Script of life in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - સ્ક્રીપ્ટ ઓફ લાઇફ

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - સ્ક્રીપ્ટ ઓફ લાઇફ

 

શીર્ષક : સ્ક્રીપ્ટ ઓફ લાઇફ   

©લેખક : કમલેશ જોષી

 

તમે કદી તમારી લાઈફની સ્ક્રીપ્ટનો વિચાર કર્યો? એક મિત્રે કહ્યું : મને લાગે છે કે આપણી લાઈફના નેક્સ્ટ એપીસોડની, નેક્સ્ટ દ્રશ્યની, આવતીકાલના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની એક નહિ, ત્રણ સ્ક્રીપ્ટ હોય છે. એક આપણે પોતે કલ્પેલી, સ્વપ્નેલી, વિચારેલી. બીજી દુનિયાએ, મિત્રો-પરિચિતોએ કલ્પેલી અને ત્રીજી વાસ્તવિક, ઈશ્વરે લખી રાખેલી, જે આપણે સાચુકલા જ ભજવવાની હોય છે. બાળપણમાં આપણને એમ હોય કે આપણે ડોક્ટર બનીશું, આપણી આસપાસના લોકો એટલે કે શિક્ષકો, મિત્રો, આડોશી પાડોશીને લાગતું હોય કે આપણે ડોક્ટરમાં તો નહિ ચાલીએ પણ વકીલ કે વેપારી ચોક્કસ બનીશું અને વાસ્તવમાં આપણે શિક્ષક કે પોલીસ બની આખી જિંદગીનું નાટક ભજવી રહ્યા હોઈએ છીએ. બહુ જ ઓછા લોકો, કદાચ એકાદ-બે ટકા લોકો જ એવા હોય છે જેની કાલ્પનિક લાઈફ અને વાસ્તવિક લાઈફ નેવું કે સો ટકા મેચ થતી હોય. 

આખી લાઈફ તો જવા દો ખાલી આવતીકાલની કલ્પના કરો તોયે સમજાય જાય કે આપણી જિંદગી કેટલી બધી પારકી છે, કાબુ બહારની છે. આવતી કાલ શું ખાલી આવનારી બે કલાક કે પંદર મિનીટ પણ આપણે આપણી ધારણા મુજબ નથી વર્તી શકતા. ન માનતા હો તો પ્લીઝ ટ્રાય કરી જુઓ. વાઈફના વખાણ કરવા ધાર્યા હોય અને ભૂલનિર્દેશ કે સલાહ સૂચન કરવા માંડીએ, બોસ પાસે પગાર વધારો માંગવા ગયા હોઈએ અને કામ વધારો લઈને પાછા ફરીએ, ફેસબુક જોવા મોબાઈલ ખોલીએ અને ન્યુઝ એપ વાંચવા માંડી જઈએ, સમોસા ખાવા બહાર નીકળ્યા હોઈએ અને વડાપાઉં દાબીને પરત ફરીએ એવું આપણી સાથે અનેક વાર બન્યું છે. જાણે આપણે કેમ વર્તવું એ આપણા સિવાયનું કોઈ નક્કી કરતું ન હોય! 

 

