Ek Chahat ek Junoon - 4 in Gujarati Love Stories by જાગૃતિ ઝંખના 'મીરાં'.. books and stories PDF | એક ચાહત એક ઝનૂન - ભાગ 4

Featured Books
Categories
Share

એક ચાહત એક ઝનૂન - ભાગ 4


શોભાએ હવે રાજેશ તરફથી સુધરવાની તમામ અપેક્ષાઓ મૂકી દીધી. જે બહેનોનાં ભવિષ્ય માટે થઈ ખુદની બલિ ચઢાવી હતી તે બહેનો જો ઘરે આવશે- જશે તો તે પણ કદાચ રાજેશની ગંદી નજરોનો ભોગ બનશે. એવી ભીતિ થતાં શોભાએ એક દિવસ પોતાની માને બધી હકીકત કહી દીધી. પોતાની સાથેનો સંપર્ક કે સંબંધ તોડી નાખી રાજેશની કોઈ વાત પર વિશ્વાસ ન કરવા સમજાવી લીધી.
"પણ તારું શું મારી દીકરી, તું આવાં માણસ સાથે કેમ જીવીશ? તારી દીકરીનું શું ભવિષ્ય?"મા બોલી.

"મા, મારું હવે કોઈ ભવિષ્ય મારું અંગત નથી. મારી નિયતિએ જે નક્કી કર્યું તે થયું, થઈ ગયું. મારી પાસે જીવવાનો આધાર મારી દીકરી છે. મા, હું રાજેશ ગમે તેટલાં ધમપછાડા કરશે તો પણ તેને પુત્ર નહીં આપું. તેની જે સંપત્તિનાં જોરે તે અય્યાશ બન્યો છે તેનાં વારસને હું જન્મ નહીં આપું. તે તમામની હકદાર હવે મારી દીકરી બનશે. તેને હું એવી મજબૂત બનાવીશ કે તેને મજબૂર બનીને કોઈ ચારિત્ર્યહીન રાજેશ સાથે પરણવું નહીં પડે. પુરુષનાં હાથે સ્ત્રી રમકડું બનીને જીવે તે વાત હું મારી દીકરીનાં કિસ્સામાં ઉલટાવી નાખીશ. હું મારી દીકરીનાં ઈશારે પુરુષ ચાવી ભરેલાં રમકડા બનીને ફરે, તેવી સબળ બનાવીશ. તેની અંદર એવું ઝનૂન રોપીશ કે તે આંખનાં ઈશારે બધું પામતા શીખી જાય. હા, મા...હા...હું મારી રાશિને એવી બનાવીશ!"

******
આખરે પ્રવેશ પંડ્યાએ રાશિ આચાર્યને કહ્યું, "ગુડ મોર્નિંગ મેમ તો નહીં કહી શકું મેમ!" પછી પોતાની વૉચમાં જોઈ કહ્યું," ગુડ નુન." રાશિએ ચહેરા પર તેની આ હળવી વાતની સ્હેજ પણ અસર ન આવવા દીધી. પછી એક આટલી મોટી ફેક્ટરીની માલકિનને શોભે એવી અદાથી જ ચહેરા પરની કરડાકી જાળવી રાખીને કહ્યું, "ગુડ નુન. યુ મે ટેક યોર સીટ. મી. પ્રવેશ."

પ્રવેશ રાશિની બરાબર સામેની ચેયર ખેંચીને તેનાં પર ખૂબ સલૂકાઈથી બેસી ગયો. તેણે રાશિની કેબિનમાંથી આવેલાં મોં ઉતરેલા ચહેરાં જોયા જ હતાં તેથી તે આ આટલી ઉંમરની અંગૂઠા જેવડી છોકરીની ઓફિસમાં તેની ફડક જોઈ ચૂક્યો હતો. એટલે તે સવાલોનાં તોપમારાની તૈયારી સાથે જ આવ્યો હતો. રાશિ આચાર્યે તેનાં એક પછી એક સવાલોનો તીરની જેમ વરસાદ કર્યો અને પ્રવેશ તે બધાંને ઝીલતો રહ્યો. તેના ધારદાર જવાબોથી રાશિને અભિભૂત કરતો રહ્યો. ખરેખર રાશિને 'આચાર્ય પ્લાસ્ટો' માટે પ્રવેશની જરૂર હતી કે પ્રવેશને લાવવા 'આચાર્ય પ્લાસ્ટો' એક માધ્યમ માત્ર હતી તે રાશિ સિવાય કોઈ જાણતું ન હતું.

******
"હેલ્લો, તૃષા...બોલ, શું કામ હતું તે અત્યારમાં નીંદર બગાડી...?" રાશિએ ઉંઘરેટા અવાજે પૂછ્યું.

"અરે, ઊઠો મહારાનીજી...સન્ડે યાને...ફન ડે...બેબી. ભૂલી ગઈ? આપણો આજનો પ્લાન! આજે સોમનાથ મંદિર પર આપણાં ફાઈવસ્ટાર એકદમ ચમકશે...યુ નો..." તૃષાએ રાશિને યાદ કરાવ્યું.

"અરે હા...યાદ આવ્યું. આઈ વીલ બી ગેટ રેડી વિધિન વન અવર...સી યુહહ..બાય."

રાશિ, તૃષા, રિયા, બીની, હેતા આ પાંચની દોસ્તી છેક કોલેજથી પંકાયેલી હતી. તૃષાનાં પપ્પા ડી.આઈ. જી. હતાં. રિયાની મમ્મીએ ડિવોર્સ લીધા બાદ અત્યંત શ્રીમંત ભાઈઓ સાથે એક લાડકી બહેન બની રહેવાનું પસંદ કર્યું હતું. બીનીનાં પપ્પા પ્રખ્યાત એમ.ડી. ડોક્ટર હતાં. હેતાનાં પપ્પા નામાંકિત પ્રોફેસર અને એક ક્લાસીસનાં સંચાલક પણ હતાં. આમ દરેકનું આર્થિક અને શૈક્ષણિક તેમજ સામાજિક સ્તર એકસમાન જ હતું. કોલેજ પૂરી કરી દરેક પાસે પોતાની કેરિયર ઓરિએન્ટેડ પ્રવૃત્તિઓ હતી.

આ ફાઈવસ્ટાર જોડીનો એક નિયમ કદી ન ચૂકાતો. તે હતો રવિવારનો સાથ! ગમે તેમ થાય પાંચે બહેનપણીઓ રવિવાર સાથે જ વિતાવતી. કોઈ ને કોઈ મનપસંદ સ્થળે જવાનું , સાથે લંચ, ડિનર વગેરે લઈને રાતે જુદું પડવાનું. મૂવિ જોવાનો પ્રોગ્રામ પણ થતો. જોકે એ વરસાદ કે ભારે તડકા પડતાં હોય તેવાં સમય અને સંજોગોમાં જ, બાકી તો ટોળી દરિયે કે બગીચે જ પહોંચી જતી.

આજનો રવિવાર પણ ક્યાં અલગ હતો! પાંચેયનાં પ્લાન મુજબ આજે સોમનાથ જવાનું હતું. બીની તેની પોતાની વેગનાર કાર લેવાની હતી. મોટે ભાગે એક વખત કાર હેતા ચલાવતી અને બીજી વખત રિયા. બાકીની સીટો પર રોટેશન ચાલતું એમ જ કે જેમ ક્લાસમાં બેંચિસ પર! પોતપોતાની દિશામાં ગમે તેટલાં આગળ હોવા છતાં અહીં જાણે નાનાં બાળક બનીને રહેતા.

એક બીજી ખાસિયત પણ હતી આ ગૃપની. કોઈ એકબીજાને તેની મરજી વિરુદ્ધ અંગત જીવનનાં કોઈ સવાલ ન કરતું. કોઈ પોતાની રીતે હળવું થવા ચાહે તો તે ખુલ્લાં દિલે વાત કરી શકતું. તેની સમસ્યા કહી શકતું.

તૃષાએ તો આજે નક્કી જ કર્યું હતું કે તે પોતાની જિંદગીનો પ્રથમ પ્રેમની વાત આજે તેની આ અતરંગ સહેલીઓને કહેશે. ભલે હજુ તેનો પ્રેમી સેટ ન થઈ જાય ત્યાં સુધી કશું થવાનું ન હતું પણ પહેલા પ્રેમ સંબંધનો વંટોળ બહાર આવવા મથતા હતો, ભવિષ્યનાં આવનાર ઝંઝાવાતથી સદંતર અજાણ!

ક્રમશઃ...

જાગૃતિ, 'ઝંખના મીરાં'....