# પ્રકરણ 1 કાઈ પો છે.....!!!
વહેલી સવારમાં ક્યારેક લહેરાતા એ ધીમા પવનમાં એ શાંત બેડરૂમની બારીના પડદાઓ ઉછળકૂદ કરી રહ્યા છે....અને ત્યાંથી આવતો આછો પ્રકાશ રશ્મિકાના ચહેરા પર આવીને એને અકળાવી જાય છે...અને આળસ મરડતી મરડતી બારી સુધી જઈ અને એ પડદાઓને ખેંચે છે અને એ સાથે જ આખા બેડરૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો ....રશ્મિકાએ નખરાળી નજરોથી બેડ પર સુતેલા પ્રેમ પર નજર કરી ....પણ પ્રેમને અકળામણ સાથે પડખું ફરતા જોઈને આંશિક નારાજગી સાથે એ રૂમના બાથરૂમમાં સરી ગઈ.....
એ સુંદર સવારની શાયરી રૂમાલથી પોતાના વાળને પંપાળતી અરીસા સામે આવીને શમી જાય છે ને બસ હંમેશની જેમ પોતાનામાં જ ખોવાઈ જાય છે ને અચાનક જ શમેલાં મોજાં અરીસામાં દેખાતી ઊલટાયેલી ઘડિયાળ જોઈને ચોંકી જાય છે અને એ જ બેડ પાસે આવીને ફટાફટ વાળને સરખા કરતાં કરતાં એ શાયરીના શબ્દો સંભળાય છે ...
" પ્રેમ ....પ્રેમ...ઊઠો તમારે late થશે. ઑફિસે જવાનું છે ને પ્રેમ..!!"
" હા તુ જા નાસ્તો બનાવ ને હું આવું જ છું મારે 10 જ મિનિટ થશે..."
"હા ...પ્રેમ ...પણ late ના થાય...તમે નીચે આવો ત્યાં સુધીમાં હું તમારા માટે નાસ્તો બનાવી દઉં.." રશ્મિકા જતાં જતાં બોલી ઉઠે છે.
રશ્મિકા નાસ્તો તૈયાર કરે છે એટલામાં પ્રેમ પણ તૈયાર થઈને નીચે આવીને નાસ્તો કરવા બેસે છે.
પ્રેમ નાસ્તો કરતાં કરતાં ફોનમાં મેઈલ ચેક કરે છે અને રશ્મિકા એમની બાજુની chair પર બેસી જાય છે..
“ પ્રેમ ,હું શું કહું છું તમને ...."
“ હા રશ્મિકા, બોલને ..”
“પણ તમારું ધ્યાન તો ફોનમાં જ છે “
“ તું બોલને …રશ્મિકા તને ખબર તો છે કે મારે કેટલું બધું કામ હોય છે !!!“
“હા જવા દો …તમને કામ જ દેખાય છે…પણ હું વિચારી રહી હતી કે આ વખતે ઉત્તરાયણ મમ્મી-પપ્પાને ત્યાં જઈને કરીએ તો ???”
“સારું , જઈ આવ બસ..” આટલું કહી પ્રેમ ફોન બાજુ પર મૂકીને નાસ્તો કરવા લાગે છે
“તમે પણ આવશોને!!??”
“ હા , હું આવી જઈશ “
ત્યાં જ પ્રેમના ફોનની રિંગ વાગે છે અને તે ફોન રિસીવ કરી તેના મેનેજર જોડે વાત કરે છે
“ હા , બોલ શું થયું ?”
“ગુડ મોર્નિંગ , ક્યારે આવો છો સર ?”
“બસ નાસ્તો કરીને નીકળું જ છું “
“ બની શકે તો થોડા જલ્દી આવજો સર આજે રમણિકલાલ સાથે મિટિંગ છે”
“ સારું તું પ્રેઝન્ટેશન તૈયાર રાખ ત્યાં સુધીમાં હું પહોંચું છું”
“ઓકે સર, બાય”
“ હા બાય“
પ્રેમ ફોન મૂકીને ફરી નાસ્તો કરવા લાગે છે
“પ્રેમ, તો આજે આપણે શોપિંગ કરવા જઈશું?”
