talash 2 - 52 in Gujarati Fiction Stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 2 ભાગ 52

Featured Books
Categories
Share

તલાશ - 2 ભાગ 52

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 

ધરતી પરથી ઉષા રાણી ધીરે ધીરે વિદાય લઇ રહી હતી. અને વસંતનો મીઠો તડકો સૂરજ ફેલાવી રહ્યો હતો. સોનલ પોતાની રૂમમાં સૂતી હતી. એના ફોનની ઘંટડી વાગી. બહાર બાલ્કનીમાં કલબલ કરતા પંખીઓના અવાજ ને અવગણી ને સુવાના પ્રયાસો પર પાણી ફરી વળ્યું. ગઈ કાલે પૃથ્વી સાથે ગુજારેલ 5-6 કલાકની મીઠી યાદમાં મૂંઝાયેલ સોનલને માંડ 3 વાગ્યે ઊંઘ આવી હતી. ઊંઘથી ભારે થયેલા પોપચાં સહેજ ખોલીને એણે ઓશિકા નીચે દબાવેલો ફોન બહાર કાઢ્યો અને સ્ક્રીન પર નજર માંડીને જોયું તો મોહિનીનો ફોન હતો. અધૂકડી બેઠી થઈને એણે જોયું તો ફૈબા ક્યારનાય ઉઠી ગયા હતા. એમની પથારી ઘડી વાળીને એની જગ્યાએ ગોઠવાઈ ગઈ હતી અને ફૈબા રસોડામાં વાસણો સાથે કંઈક ખટપટ કરી રહ્યા હતા. બગાસું ખાતા એણે ઘડિયાળમાં જોયું તો સાડા છ વાગ્યા હતા. ફોનના આન્સરનું બટન દબાવતા એણે કહ્યું. "શું છે મોહુડી? સુવા દેને."
"એ ઊંઘણશી, ઉઠ સાસરે આટલું સૂઈશ તો સાસુ ગુસ્સો કરશે." કંઈક હસતા મોહિની એ કહ્યું.
"હવે ઈ હું મારી સાસુમા હારે ફોડી લઇશ. સુવા દે અત્યારે. મુકું છું" સોનલે કહ્યું.
"ઉભી રે હવે, બેઠી થા પથારીમાંથી. અને આમ ઉંઘતી રહીશ તો સાસુમા કાઢી મુકશે. મારે એવી પરણેલી ને પાછી આવેલી નણંદની જવાબદારી માથે નથી જોઈતી." અટ્ટહાસ્ય કરતા મોહિનીએ કહ્યું.
'બેસને ચિબાવલી નહીતો હમણાં તારી સાસુમા ને એવી ચાવી ભરાવીશ ને કે પહેલે દિવસથી જ સાસરે નભાવવુ આકરું પડી જશે" સહેજ સ્મિત સાથે સોનલે કહ્યું હવે એની નીંદર પણ ઉડી ગઈ હતી.
"સાંભળ સોનુ, મારે જીતુને એક સરપ્રાઈઝ આપવી છે. તો તારી હેલ્પ જોઈએ છે.."
"શું વાત છે યાર, મને તો આ મગજમાં જ ન આવ્યું. હું પૃથ્વી જી ને કૈક સરપ્રાઈઝ ગિફ્ટ આપી દેત ને. ઓકે તો આપણે બન્ને સાંજે તાડદેવમાં કે મનીષ માર્કેટમાં જઈ અને લઇ આવીએ."
"જો સોનુ, મારા મામા હમણાં સગાઇ થઇ એ પ્રસંગે સોનાનું એક બ્રેસલેટ મોકલ્યું છે. અને સેમ એવુજ બ્રેસલેટ પપ્પાના એક કઝીન કે જેનો યુરોપમાં બિઝનેસ છે, એણે મોકલ્યું છે તો તું એમાંથી એક બ્રેસલેટ પૃથ્વી જીજુ ને આપી દે."
"ના એ તો સોનાનું હોય અને મોંઘુ હશે. મારું એટલું બજેટ નથી." સોનલે કહ્યું.
"ખબરદાર જો હવે મોંઘુ સસ્તું અને બજેટની વાત કરી છે તો. શું મારી વસ્તુ તારી નથી? શું હું મારી ફ્રેન્ડ ને એના વાર માટે મનગમતી ગિફ્ટ ન આપી શકું?"
"પણ તો એ મોહુ, મારુ મન નથી માનતું."
"ચૂપ રહે ચિબાવલી, હમણાં ડ્રાઈવરને મોકલું છું તને આપી જશે. અને પછી એનું વ્યવસ્થિત પેકીંગ કરાવી લેજે. અને સાંજે નહિ બપોરે 12 વાગ્યે તાડદેવ એસી માર્કેટમાં શોપ નંબર 5, 'સ્પાઉસ ગિફ્ટ સેન્ટર'માં મળીએ છીએ." કહીને મોહિનીએ ફોન કટ કર્યો. અને પછી તુરત જ બીજા કોઈને ફોન જોડ્યો.