એક મિત્રે કહ્યું : આપણું વિવરીંગ માઈન્ડ આ માટે જવાબદાર છે. વિવરીંગ માઈન્ડ એટલે આવનારી એક ક્ષણ કેમ વિતાવવી એ માટે એક સાથે દસ ઑપ્શન રજૂ કરતું આપણું પોતાનું માઈન્ડ. એમાંય પાછું દસેય ઑપ્શન એક-એકથી ચડીયાતા ગણાવવાની એનામાં ક્ષમતા હોય. અને છેલ્લે પાછું જે ઑપ્શન આપણે આવતી ક્ષણ માટે સિલેક્ટ કરીએ એ જીવાય ગયા પછી આપણે ખોટું ઑપ્શન સિલેક્ટ કર્યું એ પણ એ જ માઈન્ડ આપણને સમજાવે. આઈસ્ક્રીમ પાર્લરમાં વેઈટર તમને પૂછે કે કઈ ફ્લેવર આપું? ત્યારે તમારી સામે જેમ આખું લીસ્ટ આવે, કેડબરી, વેનીલા, કાજુ-બદામ, મેંગો, એક્સ, વાય અને ઝેડ.. એમ જ આજનો રવિવાર વિતાવવા માટે આપણું માઈન્ડ શનિવારની રાત્રે જ વિવિધ સ્ક્રીપ્ટ રજુ કરે: તળાવે જઈશું કે મિત્રના ઘેર જઈશું કે કાકાની તબિયત જોવા જઈશું કે દેવસ્થાને જઈશું. આખી રાત આપણા સ્વપ્નમાં રવિવારની સ્ક્રીપ્ટ ભજવવામાં આવે. સવાર સુધીમાં બધી જ સ્ક્રીપ્ટ સ્વપ્નમાં જ ભજવાઈ ગઈ હોય, મણાઈ ગઈ હોય એમ આપણે ધરાઈ જઈએ, અને ફાઈનલી આખો રવિવાર ઘરમાં જ ટીવી જોતા પડ્યા રહીએ. મજાની વાત તો હવે આવે છે. સોમવારે ઓફિસે ચર્ચા થાય એમાં કોઈ ફૅમિલી સાથે તળાવે મજા માણવા ગયું હોય એની વાતો કે કોઈએ મિત્રોના ઘરે મંડળી-મહેફિલ જમાવી હોય એની વાતો કે કોઈ એ મોટી ગાડી બાંધી દેવસ્થાનના દર્શને જવાનો લાભ લીધો હોય એની વાતો સાંભળીએ ત્યારે આપણી ભીતરે એક પ્રકારની ઉદાસી કે ખેદ ચોક્કસ પ્રગટે છે- આપણો રવિવાર ફેલ ગયાનો.

 

આ વાત એકલા રવિવારની નથી, આખું અઠવાડિયું આપણે ધાર્યા બહાર જ વર્તીએ છીએ, આખું અઠવાડિયું જ નહિ, મહિનાઓ, વર્ષો.. અરે આખી જિંદગી આપણે આપણા માર્ગથી આડા-અવળા ફંટાયા જ કરીએ છીએ. આખું બાળપણ સૈનિક બનવાનું સ્વપ્ન સેવ્યું હોય અને આખી જિંદગી શિક્ષક તરીકે નીકળે, ફિલ્મોમાં ગાયક બનવાની ચાહત લઈને જિંદગીના પ્રથમ બે દશકા જેણે કાઢ્યા હોય એ બાકીના તમામ દશકાઓ ડોક્ટર તરીકે કે એન્જીનીયર કે વકીલ કે પોલીસ તરીકે વિતાવતા હોય એવા અનેક ઉદાહરણો આપણી આસપાસ મળી જ આવશે. આવું કેમ?

 

એક મિત્રે ચોખવટ કરી. ફિલ્મમાં હીરો અને રાઈટર અલગ હોય છે. અસલ જિંદગીમાં પણ આપણે સૌ એક્ટર છીએ, રાઈટર નથી. તમારી કે મારી જીંદગીમાં આવતીકાલે કયો સીન ભજવવાનું લખાયેલું છે એ સસ્પેન્સ છે. ભજવવો ફરજીયાત છે. કોઈ છટકબારી નથી. રઘુપતિ રાઘવ રાજા રામને પણ સ્વપ્નમાં રાજગાદી દેખાડવામાં આવી હતી અને બીજા દિવસે સ્ક્રીપ્ટમાં વનવાસનો સીન ભજવવાનું લખાયેલું હતું. જો કે ભગવાન રામને એનાથી કોઈ જ ફર્ક નહોતો પડ્યો, કોઈ અફસોસ કે બેડ ફીલિંગ નહિ. ચહેરાની એક પણ રેખામાં ફેરફાર નહિ. જયારે આપણને રવિવારની રજાનું કહ્યું હોય અને બોસ જો રવિવારે ઓફિસે બોલાવે કે પત્નીએ રવિવારના મેનુમાં કેરીનો રસ કહ્યો હોય અને એને બદલે મીઠી સેવ પીરસવામાં આવે તો આપણાં ભવા ઊંચા ચઢી જાય. ચહેરાની એક પણ રેખાઓ સીધી ન રહે. 

 

બસ આ જ કારણ છે આપણી અવદશાનું, તમામ પ્રોબ્લેમનું કે તમામ દુઃખોનું. આપણે કશું જ અણધાર્યું સ્વીકારી શકતા નથી. રોજ રોજ સ્વપ્નાઓના મહેલ ચણ્યે રાખીએ છીએ અને વાસ્તવિક જીવનમાં રચાતી ઝૂંપડીઓ કે ટેનામેન્ટ જોઈ રાજી થવાને બદલે સ્વપ્ન મહેલ ચકનાચૂર થવા બદલ અફસોસભર્યા હૃદયે, આંસુ ભરી આંખે અને માયૂસ ચહેરા સાથે દિવસો-મહિનાઓ ગુજારતા ગુજારતા ગુજરી જઈએ છીએ.

એવું નથી કે નિયતિ, કુદરત કે ઈશ્વર આપણને કશુંક નબળું કે દુઃખદાયી આપે છે, હકીકત એ છે કે આપણે વાસ્તવિકતાને માણવાની કળા જ ખોઈ બેઠા છીએ. મને કે તમને માનવ રચિત સુખ સુવિધાઓમાં ન્યાય કે અન્યાય કે પક્ષપાત થતો હશે એની ના નથી, પણ કુદરત તો સૌને એકસરખું જ, ઉમદા જ, શુદ્ધ અને શ્રેષ્ઠ જ પીરસે છે. તમે તમારી આવતીકાલની સ્ક્રીપ્ટમાં ઉગતા સૂર્યના દર્શન કરવાનો, કે પક્ષીઓનો કલરવ દસેક મિનીટ સાંભળવાનો કે વહેલી સવારે કુદરતે વહાવેલી ઠંડી હવા અને ખુલ્લા આકાશ નીચે હાથ ખુલ્લા કરી એકાદ ભજન ગાવાનો કે મસ્ત મોર્નિંગ વૉક લેવાનો કે યોગા-ધ્યાન કરવાનો સીન કલ્પી જુઓ. બીજે દિવસે એ ભજવવાની મજા માણો. જલસો પડી જશે. 

 

ઓફિસના કે ફૅમિલીના કે પ્રસંગોના ડ્રામા કે ડાયલોગ વિષે બહુ ધારણા બાંધવી નહિ, બહુ કલ્પના કરવી નહિ કે બહુ સ્વપ્નો જોવા નહિ કેમ કે એ ડ્રામામાં કુદરત નહિ માનવમન સાથે તમારો પનારો વધુ છે અને યુ નો આજકાલ નેવું ટકા વિવરીંગ માઈન્ડ આપણી આસપાસ ફરી રહ્યા છે. લગ્નમાં ગયા હોય અને ધીંગાણા કરવા માંડે, ઉઠમણાંમાં ગયા હોય અને સગાઈ સાતરાની વાતે ચઢી જાય, જાત્રા કરવા ગયા હોય અને પોલીસ કેસ કરીને આવે, કોલેજે ભણવા ગયા હોય અને સગાઈ-લગ્ન કરીને આવે એવા વિવરીંગ માઈન્ડ દરેક સમાજોમાં, શેરીઓમાં, ઘરોમાં વધતા જાય છે એ ચિંતાનો વિષય છે. તમે કંઈ જ પ્રિડીક્ટ ન કરી શકો એવું હોય ત્યારે જે બને તે જોયા કરવું એમાં જ સાચી મજા છે.

 

મંદિરમાં બેઠેલો કાનુડો એટલે જ મૌન ધારણ કરીને, ચુપચાપ બધું જોયા કરતો હશે? આડેધડ તોફાન કરતા વિદ્યાર્થીઓથી કંટાળીને આખરે શિક્ષક ભણાવવાનું, સમજાવવાનું છોડી કહે કે તમે ભણશો નહિ તો રિઝલ્ટ માટે તૈયાર રહેજો. એવો જ ભાવ પાંચ હજાર વર્ષ પહેલા, છેલ્લો પીરીયડ લેવા આવેલા કાનુડાએ કહેલા ‘કર્મણ્યેવાધિકારસ્તે... મા ફ્લેષુ કદાચન...’ શબ્દોમાં તો નહિ હોય? આપણે ક્યારે ડાહ્યું થવાનું, સીધા દોર થવાનું, રામ રાખે તેમ રહેવાનું સ્વપ્ન જોઈશું? આજનો રવિવાર.. કશી જ કલ્પના કર્યા વિના જે કાંઈ બની રહ્યું છે, એના માત્ર સાક્ષી બની, સાક્ષી ભાવથી જીવી લઈએ તો કેવું?              

 

- kamlesh_joshi_sir@yahoo.co.in