Prem - Nafrat - 56 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૫૬

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૫૬

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૬

રચનાએ આરવની વિદેશ જવાની તૈયારી શરૂ કરી દીધી હતી. આરવનું એકલા જવા મન માનતું ન હતું. લખમલભાઇનું સૂચન હતું કે આરવે વિદેશમાં સેમિનારમાં ભાગ લેવો જ જોઈએ. એમણે પણ રચનાને આગ્રહ કર્યો. રચનાએ પોતાની માતાની તબિયત સારી ન હોવાની વાત કરવા સાથે આરવને વિદેશનો અનુભવ હોવાથી તે વધુ સારી માહિતી મેળવી શકશે જેવા કેટલાક કારણો રજૂ કરી મનાવી લીધા. રચનાને શંકા હતી કે હિરેન કે કિરણ વિદેશ ફરવા જવાના આશય સાથે પણ એની સાથે જવા તૈયાર થઇ જાય તો આખું આયોજન માથે પડે એમ હતું. રચના એક તીરથી બે શિકાર કરવા માગતી હતી. આરવને એકલો જ વિદેશ મોકલવા માગતી હતી. જો એની સાથે કોઇ જાય તો ખરો આશય સિધ્ધ થાય એમ ન હતો. આરવને પોતાનો હાથો બનાવવાનો આ એક વિચાર જ હતો. આ વિદેશ યાત્રા પછી આરવ મુઠ્ઠીમાં આવી જાય એમ હતો. રચનાએ હિરેન કે કિરણને પહેલાં તો આરવના વિદેશ જવાની વાતની ગંધ જ આવવા દીધી નહીં. આરવને પણ એકલા જ જવાનો આગ્રહ કર્યો હતો. એર ટિકિટ આવી ગઇ પછી બંનેને ખબર પડી કે આરવ એકલો જઇ રહ્યો છે. અસલમાં આરવ રચના સાથે જવાનો હશે એમ માની કોઇએ સાથે જવાનું યોગ્ય ન હોવાનું માન્યું હતું. પહેલાં એમના મનમાં એમ જ હતું કે આરવ એની સાથે રચનાને લઇ જ જશે. અને હમણાં જ લગ્ન કર્યા હોવાથી વિદેશમાં હનીમૂન માટે અને ફરવા માટે એમને એક તક હતી. જ્યારે બંનેએ જાણ્યું કે આરવ એકલો જ જવાનો છે ત્યારે એમના આશ્ચર્યનો પાર ના રહ્યો. એમને રચના સમજાઇ રહી ન હતી.

આરવને વિદેશ મોકલીને રચના મીતાબેનના બંગલા પર પહોંચી ગઇ હતી. એણે મમ્મીને કહ્યું કે તે આજે અહીં રહેવાની છે. આ બે દિવસ દરમ્યાન એ એમની એક વાર્તા ફરીથી સાંભળવાની છે.

'બેટા! તને તો મેં અવારનવાર બધું જ કહ્યું છે. તારા પિતા અને લખમલભાઇ સાથેની વાતો હવે તું સારી રીતે જાણે છે અને એટલે જ પહેલાં એમની કંપનીમાં પ્રવેશ મેળવ્યો અને પછી આરવ સાથે લગ્ન કરીને એમના પરિવારનો ભાગ બની ગઇ છે...'

'મા! મારા પિતાએ એમના માટે ભોગ આપ્યો છે એ વાતને હું ફરીથી બરાબર સાંભળીને સમજી લેવા માગું છું. મારું લક્ષ્ય વધુ સ્પષ્ટ બનાવવા માગું છું. તેં ભલે અવારનવાર એમના વિશે વાતો કહી છે અને એ આધારે જ મેં આ મિશન શરૂ કર્યું છે. પરંતુ એક વખત હું તમારા જીવન વિશે અથથી ઇતિ સાંભળવા માંગું છું. મને શંકા છે કે હજુ ઘણી વાતો મારે જાણવાની બાકી રહી ગઇ હશે...'

'બેટા! આ કહાની શરૂ થાય છે તારા જન્મ પછીથી. આપણે બહુ ગરીબ ઘરના રહ્યા છે. રોજ કમાઇને ખાનારા લોકો રહ્યા છે. એક અઠવાડિયું નોકરી પર ના જવાય તો ઘરમાં હાલ્લા કુસ્તી કરવા લાગે એવા દિવસો જોયા છે. નાની નોકરી અને મજૂરી કરતા તારા પિતા રણજીતલાલને... હા, એમનું જન્મથી નામ રણજીતલાલ જ હતું." મીતાબેન 'લાલ' શબ્દ પર ભાર મૂકીને બોલ્યા હતા:'એમણે ગરીબીમાં ટૂંકા નામથી સંતોષ માનવો પડ્યો હતો. કોઇએ એમને આખા નામથી બોલાવ્યા ન હતા. ઓળખીતા- પાળખીતા બધાં જ 'રણજીત' અને જ્યાં નોકરી કે મજૂરી કરતાં ત્યાં માલિકો અને મેનેજરો 'રણીયો' કહીને બોલાવતા હતા. એમાં એ ગરીબ હોવાનું દેખાય એમ હતું. એ કોઇની ટ્રકમાં ક્લીનર તરીકે કંપનીમાં માલસામાન ખાલી કરાવવા ગયા હતા. એ દિવસે મજૂરો ઓછા હતા અને ટ્રક જલદી ખાલી કરવાની હતી. કંપનીમાં કાચા માલની જરૂરિયાત હતી. બે મજૂરો હતા એમને ખાલી કરવામાં એક કલાક નીકળી જાય એમ હતો. કંપનીના મેનેજરે ઉતાવળ કરવા કહ્યું પછી એમની નજર ટ્રકની કેબિનમાં બેઠેલા તારા પિતા પર પડી. એમણે કહ્યું કે તે માલ ઉતારવામાં મદદ કરાવશે તો અલગથી મહેનતાણું આપશે. તારા પિતાને તો સામે ચાલીને કમાવાની તક મળી હતી. એ તૈયાર થઇ ગયા. એમણે બંને મજૂરોને બહુ મદદ કરી અને માલ માત્ર અડધા કલાકમાં જ ઉતારી લીધો. જ્યારે ટ્રક ખાલી થઇ ગઇ અને મેનેજરે બંને મજૂરોને એમની મજૂરી ચૂકવી દીધી ત્યારે તારા પિતા મેનેજર સામે આશાભરી નજરે જોઇ રહ્યા હતા. એ કેટલા રૂપિયા આપશે એની કલ્પના કરી રહ્યા હતા ત્યારે એ મેનેજરે એમ કહ્યું કે,"તને હું પૈસા આપીશ નહીં..." એ સાંભળીને તારા પિતા ચોંકી ગયા. એમણે સાંભળ્યું હતું અને અનુભવ પણ કર્યો હતો કે લાખો રૂપિયાનો માલ ખાલી કરવાના શેઠિયાઓ ચંદ રૂપિયા જ આપતા હતા. પરંતુ આ મેનેજરે તો પહેલાં મહેનતાણું આપવાનું કહ્યું હતું. છતાં ફરી ગયો છે. એ કંપની તારા સસરા લખમલભાઇની હતી...

ક્રમશ: