4
સફળતાને પોતાના દુશ્મનો વળગેલા જ હોય છે. તેજોવધ, ઈર્ષ્યા અને દ્વેષને કારણે પાર્ટીમાં જ તેનું અપમાન થવા લાગ્યું, તેને પછાડવાના, નીચો દેખાડવાના પ્રયત્નો પૂર જોશથી ચાલવા લાગ્યા.
‘જુઓ, વિચારો, મગજને, પછી હૃદયને પૂછો અને કરો’ એ પેલા સાહેબે આપેલો મંત્ર તે કાયમ અમલમાં મુકતો. વિચારીને પગલું ભરતો હોઈ એ દર વખતે સફળ થતો.અને દુશ્મનો નિષ્ફળ.
એક વખત જાણીજોઈને તેને એક દૂરનાં શહેરમાં પૂરતાં સરનામાં વિના અને તેનો પગ ટેકવવાની કોઈ જગ્યાની વ્યવસ્થા વિના પાર્ટીની કાર લઇ મોકલવામાં આવ્યો. તેણે ગુગલ મેપ ઇન્ટરેક્ટિવ મોડમાં ચાલુ રાખ્યો અને તે શહેર, તેમાં પાર્ટીની ઓફિસ શોધી પહોંચી ગયો. પાર્ટીની ઓફિસની સામે જ એક ચા ની લારીપર ‘રામ રામ’ કહી પોતે ચા વેંચતો તે કાળુભાઈની ઓળખાણ દઈ રહેવાની વ્યવસ્થા વિષે પૂછ્યું. નજીક ધર્મશાળા હતી પણ ચાવાળાએ જુના ધંધાભાઇને પોતાને ઘેર જ રાત રહેવા આગ્રહ કર્યો જે તેણે સ્વીકાર્યો અને એ બહાને રાત્રે પાર્ટીનો પ્રચાર એની વસ્તીમાં કર્યો. તેમની મુશ્કેલીઓ જાણી. બદલામાં તેને ઓછા દૂધ અને સારા મસાલા સાથે વધુ સ્વાદિષ્ટ ચા બનાવતાં શીખવ્યું. હજુ તેના પગ ધરતી પર હતા. આંખો ઊંચે મીટ માંડતી પણ ધરતી પરથી નજર ઉઠાવતી નહીં.
તેને હવે મુખ્ય કાર્યાલયમાં મુકવામાં આવ્યો જેથી તે અહીં નડતો બંધ થાય પણ એ તક તેણે મોટા મહાનુભાવો સાથે ઓળખાણ અને તેમની પાસેથી જીવન ઉપયોગી ચીજો શીખવામાં વાપરી.
હવે તે બહારથી પહેલાં કરતાં અલગ જ, સુધરેલી રીતભાત, બોલચાલવાળો બની ચુકેલો. કોલેજનો અભ્યાસ પણ તેણે પૂરો કરી લીધો.
ઉગતા સૂર્યને લોકો પૂજે એવું કાયમ નથી હોતું. તેની આડે છાપરું, છજું કે નેવું કરી લોકો તેનો પ્રકાશ અટકાવે તો છે. તેનો રાજકીય કારકિર્દીનો સિતારો તેજસ્વી થતો જતો હતો પણ પાછળ ટાંટિયાખેંચ ચાલુ થઇ ગયેલી. તેના વિરુદ્ધ કાનભંભેરણીઓ પણ શરુ થઇ ગયેલી. તેણે જોયું કે પાર્ટીના કાર્યકરોની ઘણી નબળાઈઓ હતી. ઘણાને ડમી નામે અનેક ધંધાઓ હતા, ઘણાને બસ, યેન કેન પ્રકારે ટોપ પર પહોંચવાની વાસના હતી. તે માટે તેઓ ગમેતે હદ સુધી જવા તૈયાર હતા. કેટલાક લોકો બોલતા બહુ પણ કરી શકતા કાઈં નહીં. દરેકને સત્તા, સત્તાને ખાતર જ જોઈતી હતી અને એમાં તે વચ્ચે એવો આવતો કે જાણે ગળામાં અટવાઈ પડેલો કોળીઓ. ન ગળેથી નીચે ઉતારી શકાય ન ઓકી શકાય.
