talash 2 - 53 in Gujarati Fiction Stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 2 ભાગ 53

Featured Books
Categories
Share

તલાશ - 2 ભાગ 53

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

લગભગ સાડા દસ વાગ્યે (દુબઈમાં) જીતુભા પોતાની હોટલના કમરામાં વ્યગ્રપણે ટહેલી  રહ્યો હતો. એટલામાં એના ફોનમાં રિંગ વાગી. એણે જોયું તો મોહિનીનો ફોન હતો. એણે ફોન ઉચક્યો અને કહ્યું. "હેલ્લો."
"જીતુ પ્લાન સક્સેસ રહ્યો. એ બે પ્રેમીપંખીડાને અલગ અલગ બહાને તારદેવ માં બોલાવ્યા અને હું ત્યાં ગઈ જ નહિ. હવે મોજથી ફરશે એ બન્ને."
"થૅન્ક્સ, મોહિની"
"અરે એમાં થૅન્ક્સ શું. પણ મારે કૈક માંગવું છે તારી પાસે."
"હા બોલ ને શું જોઈએ છે. તું કહે એ લઇ આવીશ દુબઇથી."
ના દુબઈથી કઈ નથી જોઈતું. પણ તું જયારે મુંબઈ પાછો આવે એ દિવસે. મને તારો સમય જોઈએ છે 6-8 કલાકનો માત્ર તું અને હું જ બીજું કોઈ નહિ."
"હું તો રવિવારે આવી જઈશ, પણ.."
"પણ શું?"
"પણ પૃથ્વી સોમવારે બેલ્જીયમ જવાનો છે. એ મુંબઈમાં હોય અને આપણે બે એને અને સોનલને મૂકીને એકલા ફરવા જઈએ એ સારું લાગશે?"
"ના જરાય સારું ન લાગે. આપણે 4રે સાથે ક્યાંક ફરવા જાશું.. પણ એ એ . ઉભો રે આ રવિવારે તો પોસિબલ નથી"
"કેમ હવે તને ક્યાં વાંધો પડ્યો."
"અરે રવિવારે તો જીગ્નાની સગાઇ છે. અને મારે અને સોનલે સવાર થી જવાનું છે. અને તારે અને પૃથ્વીજી એ પણ સાંજે સગાઈમાં આવવાનું છે."
"હું તો સખ્ત થાકેલો છું. એટલે અને કંપનીનું કામ,,,"
"કોઈ બહાના નહિ જોઈએ. જીતુ જીગ્ના તને સારી રીતે ઓળખે છે એની સગાઈના દિવસે એને નારાજ કરીશ?"  
xxx
 "સિડનીના એક આધુનિક મોલના 12માં માળે આવેલ એક બિઝનેસ કોર્પોરેટની ઓફિસમાં પોતાની આધુનિક ડિઝાઈનર રીતે ડેકોરેટ કરેલી ઓફિસમાં કમ્ફર્ટ ચેરમાં બેઠેલી મિસ ગ્રેસ મિલર કૈક વ્યગ્ર હતી. એના મનનો માણીગર રૂટીન મુજબ લગભગ 3 મહિને આવ્યો હતો. પણ દર વખતની જેમ 12-15 દિવસ રોકવાના બદલે માત્ર 4 દિવસમાં પાછો નીકળી ગયો હ્તો. આમ તો એ એનો બિઝનેસ પાર્ટનર હતો પણ એનું ચુંબકીય વ્યક્તીથી એ પહેલી નજરેજ આકર્ષાઈ હતી. એના પપ્પાએ બેઉની બિઝનેસ પર્પઝથી મુલાકાત કરાવી હતી, એ વાત એ આજે લગભગ 2 વર્ષ થવા આવ્યા હતા. અત્યંત પૈસાદાર બાપની માં વગરની અત્યંત સ્વરૂપવાન અને હાઈલી એજ્યુકેટેડ દીકરીએ જયારે બાપને કહ્યું હતું કે 'મારે 2-3 વર્ષ કંઈક બિઝનેસ કરવો છે પછી હું પરણવાનું વિચારીશ.' ત્યારે એના અરબોપતી બાપે એ વાત તરત સ્વીકારી લીધી હતી જનરલી પૈસાદાર ની છોકરીઓ કરે છે એવો જ ફેશન ડિઝાઇન કે ઇન્ટિરિયર