Vasudha - Vasuma - 71 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ  - 71

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ  - 71

ગુણવંતભાઈએ હરખ કરતાં કહ્યું “હમણાંજ આવ્યાં છે બેસો... ચા પાણી નાસ્તો કરો થોડો આરામ કરો પછી વાત આટલે દૂરથી કાર હંકારીને આવ્યાં છો થોડી શાતા કરો”.

ભાવેશની નજર માત્ર સરલા ઉપર હતી એમણે કહ્યું “અહીં પહોંચીને બધો થાક ઉતરી ગયો.” વસુધાએ કહ્યું “કુમાર શાંતિથી બેસો સરલા સાથે હું તમારાં માટે ચા નાસ્તો લઈને આવું છું. “

ભાનુબહેન અને સરલા રસોડામાં ગયાં. દિવાળીફોઈ આકુનાં ઘોડિયાને હીંચતાં હીંચતાં ફરીથી ભાજી સાફ કરવાં લાગ્યાં. ગુણવંતભાઈએ કહ્યું “સાંભળો છો ? આ મેથીનાં ગોટાજ બનાવો ગરમા ગરમ કુમારને ખુબ ભાવે છે.”

દિવાળી ફોઈએ કહ્યું “હાં લો ભાજી તૈયારજ છે હું અંદર લાવું છું અને તમે બધાં બેસો હુંજ ગોટા બનાવી લાવું છું” ભાનુબહેન કંઈ બોલે એ પહેલાં દિવાળી ફોઈ રસોડામાં ગયાં વસુધાએ બધાની ફરીથી ચા બનાવી.

સરલા અને ભાવેશ કુમારને સમજીને બધાંએ એકાંત આપ્યું. ચા નાસ્તો કરતાં કરતાં સરલા સાથે વાતો કરી રહ્યાં હતાં સરલા ખુબ ગંભીરતાથી સાંભળી રહી હતી પછી બોલી “અહીં માં પાપાને બધાંને કહો તમે.”

ભાનુબહેન બહાર આવતાં બીજા ગરમ ગરમ ગોટા લઈને આવેલાં બોલ્યાં “અમને શું કહેવાનું છે ?’ ત્યાં ગુણવંતભાઈ પણ આવ્યાં... અને પાછળ વસુધા અને દિવાળી ફોઈ...

ભાવેશ કુમારે કહ્યું “બેસો શાંતિથી વાત કરું છું હું અહીં હમણાં રોકવાનો છું મારે મારી માં અને બાપા સાથે સરલાનાં વિષયમાં બોલવાનું થયું છે મેં કહ્યું મારે બીજા લગ્નનો વિચાર પણ નથી કરવો હું સરલા સાથેજ જીવવાનો આખું જીવન કાઢવાનો. હું આ વખતે ખુબ મજબૂત છું મારાં નિર્ણયમાં. એલોકોને કોઈએ મનમાં શું ભરાવ્યું છે કે... “ પછી બોલતાં અટક્યાં અને કહ્યું “એ લોકો હરીદ્વાર ને બધે ગઈ કાલે ગયાં 2-3 મહિના પછી આવશે મેં કીધું હું સરલા સાથેજ રહીશ પછી એને હું લઇનેજ આવીશ.”

ભાનુબહેને કહ્યું “કુમાર તમારાં માં બાપ છે અહીં પણ તમારું ઘર છે અમારે તો સરલા અને તમારું સચવાઈ જાય એજ જોઈએ નિઃ સંકોચ રહેજો...”

બધું સાંભળ્યું ત્યાં સુધી વસુધા કંઈ જ ના બોલી અને સરલા સામે જોવાં લાગી. સરલાએ પૂછ્યું “વસુધા તારું શું કહેવું છે ? તું તો કંઈ બોલ "વસુધાએ કહ્યું “સરલાબેન એ વાત સાચી આ ઘર તમારું પણ છે અને મારાં માથે ઘરમાં વડીલો છે હું શું કહેવાની ?”

ભાવેશકુમારે કહ્યું “તારી મર્યાદા હું જાણું છું પણ તારો મત માંગીએ છીએ તારાં આ અંગે શું વિચાર છે ?” વસુધાએ થોડો વિચાર કરીને કહ્યું “કુમાર તમે અમારાં કુટુંબી અને મારી સખીનાં પતિ છો... ત્યાં તમારાં માં -બાપ છે આમાં અમારે શું કહેવાનું ? કાલે ઉઠીને ત્યાં ન્યાતમાં સમાજમાં એવું ના થવું જોઈએ કે અમે તમને ચઢાવ્યાં છે. એમની સેવા કરવી તમારી ફરજ છે.”

