Atitrag - 56 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 56

Featured Books
Categories
Share

અતીતરાગ - 56

અતીતરાગ- ૫૬

સામાન્ય રીતે સિલ્વર સ્ક્રીનની રીલ લાઈફ અને સંસારની રીયલ લાઈફમાં અનેક એવી પ્રેમ કહાની છે, જેની બલી ચડી ગઈ, ધર્મ અને જાતિવાદના નામ પર.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અનેક કલાકારોની રીઅલ લાઈફમાં પણ વિધર્મી પ્રેમ લગ્નની અનેક દાસ્તાન છે. જેમાં થોડી સફળ રહી અને ઘણી અસફળ.

‘અતીતરાગ’ની આજની કડીમાં એક એવી અભિનેત્રીના પરિવારની વાત કરવાની છે, જેમને બાળ કલાકારથી અનાયાસે સંજોગોવસાત શરુ થયેલી ફિલ્મી કારકિર્દી તેમને છેક દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સુધી લઇ ગઈ.

જી હાં, હું વાત કરી રહ્યો છું, અભિનેત્રી આશા પારેખની.હવે વિગતવાર ચર્ચા કરીશું આશા પારેખના માતા- પિતાની અનોખી અને સંઘર્ષપૂર્ણ પ્રેમ કહાની વિષે.

ક્યાંથી શરુ થઇ આશા પારેખના પેરેન્ટ્સની પ્રેમ કહાની ? અને ક્યાં, ક્યાં કેવા વળાંક લઈને અંતે મંઝિલ પર પહોંચી, હિંદુ અને મુસ્લિમ જોડીની લવસ્ટોરી, જાણીએ.

આશા પારેખના માતા-પિતાની પ્રેમ કહાની પાંગરી માયાનગરી મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં. સાંતાક્રુઝમાં એક ગલીનું નામ છે,
હશના બાગ લેન.

આ હશના બાગ લેનના અનેક પરિવારો સાથે સામેલ હતાં, બે પરિવાર. એક હતું લકડાવાલા પરિવાર અને બીજું પારેખ પરિવાર.

લકડાવાલાનું પરિવાર હતું, વોરા મુસ્લિમ અને પારેખ પરિવાર હતું વૈષ્ણવ.
એક જ માહોલ્લામાં નજીવા અંતરે રહેતાં હોવાથી બન્ને પરિવાર પરસ્પર એકબીજાથી પરિચિત હતા.

એટલે સલમા લકડાવાલા અને બચુભાઈ પારેખની મુલાકાત આસાન હતી.

સલમા ઈબ્રાહીમ લકડાવાલા નામ હતું, આશા પારેખની માતાનું, લગ્ન પહેલાં.
અને બચુભાઈ પારેખ, એટલે કે આશા પારેખના પિતાજી. બચુભાઈ મોતીલાલ પારેખ.

બચુભાઈ પારેખ પહેલી નજરે જ સલમાના સૌંદર્ય પર ઓળઘોળ થઇ ગયાં હતાં.
અને પહેલી નજરની અસરમાં જ તેમણે મનોમન એવું નક્કી કરી લીધું કે, લગ્ન કરીશ તો સલમા સાથે જ.

પણ આ સગપણની સંભાવના વચ્ચે એવરેસ્ટની ઉંચાઈ જેવા અવરોધની દીવાલ હતી, ધર્મની. હિંદુ-મુસ્લિમની.

કઠીન હતું, પણ અશક્ય નહતું. એવું માન્યા પછી સ્નેહ સીડીના પહેલાં પગથિયાં પર પગ મુકવાની પહેલ કરતાં બચુભાઈએ પ્રથમ પ્રેમ પત્ર લખ્યો સલમાને.

એ પ્રેમ પત્ર સલમા સુધી સહી સલામત પહોંચાડ્યો સલમાની બહેન અને આશા પારેખની માસી ફીઝા, મારફત.

સલમાની બહેન ફીઝાની હિફાઝત ભરી હેરાફેરીથી પત્ર વ્યવહારનો સિલસિલો અવિરત રહ્યો.

આશા પારેખના નાનાજી. મતલબ સલમાના પિતાજી ઈબ્રાહીમ લકડાવાલા ખાનદાની અમીર, વ્યાપારી, વ્યહવારુ અને સમજદાર પણ હતાં. એટલે તેઓ તેના સંતાનના અભ્યાસ પ્રત્યેની સભાનતાને અમલમાં મૂકવાના આશયથી, સલમાને, વર્ષ ૧૯૪૦માં પૂના સ્થિત ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યાં.