નો ધંધો દીકરી કરશે એવી ગણતરી બાપની હતી. અને પોતાની દીકરી માટે સિડનીના એક મોલમાં આખો માળ ખરીદી લીધો હતો. અને બિઝનેસ વર્તુળમાંથી મળેલી ભલામણથી એક પોતાનાથી વધુ સંપન્ન એવા નબીરા સાથે મિટિંગ કરાવી દીધી. અને પહેલીવાર યુવકને જોઈને ગ્રેસને થયું કે જાણે ગ્રીક મહાકાવ્ય ઇલિયડનું કોઈ પુરુષસભર પાત્ર જાણે સદેહે ધરતી પર ઉતરીને એને મળવા આવ્યું છે  એ એનાથી એવીતો આકર્ષાઈ કે એને મન થયું કે "પપ્પાને ફોન કરીને કહી દઉં કે બિઝનેસ છોડો, આમેય બિઝનેસ તો ટાઇમપાસ કરવા કરવો હતો મારે તો અને પરણવું છે' એની આંખોમાં રહેલા સંમોહનથી જાણે એ બંધાઈ ગઈ હતી. અને સામેવાળાએ જે શરતો કહી એ બધી એને સ્વીકારી ફટાફટ બીજે દિવસે એગ્રીમેન્ટ બન્યા અને એ બન્ને બિઝનેસ પાર્ટનર બની ગયા. ગ્રેસે પોતાના બાપનું ઘર છોડી દીધું અને પોતાની ઓફિસ (મોલ)થી થોડે દૂર એક આલીશાન ફલેટમાં શિફ્ટ થઈ ગઈ. જેથી એનો પાર્ટનર, એનો પ્રેમી ઓસ્ટ્રેલિયામાં આવે ત્યારે વધુને વધુ સમય એનો સાન્નિધ્ય પામી શકે. બધું બરાબર ચાલતું હતું. એનો પ્રેમી પણ જબરો હતો. જયારે ગ્રેસે પોતાના પ્રેમનો ઈઝહાર એની સમક્ષ કર્યો ત્યારે એણે તરત જ ગ્રેસને કહ્યું હતું કે 'હું તારી સાથે લગ્ન નહીં કરી શકું કેમ કે હું પરણેલો છું અને એક છોકરાનો બાપ છું. આપણે માત્ર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.' પણ ઓસ્ટ્રેલિયામાં મુક્ત વાતાવરણમાં ઉછરેલી અને અમેરિકામાં અભ્યાસ કરેલ ગ્રેસને વગર લગ્ને કોઈની સાથે રહેવામાં જરાય છોછ ન હતો વળી દર 3-4 મહિને માત્ર 12-15 દિવસનું સહજીવન પણ એણે રાજી ખુશીથી સ્વીકાર્યું હતું. પણ આ વખતે માત્ર 3-4 દિવસ માંજ એનો પ્રેમી પરત ચાલ્યો ગયો હતો એને ખુંચ્યુ હતું અને એ પણ એની પત્નીના માત્ર એક ફોન કોલથી. ગ્રેસ ને રહી રહીને થતું હતું કે 'પોતાની વેલ્યુ એના પ્રેમીના જીવનમાં શું છે?' એના પપ્પાએ અને બીજા એના શુભેચ્છકોએ એને આ સંબંધ લાંબો નહીં ચાલે એમ ચેતવી હતી. એ વાતો એને યાદ આવવા લાગી. મનમાં મુઝાયેલ આ અરબોપતિ બાપની કરોડપતિ દીકરીએ મનોમન કૈક નિર્ણય લીધો અને પોતાના મોબાઈલથી એક ફોન જોડ્યો.
xxx  
બંગલે પહોંચીને ત્યાં હાજર રહેલા લોકોને 2-3 મિનિટ મળી ને બધા છુટા પડ્યા. અનોપચંદે સુભાસ અંકલને 2-3 ફોન કરવાનું કહ્યું અને પછી પોતાના બેડરૂમમાં નહાવા ગયો બીજી બાજુ નીતા અને નિનાદ પોતાના બેડરૂમમાં ઘુસ્યા કે તરત જ નીતાએ નિનાદ ને પૂછ્યું" શું છે આ બધું?" એનો અવાજ ભારે થયેલો હતો
"શું થયું નીતુ ડાર્લિંગ જલ્દી બોલ મારે નહાવા જવું છે.
