Upla Dhoranma - 1 in Hindi Motivational Stories by SUNIL ANJARIA books and stories PDF | ઉપલા ધોરણમાં - 1

Featured Books
Categories
Share

ઉપલા ધોરણમાં - 1

1

"ભાઈ બહેનો, આપણે સાથે મળી કામ કરીએ છીએ?” ઊંચા સ્ટેજ પરથી નેતાએ પ્રશ્ન કર્યો.

મહેરામણમાંથી પ્રચંડ ઘોષ ઉઠ્યો “હા..”

“આપણે આગળ જઈ રહ્યા છીએ કે પાછળ?” નેતાએ ફરી પ્રશ્ન વહેતો મુક્યો.

“આગળ”. જનતા જનાર્દન બોલી ઉઠી.

યુવાનોને બોર્ડની જાહેર પરીક્ષામાં પાસ થવા બદલ અભિનંદન આપવા આ વિસ્તારના ખુબ લોકલાડીલા નેતા આવેલા. એ સાથે આ વિસ્તારમાં થયેલાં કામોનો પણ પોતે ક્યાસ કાઢી રહ્યા હતા.

નેતાએ જનસમુદાય પર આંખો ઠેરવી કહ્યું “ વિકાસનો આપણો રસ્તો બગીચામાં ટહેલવા જેવો સરળ ન હતો પરંતુ પર્વત પર ટ્રેકિંગ કરવા જેવો મુશ્કેલ હતો. આપણે સહુ સાથે ,મળી એ કરી શક્યા છીએ જે થોડા સમય પહેલા માત્ર કલ્પના જ હતી. હવે તમે જ મને કહો, આપ સહુના માટે હું આ વિસ્તારના વિકાસમાં નિષ્ફળ થયો છું કે સફળ?”

“સફળ, સફળ”. પ્રચંડ ઘોષ એક કિલોમીટર દૂર સુધી ગગન ગજાવી રહ્યો.

લોકોના લાડીલા નેતાએ કહ્યું “ સફળ થયેલાં યુવાન ભાઈ બહેનો, આપણી સહુની જિંદગી એક પરીક્ષા છે જેનો અભ્યાસક્રમ ક્યારેય કોઈ જાણી શકતું નથી. તેનાં પેપર ક્યારેય સેટ થતાં નથી. યાદ રાખો, જિંદગી એટલે આગળ જવું, વધુ આગળ જવું. ઉપલા ધોરણમાં જવું. એક ધ્યેય નક્કી કરો, મનોમન સફળતાની કલ્પના કરો, એ કેવી રીતે પામવા શું જોઈશે એનું આયોજન કરો. સિદ્ધ કરો અને તુરત નવું વધુ ઊંચું ધ્યેય નક્કી કરો.

યાદ રાખો, જિંદગી ડગલે ને પગલે નવું પેપર કાઢે છે અને અભ્યાસક્રમ ઓચીંતો બદલાય છે. આપણે અઘરું પેપર લખી અને પાસ જ થવાનું છે. એમાં ગ્રેસ માર્ક નથી કે નથી કોઈ વૈકલ્પિક પ્રશ્ન.

તો અત્રે એકઠા થયેલા યુવાનોને પરીક્ષામાં પાસ થવા બદલ અભિનંદન.

હવે તમે સહુ એ કહો, જિંદગીની આ પરીક્ષામાં પરીક્ષક કોણ હોય?”

“આપણે જેના માટે કામ કરીએ છીએ એ” કોઈએ કહ્યું.

“ તો તમે સહુ મારા પરીક્ષક છો. હું તમારી પરીક્ષામાં પાસ થયો છું?”

મેદનીએ મોટેથી “ હા” નો જયઘોષ કર્યો.

“ વહાલા દોસ્તો, હું તમારો નેતા નહિ, તમારામાંનો જ એક છું. સદાય તમારી સાથે જ છું. આવો આપણે નવી ઊંચાઈઓ સર કરી , નવાં ઉપલાં ધોરણો પાસ કરી વિશ્વને બતાવીએ. બોલો -’માય નેશન સ્ટ્રોંગેસ્ટ’.”

આભ ફાડતો અવાજ થયો “ માય નેશન સ્ટ્રોન્ગેસ્ટ”.

“ બોલો, મારું રાષ્ટ્ર આગવું રાષ્ટ્ર”

મહત્તમ યુવાનો ધરાવતી મેદનીએ દોહરાવ્યું “મારું રાષ્ટ્ર આગવું રાષ્ટ્ર’.

નેતા સહુ સામે હાથ હલાવી અભિવાદન કરતા સ્ટેજ પરથી ઉતર્યા. તેમનું વ્યક્તિત્વ જ પ્રભાવશાળી હતું. સાદા પણ ઇસ્ત્રીબંધ ડ્રેસમાં તેઓ આગવા તરી આવતા હતા. તેમના વક્તવ્યને વધાવતો તાળીઓનો ગડગડાટ ક્યાંય સુધી આભમાં પડઘાઈ રહ્યો. નેતાએ આગળ ઉભેલા સહુ સાથે આંખમાં આંખ મિલાવી સ્મિત કર્યું . કેટલાકને વંદન કર્યાં તો કેટલાક હાથ મેળવવા દોડી આવ્યા. કોઈ કોઈએ તો નેતાનાં ઝડપી પગલાંઓ સાથે સેલ્ફી ખેંચવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો.

એકાએક નેતા થંભી ગયા. પાછળ ચાલતા કમાન્ડોએ પોતાના પગને બ્રેક મારી. એક પ્રભાવશાળી વયસ્ક તેમની સામે હાથ હલાવતા હતા તેમની પાસે નેતા ઉભા રહ્યા. તેમનો ચરણસ્પર્શ કરવો હોય તેમ સહેજ ઝૂક્યા. વયસ્કે તેમને આલિંગનમાં લીધા અને બોલી ઉઠ્યા “ શાબાશ બેટા. તું તો ગમે તેવું અઘરું પેપર પાસ કરી નાખે છે.ઉપર ને ઉપર જા. મારા આશીર્વાદ છે.”

“ હા સાહેબ. આપના આશિષ થી હું એક પછી એક સોપાન સર કરું છું. આપે કહેલું એ મનમાં કોતરી રાખ્યું છે - ‘જુઓ, વિચારો, મનને પૂછો, અંતરને પૂછો અને કરો.’ આપનો એ મંત્ર મેં યાદ રાખ્યો છે.”

વયસ્કને આલિંગન આપી નેતા આગળ ગયા. હવે એમની આંખો જનસમુદાય પર ન હતી પણ ક્યાંક દૂર ખોવાયેલી હતી.

(ક્રમશ:)