શીર્ષક : તમે કોણ છો?
©લેખક : કમલેશ જોષી
“તમે કોણ છો?” પ્રશ્નનો જવાબ આપણે શું આપીએ? આપણું નામ કહીએ અથવા તો આપણે જે કામ-ધંધો કરતા હોઈએ (જેમકે શિક્ષક, પી.આઈ. કે ડોક્ટર કે વિદ્યાર્થી કે વેપારી) એ કહીએ અથવા તો થોડા ફિલોસોફીકલ બનીએ તો કેટેગરી વાઇઝ જવાબ આપીએ (જેમકે મનુષ્ય કે સામાજિક પ્રાણી કે સજીવ). પણ મારા એક મિત્રે જુદું જ કહ્યું. હું એક એવો જીવ છું જેને મીઠાઈ ભાવે છે, ગેરશિસ્ત પસંદ નથી, મોડે સુધી જાગવું ગમે, ટીવી પર ન્યુઝ જોવા ગમે, નવરાત્રિમાં ગરબે રમવું ગમે, વરસાદની સીઝન બિલકુલ ન ગમે, કારેલા ન ભાવે વગેરે વગેરે વગેરે.
તમે કદી આ સેન્સમાં તમારા વિશે વિચાર્યું? તમે કોણ છો? નાનપણથી આપણી આસપાસ આપણી અંદર ‘આપણું’ સર્જન કરતી ‘આપણે કોણ છીએ?’ એનો વિસ્તૃત જવાબ તૈયાર કરતી અનેક ઘટનાઓ બનતી હોય છે. ઘરમાં ગુસ્સેથી બૂમો પાડતા પપ્પાને જોઈ આપણી અંદર ‘ગુસ્સા અને બૂમો પ્રત્યે નફરતનો ભાવ જન્મતો હોય છે’, મામા કે નાનાને જોઈ ખુશખુશાલ થતી મમ્મીને જોઈ ‘મોસાળિયાઓની જેમ અંગતતા, આત્મીયતા કેળવવાની ઈચ્છા જન્મતી હોય છે’, સતરસીંગા કે ભભૂતીયા બાવાનું બિહામણું વર્ણન સાંભળી ‘લઘરવઘર અને વિચિત્ર વેશભૂષા પ્રત્યે અણગમો જન્મતો હોય છે’. વારંવાર થતા આવા અનુભવો પરથી આપણી પસંદગી અને ના-પસંદગીનું એક લીસ્ટ તૈયાર થતું હોય છે. એ લીસ્ટ એટલે ‘તમે કોણ છો?’ એ પ્રશ્નનો તમારો જવાબ.
મારા ભાણિયાએ પૂછ્યું: "મામા સેલ્ફી એટલે?" મેં કહ્યું, "પોતાનો, ખુદનો, સ્વયંનો, આત્મનો, સેલ્ફનો ફોટો બીજું શું?" એ બોલ્યો, "આત્મ એટલે પેલું આત્મવિશ્વાસ વાળું આત્મ?, સેલ્ફ કોન્ફિડન્સ વાળું સેલ્ફ?’ મેં હા પાડી. એ ગયો પછી મને ઝબકારો થયો. આત્મવિશ્વાસમાં ‘આત્મ’ એટલે જ તો પેલું લીસ્ટ નહિ હોય ને? જેને પોતાની પસંદ નાપસંદના લીસ્ટની ક્લિયર કટ ખબર હોય, જે વ્યક્તિ પોતાના આ લીસ્ટને મહદંશે ફોલો કરી શકતા હોય એમનો આત્મવિશ્વાસ વધે. જેને આ લીસ્ટ વિશે શંકા-ગરબડ કે કન્ફયુઝન હોય એની લાઇફમાં ગરબડ થયા કરે.
