અતીતરાગ-૫૮
દિલીપ કુમાર અને લતા મંગેશકર.
બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આ બે એવાં નામ છે કે, ભાગ્યે જ કોઈ આ બે નામ સાથે સંકળાયેલું ન હોય.
દિલીપ કુમાર અભિનીત કોઈ ફિલ્મ ન નિહાળી હોય, અથવા લતા મંગેશકરનું કોઈ ગીત ન સાંભળ્યું હોય, એ વાત અતિશયોક્તિ ભરી લાગે.
દિલીપ કુમાર અને લતા મંગેશકર બન્નેની પહેલી અને અંતિમ મુલાકાત ક્યાં અને કઈ રીતે થઇ હતી, અને શું ચર્ચા થઇ હતી એ મુલાકાત દરમિયાન તેના વિષે જાણીશું, આ કડીમાં.
લતા મંગેશકર અને દિલીપ કુમારની પહેલી મુલાકાત મુંબઈની લોકલ ટ્રેનમાં થયેલી.
આજના દોરમાં આ વાંચતા જરા અજુગતું અને અમાન્ય લાગે, પણ તે સમયમાં દિગ્ગજ ફિલ્મકારો પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં હતાં.
એક દિવસ લતા મંગેશકર સંગીતકાર અનિલ બિસ્વાસ અને તેમના આસિસ્ટન્ટ જોડે બોમ્બે ટોકીઝ જઈ રહ્યા હતાં. જે મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલું હતું.
જયારે ટ્રેન બાન્દ્રા સ્ટેશન પર સ્ટોપ થઇ, ત્યારે તે ટ્રેનમાં ચડ્યા દીલીપ કુમાર.
દિલીપ કુમારની નજર લતા મંગેશકર પર પડી. એટલે તેમણે સંગીતકાર બિસ્વાસને પૂછ્યું... ‘આ છોકરી કોણ છે. ?’
પ્રત્યુતર આપતાં અનિલ બિસ્વાસે કહ્યું કે,
‘આ છોકરીનું ગળું ખુબ સુરીલું છે, મહારાષ્ટ્રીયન છે, અને થોડા સમય બાદ ખાસ્સું એવું નામ કમાશે.
આ સાંભળીને દિલીપ કુમાર બોલ્યાં...
‘અરે..મહારાષ્ટ્રીયન છે. તો તો તેના ઉચ્ચારમાં દાળ-ભાતની મહેંક આવતી હશે.’
એવું બોલીને માર્મિક અંદાઝમાં દિલીપ કુમાર હસવા લાગ્યાં.
દિલીપ કુમારના માર્મિક હાસ્ય પાછળનો મર્મ એ હતો કે, લતા મંગેશકર ઉર્દૂ ભાષાની પાશ્ચાત્ય ભૂમિમાંથી નથી આવી રહ્યા, એટલે તેમની ઉર્દૂ ભાષાનું ઉચ્ચારણ અને પ્રભુત્વ પરફેક્ટ નહીં હોય, જેટલું હોવું જોઈએ.
દિલીપ કુમાર સાથેની આ પહેલી મુલાકાતની ઘટના લતા મંગેશકરને આહત કરી ગઈ.
તે દિવસની સાંજે લતા મંગેશકરે સંગીતકાર મહમ્મદ શફીનો સંપર્ક કર્યો.
શક્ય છે કે,ઘણાં લોકો મહમ્મદ શફીના નામથી અજાણ હશે. મહમ્મદ શફી ચૌદ વર્ષ સુધી મહાન સંગીતકાર નૌશાદ સાબના સહાયક તરીકે ફરજ બજાવી ચુક્યા હતાં.
મહમ્મદ શફી ગણી ગાંઠી ફિલ્મોમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે પણ કામ કરી ચુક્યા હતાં. જેમાની બે ફિલ્મો હતી.. ‘બાજૂબંધ’ અને ‘હલચલ’. અને આ બન્ને ફિલ્મના ગીતોમાં લતા મંગેશકરે તેનો સ્વર આપ્યો હતો.
લતા મંગેશકરે મહમ્મદ શફીને કહ્યું કે, આપ મને એક ઉર્દૂ ભાષાના ગુરુ સાથે સંપર્ક કરવો. જેથી કરીને હું ઉર્દૂ ભાષાના શુદ્ધ ઉચ્ચારણ અને શબ્દાર્થથી વાકેફ થઇ શકું.
મહમ્મદ શફીએ એક મૌલાના જોડે લતા મંગેશકરનો પરિચય કરાવ્યો અને તે મૌલાના પાસે લતા મંગેશકરે ઉર્દૂ ભાષાની તાલીમ હાંસિલ કરી.
એ લોકલ ટ્રેનમાં બન્નેની પહેલી મુલાકાતના દશ વર્ષ બાદ,
એક ફિલ્મમાં લતા મંગેશકર અને દિલીપ કુમાર બન્નેને એક યુગલ ગીત ગાવાની તક મળી, જે યોજના ઘડી હતી, તે ફિલ્મના ડીરેક્ટર ઋષિકેશ મુખરજીએ. તેમની આ ડેબ્યુ ફિલ્મ હતી. ફિલ્મનું નામ હતું, ‘મુસાફિર’. ફિલ્મના સંગીતકાર હતાં, સલિલ ચૌધરી. જે ફિલ્મ ૧૯૫૭માં રીલીઝ થઇ હતી.
