2
તેની આંખો સામે ભૂતકાળનું એ દ્રશ્ય તાજું થઇ ચિત્રપટની જેમ રમી રહ્યું. તે ફાટેલાં, મેલાં કપડાંમાં હાથમાં કપ રકાબીઓ ખણખણાવતો “ ગરમ ચાય સાહેબ” કહેતો એ પોશ ઓફિસની ચમકતા કાચની કેબિનમાં દાખલ થાય છે. કાળા ચામડાંની રીવોલ્વીગ ચેરમાં બેઠેલા સાહેબ આખી સુનકાર ઓફિસમાં એકલા બેઠા છે.
“અરે દીકરા, રવિવારે હું તો કામે આવ્યો, તું પણ આ ધોમધખતા તાપમાં ચાલુ છે? સારું. લાવ એક ગરમ ચા.”
તે કીટલીમાંથી કપમાં ચા રેડે છે અને બાજુની ટ્રેમાં પડેલું એક કોસ્ટર લઇ તેના પર કપ મૂકે છે. ચાની મીઠી સુગંધથી રૂમ ભરાઈ જાય છે.
સાહેબ પૂછે છે “ બેટા, તું ભણે છે?”
તે કહે છે “ બે ચોપડી તો ભણ્યો છું. ભણવું છે પણ સંજોગો એવા થયા કે મારે ગામડેથી અહીં આવી મજૂરી કરવી પડી. હું અહીં એકલો છું. મા ગામડે છે. બાપા ખેતમજુર હતા, ખેતરમાં સાપ કરડતાં મરી ગયા. કાળુકાકા પૈસા આપે એમાંથી થોડું ખાવા માટે રાખી મા ને મોકલું છું.”
“બેટા, આગળ આવવું છે? કઈં આગળ કરવું છે?”
“ એમ તો સાહેબ, મેં પણ સાંભળ્યું છે આપણા આજના વડાપ્રધાન એક વખત ચા વેંચતા. પણ એ જ્યાં હતા અને છે ત્યાં પહોંચ્યા એ વચ્ચેનો રસ્તો ખબર નથી પડતી.”
“ એક એક ડગલું ચડી ઉપર પહોંચાય. તું બહારની સીડી એક સાથે દસ પગથિયા કૂદીને પણ ન ચડી શકે. એક એક કરીને આવ્યોને? એમ જ એક એક ડગલું આગળ વધવું. એક ગીત છે ‘ ડગલું ભર્યું કે ના હટવું’. સમજ્યો? ”
“ સાહેબ, મને એવી કવિતાઓ ક્યાંથી આવડે? ફિલમના ગીતો બીજા છોકરાઓ ખોટેખોટાં ગાય છે એ આવડે.”
“ ચાલ તો તને એક કામ સોંપું. મજૂરી આપીશ હોં !”
“ શું કામ છે સાહેબ?”
સાહેબે એક ફાઈલો અને કેટલીયે ચીજવસ્તુઓથી ફાટ ફાટ થતા કબાટ સામે આંગળી ચીંધી કહ્યું ” આ કબાટ ખુબ ભારે છે. એને બીજા રૂમમાં લઇ જવો છે. કેમ લઈ જવો એ તું વિચાર.”
“હું શું કરું, સાહેબ? બધી ફાઈલો બહાર કાઢી દરેક ખાનાનો જુદો નીચે ઢગલો કરી ખાલી કબાટ બીજા રૂમમાં લઇ જાઉં અને જ્યાં હતી ત્યાં ફાઈલો ને વસ્તુઓ મુકું.”
“અને કબાટ ખુબ ભારે છે એ કેવી રીતે ફેરવીશ?”
તે મૌન રહ્યો.
સાહેબ કહે “દરેક કામનો ઉકેલ આપણા મગજમાં હોય જ. જુઓ, વિચારો, પહેલા મગજને, પછી હૃદયને (સાહેબે છાતી પર હાથ રાખી હૃદયનું સ્થાન બતાવ્યું) પૂછો અને.. બસ કરો શરુ.”
તેણે થોડી વાર વિચાર્યું અને એક સાથી ચાવાળા છોકરાને બોલાવી લાવ્યો. બંનેએ કબાટ ખાલી કર્યો, બે પાઇપના ટુકડાઓ નીચે મૂકી દોરડેથી બાંધી ગાડી ફેરવતા હોય એમ કબાટ બીજા રૂમમાં લઇ ગયા અને ફાઈલો ગોઠવી.
સાહેબે એની પીઠ થાબડી શાબાશી આપી અને મજૂરી પણ. તેણે સાહેબને નીચા નમીને સલામ કરી. આજે તો રાત્રે પણ જમાશે એ વિચારી એ ખુશ થયો.