એક વખત તે એક રેલીને સંબોધવા જઈ રહેલો. આસપાસ જોવાની ટેવને કારણે તેને કઈક અજુગતું થઇ રહ્યું હોવાની ગંધ આવી. કેટલાંક વાહનોએ રોંગ સાઇડથી તેને આંતરી આગળ જવા કોશિશ કરી. અમુક ચાવીરૂપ સ્થાનોએ બાલ્કનીમાં છુપાઈને તેને કોઈ જોઈ રહ્યું હોય તેવું લાગ્યું. એક ખાસ મિત્રનો તેને સંદેશ મળ્યો કે તેના જીવન પર જોખમ છે. સહેજ પણ અચકાયા વિના તેણે પોતાનો માર્ગ બદલી નાખ્યો. તેણે તેના સાથીઓને કહ્યું કે તે સામાન્ય પ્રજા સાથે લોક સંપર્ક માટે BRTS માં જશે. અગાઉથી પહોંચવા બીજા કાર્યકરોને માટે તેણે ઉબેરની ટેક્ષી બોલાવી અને પાર્ટીની કાર બગડી છે તેમ કહી પરત કાર્યાલય પર મોકલી દીધી. એક બે સિનિયર કાર્યકરોને તેણે સાથે રાખ્યા. રસ્તામાં તેને પોતે એક કોલેજના વિદ્યાર્થીઓ જે પ્રથમ વખત વોટ આપવાના હતા, તેમને નિર્ધારિત બે દિવસ પછી ને બદલે આજે મળશે એમ જણાવ્યું અને એ કોલેજ પહોંચી ગયો. ઉત્સાહી વિદ્યાર્થીઓને મળી તે બહાર નીકળતો હતો ત્યાંજ પાર્ટીના અઘ્યક્ષનો ગભરાયેલા અવાજમાં ફોન આવ્યો કે તે ઠીક તો છે ને? પૂછતાં જણાવ્યું કે જે સ્થળે મિટિંગ હતી ત્યાં સ્ટેજપર બૉમ્બ બ્લાસ્ટ થયો. લોકો તેની રાહ જોઈ ચાલવા લાગેલા. બૉમ્બ બ્લાસ્ટ વખતે ગિરદી ઓછી હતી. ઉબેર વાળા કાર્યકરો કોઈ કામ માટે નીચે હતા એટલે કોઈ જાનહાની થઇ નહીં. પોતે પોતાની સતર્કતાથી બચી ગયેલો. તેણે ઈશ્વરનો આભાર માન્યો. એક એવી પરીક્ષા, જેમાં બીજા પ્રયત્નને કોઈ અવકાશ ન હતો, તે તેણે પાસ કરી લીધી હતી. અંતરના અવાજને તેણે માન આપ્યું તો એ અવાજે તેને જીવનદાન આપ્યું.
હવે તે વધુ સભાન રહેવા લાગ્યો પરંતુ લોકોને મળવાનું અને તેમના અભિપ્રાયો જાણી મુખ્ય નેતાઓને પહોંચાડવાનું તેણે ચાલુ રાખ્યું. તેની જોઈ, વિચારી, અંદરનો અવાજ સાંભળી કામ પર આદુ ખાઈ મચી પડવાની શૈલીએ તેને પાર્ટીમાં લોકપ્રિય બનાવ્યો અને ઉચ્ચ જવાબદારીવાળી પોસ્ટ માટે તેને પસંદ કરવામાં આવ્યો. પાર્ટીએ કરેલાં કામો તે પુરી તાકાતથી ‘લાઇમ લાઈટમાં’ લાવતો. પોતે કરેલું તે ખાસ યાદ અપાવતો નહીં, એ તો આપોઆપ દેખાઈ જતું હતું.
તેને ખ્યાલ આવી ગયો કે હવે એક અનાથ ગામડેથી આવેલો ચા વાળો એ તેનો ભૂતકાળ છે, હવે તે એક મોટી રાજકીય પાર્ટીનો જવાબદાર કાર્યકર અને ઉચ્ચ હોદ્દેદાર છે. જૂનું કલેવર ત્યાગ કરી તેનાં શરીર, મન એ જાણે નવો જન્મ લઇ લીધેલો.
પણ તેની આ ‘હોટ સીટ’ પર સાચે જ નીચે આગ સળગાવેલી હતી. અહીં તે કરોડ રૂપિયા નહીં, કરોડ દિલ જીતવા રમતો હતો. અને સીટની ઉપર નીચે ખીલાઓ, ભાલાઓ, તલવારો અદ્રશ્ય રીતે તેને પૂરો કરવા તૈયાર જ હતાં.
ગમે તે પરિસ્થિતિમાં તે શાંત રહેતો. તેને ચાઈનીઝ માર્શલ આર્ટની જેમ દુશ્મનને તેની જ તાકાત વાપરી તેને જાતે જ મહાત કરતાં આવડી ગયેલું. તે સહુનો મિત્ર હતો પણ કોઈનો દુશ્મન નહીં એવું નહીં. જો રમવું પડે તો જીતીને જ મેદાન છોડવું એવું તે ગીતાજી વાંચ્યા વગર કોઠાસૂઝથી શીખેલો.
હવે તે ખુબ ઉપલા ધોરણનો વિદ્યાર્થી હતો. અહીં પણ ગમે ત્યારે બદલાતા ,વધુને વધુ અઘરા થતા જતા અભ્યાસક્રમ સાથે તેને જીવનની પરીક્ષાઓ પાસ કરવાની હતી. તે એ કરી શકતો હતો.
(ક્રમશ:)