xxx


ન્યુઝ અને મીડિયાના લોકોને ગોળનું ગાડું મળી ગયું હતું. આટલા જબરદસ્ત ન્યુઝ હતા કે મદ્રાસના સવારના લગભગ દરેક ન્યુઝ પેપર બપોર ની સ્પેશિયલ એડિશન કાઢવાના હતા. એક સાંસદ  કોઈ ગેંગવોરમાં પહેલીવાર માર્યો ગયો હતો. એ ઉપરાંત મુખ્યમંત્રીના ખાસ માણસ અને એક જગપ્રસિદ્ધ કંપનીનો જનરલ મેનેજર પણ એ ગેંગવોર માં મર્યા હતા. બધા ડેસ્ક રિપોર્ટરો એ 3ને મહાનુભાવોનો ભૂતકાળ ખંગાળી રહ્યા હતા. અને ક્યાંક કંઈક લખવા જેવું લાગે એને અલગ તારવી રહ્યા હતા. તો ન્યુઝ પેપરના રિપોર્ટરો ઉપરાંત ન્યુઝ ચેનલોના રિપોર્ટરો અને કેમેરામેન મરીના બીચના ખૂણે ખૂણે ફરી વળ્યા હતા. લાઈવ ટેલિકાસ્ટ ચાલુ હતું. અને જે 5-7 જક્કી અને જિદ્દી, મોર્નિંગ વોક માટે મરીના બીચ આવેલા એ લોકો સેલિબ્રિટી બની ગયા હતા. (જો કે પોલીસે એમને રીતસર ધમકી દીધી હતી કે "કોઈએ પોલીસની હાજરી વિશે કશું કહ્યું તો રાત પહેલા....") આમેય એ લોકો ભીરુ હતા અને આ 'સફાઈ આંદોલન' થી ખુશ હતા એટલે એ લોકો એ માત્ર ગેગવોર ની જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું. એટલામાં સ્ટેટના કેબિનેટમાં નંબર 2નું સ્થાન ધરાવતા અને 3-4 મંત્રાલય સંભાળતા મંત્રી મુત્થુસ્વામી ત્યાં પહોંચ્યા હતા અને તાત્કાલિક એક નાનકડી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ મરીના બીચ પર થયો હતો એમાં એમણે એનાઉન્સ કર્યું કે "અમ્મા, આ બનાવથી ખુબ જ વ્યથિત છે. અને એમણે કહેવરાવ્યું છે કે આ બનાવની ઉચ્ચ સ્તરીય તપાસ માટે એક સમિતિ બનાવાઈ છે. જેમાં પ્રમુખ તરીકે ખુદ અમ્મા રહેશે. જેથી ક્યાંય કોઈ ગરબડ ન થાય. ઉપરાંત સમિતિમાં સ્ટેટના ડીઆઈજી અને શહેરના પોલીસ કમિશનર અન્ય સભ્યો હશે.'  ન્યુઝ ચેનલો પર આ સમાચારો પ્રસિદ્ધ થતા જ મદ્રાસના લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો કેમ કે શહેરને માથે લેનારા કેટલાક હિસ્ટ્રીશીટર એ ગેંગવોરમાં માર્યા ગયા હતા.

xxx 

અનોપચંદના બંગલે સવાર 6 વાગ્યાથી ધમાલ ચાલુ હતી. સુભાષ અંકલ 5-7 માણસોને લઈને બંગ્લાનીસફસફાઈ કરાવવા પહોંચ્યા હતા. આમ તો એ કોઈને એ કામ સોંપી દેત તો ચાલે એમ હતું પણ એમને અનોપચંદને મળવું હતું. એમના લાવેલ માણસો ઉપરાંત બંગલામાં જ વસતા 3-4 નોકરોએ ફટાફટ સાફ સફાઈનું કામ ઉપાડ્યું અને બંગલો ચકાચક થવા લાગ્યો. 10 વાગ્યે તો સાફ સફાઈ પૂર્ણ થઇ સુભાષ અંકલે આખા બંગલામાં એક આટો માર્યો. એ ઘણી વખત અહીં અનોપચંદ ને મળવા આવતા. નાની મોટી સૂચનાઓ આપીને એમને એક સંતોષ નો શ્વાસ લીધો. જૂની કામવાળીએ એમને પૂછ્યું "શેઠ સાહેબ ક્યારે આવશે?"

