Prem - Nafrat - 57 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૫૭

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૫૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૭

રચના શાંતિથી મીતાબેનની વાત સાંભળી રહી હતી. અગાઉ તેણે પોતાના બાળપણ વખતની પિતાની ઘણી વાતો સાંભળી હતી. એ બધી જ વાતો ટુકડે ટુકડે સાંભળી હતી. હવે તે એકસાથે આખી વાત સાંભળવા માગતી હતી. લખમલભાઇની કંપની અને પરિવારમાં એ એવો પ્રવેશ મેળવી ચૂકી હતી કે હવે પોતાના ધ્યેયમાં સફળ થવાનું સરળ સમજી રહી હતી. એ માટે મા-બાપની આખી જીવનકથા સાંભળવી જરૂરી હતી. એ પિતાને થયેલા અન્યાયનો બદલો લેવા માગતી હતી. તે લખમલભાઇના પગ જ નહીં કંપનીના પાયા પણ ધ્રૂજાવતા માગતી હતી. કેમકે એ કંપનીના પાયામાં એમનો પરસેવો નહીં કોઇનું રક્ત છે. લખમલભાઇ અને એમનો પરિવાર જ્યારે સચ્ચાઇ જાણે ત્યારે એમને લાગવું જોઇએ કે બહુ મોડું થઇ ગયું છે.

રચનાને વિચાર કરતી જોઇ મીતાબેન અટકી ગયા હતા. રચના પોતાના બદલો લેવાના વિચારોને ઘૂંટી રહી હતી એનો મીતાબેનને ખ્યાલ આવી ગયો હતો. રચનાએ ઇશારાથી જ મીતાબેનને આગળ વાત કરવા કહ્યું.

'આજે હું એમના જ બંગલામાં બેઠી છું એ કેવું કહેવાય? આજે તારા પિતા જીવતા હોત તો એમના દિલને ટાઢક મળી હોત.' બોલીને મીતાબેને આખા બંગલામાં એક સરસરી નજર નાખી આગળની વાતનું અનુસંધાન કર્યું:'તારા પપ્પાએ જ્યારે મેનેજરના શબ્દો સાંભળ્યા ત્યારે એ ડઘાઇ ગયા. જે કામ પોતાનું ન હતું એ વધારાના પૈસા મળવાની આશાએ કર્યું હતું. કેટલો પરસેવો પાડ્યો હતો. અને એ એનું મહેનતાણું ચૂકવવાનો ઇન્કાર કરી રહ્યો હતો. તારા પિતા એક ગરીબ અને સામાન્ય વ્યક્તિ હતા. એમનાથી મેનેજર સાથે ગમેતેમ વાત કરી શકાય એમ ન હતી. જો એમ કરવા જાય તો તેઓ જે શેઠની ટ્રક લઇને આવ્યા હતા એમને ખબર પડે કે રણજીતલાલે જીભાજોડી કરી છે તો નોકરીમાંથી કાઢી મૂકે. તારા પિતાએ નવાઇથી પૂછ્યું:"સાહેબ, મેં તમારા કહ્યા પ્રમાણે બહુ મહેનતથી અને ઝડપથી કામ પૂરું કર્યું છે."

'હા એટલે જ તને એનું મહેનતાણું આપવા માગતો નથી.' મેનેજરે આવું કહ્યું ત્યારે એમને સમજાયું નહીં અને પૂછ્યું:"તમે શું કહેવા માગો છો એ સમજ્યો નહીં."

"તમે મજૂર લોકો મહેનત કરી જાણો તમારામાં બુધ્ધિ હોતી નથી." મેનેજરે એમ કહ્યું ત્યારે એમને હાડોહાડ લાગી આવ્યું. એ મોં બંધ રાખવા મજબૂર હતા. મેનેજરે જ પછી ખુલાસો કરતાં કહ્યું કે,"મારો કહેવાનો મતલબ એ છે કે આજથી તું અમારી કંપનીનો મજૂર છે. આજનો તારો દિવસ ગણાઇ ગયો છે. એક મહિનો પૂરો થશે એટલે તને પગાર મળશે. જે તારા પગાર કરતાં બે કે ત્રણ ગણો હશે." મેનેજરની વાત સાંભળી તારા પિતા રાજીના રેડ થઇ ગયા. એક જાણીતી કંપનીમાં મજૂર તરીકે કામ મળી રહ્યું હતું એ વાત એ સમયમાં મોટી હતી. બે જ મિનિટમાં મેનેજરે ટ્રકના માલિકને વાત કરીને એમને મજૂરીએ રાખી લીધા.'

'ત્યારે લખમલભાઇની મોબાઇલની કંપની ન હતી ને?' રચનાએ યાદ કરીને પૂછ્યું.

'હા' ભણી મીતાબેને આગળ કહ્યું:'એમની પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવતી કંપની હતી. તારા પપ્પાએ નોકરી સ્વીકારી લીધી. એમણે મને કહ્યું કે મેનેજરે મહેનતની સારી કદર કરી. મેં માલ ઉતારવા મદદ કરવાની ના પાડી દીધી હોત તો આવી તક મળી ન હોત. ટ્રક પર રાત- દિવસ મુસાફરી કરીને મુશ્કેલીથી પેટિયું રળવાને બદલે ચોક્કસ સમયની આ નોકરી સારી કહેવાય. પગાર પણ સારો મળશે અને આપણું સમાજમાં નામ ઊંચું ગણાશે. સમય જતાં એ મજૂરમાંથી મુકાદમ અને મુકાદમમાંથી મેનેજર બનશે એવું વિચારવા લાગ્યા હતા. એમણે સપનાં તો ઘણા જોયા હતા. એ સપનાં જ બની રહેવાના હતા એની કોઇને કલ્પના ન હતી. સપનાંને સાકાર કરવા એમણે સારી મહેનત કરી. જે કામ સોંપવામાં આવતું એ બમણા ઉત્સાહથી કરતા હતા. એ માત્ર મજૂરી જ કરતા ન હતા. એ કામ જલદી કેવી રીતે થાય અને સારું થાય એનો ખ્યાલ રાખતા હતા. એ કારણે જ મેનેજરે એમને ફરી એવું કહ્યું ન હતું કે એમનામાં બુધ્ધિ નથી. તારા પપ્પાના કામથી બીજા મજૂરો પણ પ્રભાવિત હતા. ધીમે ધીમે એમણે બધાંથી સારું કામ કરવા માંડ્યું એની વાત લખમલભાઇ પાસે પહોંચી. પહેલી વખત લખમલભાઇએ કોઇ મજૂરને મળવા માટે બોલાવ્યો હશે. તારા પપ્પા બરાબર તૈયાર થઇને એમને મળવા પહોંચ્યા. ત્યારે લખમલભાઇએ એમને જે કહ્યું એ સાંભળીને ચોંકી ગયા. એમણે કહ્યું કે તારી ફરિયાદ આવી છે. બીજા મજૂરોએ તારી વિરુધ્ધ ફરિયાદ કરી છે. તને મજૂર તરીકે રાખી શકાય એમ નથી... તારા પિતા પર જાણે વીજળી પડી. એમને ખ્યાલ આવી ગયો કે મારા કામથી બીજા મજૂરોને જલન થતી હતી. તેમણે મેનેજરના કાનમાં મારા વિશે ખોટી વાતો કરી હશે અને એ લખમલભાઇ પાસે પહોંચી છે.

ક્રમશ: