Gouri - 1 in Gujarati Fiction Stories by Sandeep Patel books and stories PDF | ગૌરી - 1

Featured Books
Categories
Share

ગૌરી - 1

આજે સાંજે પાંચ વાગ્યે રોજ ની જેમ મારી મનપસંદ જગ્યાએ જઈને ઉભો રહ્યો. મારી મનપસંદ જગ્યા એટલે મારી પ્યારી ગૌરીનું ઘર. ગૌરી મારી ગીર ગાય છે. અર્થાત હુ મારા તબેલા પર જઈને ઉભો રહ્યો. ગૌરી સાથે મારે આત્મીયતાના સંબંધો. રોજ અમે બંને એકબીજા સાથે સરસ વાતો કરીએ. એ મારી વાતો સાંભળે - સમજે. હુ એની વાતો સમજવાનો પ્રયત્ન કરું.
ખુબ જ પ્રેમાળ. હા, તે મારા સિવાય કોઈને સ્પર્શ ન કરવા દે. હુ જેમ જેમ ઈતર કાર્ય માટે વાડા માં ફરું તેમ તેમ તે મારી સાથે સાથે ફર્યા કરે. સાંજનું તમામ કામ પૂર્ણ કરી હું ઘરે જતો રહ્યો.
સવાર થઈ.
આજે મારું મન નહોતું માનતું. કંઈક અજુગતું લાગતું હતું. આજની સવારમાં કંઈક અલગ જ અનુભવ હતો. વહેલી સવારે આંખ ખુલી જતા ગણા બધા વિચારો મગજ માં આવી ગયા. ખબર નઈ કેમ આવ્યા ? પણ બસ આવી ગયા.
સવારે જાગતા જ હું ગૌરી પાસે પહોંચી ગયો. ગૌરી શાંત ઉભી હતી. રોજની જેમ મને જોતા જ જે આનંદ એના ચહેરા પર જોવા મળતો તે આજની સવારે નહોતો જોવા મળતો. મને જોતા જ જે તોફાન મસ્તી કરતી તે નહોતી કરી રહી. એકદમ શાંત જ ઉભી હતી.
ગૌરીની નજીક જઈ તેના મોં અને શરીર પર હાથ ફેરવ્યો. તેણે ધીમેથી મારી સામે જોયું. પરંતુ સ્હેજે અવાજ પણ ન કર્યો. મને ચિંતા થઈ આવી કે અચાનક ગૌરીને શું થયું. રાતે તેને નિરેલો ઘાસ ચારો યથાવત હતો. તેણે સ્હેજ પણ ખાધું ન હતું.
આજે તેની કોઈ જ હરકતો જોવા મળતી ન હતી. મારી ચિંતા વધી રહી હતી. મને એવો અંદાજ આવી રહ્યો હતો કે રાતની ગૌરી ની તબીયત સારી ન હતી.
એક વાત આપને યાદ કરાવી દઉં. ગૌરી બહુ લાગણીશીલ. દર રાત્રીએ તેને તબેલામાં બાંધવાની અને દિવસ દરમિયાન વાડામાં છૂટી ફરે. હવે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે મારા સિવાય એ કોઈને બાંધવા ના દે. મારા ઘરમાં બધા જ સભ્યો ગૌરીનું દૂધ દોહી શકે છે. દૂધ દોહવા ના સમય દરમિયાન એ સહેજ પણ હલન ચલન ન કરે. એને આપવામાં આવેલું ભોજન ગ્રહણ કરતી જાય અને દૂધ દોહવા દે. આમ તો બે વ્યક્તિઓ સામ સામે બેસીને ગૌરી ને દોહી શકે છે. પરંતુ એની એક શરત હોય છે. સવારે અને સાંજે બંને સમયે જ્યારે તેને દોહવાની થાય ત્યારે કોઈ એક બાજુ હું જાતે બેઠેલો હોવો જોઈએ. નહીં તો ગૌરી પૂરું દૂધ આપે નહીં અને દુષ દોહતી વખતે હેરાન પણ કરે.
દરરોજની જેમ આજે સવારે હું ગૌરી જોડે સમયસર પહોંચ્યો. આગળ જણાવ્યું એમ એનું વર્તન અજુગતું લાગી રહ્યું હતું. ગૌરીની તબિયત નરમ લાગી રહી હતી. તેની આંખમાંથી આંસુ વહીને સુકાઈ ગયા હતા. જાણે રાત્રી દરમિયાન ક્યારની રડતી હશે. મને વધારે ચિંતા થઈ આવી. તરત જ મેં વધારે વિચાર કર્યા વગર પશુ દવાખાનાનો સંપર્ક કર્યો. દાક્તર સાથે વિગતે વાત કરી. દાકતર સાહેબ જોડે વાત કરતા કરતા મારી આંખમાં પાણી આવી ગયું. ગાળામાં ડૂમો ભરાયા જેવું થઈ ગયું. દાક્તર સાહેબે મને સાંત્વના આપતા કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, તમે જણાવ્યા અનુસાર ના લક્ષણો પરથી કોઈ વિશેષ બીમારી જણાતી નથી. છતાં હું ત્યાં આવીને તપાસી લઉં અને જે તકલીફ હશે તેની દવા ગોળી આપી દઉં છું તો તેને સારું થઈ જશે.
એક ચાતક જેમ વરસાદ ની રાહ જોવે તેમ હું દાક્તર સાહેબની રાહ જોવા લાગ્યો. મારી નજર મુખ્ય દ્વાર તરફ જ ટીંગાઈ રહેલી હતી.


(ક્રમશ:)