"બસ અડધો કલાકમાં આવી જશે. સાથે નિનાદ અને નીતા પણ છે. સુમિત અને સ્નેહા લગભગ 2 વાગ્યે આવશે. રસોઈયા મહારાજ ને કહીને બધા નું જમવાનું તૈયાર કરવો," એજ વખતે અંધેરી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અનોપચંદ નીતા અને નિનાદ ઉતર્યા. અને સુભાષ અંકલે એમને રિસીવ કરવા માટે મોકલેલ કારમાં ગોઠવાયા. કાર અનોપચંદના બંગલા તરફ આગળ વધવા લાગી. બધાને જેટ લોગ અને ટાઈમ ડિફરન્સનાં કારણે અજંપો અને બેચેની લાગતી હતી. પાછળની સીટ પર નિનાદ સાથે બેઠેલી નીતાને ઝોલા આવવા મંડ્યા. એ ઊંઘમાં સરી રહી હતી એ જ વખતે અચાનક ડ્રાઈવરે બ્રેક મારી અને ઝટકો લગતા નીતાની આખો ખુલી ગઈ. આગળવાળી કારના ચાલકે અચાનક બ્રેક મારી હોવાથી આવું થયું હતું, પણ અનોપચંદનો ડ્રાઈવર કુશળ હતો. એણે બ્રેક ન મારી હોત તો બન્ને કાર અથડાઈ હોત. નીતાએ બારી માંથી બહાર જોવા માંડ્યું છેક સાન્તાક્રુઝથી બાંદ્રા સુધીના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર લાગેલા તોતિંગ હોર્ડિંગ બોર્ડ એક પછી એક એની નજર સામેથી પસાર થતા હતા. ટ્રાફિક ખૂબ હતો એટલે કારની સ્પીડ એકદમ ધીમી હતી. નીતા એક પછી એક બોર્ડ વાંચી રહી હતી રેમન્ડ, રિલાયન્સ, ઓરેન્જ, બિગ બજાર  એક પછી એક બોર્ડ પાસ થતા હતા. પછી એક બોર્ડ પસાર થયું અને નીતા ચોંકી ઉઠી, એણે નિનાદની સામે જોયું તો નિનાદ ઝોલે ચડ્યો હતો. 5-7 બોર્ડ પછી ફરીથી એજ કંપનીનું હોર્ડિંગ આવ્યું. નીતાએ ધ્યાનથી વાંચ્યું અને મનમાં કંપી ગઈ બોર્ડમાં લખ્યું હતું. 'કટિંગ એન્ડ ફિટિંગ' સાથે એ કંપનીના આઇકોનીક સિમ્બોલ જેવી કાતર અને સોઈદોરાના વિશાળ કટ આઉટ હતા. નીચે નાના પણ ધીમે ચાલતી કારમાં વંચાય એવા અક્ષરોમાં લખ્યું હતું કે 'ઓસ્ટ્રેલિયા, સાઉદી અરબ અને યુરોપના અનેક દેશોમાં ધૂમ મચાવતી કંપની હવે તમારા શહેરમાં 30 મેં થી અમારા એક્સક્લુઝિવ આઉટલેટ મુંબઈમાં શરૂ થશે. નીતાને ગભરામણ થવા લાગી એની આખો ચકળવકળ થતી હતી. મનમાં મૂંઝારો થતો હતો. એને લાગ્યું કે એ બેહોશ થઈ જશે, એણે ડ્રાઈવરને સૂચના આપીને કાર સાઈડમાં લેવરાવી. "શું થયું બેટા" અનોપચંદે સ્નેહથી પૂછ્યું. સસરાના આ સવાલ થી નીતા રડમસ અવાજે બોલી. "મને ચક્કર આવે છે અને વોમીટ ની ફીલિંગ થાય છે. 2 મિનિટ સાઈમાં ઊભીને પાણી પી લઉ"

xxx 

મોહિની એ ડ્રાઈવર સાથે મોકલેલું બ્રેસલેટ સોનલને એક નજરમાં જ પસંદ પડી ગયું. પણ એનું વજન અને એમાં લાગેલા ડાયમંડથી એની કિંમતનો અંદાજ કાઢતા એ વિચારે ચડી ગઈ 'લગભગ 60 થી 70 હજારનું તો હશે જ' એણે  મનોમન વિચાર્યું અને પછી મોહિનીને ફોન જોડ્યો. અને કહ્યું. "મોહુ, આ બ્રેસલેટ બહુજ સુંદર છે. પણ હું આ પૃથ્વીજી ને ગિફ્ટમાં ન આપી શકું. આટલી મોંઘી ગિફ્ટ લેવાની મારી હેસિયત..."

"પ્રદીપ બોલું છું. મોહિની ન્હાવા ગઈ છે. અને સોનલ દીકરી, આજ પછી આવી વાત ના કરતી, શું તું મારી દીકરી જેવી નથી? મેજ મોકલ્યું છે અને એજ ગિફ્ટ તું પૃથ્વીજી ને આપજે."