બંનેની પહેલી મુલાકાતમાં દિલીપ કુમારે અજાણતાંમાં લતાજીના ઉર્દૂના ઉચ્ચારણ વિષે ટકોર અને ટીપ્પણની કરી હતી, પણ હવે આ ફિલ્મમાં દિલીપ કુમારે ગાયિકા લતા મંગેશકર સંગાથે ગીત ગાવાનું હતું. એટલે દિલીપ કુમાર નર્વસ હતાં, તેમણે ત્રણ મહિના એ ગાયન માટે રીયાઝ કર્યું.
પછી ગીતના રેકોર્ડીંગ સમયે લતા મંગેશકરને કહ્યું કે, તમે આ ગીતમાં મારા પર હાવી ન થઇ જાઓ એટલું ધ્યાન રાખજો.
ગીતના શબ્દો હતાં. ‘લાગી નાહી છૂટે રામા..ચાહે જીયા જાય.’
ગીતનું ફાઈનલ રેકોર્ડીંગ થઇ ગયું. એ ગીત સાંભળતા દિલીપ કુમાર નિરાશ થઇ ગયાં. એ ગીત સાંભળતા એવું લાગે કે, ગીતમાં દિલીપ કુમારને સાવ ઝાંખા પડી દેવામાં આવ્યાં છે. દિલીપ કુમારને એવું લાગ્યું કે, લતા મંગેશકરે આવું જાણીબૂઝીને કર્યું છે.
દિલીપ કુમારે સલિલ ચૌધરીને ફરીથી ગીતનું રેકોર્ડિગ કરવાનું કહ્યું. સલિલ ચૌધરી ગીતની ગુણવત્તાથી ખુશ હતાં એટલે તેમણે ના પાડી દીધી.
વાતવાતમાં વાતનું વતેસર થઇ ગયું. નાની ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. અને એ પછી લતા મંગેશકર અને દિલીપ કુમાર વચ્ચે તેર વર્ષ સુધી અબોલા રહ્યા. બંને વચ્ચે વાતચીતનો વ્યહવાર પણ નહતો.
એ પછી જયારે દિલીપ કુમાર અને લતા મંગેશકર વચ્ચે અંતિમ મુલાકાતની ચર્ચા દરમિયાન એ કડવી ઘટનાનો ઉલ્લેખ થયો હતો.
એ મુલાકાત થઇ હતી, ડીસેમ્બર ૨૦૧૪માં. આ એ સમયગાળો હતો, જયારે દિલીપ કુમારની યાદદાસ્ત ખાસ્સી ધૂંધળી થઇ ચુકી હતી.
લતા મંગેશકર, દિલીપ કુમારને તેમના પાલી હિલ સ્થિત બંગલાં પર મળવા આવ્યાં હતાં. લતા મંગેશકરને ડર હતો કે, દિલીપ કુમાર તેમને નહીં જ ઓળખી શકે.
લતાજી, દિલીપ કુમારની પાસે બેઠાં. અને એટલું જ બોલ્યાં..
‘લાગી નાહી છૂટે રામા..’
તરત જ દિલીપ કુમાર લતાજીને તાકી તાકીને જોઈ રહ્યા.. અને થોડીવાર પછી હળવેકથી બોલ્યાં...
‘ચાહે જીયા જાય.’
આટલું સાંભળતા ભાવુક લતાજીને ખાતરી થઇ ગઈ કે, દિલીપ કુમારને ખ્યાલ છે કે તે કોની જોડે વાત કરી રહ્યા છે. અને તે દિવસે લતા મંગેશકરે તેમના હાથે દિલીપ કુમારને નાસ્તો પણ કરાવ્યો.
આગામી કડી..
સુભાષ ઘાઈ...
એ વાત સાચી છે કે,છેલ્લા ઘણા વર્ષોથી સુભાષ ઘાઈએ કોઈ સુપરહિટ અથવા યાદગાર ફિલ્મનું નિર્માણ નથી કર્યું.
પણ એંસીના દાયકામાં સુભાષ ઘાઈનો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાફી દબદબો હતો.
એમની ફિલ્મો એટલી સુપર ડુપર હીટ નીવડી હતી કે, તેમને બોલીવૂડના શોમેન કહેવામાં આવતાં. તેમણે અનેક સફળ મલ્ટી સ્ટારર ફિલ્મોનું પણ નિર્માણ કર્યું હતું.
તો પછી એંસીના દાયકાથી લઈને આજદિન સુધી, શો મેન સુભાષ ઘાઈએ સ્ટાર ઓફ ધ મિલેનિયમ અમિતાભ બચ્ચન સાથે એકપણ ફિલ્મ કેમ ન કરી ?
હવે પછીની કડીમાં તે મુદા પર ચર્ચા કરીશું.
વિજય રાવલ.
૨૧/૧૧/૨૦૨૨