એક સંતે કહ્યું ‘મન કે આત્મા એ કોઈ ફિઝીકલ વસ્તુ નથી, લોજીકલ છે, વિચારોનું લીસ્ટ છે’. આપણી ભીતરે અને બહાર લાખો વિચારો રોજેરોજ જન્મતા અને મરતા હોય છે. જેમ ચાર રસ્તા પર ટ્રાફિક જામ થયો હોય ત્યારે વાહનોના હોર્ન ના ‘ટે-ટે પે-પે’ના અસંખ્ય અવાજો આપણી આસપાસ સંભળાતા હોય છે એનાથીયે અનેકગણા વધુ વિચારો આપણી ભીતરે બૂમ-બરાડા કરતા હોય છે. આપણું મન રોજ આપણી સામે આવા લાખો વિચારોનું મેનુ ધરતું હોય છે. તમે હોટેલમાં જાઓ અને વાનગીઓનું મેનુ તમારી સામે મૂકવામાં આવે એમ જ મન તમારી સામે દરેક ક્ષણે વિચારોનું મેનુ મૂકતું હોય છે. દરેક પરિસ્થિતિમાં મનના આ મેનુમાં ‘ફલાણું બોલી નાખ’ અને ‘ઢીકળી રીતે વર્તી નાખ’ ના સૂચનોનું લાંબુ લીસ્ટ હોય છે. હોટેલમાં મેનુ જોઈ કેટલાક લોકો પોતાની ફિક્સ-ભાવતી વાનગીઓ જ મંગાવતા હોય છે: કાજુ બટર મસાલા, તવા રોટી અને દાલ તડકા, જીરા રાઇસ. મન જયારે વિચારોનું-સજેશન્સનું મેનુ ધરે છે ત્યારે આપણે આપણા ‘ભાવતા’ સજેશન્સ શોધવાની પ્રક્રિયા કરીએ છીએ. આ સમયે આપણા ભીતરી લીસ્ટ, આત્મસાત થયેલા ગમતીલા વિચારો, વર્તનો અને વાણીના લીસ્ટને આપણે અનુસરી શકીએ તો આપણો આત્મવિશ્વાસ, આત્મસન્માન સોળે કળાએ ખીલી ઉઠે.
મારો ભાણિયો સન્માનનો અર્થ હાર પહેરાવવો, પગ ધોવા અને શાલ ઓઢાડવી એટલો જ સમજતો હતો. પણ જયારે ‘આત્મ સન્માન – સેલ્ફ એસ્ટીમ’ શબ્દ એણે સાંભળ્યો ત્યારે એ ભારે કન્ફયુઝ થયો. સેલ્ફને હાર કેવી રીતે પહેરાવવો, શાલ કેવી રીતે ઓઢાડવી? એક વડીલે કહ્યું: મારી અને તમારી અંદર બાળપણથી જ નહિ જન્મજન્માન્તરના અનુભવોના આધારે તૈયાર થયેલું પસંદ-નાપસંદનું લીસ્ટ પડ્યું છે જેને ‘આત્મા’ એટલે કે ‘તમારા જીવનને પૂર્ણરૂપે ખીલવી શકે એવા વિચારોના લીસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. અને પછી એ વડીલે જે સૂત્ર કહ્યું એ અદ્ભૂત હતું : આપણે જયારે આ આત્મ-લીસ્ટથી જુદું વર્તીએ છીએ ત્યારે ત્યારે આપણે આપણું ખુદનું, સેલ્ફનું અપમાન કરીએ છીએ, સેલ્ફ સાથે વિશ્વાસઘાત કરીએ છીએ. જ્યાં સુધી આત્મ-લીસ્ટ મુજબ નહિ જીવીએ ત્યાં સુધી ગમે તેટલા સેમીનાર એટેન્ડ કરીએ આત્મગૌરવ, આત્મવિશ્વાસ, આત્મસન્માન જાગવાના નથી.
