ગોટ્યા નું બીપી
'બીજાને મદદ કરવા થી બીપી કંટ્રોલ માં રહે છે અને આદમી ખુશમિજાજી બને છે ' જોરથી સમાચાર વાંચી મંજરી હાઈ બીપી વાળા ગોટયા ને સજેશન કરે છે કે તમે બધાને મદદ કરવા માંડો તો તમારું બીપી કંટ્રોલ માં રહે અને મને પણ શાંતિ થી જીવવા મળે, જ્યાં ત્યાં વડચકા ભરો છો તે ,
સાંભળી ગોટ્યો પણ મન માં નિશ્ચય કરે છે કે હવેથી બધાને મદદ કરીશ,
અને લો મોકા પર મોકા મળવા માંડ્યા ગોટ્યા ને:
_ એક વખત ગોટ્યો ફૂટપાથ પરથી જતો હતો ને એણે જોયું કે એક ઉંમરલાયક સુકલકડી દાદા સ્ટીક લઈને રોડ પર ઊભા હતા, જોઇ ને ગોટ્યો ફોર્મ માં આવી ગયો, દાદા ની લાકડી પકડી લીધી ને મંડ્યો રસ્તો ક્રોસ કરવા, પણ ખબર નઈ દાદા એકદમ જ વિરૂદ્ધ દિશા માં જોર કરવા માંડ્યા, ગોટ્યાને એવું લાગ્યું કે દાદા ને મારું ઓબ્લીગેશન નથી જોઈતું એટલે આવું કરે છે, એટલે ગોટ્યા એ તો દાદા ને ઊંચકી લીધા ને રોડ ક્રોસ કરાવી દીધો , એતો પછી ખબર પડી કે દાદા તો એ સાઇડે રિક્ષા માટે ઊભા હતા , એમને કંઈ રોડ ક્રોસ નોતો કરવાનો, ને ગોટ્યા એ રોડ ખોટો ક્રોસ કરાવી દીધો, કંઈ નઈ ,દાદો કહે પાછો મને ઊંચકી ને રોડ ક્રોસ કરાવ, ને એવું જ કરવું પડ્યું ,બીજું શું થાય!....
_ બાજુ વાળા ભાઈ ના પપ્પા આવવાના હતા, એ ભાઈ નોકરી પર હતા એટલે એમણે ગોટયા ને કામ સોંપ્યું કે સ્ટેશન પરથી મારા પપ્પા ને લેતો આવજે,
હોંશિલો ગોટ્યો ઉપડ્યો સ્ટેશને, ને પપ્પા ને સ્કૂટર પાછળ બેસાડી દીધા ને આખે રસ્તે વાતો કરતો કરતો ઘર પાસે આવ્યો ને ફોન આવ્યો:
' અલા, ગોટયા , તું પણ શું ગોટાળા મારે છે યાર,'
' કેમ શું થયું?'
' અરે યાર પપ્પા બેસવા જાય એ પહેલા જ તેં સ્કૂટર ઉપાડી લીધેલું,
હવે પાછો જા ને લઈ આવ '
હવેથી ધ્યાન રાખીને મદદ કરીશ, ને લો પાછો મોકો મળી ગયો,
_છેલ્લા ઘરવાળા ભાઈના 80 વર્ષ ના ફાધર ને ટ્રેન માં બેસાડવાના હતા ,
' જો ગોટયા ધ્યાન થી લઈ જજે, અને શાંતિ થી ટ્રેન માં બેસાડી દેજે, ગરબડ ના થાય, ફાધર ને એમ પણ ઓછું દેખાય છે '
' ઓકે ભાઈ, નો પ્રોબ્લેમ '
તંબુરો? ભયંકર લોચો વાગ્યો, એમાં થયુ એવું કે ટ્રેન તો બરાબર જ હતી પણ ગોટયા એ અપસાઇડ ને બદલે ડાઉનસાઇડ માં બેસાડી દીધેલા,
જાના થા ચીન પહોંચ ગયે જાપાન જેવા ઘાટ થયા, અને એટલે ગોટયા ને બરાબર બોલી સાંભળવી પડી, અધૂરા માં મંજરી પણ બરાબર ખિજાઈ:
' ભાઈસાબ, તમે રહેવાજ દો બીજાને મદદ કરવાનું, તમારું બીપી નોર્મલ કરવા ના ચક્કર માં બીજા બધાને એટેક આવી જશે, અને નામોશી થશે એ લટકામાં, એના કરતાં તમે મને ઘરમાં જ મદદ કરો '
એમાં ય ગરબડ થવા માંડી જેમકે,:
અભરાઈ પરથી લોટ નો ડબ્બો પાડવાનો કીધો તો ડબ્બો છટકી ગયો ને આખ્ખો ડબ્બો ગોટયા પર ઊંધો પડી ગયો, ગરોળી ભગાડવાનું કીધું તો ટ્યુબલાઈટ પાડી નાખી, ચા બનાવવાની કીધી તો તપેલી બાળી નાખી, બાથરૂમ ધોવાનું કીધું તો અંદર જતા ઉંધે માથે પડ્યો, ફર્શ પર પોતું મારવાનું કીધું તો ડોલ ઊંધી વાળી દીધી, કુંડા માં પાણી નાખવાનું કીધું તો ભીંત માટી વાળી કરી નાખી, જાળા સાફ કરવા ઉભુ ઝાડુ આપ્યું તો ભાઈ સાહેબે ઝુમ્મર પાડી નાખ્યું, પંખો સાફ કરવા સ્ટૂલ પર ચડ્યો પણ સ્ટૂલ ખસી ગયું તો ગોટ્યો પંખે લટકી ગયો ને મંજરી , મંજરી એમ બૂમો પાડવા માંડ્યો, બાબા નું ડાયપર ચેન્જ કરવાનું કીધું તો હાથ બગાડ્યા,
આખરે ગોટયા એ મદદ કરવા ના પ્રયોગો બંધ કર્યા,
પણ એક વાત પોઝિટિવ એ થઈ કે ઉપરોક્ત કિસ્સાઓ વાગોળતા વાગોળતા ગોટ્યો અને મંજરી બંને ખડખડાટ હસી પડતા, ને આમ ને આમ હસતા રહ્યા તો ગોટ્યાનું બીપી નોર્મલ રહેવા માંડ્યું ને એને લીધે મંજરીનું પણ...
. બસ હસતા અને હસાવતા રહો અને બીપી નોર્મલ રાખતા રહો.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995