સાહેબે કહ્યું “ તું રાત્રે ભણવા જા. કાળુને કહી તને સ્કૂલમાં દાખલ કરાવું.”
“સાહેબ, ભણવું તો ગમે છે પણ પાસ થવા સમજવું ને યાદ રાખવું અઘરું પડે છે.”
“એમાં શું, પહેલાં ટુકડે ટુકડે અર્ધા પાના જેવું વાંચ. પછી એ ખુલ્લી ચોપડીની સામે જો, યાદ કર શું વાંચ્યું? દાખલો હોય તો પહેલાં સહેલો પછી અઘરો કર. પાસ થઈશ જ.
હું પોતે પણ ગામડાના ખેડૂતનો દીકરો હતો, ધીમે ધીમે સખત મહેનત કરી આજે આ કેબિનમાં બેઠો છું. બે માણસની પરિસ્થિતિ ક્યારેય સરખી હોતી નથી. જિંદગીની પરીક્ષાનું પેપર દરેકને માટે જુદું હોય છે બેટા!”
બીજી એક વાર એમણે મોડી સાંજે તેને બોલાવ્યો અને કેટલાંક અગત્યનાં પેપર નામના પહેલા અક્ષરમાં અને પછી કોઈ ચોક્કસ નંબરના ક્રમમાં ગોઠવવા કહ્યું. હવે તે ભણતો હતો અને તેને એ બી સી ડી આવડતી હતી એટલે તે કરી શક્યો. એને સાહેબે ઘણું વધુ મહેનતાણું આપ્યું.
તેને લારીએ બેસી ટોળટપ્પા મારતા એ ઓફિસના પટાવાળાઓની વાતો દ્વારા જાણવા મળ્યું કે તે લોકો આ કંટાળા કે મહેનત ભર્યું કામ ટાળતા હતા. તેમને સમજાતું નહીં કે સાહેબે કોની પાસે આ કરાવ્યું. સાહેબ પાસે અલ્લાદિનનો જાદુઈ ચિરાગ હતો? તેણે સાહેબને આ વાત કહી.
સાહેબે સમજાવ્યું, “ના. જાદુઈ ચિરાગ તો વાર્તા છે. આપણી સહુની અંદર એક ચિરાગ પડ્યો છે. આપણી અંદરનો જિન જ આપણો તાબેદાર છે. એને બોલાવો અને કામ કરવા કહો. હાથ પગ ચાલે એટલે ધીમે ધીમે બધું થઈ જાય. જો પહેલેથી જ 'આ કોઈ કરશે, આ મારું શોષણ છે' એવું વિચારશું તો કઈં જ નહીં થાય. એ લોકો કાઈં કરવા કે કોઈને કરવા દેવા તૈયાર નથી અને મારે ઓફિસ ખાતર જરૂર છે. તું તારે કર્યે રાખ. તને શીખવા પણ મળશે અને પૈસા પણ.”
અવારનવાર સાહેબ તેને સહેલાં, સહેજ અઘરાં અને બુદ્ધિ માંગીલે તેવાં કામ સોંપતા ગયા અને તે બળ, બુદ્ધિ વાપરી કરતો રહ્યો. મહેનતાણું લઇ માને મોકલતો રહ્યો અને એ રાત્રે ભરપેટ જમતો રહ્યો.
સાહેબની બદલી વધુ મોટા સાહેબ તરીકે બીજે થઇ.
તેમણે કહ્યા મુજબ તે વધુ નવાં ઊંચાં ધ્યેય રાખતો, પહેલાં જોઈ વિચારી મગજને પૂછતો પછી હૃદયને અને પછી કામ કરતો.
તેણે પોતાની ચાની લારી નાખવા વિચાર્યું. પૈસા ભેગા કરવા તે દિવસે કેળાં અને રાત્રે ચણા ખાઈ થોડા મહિના રહ્યો.
રાત્રી શાળા પછી તે એક રાજકીય પક્ષની ઓફિસની બહાર સુઈ જતો. ત્યાં જ તેણે એક સ્ટવ લઇ ચા બનાવવા મંડી. પક્ષ કાર્યાલયવાળા તેની સોડમદાર ચા અને વધુતો તેની મીઠી વાતોથી ખુશ રહેતા.
તે સામેથી ઓફિસના લોકો પાસે કામ માંગતો અને હોંશે હોંશે કરતો. સફાઈથી શરુ કરી ઓફિસનાં પોસ્ટરો ગણવાં ,ચોંટાડવાં, ફાઈલો મુકવી અને એવા કામો કરવા લાગ્યો.
(ક્રમશ:)