાં ઝાલા સાહેબ પણ બેઠા.

" તમને સાહેબ ઠંડુ ફાવશે કે ગરમ ? કારણ કે પહેલીવાર મારી ઓફિસે આવો છો એટલે સ્વાગત તો થશે જ." મંથન હસીને બોલ્યો.

" ઠીક છે. કંઈક ઠંડુ જ મંગાવો. " મુનશી બોલ્યા.

"અમારા ગડા શેઠને આઈસ્ક્રીમ જમાડવાનો બહુ જ શોખ હતો એટલે તમારા માટે પણ આઈસ્ક્રીમ જ મંગાવું છું. એ હંમેશાં આઈસ્ક્રીમ જમો એમ જ કહેતા. " મંથને હસીને કહ્યું અને પોતાની સેક્રેટરીને ત્રણ આઈસ્ક્રીમ માટે સૂચના આપી.

કઈ ફ્લેવર મંગાવવી એની કાયમી સૂચના મંથને સેક્રેટરીને આપી જ રાખી હતી !!

" ગડાશેઠના અવસાનથી ખૂબ જ આઘાત લાગ્યો છે. મારા અને એમના સંબંધો પાર્ટનરશીપ કરતાં પણ વિશેષ હતા અને મને એ પોતાના દીકરાની જેમ સાચવતા હતા " મંથન બોલ્યો.

" એટલા માટે તો મારે તમારી પાસે આવવું પડ્યું છે. તમારા સંબંધો અંગત હતા એ મને ખબર જ છે. આત્મહત્યા કરવાનો નિર્ણય એમણે લઈ જ લીધો હતો. એટલા માટે જ એ આગલા દિવસે મને ફોન કરીને અર્જન્ટ મળવા આવ્યા હતા. એમણે પોતાના હાથે બે પત્રો લખેલા હતા. મેં એ પત્રો વાંચ્યા નથી. એમની હાજરીમાં જ મેં એ બંને પત્રો આ કવરમાં પેક કરીને સીલ કરી દીધા હતા. " શરદ મુનશી બોલ્યા.

" એમણે મને આગ્રહ કરીને કહ્યું હતું કે મારું કદાચ મૃત્યુ થાય તો એક મહિનો થઈ ગયા પછી આ કવર મંથન મહેતાને પહોંચાડજો. " મુનશી બોલ્યા.

"વચ્ચે બોલું છું તો ક્ષમા કરજો. પરંતુ એમની દીકરી અને જમાઈ એમની તમામ મિલકતના કાયદેસરના હકદાર છે. એટલે ગડાશેઠે મારા માટે કદાચ કોઈ વ્યવસ્થા લાગણીથી પ્રેરાઈને કરી હશે તો એનો સ્વીકાર હું નહીં કરું. " મંથન બોલ્યો.

" આ જ તમારી ખાનદાની છે. અને એટલે જ કદાચ એમણે તમને આ પત્રો લખ્યા હશે ! શું લખ્યું છે એ તો હવે તમે પત્ર વાંચો પછી જ ખબર પડે. બાકી એમની દીકરી અને જમાઈ ૧૫ દિવસ પહેલાં એમના ઘરે આવ્યા હતા અને મને બોલાવ્યો હતો." મુનશી બોલી રહ્યા હતા.

" એમની ઓફિસ અને એમની બે-ત્રણ ગાડીઓ વેચી દઈને જે પણ પૈસા આવે એ મારે ગડાશેઠની પત્નીના ખાતામાં જમા કરી દેવાના છે. ઓફિસની તિજોરીમાંથી કોઈ રોકડ નીકળે તો પણ એ મારે એમને પહોંચાડી દેવાની છે. દીકરી અને જમાઈ ખૂબ જ સુખી છે એટલે એમને પપ્પાની મિલકતમાં કોઈ જ રસ નથી." મુનશી બોલ્યા.

" ગડાશેઠનાં પત્ની ખૂબ જ ધર્મિષ્ઠ છે. એમને તો આ પૈસા અને મિલકતમાં કોઈ રસ જ નથી. મને એમણે કહ્યું કે --ભાઈ તમે આ બધું જે પણ છે એ બધું ક્યાંક દાનમાં આપી દો. એકાદ કરોડ એમના પિતરાઈ ભાઈ ચુનીલાલને આપી દેજો. મારે બે રોટલી ખાવા જોઈએ અને એ મને મળી રહેશે. દીકરી જમાઈ અમેરિકા છે. હું અહી એકલી જ છું. નોકર અને એક બાઈ મારી સંભાળ રાખે છે. બેંકમાં કેટલા પૈસા છે એમાં મને કોઈ જ રસ નથી. -- એટલે મારે એ પણ વિચારવાનું છે કે શું કરવું ? " મુનશી બોલ્યા.

" ઘણી સારી વાત કહેવાય. આવી ધર્મિષ્ઠ સ્ત્રી મળી છે એટલે જ એમના પગલે ગડા શેઠની આટલી પ્રગતિ થઈ હશે !! " મંથન બોલ્યો.

" હવે પત્ર તમે વાંચી શકો છો. પત્રમાં શું લખ્યું છે તે મને જાણ કરવી જરૂરી નથી. અને તમે કદાચ જાણ કરશો તો પણ મને કોઈ ફરક પડતો નથી. પત્ર વાંચ્યા પછી મારી મદદની કોઈ જરૂર હોય તો કહેજો. " મુનશી બોલ્યા અને કવર મંથનના હાથમાં આપ્યું.

આઇસ્ક્રીમ આવી ગયો હતો એટલે સૌથી પહેલાં બધાએ શાંતિથી આઈસ્ક્રીમ ખાધો.

એ પછી મંથને કવર ઉપરનું સીલ તોડ્યું અને કવર ખોલી પત્ર વાંચવો શરૂ કર્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)