“અમારાં બહેને એમને દીઠાં ગમતાં નથી અમે જાણીએ છીએ પણ અગ્નિ સાક્ષીએ ફેરા ફરીને તમારી સાથે લગ્ન કર્યા છે. જે કારણે એ તમને... સતાવી રહેલાં એમાં તમે આવતાં નહોતાં પણ એ કારણ સાચું નથી ઈશ્વરની મરજી હશે એમનાં ખોળામાં પણ બાળક રમતું હશે. વાંઝણ કહી એમને નાં ટોણા મારી શકે એકવાર તો કૂખ રહિંજ હતી. એમની યાત્રા છે ત્યાં સુધી તો તમારે અમારી સાથેજ રહેવાનું છે તેઓ પાછાં આવે ત્યારે અમે બધાં સિદ્ધપુર આવીશું એમની સાથે વાત કરીશું પછી તમારે જે નિર્ણય લેવો હોય લઇ શકો છો અહીં કાયમ તમારું માન સન્માન અને લાગણીથી ધ્યાન રખાશે ક્યારેય ઓછું નહીં આવવાં દઈએ બસ ન્યાતમાં કે સમાજમાં આ ખોરડાંનું ખોટું ના દેખાવું જોઈએ.”

બધાએ વસુધાને શાંતિથી સાંભળી... બધાં વસુધાની વાત સાથે સંમત હતાં. સરલા અને ભાવેશકુમાર એક સાથે બોલ્યાં “વસુધા તારી વાત સાચી છે આપણે એ પ્રમાણેજ નિર્ણય લઈશું...” સરલા એ કહ્યું “એમનાં માં બાપ મારાં માં બાપ બધું એકજ છે ને હું એમની સેવા કરવાં તૈયાર છું મને મનથી સ્વીકારે એમને ક્યારેય ફરિયાદની તક નહીં આપું.”

ભાવેશ સરલાને સાંભળી રહેલો... એણે કહ્યું “મને આટલી સમજુને સંસ્કારી છોકરી મળી છે તોય મારાં માં બાપ..”. પછી ચૂપ થઇ ગયાં પછી બોલ્યાં “સમય આવ્યે બધું સારું થઇ જશે.”

સરલાએ વાત બદલતાં કહ્યું “આવ્યાં છો હમણાં થોડો આરામ કરો પછી મને અને વસુધાને શહેરમાં લઇ જાવ અમારે ડેરી ઉભી કરવાની છે એનું નક્કી કરવાં જવાનું છે લોન પાસ થઇ ગઈ છે બધાં પેપર્સ પર સહીઓ કરવાની છે અને ખાસ આનંદની વાત વસુધા અહીંની ગામની દૂધ મંડળીની ચેરમેન નક્કી થઇ ગઈ છે”.

ભાવેશ કુમારે ખુશ થતાં કહ્યું “અરે વાહ વસુધા ખુબ ખુબ અભિનંદન મારો પણ ઉત્સાહ વધી ગયો. અને પાપા પણ આવવાનાં હશેને સાથે ?”

વસુધાએ કહ્યું “હાં પાપાની દોરવણી નીચેજ અમે બધું કામ કરવાનાં. તમે આરામ કરી લો પછી આપણે નીકળીશું આવીને શીરામણ કરશું...”

ભાવેશે કહ્યું “અરે આ વાતે જ મારો થાક ઉતારી નાંખ્યો છે તમે કહો ત્યારે નીકળીએ. વસુધાએ દિવાળી ફોઈ સામે જોઈને કહ્યું ફોઈ તમે આકુને જોજો માં તો સાથમાં છેજ અમારે આવતાં આઘું પાછું થાય તો તમે જમી લેજો આકુને જમાડી લેજો એનું દૂધ ને બધું મેં તૈયાર કરી દીધું છે.”

ભાનુબહેને કહ્યું “વસુ તમે બધાં નિશ્ચિંન્ત થઈને જાવ આકુની ચિંતા ના કરો. આવ્યા પછી તું આકુને લેજે આમ પણ લાંબા સમયે તને જુએ પછી તને છોડશે પણ નહીં..”. ગુણવંતભાઈએ કહ્યું “તમે પરવારો હું અને કુમાર વાતો કરીએ છીએ...”

*****

શહેરનાં છેવાડે આવેલી રાજકીય જેલમાં ખુણકાતીઓ બહાર રાહ જોઈને ઉભા હતાં. એમાં ભૂરાં ભરવાડનો છોકરો કાળીઓ ભરવાડ... આમ એનું નામ કાળીદાસ હતું પણ એને બધાં કાળીઓ કાળીઓ કરીને બોલાવતાં હજી એ માંડ 19 નો થયો હશે પણ એનાં વિચાર કર્મ કાળા જ હતાં. વર્ણ રંગે પણ કાળો હતો બધાં કાળીઓ જ કહેતાં.

એ એનાં બાપને અને ગામનાં અન્યને જેલમાં મળવા આવેલો એનો નંબર આવતા હવાલદારે બુમ પાડી “એય કાળીયા જા અંદર જાળી પાસે મળી લે તારાં બાપને અને કાકાઓને”. કાળીઓ રૂમમાં પ્રવેશ્યો પછી...



વધુ આવતા અંકે પ્રકરણ -72