જરા આપ અંદાજ લગાવો, આજથી એંસી વર્ષ પહેલાં છોકરીને પરિવારથી અલગ કરીને હોસ્ટેલમાં અભ્યાસ માટે મોકલી આપવી એ ગંભીર નિર્ણય લેવો કેટલો કઠીન
હશે. ?

મુંબઈથી પૂનાનું અંતર પણ બચુભાઈ અને સલમાના અનુબંધને અવરોધી ન શક્યું.

બચુભાઈ નિયમિત અચૂક ટેલીફોન સંપર્કથી સલમા જોડે અવિરત નિકટતા સાધતા રહ્યાં અને તે ઉપરાંત દરેક વિક એન્ડમાં તેઓ સલમાને મળવા મુંબઈથી છેક પૂના સુધી જતાં પણ ખરાં.

પણ કહે છે ને કે, પ્રેમ અને ધુમાડો છુપાવ્યે છુપાય નહીં. લકડાવાલા અને પારેખ પરિવારને ધુમાડા પાછળની આગના એંધાણ આવવા લાગ્યાં.

મામલો ગંભીર બને, અને સલમાને નજરબંધ કરે એ પહેલાં પાણી પહેલાં પાળ બાંધતા, બચુભાઈએ ચુતરાઈ વાપરી, યુદ્ધના ધોરણે ચક્રો ગતિમાન કરી, સિવિલ રજીસ્ટ્રારની ઓફીસમાં પહેલી ઓગસ્ટ ૧૯૪૧ના દિવસે બચુભાઈ પારેખ અને સલમા લકડાવાલા એ પરિવારના રજામંદીની પરવા અને જાણ કર્યા વિના રજીસ્ટર મેરેજ કરી લીધાં.

લગ્ન સંબંધમાં બંધાયા પછી સલમા લકડાવાલા એ સ્વેચ્છાથી હિંદુ ધર્મ અંગીકાર કર્યો. અને બચુભાઈ એ તેનું નામકરણ કરતાં નવું નામ આપ્યું...સુધા પારેખ.

પારેખ પરિવારમાં દિવાળીની ઉજવણી થતી અને ઇદનો તહેવાર પણ મનાવવામાં આવતો.

બચુભાઈ અને સુધા પારેખ બન્નેને શિરડીના સાંઈબાબામાં અતુટ શ્રદ્ધા હતી.
મેરેજ બાદ લકડાવાલા અને પારેખ બંને પરિવાર વચ્ચેના સંબંધ પર કાયમ માટે સદંતર પૂર્ણવિરામ મુકાઇ ગયું. પરસ્પર વાતચીતનો વ્યહવાર સુદ્ધા પણ ન રહ્યો. બચુભાઈ અને સુધા પરિવારથી અલગ થઈ જુદા રહેવાં લાગ્યાં.

લગ્નના પંદર મહિના પછી...
બીજી ઓક્ટોબર ૧૯૪૨ના દિવસે તેમના ઘરે પુત્રીનો જન્મ થયો.
નામ પડ્યું..આશા પારેખ.

બચુભાઈ અને સલમાનો અનન્ય અનુબંધ એક એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે કે. જો પ્રેમ અગર દિવ્ય હોય તો, કોઈ ધર્મ કે જાતિવાદની વાડાબંધી પણ તેને બાંધી કે અવરોધી નથી શકતી.

આગામી કડી..

હવે પછી ‘અતીતરાગ’ સીરીઝની કડીમાં જે ફિલ્મ વિષે ઉલ્લેખ કરવાનો છું, તે ફિલ્મના કલાકારોની યાદીમાં સામેલ છે, કિશોર કુમાર, સુચિત્રા સેન, ઉષા કિરણ, ડેવિડ, કેસ્ટો મુખરજી, નિરુપા રોય અને અભિનય સમ્રાટ દિલીપ કુમાર.

ફિલ્મના દિગ્દર્શક છે, ઋષિકેશ મુખરજી.

શું આપને ફિલ્મનું નામ યાદ આવ્યું...?

નામ કરતાં પણ આ ફિલ્મ વિષેની ચર્ચા એટલે ખાસ છે, કારણ કે આ ફિલ્મમાં મહાન કલાકાર દિલીપ કુમારે કોઇપણ રકમનું આર્થિક વળતર લીધાં વગર, વિનામુલ્યે તેમની ભૂમિકા બખૂબી ભજવી છે.

વિસ્તારમાં વધુ વિગત સાથે મળીશું હવે પછીની કડીમાં.

વિજય રાવલ.
૧૫/૧૧/૨૦૨૨