"આ બધા નખરા બંધ કર, અને મને સાચું કહે શું ચાલી રહ્યું છે આ બધું?"
"પણ ક્યાં શું ચાલી રહ્યું છે? નિનાદે સામે પ્રશ્ન કર્યો. એજ વખતે એના મોબાઈલમાં ઘંટડી વાગી. ફોન પલંગ પર પડ્યો હતો બંનેનું ધ્યાન ફોન સ્ક્રીન પર હતું. એમાં કોઈ અજાણ્યો નંબર ડિસ્પ્લે પર ચળકતો હતો. જેને નીતા જાણતી ન હતી. પણ નિનાદ... નિનાદ ને ખબર હતી અત્યારે કોનો ફોન આવવાનો છે. એટલે જ એ નહાવા જવાની ઉતાવળ કરતો હતો. એકાદ મિનિટ ફોન સામે તાકી રહેલા નિનાદની સામે જોઈને નીતા એ કહ્યું. "એના આન્સરનું બટન દબાવીએ તો જ વાત થઇ શકે નિનાદ, તારી બોલતી કેમ બંધ થઈ ગઈ છે?"
"અ...ઉ .. કંઈ કામનો ફોન નથી લાગતો અજાણ્યો નંબર છે."
"ઓસ્ટ્રેલિયાથી ફોન છે એટલી તો મને સમજ પડે જ છે. જે હોય એની સાથે વાત જલ્દી પતાવ, અને યાદ રાખજે બીજીવાર મારા ઘરમાં એ નંબરથી ફોન આવશે તો હું તારો ફોન ઘરમાંથી બહાર ફેંકી દઈશ. આટલું બોલતા તો નીતા હાંફી ગઈ અને જોશભેર રડવા લાંગી.  નિનાદ મૂંઝાઈને ઘડીકે ફોન તરફતો ઘડીક નીતા સામે તાકતો રહ્યો લગભગ 2 મિનિટ પછીએણે નિર્ણય લીધો અને લગાતાર એક જ નંબર પરથી 3જી વાર આવી રહેલા કોલ ને કટ કર્યો. અને નીતાને પોતાની આગોશ માં લીધી અને કહ્યું."હવે એ ફોન નહીં કરે. બસ એ એટલી સમજદાર છે કે મેં ફોન કટ કર્યો એટલે સમજી જશે કે હું અત્યારે ફોન નહીં ઉપાડી શકું"  
"પણ નિનાદ શું કામ? શું કામ આ બધું..?"
"નીતુ ડાર્લિંગ આપણે ઘણીવાર એ ચર્ચા કરી ચુક્યા છીએ."
"અને  તે દર વખતે મને વચન આપ્યું હતું કે તું બધું..."
"હા મેં વચન આપ્યું હતું.. પણ યાર નીતા તું સમજ.."
"હજી કેટલું સમજુ.. હજી કેટલી સમજદારીની મારી પાસેથી અપેક્ષા રાખે છે?' રાડ પડતા નીતા એ કહ્યું.
"બસ થોડા દિવસ.."
"પણ શું કામ તારે હજી થોડા દિવસ છાનગપતીયા કરવા છે? શું કામ હું મારા વરને કે જેની સાથે મેં શાસ્ત્રોક્ત વિધિથી બન્નેના ફેમિલી અને શુભેચ્છકોની હાજરીમાં લગ્ન કર્યા છે એને કોઈ અન્ય છોકરીઓ સ્ત્રીઓ સાથે વહેંચતા ફરું બોલ...?"
"નીતુ પ્લીઝ આટલું મોટેથી રાડો નાખીશ અને રડીશ તો બધા સાંભળશે અને નોકર ચાકરો ..."
"ભલે એ લોકોનેય ખબર પડતી કે આ ઘરની લાડકી વહુનો વર બીજા અનેક ઠેકાણે છોગાળા કરવા બિઝનેસના બહાને ભટકતો હોય છે. "
"બસ. નીતુ બહુ થયું.. આ બધું હું આપણા સંતાન...."
"મારે કે મારા દીકરાને તારી એવી સંપત્તિ માંથી એક રૂપિયોય નથી જોઈતો. અને તારામાં ત્રેવડ ન હોય તો મારો બાપ તને આખી જિંદગી બેઠા બેઠા ખવડાવશે. એટલે એવા વાહિયાત બહાના બંધ કર. શરૂઆતમાં તો ખાલી ઓસ્ટ્રેલિયા, પછી બીજા 2 યુરોપીય દેશો. પછી જર્મની છેલ્લે દુબઈ અને હવે..."

