The child complains about the teachers in Gujarati Motivational Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | બાળક કરે શિક્ષકોની ફરિયાદ

Featured Books
Categories
Share

બાળક કરે શિક્ષકોની ફરિયાદ

વાર્તા :- બાળક કરે શિક્ષકોની ફરિયાદ
વાર્તાકાર :- શ્રીમતી સ્નેહલ રાજન જાની





દરરોજની જેમ આજે પણ શૌર્ય સ્કૂલેથી આવ્યાં પછી પોતાની બેગ, શૂઝ અને અન્ય વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકી હાથ પગ ધોવા ગયો અને પછી યુનિફોર્મ પણ બદલી લીધો. શહેરની પ્રખ્યાત અંગ્રેજી માધ્યમની શાળામાં એ ભણે છે. પણ આજે એનો મૂડ કંઈક અલગ જ લાગતો હતો. એની મમ્મી નેહાએ આ નોંધ્યું હતું. તરત જ કશું પૂછવાને બદલે પહેલાં એણે એને માટે નાસ્તો અને દૂધ તૈયાર કર્યા અને એની સાથે એ પોતે પણ ટેબલ પર નાસ્તો કરવા બેઠી.


શૌર્ય થોડો નાસ્તો કર્યા પછી કંઈક અલગ મૂડમાં આવ્યો હોય એવું લાગતાં જ ધીમે રહીને નેહાએ એને પૂછ્યું, "કેવો રહ્યો આજનો દિવસ? મજા આવી સ્કૂલમાં?" જાણે કોઈ આવું પૂછે એની રાહ જ જોઈને બેઠો હોય એમ શૌર્ય બોલવા માંડ્યો.


"મમ્મી, આ ટીચર્સને કશું સમજણ જ નથી પડતી. જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે."

નેહા : શું થયું પાછું? કોઈ ટીચર કંઈક બોલ્યાં તને?

શૌર્ય : ના મમ્મી, મને તો કશું નથી કહ્યું, પણ આજે લગભગ બધાં જ ટીચર્સ થોડાં એંગ્રી હતાં.


મેથ્સનાં ટીચર તો તને ખબર જ છે, કાયમ ગુસ્સામાં જ હોય! એમનાં ક્લાસમાં કોઈએ વાત નહીં કરવાની, કશું બોલવાનું નહીં. એ પોતે વાત કરાવે તેનો વાંધો નહીં.


સાયન્સનાં ટીચર પણ કેટલું બધું હોમવર્ક આપે છે! એમને તો પાછું બધું તરત જ લખેલું જોઈએ!


અને પેલાં સોશિયલ સાયન્સનાં સર, એમને તો જાણે અમને બધો રસ પડતો હોય એમ જ જ્યારે જુઓ ત્યારે ઈતિહાસ વિશે બધું ડિટેઇલમાં ભણાવ્યા કરે છે. ખાલી કામનું હોય અને એક્ઝામમાં પૂછવાનાં હોય એટલું જ કરાવતા હોય તો?


અને ગુજરાતી! મમ્મી હું ઈંગ્લીશ મીડીયમમાં ભણું છું. મારે ગુજરાતી ભાષા કે પછી હિન્દી, સંસ્કૃત શીખવાની શી જરૂર છે?


મારે ક્યાં પેઈંટર બનવું છે કે ડ્રોઈંગનાં ટીચર એકદમ વ્યવસ્થિત ડ્રોઈંગ બનાવવો અને કલર કરવા કહે છે?


કમ્પ્યુટરમાં અને ગેમ્સનાં પિરિયડમાં મને બહુ મજા આવે છે.

અને આવી રીતે શૌર્ય લગભગ તમામ શિક્ષકો વિશે કંઈક ને કંઈક બોલી ગયો.


"કેટલી બધી ફરિયાદો છે આ છોકરાના મગજમાં! હજુ તો છઠ્ઠા ધોરણમાં ભણે છે શૌર્ય! જો આજે એની આ ફરિયાદો દૂર ન કરી તો ભવિષ્યમાં એ શિક્ષકોને નફરત કરતો થઈ જશે. ખબર નહીં હજુ પણ કેટલી ફરિયાદો છે એને?" નેહાએ મનોમંથન ચાલુ કર્યું. પછી કંઈક વિચારીને એણે શૌર્યને સમજાવવા માંડ્યું.


"તને ખબર છે શૌર્ય મેથ્સ કેટલો મુશ્કેલ સબ્જેક્ટ છે? પણ ખરેખર જો ધ્યાન આપીએ ને તો સહેલાઈથી સમજી શકાય છે. એટલે જ મેથ્સનાં ટીચર હંમેશા થોડો ગુસ્સો કરતા રહે છે કે જેથી ક્લાસ શાંત રહે અને બધાંને સમજ પડે."


"સાયન્સ જો ઘરે જઈને ફરીથી ન કરીએ તો ભૂલી જઈએ, એટલે હોમવર્કનાં બહાને ટીચર તમને યાદ અપાવે."


"સોશિયલ સાયન્સ તો આપણને આપણાં દેશની ભૂગોળ અને દેશનાં ઈતિહાસ વિશે માહિતી આપે છે. પોતાનાં દેશને તો જાણવો જ જૉઈએ ને!"


"બાકી રહી ભાષાઓ. ગુજરાતી તો આપણી માતૃભાષા કહેવાય, એને તો શીખવી જ પડે. માત્ર બોલતાં આવડે એટલે ગુજરાતી આવડે છે એમ ન કહેવાય! હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. આખા દેશમાં ગમે ત્યાં જઈએ હિન્દી જાણતાં હોઈએ તો દેશમાં કોઈ પણ જગ્યાએ અટવાઈ ન જઈએ. સંસ્કૃત તો દેવભાષા અને આપણાં ભારતની ભાષા છે. એનાં વિશે તો ખબર હોવી જ જોઈએ ને દિકરા?"


"હોપ યુ અંડરસ્ટેન્ડ વૉટ આઈ મીન ટુ સે યુ?" કહીને નેહાએ શૌર્ય તરફ જોયા કર્યું. શૌર્ય એકદમ ખુશ થઈ ગયો અને બોલ્યો, "યસ મમ્મા. નાઉ આઈ વીલ નોટ કંમ્પ્લેઇન અબાઉટ એની ટીચર. આઈ વીલ સ્ટડી વેલ ઈન ધ ક્લાસ. બાય મમ્મી. હું રમવા જાઉં છું."

"બાય બેટા." અને નેહાએ શાંતિનો શ્વાસ લીધો.






વાંચવા બદલ આભાર.🙏

સ્નેહલ જાની