"કોઈ મોટા કે સારા નેતાના નામ કે વચનો પર પ્રભાવિત થઈને પોતાના મતવિસ્તારમાં ગુંડા, મવાલી, નાલાયક, કે અધર્મી ને વિજયી બનાવવો કેટલો યોગ્ય !!"
ચુંટણીના ગરમ માહોલ વચ્ચે એક તરફ ભાજપ પોતાનો અભેદ્ય ગઢ બચાવવા મેદાને ઉતરશે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતની ગાદી પર થપ્પો મારવા, એક તરફ નરેન્દ્ર મોદી વિકાસ, વિશ્વાસ અને શાંતિ ના નામે પ્રચાર કરી રહ્યા છે, રાહુલ ગાંધી કોંગ્રેસનું કામ બોલે છે ના દાવા સાથે વીજળી અને ખેડૂતને દેવામુક્તી ના વાયદાઓ કરી રહ્યા છે અને સામે અરવિંદ કેજરીવાલ પોતાના દિલ્હી મોડેલ, રોજગાર, ફ્રી વીજળી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી ગેરંટી સાથે મેદાને ઉતર્યા છે ત્યારે ગુજરાતની જનતા અસમંજસમાં મુકાય એ સ્વાભાવિક છે. પરંતુ આવા સંજોગોમાં કઈ પાર્ટી કેવા ઉમેદવારને પ્રતિનિધિ બનાવે છે તે પણ ખૂબ જરૂરી છે, માત્ર કોઈ મોટા કે સારા નેતાના નામ કે વચન પર પ્રભાવિત થઈ પોતાના વિસ્તારમાં કોઈ મવાલી, ગુંડા, નાલાયક કે અધર્મી ને મત આપવો એ પણ યોગ્ય નથી.
અત્યારની પેઢીના રાજકારણીયાઓ રાજકારણ એટલે મહેનત વિના રાતોરાત અમીર બનવાનો રસ્તો સમજી બેઠા છે, જેના કારણે રાજનીતિમાં મહત્તમ અંશે બેરોજગાર, માફિયા, બેનામી ધંધા અને કાળું નાણું રાખવા વાળા પણ દરેક જગ્યાએ જોવા મળે છે, તેવામાં કોઈ પાર્ટી આવા કોઈ ગુંડાને ટિકીટ આપે તો મોટા કે સારા નેતાના નામે વોટ આપવો કે વિધાનસભાના ઉમેદવાર ને જોઈ વોટ આપવો તે ખૂબ મુંજવણ ઊભી કરે છે.
"મોંઘવારી અને બેરોજગારીની હદે વટાવેલી પરાકાષ્ટાથી ત્રસ્ત ગુજરાતનો મધ્યમ અને ગરીબ વર્ગ વિકાસનો હાથ પકડશે કે બદલાવ તરફ પ્રયાણ કરશે એ જોવું જ રહ્યું !!"
આજ દિન સુધી મધ્યમ અને ગરીબ વર્ગ નો માત્ર ઉપયોગ કરતી રાજકીય પાર્ટીઓની કુંડળી ફરીથી રાજ્યની પ્રજાના હાથમાં આવી ગઈ છે, હવે જનતા પોતાની જૂની કુંડળીથી જ વિકાસ, શાંતિ, અને વિશ્વગુરુ ના સપનાઓ સાથે આગળ વધશે કે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા અનેક ગ્રહોને ઠીક કરી અખતરો કરશે એ ખૂબ રોચક છે, સાથે સાથે કેટલાક અણધાર્યા પરિબળ જેવા કે પાર્ટી તરફથી ટિકીટ ન મળતા અપક્ષથી લડી રહેલા દિગ્ગજ નેતાઓ કે જે પોતાના દમ પર જીત મેળવવામાં સામર્થ્ય ધરાવે છે તેઓ સાચે જીતશે કે તેની અસર જે તે પાર્ટીને મળતા મત પર પડશે તે અભ્યાસક્રમની બહારનો સવાલ ઊભો થયો છે ત્યારે કેટલાક પાર્ટીને વફાદાર સમાજ પણ જાણે મેદાન માંથી અપેક્ષા વિરુદ્ધ ટિકીટ વગર ધોયેલા મોઢા જેવા પાછા આવ્યા છે તેમનો રોષ કોઈ પાર્ટી નો ભોગ લેશે કે કેમ એ ખૂબ અગત્યનો મુદ્દો બની ગયો છે, જ્યારે લાખોની મતસંખ્યા ધરાવતા સમાજને કોઈ પાર્ટી અવગણના કરે ત્યારે સમાજ પણ પક્ષની અવગણના કરશે કે હજી વફાદારી બતાવશે તે પણ એક અણધાર્યો વળાંક કહી શકાય.
ગુજરાતની ચૂંટણીમાં ત્રણેય પક્ષ અત્યારે સવાલોના ઘેરામાં સંડોવાયેલા જણાઈ રહ્યા છે, ક્યાંક પાયાના સ્તરે કાર્યકર્તાઓમાં અંદરો અંદરના મનભેદ અથવા મતભેદ, તો ક્યાંક ઉમેદવારોના ભૂતકાળથી ઉદભવેલા સવાલો, ક્યાંક કરેલા વચનો પાછળ તાર્કિક શક્યતાઓ, તો ક્યાંક વિશ્વાસ નો અભાવ, આ તમામ શક્યતાઓ સામે ગરીબ અને માધ્યમ વર્ગ કોનો હાથ પકડે છે, અને કોને હાથ જોડે છે તે અસમંજસભર્યું છે.
હું ગૌરાંગ પ્રજાપતિ "ચાહ" આપ સૌ ગુજરાતીઓને આ લોકશાહીના પાવન પર્વ પર બધા ભાઈ બહેનો વધારેમાં વધારે મતદાન કરે અને મત આપ્યા પછી ગર્વની અનુભૂતિ થાય તેવા ઉમેદવાર પર બટન દબાવીએ તથા પ્રજાલક્ષી કામ કરનાર અને સુશોભિત એવા ઉમેદવારને જીત અપાવીએ તેવી સૌ ભાઈ બહેનોને અપીલ કરું છું.
જય હિન્દ, જય સંવિધાન
✍🏻 ગૌરાંગ પ્રજાપતિ "ચાહ"
( મારી કલમ, મારી તાકાત )
લુણાવાડા, મહીસાગર.