"હવે શુ? આ બધાની તો તને ખબર જ છે. અને ઓસ્ટ્રેલિયા સિવાય ક્યાંય..."

"ઓહ્હ્હ તો હવે તો તે જુઠ્ઠું બોલવાનું પણ શરૂ  કરી દીધું. શું તને એવું લાગે છે કે મને ખબર નહીં પડી હોય કે દુબઈમાં તારું કોણ પાર્ટનર છે? "

"ભગવાન ભાઈ. અને હવે ભગવાનને ખાતર બંધ કર આ બધું."

"ભગવાન ભાઈની દીકરી શ્વેતાને ભૂલી ગયો તું? ખા આપણા દીકરાના સોગંદ કે દુબઈમાં તું ભગવાન ભાઈનો પાર્ટનર છે અને એની દીકરી શ્વેતાને ઓળખતો પણ નથી." નીતાના આ વાક્યથી નિનાદનાં પગ તળેથી જમીન સરકી ગઈ.એ ચુપ થઇ ગયો. "અને સાંજ સુધીમાં તું કહે તો તારા જર્મનીના પાર્ટનરનો પણ બાયોડેટા આપી દઈશ તને.. હું આટલો વખત ચૂપ હતી કેમ કે હું તને મારા જીવથી વધુ ચાહું છું છેલ્લા દોઢ વર્ષથી તારું ઓસ્ટ્રેલિયાનું લફડું નજરઅંદાજ કરું છું તો માત્ર એક કારણથી કે હું તારા વગર નહીં જીવી શકું મારા બાપથી વધુ મને લાડ કરનાર મારા સસરાને હું નહિ છોડી શકું. હંમેશા મારા માટે મોટો ભાઈ બનીને ઊભનારા મારા જેઠ અને જીજુ ને હું ના છોડી શકું અને મારી આ મજબૂરી તું જાણે છે એનો તું ફાયદો ઉઠાવતો હતો છેલ્લા 3 મહિનામાં 2 બ્રાન્ચ જર્મની અને દુબઈમાં આટલું મોટું રોકાણ અને ઘરના કોઈ સભ્યને એની જાણ પણ નથી. અને સ્ટાફના 2 અત્યંત અગત્યના સભ્ય એવા આપણા ઘરના મેમ્બર જેવા જીતુભા અને પૃથ્વીને તું એ વિષે કોઈ વાત ન કરવા ધમકી આપે છે. બસ. ઇનફ ઇઝ ઇનફ હું હમણાં જ પપ્પાજીને કહેવા જાઉં છું કે તને ગમે તે રીતે રોકે. એના માટે તારા હાથ પગ ભંગાવી નાખવા પડે તો પણ વાંધો નથી. હુંઆખી જિંદગી તારી સેવા કરીશ.." રડતા રડતા નીતા એ કહ્યું અને દરવાજા તરફ આગળ વધી.  

"એક મિનિટ નીતુ જ્યાં છો ત્યાં જ ઉભી રહે નહિ તો.."

"નહીં તો શું" કહેતા નીતા નિનાદ તરફ ફરી એણે જોયું તો નિનાદના હાથમાં એની ગન હતી.

"ઓહ્હ અગર હું આ રૂમની બહાર જવાનો પ્રયાસ કરીશ તો તું મને ગોળી મારી દઈશ એમકે? ચલાવ ગોળી, હું તારા લફડા સહન કરવા કરતા તારા હાથે મરવાનું વધુ પસંદ કરીશ."

"હું તને નહિ મારી જાત ને ગોળી મારી દઈશ નીતુ ડાર્લિંગ. તારું એક કદમ દરવાજા તરફ ઉપડશે અને અહીં મારી લાશ પડશે. ફેંસલો તારે કરવાનો છે. મેં જીવનમાં તારાથી કદી ક્યારેય કઈ છુપાવ્યું... "

"તો પછી દુબઈમાં શ્વેતા કેવી રીતે તારી પાર્ટનર બની ગઈ? બોલ જવાબ દે."

"હું તને બધું કહીશ પણ અત્યારે નહિ રાત્રે નિરાંતે. અત્યારે કંપનીને મારી જરૂરત છે. હું ફટાફટ નાહીને પપ્પા સાથે કોર્ટમાં જાઉં છું. મોહન અંકલને ગમે તે રીતે છોડાવવા પડશે. મારા સ્ટાફનો કોઈ માણસ હેરાન થાય એ મને જરાય નથી ગમતું. અને આ બધા મારા પાર્ટનર વિષે હું પપ્પાને અને સુમિતભાઈને બધું કહી દઈશ પણ પછી... અને તને વચન આપું છું કે એ પછી હું એ બિઝનેસ માટે ક્યારેય તને છોડીને નહિ જાઉં. જેમ સુમિતભાઈ માટે સ્નેહા ભાભી છે એમજ મારી જિંદગીમાં માત્ર તું જ હશે."

"પણ ક્યારે.. એતો કહે?"

"બહુ જલ્દી " નિનાદે કહ્યું.

"એટલે કે 30 મેં ના દિવસે લગભગ સવા મહિના પછી. બરાબરને?" નીતાએ કહ્યું. અને નિનાદ એની તરફ તાકતો રહ્યો. કે આને કેવી રીતે ખબર પડી.   

 ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.