પ્રેમનું રહસ્ય
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૮
અખિલને થયું કે ઓફિસના કામ માટે રાત્રિના સમય પર જવાનું કંટાળાજનક હોય છે. બીજા કોઇ સંજોગો હોત તો કદાચ એક વખત તો એણે મેનેજરને ઇન્કાર કર્યો હોત. પોતે ઓફિસે જવા માટે તૈયાર થઇ ગયો એની એને પોતાને જ નવાઇ લાગી રહી હતી. એનું મન આવી કોઇ તકની રાહ જોતું હતું કે શું? અને સારિકા સાથે તેને કોઇ લગાવ થઇ રહ્યો છે કે બીજું કોઇ કારણ હશે? વિચારોમાં અટવાતા અખિલની નજર નવ વાગ્યાના ટકોરા પડ્યા એટલે સામેની દિવાલ પર લગાવેલા ઘડિયાળ પર પડી. તે તરત જ ઊભો થઇ ગયો અને સંગીતાને જઇને કહ્યું:'ડાર્લિંગ, મારે અત્યારે ઓફિસે જવું પડશે. મેનેજર પટેલનો ફોન હતો. અગત્યનું કામ આવી ગયું છે. રાત સુધીમાં પૂરું કરવું પડશે. તું સૂઇ જજે. હું બને એટલો વહેલો આવી જઇશ. તો પણ સવારના ચાર વાગવાની ગણતરી છે...'
સંગીતાને કંઇ બોલવાની તક જ આપવા માગતો ના હોય એમ અખિલ બોલી ગયો એ જોઇ તે નવાઇથી એની સામે જોઇ રહી. પછી બોલી:'આજકાલ તમારું ઓફિસમાં રાતનું કામ વધી ગયું છે. તમારા મેનેજર પટેલનો ઇરાદો શું છે? એને કહેજો કે મારે પણ ઘર- પરિવાર છે. અને તમે આમ જવા માટે તરત રાજી પણ થઇ ગયા ને!'
સંગીતાના અવાજમાં કટાક્ષ હતો કે નવાઇ હતી એ સમજવનો પ્રયત્ન કરતાં બોલ્યો:'શું થાય? હવે ફરી જો આવી રીતે કામ સોંપશે તો એમને કહેવું જ પડશે.'
અખિલે સંગીતાને આશ્વાસન આપવા સાથે વાતને પૂર્ણવિરામ આપ્યું.
'અખિલ, તમારી બાઇક તો બરાબર છે ને?' સંગીતાએ યાદ આવતાં પૂછ્યું.
'હા.' કહી પત્નીના ગાલે એક ચુંબન ચોડી અખિલ ઘર બહાર નીકળ્યો. ઝડપથી પોતાની બાઇક પાસે આવી પાર્કિંગમાં નજર દોડાવવા લાગ્યો. એને સારિકાની કાર ક્યાંય ના દેખાઇ એટલે આનંદ થયો. આજે ફરી મુલાકાત થઇ શકે છે. તે દિવસની જેમ જ ચાર રસ્તા પર એ સમય પર ઊભા રહેવું પડશે. આ કુદરતનો કોઇ સંકેત છે કે શું? એની સાથે મુલાકાત ગોઠવાઇ રહી છે. અચાનક એને યાદ આવ્યું અને બબડ્યો:'ધત્તતેરેકી આજે તો બાઇક છે. એની કારની રાહ જોવાનો સવાલ ઊભો થવાનો નથી.' પછી એક વિચાર મનમાં ગોઠવી બોલ્યો:'એવું જ કરવું પડશે!'
અખિલ ઓફિસમાં પહોંચીને મેનેજર પટેલે સોંપેલું કામ કરવા લાગ્યો. આજે તેને કામ કરવામાં સમય જઇ રહ્યો હતો. ગઇ વખતે જ્યારે એ કામ કરવા રોકાયો ત્યારે સારિકા જીવનમાં આવી ન હતી. હવે એના મન પર સારિકા વિનાકારણ કબ્જો જમાવી રહી હતી. તેણે મનોમન મેનેજર પટેલનો બે વખત આભાર માન્યો! પહેલાં તો એણે રાત્રે ફરી કામ કરવા મોકલ્યો અને બીજું તે આજે વારંવાર ફોન કરી સૂચનાઓ આપવા લાગ્યો હતો તેથી ધ્યાન સારિકા તરફ બહુ ભટકી જતું ન હતું.
અખિલની નજર સતત ઘડિયાળ પર આંટો મારી આવતી હતી. ઘડિયાળમાં બાર વાગ્યા ત્યારે કામ પૂરું થઇ ગયું હતું. તેણે હવે સમય પસાર કરવો પડે એમ હતો. આયોજન કરી લીધું હતું એટલે ચિંતા ન હતી. બાઇક આજે ચાલુ જ થવાનું ન હતું! રાતનો સમય અને ઠંડીનું જોર હતું એટલે ચાલુ ના થયું એ વાત પર મેનેજર પટેલ કે સંગીતા શંકા કરી શકે એમ ન હતા. એ સાથે સારિકા મળવાની હતી એ વિચારથી એના તનમાં ગરમાટો આવી ગયો હતો! બરાબર પોણા એક વાગે તે ઓફિસેથી નીકળ્યો. જાણે સવારે ઊઠીને તાજોમાજો હોય એટલી સ્ફૂર્તિ તે ચાલતી વખતે તનમનમાં અનુભવી રહ્યો હતો. આજે એણે નક્કી કર્યું હતું કે સારિકા સાથે વધુ પરિચય કેળવશે.
અખિલ ચાર રસ્તા પાસે આવીને ઊભો રહ્યો અને ગઇ વખતે જે બાજુથી સારિકાની કાર આવી હતી એ તરફ જ નજર ખોડીને ઊભો રહ્યો. એના આશ્ચર્ય વચ્ચે બે મિનિટમાં જ એક ઓટોરિક્ષા આવી. ચાલકે રિક્ષા ઊભી રાખી અને સવારી માટે પૂછ્યું ત્યારે કોઇ આવનાર હોવાનું કહી જવા દીધો. થોડીવારે એક-બે કાર અને બાઇક આવી. એની નજીકથી ધીમેથી ગઇ. કદાચ એ લોકો સારા હતા અને અખિલ જો થોભવાનું કહે તો લિફ્ટ આપી મદદરૂપ થવાની ભાવના ધરાવતા હતા. પરંતુ અખિલની નજર તો સારિકાની કારને શોધતી હતી.
અખિલની નજર ઘડિયાળ અને રસ્તા પર વાટ જોવામાં ઝૂલતી હતી. એક કાર ચાલકે તો ઊભા રહીને લિફ્ટ આપવા સૌજન્ય બતાવ્યું. અખિલે એને કોઇ લેવા આવે છે એમ કહી આભાર માનીને જવા દીધો. અખિલને થયું કે એ દિવસે કોઇ દેખાતું ન હતું અને કોઇ લિફ્ટ આપવા તૈયાર ન હતું. આજે સામે ચાલીને આવી રહ્યા છે. શું આજે સારિકા આવવાની નથી? અખિલના વિચારો આગળ વધે એ પહેલાં જ સ્ટ્રીટ લાઇટો લબૂક ઝબૂક કરતી બંધ થઇ ગઇ. આ વખતે તેને ડર ના લાગ્યો. સારિકાના આગમનની તૈયારી થઇ રહી હોય એમ ખુશ થયો.
થોડી જ વારમાં એક કાળા કાચવાળી કાર આવીને એની પાસે જ ઊભી રહી. તેને ખ્યાલ આવી ગયો કે આ કાર સારિકાની નથી. પછી થયું કે એની પાસે બે-ત્રણ કાર હોય તો...? એ વધારે વિચાર કરે એ પહેલાં જ કારના દરવાજાનો ડાબી બાજુનો કાચ ખૂલ્યો. અંદરની વ્યક્તિને જોવા એ ઉત્સુક થઇ ગયો. કાચ આખો ખૂલી ગયો પછી એમાં બેઠેલી વ્યક્તિ પર નજર પડતાં તે ચોંકી ગયો. તેને ઠંડીમાં ગભરાટ વધી ગયો અને કપાળ પર પરસેવો વળી જશે એમ લાગ્યું.
ક્રમશ: