Vasudha - Vasuma - 68 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ  - 68

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ  - 68

મોક્ષે કહ્યું “તમે જે રીતે વાત કરી... અમે ચોક્કસ આવીશું”. નીતાબહેને કહ્યું “અમારું NGO આમતો પશુપાલક અને સહકારી ડેરીની વ્યક્તિઓ એ ચાલુ કરેલું પછી એમાં આવાં મૂંગા જાનવરોનો નાશ અટકાવવા અમે પહેલ કરેલી... અમારાં NGOનાં મુખ્ય પ્રબંધક વસુમાં છે તમે કદાચ નામ તો સાંભળ્યુંજ હશે. એમની દોરવણી અને એમનાં આશીર્વાદથી અમે કામ કરીએ છીએ અમારાં માટે પૈસો નહીં પ્રાણીઓ માટેની સંવેદના અને સલામતિજ મહત્વની છે.” અને આ સાંભળી મોક્ષ અને અવંતિકા એકબીજા સામે જોઈ રહ્યાં.

પછી નીતાબેનની નજર "ગૌરી" વાછરડી પર પડી અને બોલી “કેટલું વ્હાલું લાગે એવું વાછરડું છે અરે આતો વાછરડી છે પછી હસીને કહ્યું વાહ તમને પણ ગાયને ઉછેરવાનો શોખ છે સારું કહેવાય.”

અવંતિકાએ કહ્યું “નીતાબહેન તમે જેનાં NGOની વાત કરી એ વસુમાં ની ચોપડી વસુધા -વસુમાં વાંચી રહી છું અને એમાંથી પ્રેરણા મળી અને અમે આ નાનકડી વાંછરડી લઇ આવ્યાં છે મને એનાં માટે એટલું વાત્સલ્ય ઉભરાઈ છે કે બસ એનામાં મન રહે છે એને પણ હવે અમારી માયા થઇ ગઈ છે.”

મોક્ષે કહ્યું “મારી પત્નિ અવંતિકા વસુમાંની ફેન છે અમે તમારાં NGOની જરૂર મુલાકાત લઈશું અને એમની નણંદ સરલાબેને આ પુસ્તક લખીને લાખો પરીવારોને પ્રેરણા લેતાં કર્યો છે. હમણાં વસુમાં ક્યાં છે ? એમને મળી શકાય ?”

નીતાબહેને કહ્યું “આમતો વસુમાં બધાને મળે છે વાતો કરે છે પણ એક સારાં સમાચાર આપું તમને વસુમાં માટે આટલું માન છે તમે એમનાંથી પ્રેરીત થયાં છો તો એમને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળેલો છે થોડોવખત પહેલાં ગુજરાત સરકાર અને સહકારી વિભાગ દ્વારા ઘણાં એવોર્ડ મળ્યાં છે હવે આવતાં મહિને યુનેસ્કોનો એવોર્ડ મળવાનો છે છતાં માં એમનાં ગામની બહાર ક્યાંય નથી જતાં અને માં કહે છે મેં મારાં સંતોષ માટે કામ કર્યું મારાં ગામ મારાં લોકો માટે કર્યું એમાં શું ધાડ મારી છે ? આટ આટલાં એવોર્ડ લોકો આપે છે મને એકવાતનોજ સંતોષ છે કે બધાં પ્રેરીત થાય છે જાગૃત થાય છે એજ મારી ખરો એવોર્ડ છે પશુસેવા કમાણી છે એજ મારી સાચી મૂડી છે.”

મોક્ષ અને અવંતિકા સાંભળી રહેલાં... અવંતિકાને ઘણું પૂછવું હતું પરંતુ નીતાબહેને નાગ પકડેલો એને જંગલમાં છોડવા જવાનો હતો એટલે અટકી... પછી કહ્યું બહેન અમે તમારાં એટલેકે વસુમાંનાં NGOની મુલાકાત જરૂરથી લઈશું ખુબ ખુબ આભાર.”

નીતાબેને નાગને રાખેલો થેલો બાઈકની પાછળ બાંધ્યો અને કીક મારી આવજો કહીને ફાર્મની બહાર નીકળી ગયાં. અવંતિકાએ કહ્યું “મોક્ષ આ વસુમાં કેટ કેટલી પ્રવૃતિઓ કરે છે કહેવું પડે... આપણે એમનાં NGO જઈશું ?”

અવંતિકાએ આગળ કહ્યું “મોક્ષ હમણાં જે અધ્યાય પ્રકરણ વાંચી રહી છું એમાં એમનાં પતિ પીતાંબરનાં મૃત્યુ પછીનો સમય ચાલી રહ્યો છે એમાં વસુમાંની માનસિકતાં નાની ઉંમરમાં વિચારોની પુખ્તતા કહેવું પડે. મોક્ષ ગ્રામ્ય જીવન અને એમાં જીવતાં કુટુંબોની વિચારશીલતાં સંસ્કાર ઉછેર બધું કહેવું પડે એમાંય કુટુંબભાવના સ્પર્શી જાય છે. આપણાં દેશનું ખરું ક્લચર એલોકોએ જ જાળવી રાખ્યું છે.”

“મને લાગે હવે આગળ વાંચવામાં વસુમાં બધું -કાર્ય હાથમાં લેશે એવું લાગે છે એમની નણંદનો સંસાર પાછો હર્યોભર્યો થાય એવું કરશે.”

મોક્ષે કહ્યું “અવું અત્યાર સુધી તેં જે કંઈ મને વસુધા વસુમાં માટે કહ્યું છે એ પ્રમાણે આટલી નાની ઉંમરમાં આટલો સંઘર્ષ, પતિનું મૃત્યુ, વિચારોની પુખ્તતા અને છતાંય ક્યાંય પોતાની ઈજ્જત પર આંગળી નહીં.... સામે ગમે તેવા લોકો આવ્યાં પણ રુઆબ સાથે સન્માન જાળવ્યું છે. પિયરનો મોહ છોડી સાસરાને અપનાવી એકલે હાથે બધો સંઘર્ષ વેઠી રહ્યાં છે... “

“હાં સસરા પાસે પૂરતો પૈસો છે પણ આખું ગાય ભેંશનું ધણ સાચવવું એમની કાળજી લેવી દૂધ ઉત્પાદન લેવું ડેરીનો વહીવટ જોવો ઘરમાં ધ્યાન રાખવું હવે ડેરી ઉભી કરશે. ઉપરથી નાની આકાંક્ષાનો ઉછેર... કહેવું પડે અવંતિકા...”

અવંતિકાએ કહ્યું “વસુમાં પુસ્તક વાંચું છું મારાં મનમાં એમનાં જીવન વિશેનાંજ વિચારો ચાલે છે મને થાય એક એક પાને પાને પરણે પ્રકરણે પ્રેરણા મળે છે શક્તિ મળે છે શીખ મળે છે કહેવું પડે એમનાં જેવાં થવાનું મન થાય છે. વર્ષોથી હું માં બનવાનાં સપનાં જોતી રહી છું અને એ પીડા મને કોરી ખાતી એ ખોટ પણ વસુધા -વસુમાં વાંચવાની શરૂ કરી અને જીવન જીવવાની નવીજ પ્રેરણાં મળી છે.”

મોક્ષ અવંતિકા પાસે આવે છે અને વહાલ કરતાં કહે છે “તારાં આવાં વિચાર મને ખુબ ગમે છે. પ્રેમ કરાવે છે.” અવંતિકા મોક્ષની આંખમાં જોઈ રહી. અને ત્યાં ગૌરી ભાંભરી અવંતિકાએ હસીને કહ્યું “હવે શેની ભાંભરે છે ? નાગદેવ ગયા. ઓહો આતો મને પ્રેમ કરો એવું કહી પૂંછડી હલાવે છે.” અને અવંતિકા ગૌરીને પંપાળવા લાગી.....

*****

ગુણવંતભાઈએ ઘરમાં સારાં સમાચાર આપ્યાનાં ત્રણ દિવસ પછી વસુધાએ કહ્યું “પાપા હું અને સરલાબેન સુરેશભાઈની ઓફીસે જઈએ છીએ... અમે કરસનભાઈને વિનંતી કરી જોઈએ તેઓ ગાડી લઈને આવશે ? હજી મારે શીખવી બાકી છે હવે આમ જવાં આવવાં કોઈના પર આપણે બધાએ નિર્ભર રેહવું પડે એ નથી ગમતું”. સરલાએ કહ્યું “વસુ આપણે એનાં કરતાં પાપાનાં સ્કૂટર પર જતાં રહીએ મને એ ફાવશે ચલાવતાં એ બહાને થોડું સારું લાગશે અથવા કાલે તો કદાચ ભાવેશ પણ આવી જશે તો એમને લઈને જઈ આવીએ આજે મંડળીનું કામ પતાવી લઈએ.”

ગુણવંતભાઈએ કહ્યું “આજે મંડળીનું કામ પતાવીએ તમારાં લોકોનાં નામે શેર ટ્રાન્સફર થઇ ગયાં છે પેલાં પ્રવિણભાઈએ મને ક્યારનાં સમાચાર મોકલી દીધાં છે આપણે રમણભાઈ અને અન્ય સભ્યોને બોલાવી લઇ મીટીંગ કરી લઈએ આગળ માટે પ્રમુખની વરણી કરવાનો ઠરાવ કરાવી લઈએ.”

વસુધાએ કહ્યું “સરલાબેન તમારો વિચાર સારો છે કાલે ભાવેશ કુમાર આવે છે એમની સાથેજ સીટીમાં જઈશું મારી ઈચ્છા છે તમે ઘરે જાઓ એ પહેલાં તમારાં બેઉનાં જરૂરી રીપોર્ટસ કરાવી લઈએ. આજે પાપા કહે છે એમ મંડળીની મીટીંગ પતાવી દઈએ.”

ગુણવંતભાઈએ કહ્યું “અત્યારે તમારે ઘરનું જે કામ પતાવવાનું હોય પતાવી દો હું બેંકમાં જઉં છું પેલો ચેક જમા કરેલો ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં એની તપાસ કરી લઉં જેથી ડેરીમાં કામ લાગે.”

“અને બધાં સભ્યોને રૂબરૂજ જાણ કરી દઉં છું પછી મીટીંગમાં બધાં ઠરાવ પાડીને આગળ કામ કરી લેવાય તો ડેરીની ફાઈલ મળ્યાં પછી આગળ શું કરવું બધી સમજણ પડે.”

“વસુધા આપણે ડેરી સહકારી મંડળી દ્વારા કરવી છે કે આપણી આગવી ? તું એ વિચારી લેજે.”

વસુધાએ કહ્યું “દૂધ મંડળીમાં દૂધનો વહીવટ અલગથી અને ડેરી અમે મહીલાઓ ભેગી થઈને કરીશું ભલે પૈસાનું રોકાણ આપણું થાય એ મેં વિચારી લીધું છે.”

ગુણવંતભાઈ વિચાર્યું કહ્યું "શ્રેષ્ઠ....”



વધુ આવતા અંકે પ્રકરણ -69