એક તમે છો અને એક તમારી અંદરનો કનૈયો છે. (સાબિતી, કાનુડાએ ખુદે જ કહ્યું છે, મમૈવાન્શો જીવલોકે). ભીતરી કનૈયો એટલે પેલું આત્મ-લીસ્ટ. જેટલા આપણે આ આત્મ લીસ્ટથી જુદું, વિરુદ્ધનું વર્તીએ એટલો કાનુડો આપણી વિરુદ્ધમાં. જેટલા આપણે આ આત્મ-લીસ્ટની નજીક એટલો કાનુડો આપણી નજીક. કાનુડો એટલે એ આત્મ-લીસ્ટનું, ઈશ્વરીય શક્તિનું સાક્ષાત, જીવતું જાગતું માનવ સ્વરૂપ. પાંચ હજાર વર્ષ પહેલા એને ખબર હતી કે ભવિષ્યમાં, બે હજાર બાવીસમાં, કોઈ કરશન કે અરજણ કે કાનજી કે ક્રિશ (કે તમે) જીવન-યુદ્ધના મેદાનમાં વિષાદગ્રસ્ત થઈ આ આત્મ-લીસ્ટ તરફ ચોક્કસ વળશો, એટલે જ એણે મારા-તમારા એફ.એ.કયુ. (ફ્રિકવન્ટલી આસ્કડ ક્વેશ્ચન્સ)ના જવાબો શ્રીમદ્ ભગવદ ગીતા સ્વરૂપે આપી દીધા. પાંચ હજાર વર્ષ પહેલા અર્જુને તો એ મુજબ વર્તીને આત્મ-કલ્યાણ કરી લીધું, હું અને તમે ક્યારે શ્રીમદ્ ભગવદ ગીતા ખોલીએ એની રાહ જોતું એ પુસ્તક મારા-તમારા ઘરમાં ક્યાંક, મંદિરના ખાનામાં કે કબાટમાં જુના પુસ્તકો સાથે બેઠું છે.
કોણ જાણે કઈ મનહૂસ ઘડીએ, અશુભ ચોઘડિયે આપણા સમાજે બાળકો અને યુવાનોના હાથમાંથી શ્રીમદ્ ભગવદ ગીતા છીનવી લીધી અને છેક છેલ્લો શ્વાસ લેવાય જાય પછી જ આપણે એ વાંચીએ એવી વ્યવસ્થા કરી નાખી. જે લીસ્ટ મુજબ પહેલા શ્વાસથી જ જીવવું જોઈએ, જિંદગીની ક્ષણે ક્ષણ જીવવી જોઈએ એ લીસ્ટ જ આપણી સામે મર્યા બાદ ખોલવામાં આવે એવું કેમ? સમાજના સજ્જનો, સંતો, સાત્વિકો તો શ્રીમદ્ ભગવદ ગીતાના લીસ્ટને આત્મસાત્ કરી જીવનને સાચા અર્થમાં જીવી રહ્યા છે પણ આપણે? કરોડ-સવા કરોડ ભારતીયો જ નહિ સાત-આઠ અબજે પહોંચેલા વસુંધરા વાસીઓએ પણ વહેલી તકે જિંદગીનું આ ગીતારૂપી મેન્યુઅલ ખોલવાની જરૂર હોય એવું તમને નથી લાગતું?
તમે ગીતાજીનું પુસ્તક હાથમાં લો એટલે ‘યોગેશ્વર કૃષ્ણ’ સાક્ષાત્ તમારી સમક્ષ પ્રગટ્યા સમજજો. એકેએક શબ્દનો અર્થ તમારી ભીતરની-સ્વયંની ડીક્ષનેરીમાં જોઈ વિચારશો, મનન કરશો, જીવશો તો ‘વિજયશ્રી’ ચોક્કસ આશીર્વાદ આપશે. તસ્માત્ ઉત્તિષ્ઠ કૌન્તેય, યુદ્ધાય કૃતનિશ્ચય....
- kamlesh_joshi_sir@yahoo.co.in