સાપુતારાની મુલાકાતે ભાગ-૩
સાપુતારામાં હોટલમાં ફ્રેશ થયા પછી અમે સીધા સાપુતારા લેક જોવા નીકળી પડયા. એ પછી સાપુતારા લેક અને સનસેટ પોઇન્ટની મુલાકાત લઇ અમે આગળ ટેબલ પોઇન્ટ તરફ આગળ વધ્યા. હવે આગળ........................
ટેબલ પોઇન્ટ પર જવાનો રસ્તો બહુ જ આકરો અને અઘરો છે. ત્યાં ઉપર હેવી ગાડી હોય તો જ તમે ઉપર સુધી જઇ શકો. પણ બાકીના પ્રવાસીઓ તો ગાડી નીચે જ પાર્ક કરીને ઉપર તરફ ચાલતા જાય છે. ત્યા સુધીનો રસ્તો બહુ ઢોળાવવાળો છે. અમે ટેબલ પોઇન્ટ પર વાહન કરીને પહોંચ્યા. ત્યાં પણ સરસ વાતાવરણ હતું. ત્યાં પણ ખાણી-પીણી બજાર છે, ફૂલોથી સુસજ્જીત સાયકલો, બાળકો માટેની ગાડીઓ પણ છે અને હા ત્યાં ઉંટ અને ઘોડાની સવારી પણ કરવા મળે છે. અમે બધાએ ઉંટની સવારી કરી હતી. ત્યાં સવારીના રૂા.૨૦૦/- હતા. એ પછી ત્યાં આજુબાજુ ફરીને અમે હોટલ તરફ રવાના થયા. હોટલ પર ચેકઆઉટ કરીને અમે સીધા ગીરા ધોધ જવા રવાના થયા.
સાપુતારા લેકથી ગીરા ધોધ ૫૦ કિ.મી. જેટલું અંતર છે. ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ) નો ગીરાધોધ ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળતી અંબિકા નદી શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે ખાબકે છે. તેની નજીક તમે જાઓ તો નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ તમને ચોકકસ જ ભીંજવી નાખે. આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પર્યટકોનો મેળાવડો જામે છે. અહીની મુલાકાત આપના જીવનભરનું એક સંભારણું બની જાય એ તો નકકી જ છે. અહી પાયાની સુવિધાઓ પણ છે અને આજુબાજુ લાકડામાંથી બનાવેલ વસ્તુઓની દુકાનો પણ છે.
અમે બપોરે ગીરાધોધ પહોંચ્યા. ત્યાં આવેલ હોટલમાં જમવાની પણ સરસ વ્યવસ્થા છે. ત્યાં જમીને ગાડી ત્યાં હોટલમાં જ બધા પાર્ક કરે છે. એ પછી અમે ગીરા ધોધ જવા માટે રૂા.૨૦/- ની ટિકિટ લઇને તે બાજુ ચાલતાં ગયા. ત્યાંનો નજારો તમે જોવો તો એટલો આહલાદક !!! વાતાવરણ જ ખુશનુમા જેવો... ત્યાં અમે થોડો સમય રોકાયા. દુકાનોમાં થોડી ખરીદી કરી. પછી ત્યાંથી નીકળી અમે ભરૂચ જવા રવાના થયા.
ભરૂચમાં ફરીથી અમને બે બ્રિજનો ટ્રાફિક નડયો. અમે છેક રાત્રે ૯.૩૦ વાગ્યે ભરૂચ પહોંચ્યા. ભરૂચમાં અમે ઝગડીયા ચોકડીએ લોકલ જમવાનું જમ્યા. પછી અમે અમારા સંબંધીને ત્યાં રાતવાસા પર રોકાઇને બીજે દિવસે ભરૂચ ફરવાનું નકકી કર્યુ. સવારે ચા-નાસ્તો કરીને અમે ભરૂચની મુલાકાતે નીકળ્યા.
ભરૂચના અમારા સંબંધી અમને ભરૂચના પ્રખ્યાત મંદિર નીલકંઠેશ્વર મહાદેવના દર્શને લઇ ગયા. ભરૂચમાં, નર્મદા નદીના કાંઠે સ્થિત નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર ભરૂચમાં રહેતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરની દિવાલો પર ભગવાન શિવના ૧૦૦૮ નામ કોતરેલા છે. આ મંદિરની પાસે એક અન્ય મંદિર છે જેમાં ભગવાન હનુમાનજીની વિશાળ મૂર્તિ છે. તેનું પ્રાગળ પણ ઘણું વિશાળ છે. ત્યાંથી જ તમને નર્મદા નદીના સાક્ષાત દર્શન થાય છે. ત્યાના સ્થાનિકો લોકો દ્વારા કહેવા મુજબ, ત્યાં સાંજે નમર્દાના કાંઠે આરતી થાય છે અને તેનો નજારો પણ કંઇક અદભુત હોય છે. અમે સવારે દર્શન કરવા ગયા હતા. ત્યાં દર્શન કરીને અમે જમવા માટે ગયા. ભરૂચ અમે કાઠીયાવાડી ભોજન ગ્રહણ કર્યું હતું. આમ તો અમે પંજાબી અને ગુજરાતી જ જમતા હોઇએ છીએ. પણ લાગ્યું કે કંઇક નવું કરીએ. એટલે કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પણ નવી હતી. આથી ત્યાં જ જમવાનું નકકી કર્યું. પણ ખરેખરમાં જમવાનું બહુ જ સારું હતું. જમ્યા પછી અમે અમારા ઘર બાજુ રવાના થયા.
વડોદરા પહોંચતાં અમે થોડો ઘણો નાસ્તો કર્યો. પછી ઘર તરફ....................ઘરે પહોંચતા જ સાપુતારાના એ બે દિવસ વિશે વિચારવા લાગ્યા. ઇચ્છા તો એવી થઇ ગઇ કે દર વર્ષે સાપુતારાની મુલાકાત લેવી જ જોઇએ.
તમે પણ હવે સાપુતારાની મુલાકાતે જશો જ.
સમાપ્ત
- પાયલ ચાવડા પાલોદરા