“ના શોપિંગ તું કરી લેજે ને મારી પાસે સમય નથી ..કામ ઘણું વધારે છે “
“કામ જેટલું નહીં પણ એનાથી થોડું મહત્ત્વ તો મને આપો”
“આ કાર્ડ તું રાખ અને બધા માટે શોપિંગ કરી લેજે પ્લીઝ….મારે મોડું થાય છે હું નીકળું છું”
રશ્મિકા કંઈ બોલે તે પહેલાં ફરી ફોન આવે છે અને પ્રેમ ફોન પર વાત કરતાં કરતાં ઑફિસ માટે નીકળી જાય છે અને રશ્મિકાને રડવું છે પણ રડી શકાતું નથી તેવી હાલતમાં પ્રેમને જતાં જોઈ રહી છે …..અને થોડી ક્ષણોમાં ફરી પોતાનામાં મગ્ન બની જાય છે….
ઉત્તરાયણના દિવસો ચાલી રહ્યા છે આકાશ રંગબેરંગી થવાની શરૂઆત પણ થઈ ગઈ છે…બાળકો અગાઉના દિવસોમાં ફૂલ જોશમાં તૈયારી કરી રહ્યા છે ….રોહન પણ ઉત્તરાયણના આગળના દિવસે જ અગાશી પર એના મિત્રો મેઘ અને રિધમ સાથે મજા માણી રહ્યો છે…રોહન અગાશી પરથી પોતાના ઘરના આંગણમાં દૂરથી આવતી કાર જોઈને નીચેની તરફ દોડવા લાગે છે ….રોહનને દોડતાં દોડતાં બહાર જતાં હર્ષદભાઈ અને સવિતાબેન જુએ છે અને હર્ષદભાઈ બોલી ઉઠે છે…
“અરે…અરે..બેટા ક્યાં જાય છે?”
“પપ્પા…સરપ્રાઈઝ છે..!!”
“પણ બેટા ….આમ દોડીને કેમ જાય છે ? શું છે એ તો કહીને જા” રસોડામાંથી સવિતાબેનનો અવાજ સંભળાય છે..
“મમ્મી…કહીને જાવ તો એ સરપ્રાઈઝ થોડું કહેવાય …?બસ 2 જ મિનિટ આવું છું મમ્મી…સરપ્રાઇઝ છે..”
રોહન બહાર જાય છે અને રશ્મિકાને ખુશ થઈ તેને.ભેટીને બોલી ઊઠે છે,
“કેમ છો દીદી? , કેમ એકલા આવ્યા? જીજુ કયાં છે?”
“એ ઉત્તરાયણના દિવસે આવશે.”
“સારું , ચાલો અંદર.”
“ હા “
“ મમ્મી- પપ્પા ……..સરપ્રાઇઝ..!!”
રોહનનો અવાજ સાંભળી હર્ષદભાઈની નજર રશ્મિકા પર જાય છે અને સમાચારપત્ર બાજુ પર મૂકીને રશ્મિકા પાસે જાય છે અને એ સાથે જ રસોડામાંથી સવિતાબેન બહાર આવીને રશ્મિકાને જોતાં જ ભેટી પડે છે અને બોલી ઊઠે છે…
“ રશુ બેટા….!...બે વર્ષમાં પહેલી વાર તું ઉત્તરાયણ કરવા આવી ખરી…!!! મને તો એમ હતું કે આ વર્ષે પણ તું નહિ આવે..”
“સવિતા …..એ બધું છોડ….રશું બેટા તું કેમ છે…?”
“ હા…બેટા…અને કુમાર ….?” રશ્મિકા કંઈ બોલે તે પહેલાં જ સવિતાબેન બોલી ઊઠે છે..
“ એકદમ ફિટ એન્ડ ફાઈન અને મમ્મી-પપ્પા , હું પણ મજામાં….”
“ હા…એ તો દેખાય જ છે.”
“દોઢ-ડાહ્યા, તું બોલ્યા વગર રહી ગયેલો , કેમ?” રોહનનો કાન મરડતાં મરડતાં રશ્મિકા બોલે છે.
“જોયું…..મમ્મી…આ આવતાની સાથે જ ચાલુ થઈ ગઈ…તું ત્યાં જ બરાબર છે..”
“તુ જા..ચાપલા….તારી પતંગ ચગાવ..”
