ઉંચાઇ
-રાકેશ ઠક્કર
નિર્દેશક સૂરજ બડજાત્યાની ફિલ્મ 'ઉંચાઇ' એ અનેક બાબતે નામ સાર્થક કર્યું છે. ફિલ્મમાં અનેક જગ્યાએ અને પાત્રોના માધ્યમથી પણ ટાઇટલને ન્યાય આપ્યો છે. એમણે સિનેમાને નવી ઉંચાઇ આપવા સાથે કલાકારોના અભિનયની નવી ઉંચાઇ પણ બતાવી છે. લાંબા સમય પછી એક સારા વિષય પર ફિલ્મ આવી છે. સમીક્ષકોએ ફિલ્મની વધુ પડતી લંબાઇ અને સામાન્ય ગીતોની બે ખામી ગણાવીને બાકી બધી જ બાબતે વખાણ કર્યા છે. ગીત- સંગીત માટે જાણીતા રાજશ્રીના બેનરની આ ફિલ્મનું દરેક ગીત ભલે વાર્તા મુજબનું હોય પણ અમિત ત્રિવેદી એકપણ મધુર અને યાદગાર ગીત આપી શક્યા નથી. અલબત્ત સૂરજે અનેક જગ્યાએ જૂના ગીતોનો સરસ રીતે ઉપયોગ કર્યો છે. જો પોણા ત્રણ કલાકની 'ઉંચાઇ' ની લંબાઇ ઘટાડીને અઢી કલાકની કરવામાં આવી હોત તો વધુ દર્શકો ઇમોશનલી જોડાઇ શક્યા હોત. જેમને રાજશ્રીની લાંબી ફિલ્મ જોવાની આદત છે એમને પણ આજના જમાનાની ટૂંકી અવધિની ફિલ્મોની આદતથી થોડો વાંધો આવશે. અલબત્ત નિર્દેશક દર્શકને વાર્તા સાથે છેલ્લે સુધી જકડી રાખવામાં સફળ રહ્યા છે.
'દોસ્તી' જેવી પારિવારિક ફિલ્મો બનાવનારા રાજશ્રીના બેનરને 'મૈંને પ્યાર કિયા' થી સંભાળતા આવેલા સૂરજે સાત વર્ષના લાંબા ગાળા પછી પહેલી વખત વૃધ્ધોની દોસ્તીની વાર્તા પર 'ઉંચાઇ' બનાવીને એક નવો પ્રયોગ કર્યો છે. એમાં આજની પેઢી દોસ્તીનું મહત્વ સમજે છે એ પણ બતાવ્યું છે. ચારમાંથી એક દોસ્ત એવરેસ્ટ બેઝ કેમ્પ પર જવાની ઇચ્છા સાથે મૃત્યુ પામે છે ત્યારે બીજા મિત્રો એનું આયોજન કરીને શ્રધ્ધાંજલિ આપે છે. મોટી ઉંમરે શરીરની સમસ્યાઓ સાથે મિત્રો એવરેસ્ટ ચઢવામાં અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરે છે. વળી દરેક મિત્રની પોતાની એક અલગ વાર્તા છે. એમની સાથે સહયાત્રી તરીકે સારિકા જોડાય છે. જેનો સંબંધ કોઇક રીતે એમની જિંદગી સાથે હોય છે.
આજના નિર્દેશકો જેમને મુખ્ય ભૂમિકા ઓછી આપે છે એવા ચાર વરિષ્ઠ અભિનેતાઓ પર સૂરજે ભરોસો મૂક્યો છે. કોઇએ પણ નિરાશ કર્યા નથી. અમિતાભ બચ્ચનની ઉંમર જેમ વધી રહી છે એમ એ અભિનયમાં નવી ઉંચાઇ સર કરી રહ્યા છે. અમિત શ્રીવાસ્તવ નામના લેખકની ભૂમિકાને અમિતાભે એટલી હદે જીવી બતાવી છે કે જાણે એ અમિત હોય એવું જ લાગે છે. એમની સ્ટાઇલ અને સ્વેગ જ નહીં અભિનય પણ સ્પર્શી જાય છે. તેમની લાગણી દર્શકના દિલ સુધી પહોંચે છે. એક ઇમોશનલ દ્રશ્યમાં તે કહે છે કે એમણે જે પુસ્તકો લખ્યા છે એ અંગત જીવનના અનુભવો પર નથી. બાળકો જે કરવા માગે છે એ એમને કરવા દો અને એમના સપનાની ઉંચાઇને આંબવા દો.
લાંબા સમય પછી ડેની નાની ભૂમિકામાં પણ છાપ છોડી જાય છે. બોમન ઇરાનીએ પોતાની ભૂમિકાને જબરજસ્ત રીતે નિભાવી સાચા દોસ્તનું ઉદાહરણ આપ્યું છે. અનુપમ ખેરનું કામ લાજવાબ છે. તેમનું પાત્ર અને તે ના હોત તો ફિલ્મ અધુરી લાગત. દરેક દ્રશ્યમાં તે કોઇકને તો એના મિત્રની યાદ અપાવી જ જશે. નીના ગુપ્તા અને સારિકાએ સારો સાથ આપ્યો છે. સામાન્ય ભૂમિકાઓને એમણે અસામાન્ય રીતે ભજવી બતાવી છે. નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરતી પરિણીતી ચોપડાએ હજુ મહેનત કરવાની જરૂર છે.
ફિલ્મનું શુટિંગ અસલ લોકેશન પર કરવામાં આવ્યું છે. કલાકારો સાથે દર્શક યાત્રામાં જોડાયો હોય એવું લાગે છે. દિલ્હીથી એવરેસ્ટની રોડ ટ્રિપ હોવાથી થોડી લાંબી જરૂર છે. મોટા સ્ક્રીન પર ફિલ્મ જોતી વખતે એ ભવ્ય લાગવા સાથે દિલમાં સીધી ઉતરી જાય છે. સૂરજ બડજાત્યાએ હંમેશની જેમ સાંસ્કૃતિક અને પારિવારિક મૂલ્યો સાથે કોઇ સમાધાન કર્યા વગર એક સાફસૂથરી ફિલ્મ પ્રેમથી બનાવી છે. સુનીલ ગાંધીની વાર્તા ખરેખર હ્રદયસ્પર્શી છે. અંત સરસ છે. દોસ્તી અને જીવનનો મર્મ સમજાવવા સાથે વૃધ્ધોની આ ફિલ્મ યુવાનોને પણ સંદેશ આપતી હોવાથી એક વખત જોવી જ પડે એવી છે.