"પણ અંકલ,..."

"પણ ને બન, બધી વાત મૂક હું કહું છું ને  ને તને. એક કામ કર વેવાણને ફોન આપ હું જ એમને કહી દઉં છું. મને ખબર છે કે તું સુરેન્દ્ર ભાઈને અને વેવાણને કહ્યા વગર તો એ નહિ જ રાખે."

"હું વાત કરી લઈશ બાપુ અને ફૈબા હારે"

"મેય જમાનો જોયો છે દીકરી, તું અડધો કલાક પછી મને ફોન કરીને કહીશ કે ફૈબા એ ના કહી, એટલે જ મારે આયરેક્ટ વાત કરવી છે" પ્રદીપ ભાઈ એ કહ્યું અને મોહિની એ કમને જીતુભાની માં ને ફોન આપ્યો. પ્રદીપભાઈ ની વાતો સાંભળીને એમણે સોનલ સામે જોયું. સોનલે બ્રેસલેટ બતાવ્યું. સુરેન્દસિહ હોલમાં બેઠા હતા સોનલ એને પણ ત્યાં બોલાવી લાવી. જીતુભાની માં નુ આટલી મોંઘી વસ્તુ વેવાઈ પાસેથી લેવાનું મન ન હતું. સુરેન્દ્રસિંહે પણ એમ જ કહ્યું. પણ પ્રદીપ ભાઈ કોઈનું ન માન્યા. એમણે કહ્યું કે 'અમારામાં દીકરીની નણંદની સગાઇ થાય ત્યારે સોનાની કોઈ વસ્તુ આપવાની પ્રથા છે' દેખીતી રીતે જ આ એક ગપ્પુ હતું પણ લગભગ 10 મિનિટની મથામણ પછી સુરેન્દ્રસિંહ અને જીતુભાની માં એ બ્રેસલેટ રાખવા રાજી થયા. એ વાત સાંભળીને  સોનલ મનમાં ખૂબ જ ખુશ થઇ ગઈ. 

xxx 

લગભગ 11-55 વાગ્યે આગ્રાથી સુમિત અને સ્નેહની ફ્લાઇટ ઉપડી હતી. ગિરધારીએ એમને બરાબર સમયસર પહોંચાડ્યા હતા. રસ્તામાં સુમિતે ગિરધારી સાથે ઘણી વાતો કરી હતી. ગિરધારી એ સુમિત ની માફી પણ માંગી હતી તે દિવસે આખો પર પટ્ટી બાંધવા બદલ. સુમિતે એના કામ ને બિરદાવ્યું હતું અને કંપનીમાં એના રોલ  વિશે જાણ્યું હતું. પહેલા કંપનીના દરેક મહેમાનને આગ્રા એરપોર્ટ પરથી લાવવા લઇ જવાનું કામ શેખર કરતો હતો. પણ ગિરધારી જોડાયા પછી વીઆઈપી લોકોને લાવવા લઇ જવાનું કામ ગિરધારી ને માથે હતું. ઉપરાંત મથુરામાં ઇન્ટર્નલ કામ પણ એ કરતો. સ્નેહાએ એને તરત પગાર વધારો આપવાનો ઈશારો સુમિતને કર્યો. પણ પાકા વેપારી સુમિતે એને ઈશારાથી સમજાવ્યું કે થોડા સમય પછી. સ્નેહાએ એના કાનમાં કહ્યું. "નિનાદ હોત  તો અત્યારે જ વધારી દેત"

"નિનાદમાં અને મારામાં ફરક છે" સુમિતે કહ્યું. એની વાત સાચી હતી. ખેર એ લોકોની ફ્લાઇટ ઉપડી એ જ વખતે સોનલ મોહિનીના કહ્યા મુજબ તાડદેવ માં એસી માર્કેટ માં શોપ નંબર 5 પર પહોંચી મોહિની હજી આવી ન હતી. એણે બ્રેસ્લેટને ગિફ્ટ પેક કરાવ્યું. ખાસ ગિરદી ન હતી. સોનલે ગિફ્ટ પેક લઇ રહી હતી ત્યારે જ એક કસ્ટમરે સ્ટોરમાં પ્રવેશ કર્યો. કાઉન્ટરની સાઈડમાં ઉભેલી સોનલે એ કસ્ટમરને સ્ટોરમાં પ્રવેશતા જોયો અને એનું હૈયું ધબકવાનું ભૂલી ગયું એની ધડકન બંધ થતી હોય એવું એને લાગ્યું. સ્ટોરમાં પ્રવેશનાર કસ્ટમર કોઈ બીજું નહિ પણ પૃથ્વી હતો. 

 ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.