“ હા…જાવ જ છું…દિદલી…”ને રોહન ફરી અગાશી પર ચડી જાય છે.
“તું ફ્રેશ થઈ જા બેટા, હું તારો સમાન રૂમમાં મૂકીને આવું છું…”આમ કહી સવિતાબેન હોલમાં પડેલ રશ્મિકાના સામાનને ઉપાડીને રૂમમાં જતાં રહે છે…
“આજે તો તારી ફેવરીટ મીઠાઈ બનાવી છે બેટા...ચાલ ..તને આપું..”
“ શું પપ્પા…? અ...... ચીક્કી અને લાડું…!!!???”
“ હા…બેટા….ચાલ”
“ વાહ…પપ્પા… ચાલો”
રશ્મિકા અને હર્ષદભાઈ રસોડા તરફ જાય છે ને આ બાજુ રોહન એના મિત્રો મેઘ અને રિધમ જોડે નીચે આવે છે…
“ ચાલો …આજે દીદી આવી છે અને કાલે ઉત્તરાયણ છે તો …કાલે જ મળીએ ધમાલ-મસ્તી કરવા માટે…”
“હા…રોહન કાલે ખૂબ મજા કરીશું…હે ને રિધમ…?”
“હા…મજા જ મજા….સારું રોહન….હું અને મેઘ જઈએ…કાલે મળીએ..”
બસ એ જ દિવસ રોહન અને રશ્મિકાના અડપલાં આનાકાનીમાં ઢળી જાય છે અને આજે હર્ષદભાઈનું ઘર પણ ભર્યું ભર્યું લાગે છે …આખરે એમની દીકરી બે વર્ષ પછી એમના ઘરે આવી છે …..એમના ઘરની સાથે સવિતાબેન અને હર્ષદભાઈનું હૃદય પણ એમની દીકરીના આગમનથી ખુશીઓથી ભીનું થઈ ગયું છે…બસ આમ એ દિવસે એ શાયરી દરેકના હૃદયમાં છવાઈ ગઈ છે…
આમ ને આમ સાંજ પડી જાય છે ને રશ્મિકા અગાશી પર કોફી પીતા પીતા બસ એ ખુશનુમા સાંજને માણી રહી છે…અચાનક જ પ્રેમની યાદ આવી જાય છે અને એ પ્રેમને ફોન કરે છે…પણ પ્રેમને ફોન રિસિવ કરતાં વાર લાગે છે …એટલે રશ્મિકા થોડી ક્ષણ મૌન રહે છે અને પ્રેમના લેપટોપ પર ટાઈપ કરવાનો અવાજ એ સાંભળી જાય છે પણ પ્રેમ હજુ કામમાં જ મશગુલ છે એના મૌનને પણ નથી સમજી શકતો…
“hello..હા….રશ્મિકા બોલ...”
“પ્રેમ…હજુ કામ કરો છો..?” રશ્મિકા ચિંતાતુર અવાજમાં બોલે છે..
“ હા , થોડું અરજન્ટ છે તો કામ કરૂં છું…”
“એ તો તમારે દરરોજ જ હોય છે…પ્રેમ…સમય પર જમ્યા કે નહીં..?”
“ ના..પરંતુ ઓફીસ પર નાસ્તો કર્યો હતો..”
“ ખબર જ હતી મને…એક વાત કહું તમને..?”
“hmm..બોલ ને..”
“ કાલે ઉત્તરાયણ છે , તો અહીં આવશો ને?”
“રશ્મિકા…કાલે મારે મી.રોબર્ટ જોહન્સન સાથે સ્કાઈપ પર મિટિંગ છે…તો પાક્કું ના કહી શકું.”
“તહેવાર એટલા માટે જ હોય છે કે એક દિવસ કામ-કાજ ભૂલીને પરિવાર સાથે ખુશીઓનો સમય માણી શકાય..”
“સારું હું જોઉં છું …રશ્મિકા..”
“ શું જોઉં છું ? એક દિવસ તો પરિવાર માટે આપો........You know work is never ending process Prem…”
“ સારું , જો કાલે સમય મળશે તો આવીશ , હમણાં એક અરજન્ટ call આવે છે તો મારે તે ફોન રિસિવ કરવો પડશે…બાય ગુડ નાઈટ “
રશ્મિકા કંઈ બોલે તે પહેલાં જ સામે છેડેથી ફોન disconnect થઈ જાય છે ….રશ્મિકાની આંખો ભીની થઈ જાય છે અને એ શાયરી પોતાના મનમાં જ શબ્દોને રમાડે છે....
એ પછીની સવાર એટલે પોષ મહિનાની શુક્લ પક્ષની એકમ….એટલે મકરસંક્રાંતિ…આકાશ પણ પક્ષીઓના કલરવ સાથે પતંગોથી ભરપુર થવા લાગ્યું છે …શીતળ એવી ઠંડી સાથે વાતાવરણ પણ આનંદિત બની રહ્યું છે..એવામાં સવિતાબેન રશ્મિકાના રૂમમાં આવીને બારીનો પડદો ખોલે છે
“ બેટા , રશું….ચાલ જાગી જા…”
અને એ શાયરી અકળાવા લાગે છે…અને બોલી ઉઠે છે…
“સુવા દે ને મમ્મી….આ પડદો બંધ કર ને..”
“ઉત્તરાયણ કરવા આવી છે કે સુવા માટે?”
“ પેલો ચાપલો ક્યાં સુવા જ દે છે , ક્યારનો કાઈ પો છે - કાઈ પો છે, એવું બોલ્યા કરે છે “
“એટલે જ કહું છું કે ઉઠી જા…બેટા…”
“સારું , તું નાસ્તો કાઢી રાખ હું તૈયાર થઈને આવું છું…” રશ્મિકા આળસ ખાઈને ઉભી થતાં થતાં બોલે છે.
થોડી વારમાં રશ્મિકા તૈયાર થઈને અગાશી પર આવે છે ને રોહન પગમાં ફીરકી રાખીને પતંગ ચગાવી રહ્યો છે , મેઘ-રિધમ પતંગની કીના બાંધી રહ્યા છે , હર્ષદભાઈ અને સવિતાબેન લાડુ -ચિક્કી ખાતા ખાતા વાતો કરીને આનંદ કરી રહ્યા છે આ તમામ ધમાલ-મસ્તીમાં દિવસ પસાર થઈ રહ્યો છે અને રશ્મિકા એમના મમ્મી-પપ્પા જ્યાં બેઠા છે ત્યાં જઈને કહે છે
“ મમ્મી , પેલી ચીક્કી આપને…”
“હા…બેટા…આ લે પણ…બેટા…કુમાર ક્યારે આવે છે ..?”
“હા , બેટા જો આવવાના હોય તો ઊંધિયું વધારે લેતો આવું..”
“એમનું કઈ નક્કી નથી પપ્પા, અને આમ પણ આજકાલ કામના લીધે એ જમવાનું પણ ભૂલી ગયા છે….”
આટલું બોલી રશ્મિકા ત્યાંથી ઉભી થઇ જાય છે અને અગાશીમાં એકલી એકલી પ્રેમ નહીં આવી શકવાના દુઃખમાં પતંગોના ઢગલા પાસે બેસી જાય છે અને આ શાયરી એની વેદનાને એક પતંગમાં એની મનપસંદ માર્કર વડે ઉતારવા લાગે છે….એની લાગણીઓ માટે એને શબ્દો પણ ઓછા લાગે છે એટલે એ અગાશી પર નજર ફેરવે છે તો દરેક પોતાનામાં મશગુલ લાગે છે રશ્મિકાની નજર રોહન પર જાય છે એને પગ પર ફીરકી જોઈને એ લખેલો પતંગ ત્યાં જ મૂકી અને રોહન પાસે જાય છે….
“રોહન ….લાવ…હું ફીરકી પકડું..”
“લે ….દીદી ….પકડ જલ્દી….પતંગ જશે મારો…”(ફીરકી આપતાં)
“હા..”
“ દીદી…ચાલ ઢીલ મુક..”
રશ્મિકા ઢીલ મૂકે છે અને રોહન દોરા પરથી હાથ લઈ ફૂલ ઢીલ મૂકે છે…અને ઢીલથી જતાં દોરાને જોઈ રશ્મિકા ઉદાસ થઈ વિચારોમાં ખોવાઈ જાય છે…