અતીતરાગ’- ૫૫
‘કિશોર કુમાર’
આ નામ કાને પડતાં અથવા વાંચતા સૌ પ્રથમ ચિત્તમાં, ચિત્ર અંકિત થાય સદાબહાર ગાયક કિશોર કુમારનું. પરંતુ ગાયક કિશોર કુમાર પચાસના દાયકામાં વ્યસ્ત અને પ્રખ્યાત અભિનેતા પણ રહી ચુક્યા હતાં. તે વાતથી આજની પેઢી કદાચ અજાણ હશે. અને તે સમયગાળા દરમિયાન કિશોર કુમાર અભિનીત ઘણી ફિલ્મો સફળ પણ રહી હતી.
આજે કિશોર કુમારના સંદર્ભમાં જે વિષય પર વાત કરી રહ્યો છે, તેની ખાસ વિશેષતા એ છે કે. એ સમયગાળા દરમિયાન કિશોર કુમારે એક ફિલ્મના સોંગમાં એક નહીં.. બે નહીં.. પણ, પુરા સાત અલગ અલગ કિરદાર નિભાવ્યા હતાં. જી હાં સાત પાત્રો. સાત વિભન્ન વેશભૂષા એક જ ગીતમાં.
કઈ હતી એ ફિલ્મ ? અને ક્યુ હતું એ સોંગ ?
વિગતવાર જાણીશું ‘અતીતરાગ’ ની આજની કડીમાં.
આજે કિશોર કુમારના જે સોંગના ફિલ્મનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું, તે ફિલ્મના મુખ્ય કિરદારમાં કિશોર કુમાર તો હતાં જ, સાથે તેમની જોડે સહાયક ભૂમિકામાં હતાં, ચરિત્ર અભિનેતા ઓમ પ્રકાશ. નેગેટીવ ભૂમિકામાં હતાં, પ્રાણ સાબ અને સાથે એક મહત્વની ભૂમિકામાં હતાં, દારા સિંગ પણ.
અને કિશોર કુમારની સાથે હિરોઈનનું પાત્ર જેમણે ભજવ્યું હતું, તે અભિનેત્રી અગાઉ પણ કિશોર કુમાર જોડે સિલ્વર સ્ક્રીન શેર કરી ચુક્યા હતાં.
એ ફિલ્મોના નામ હતાં, ‘ન્યુ દિલ્હી.’, ‘મીસ માલા.’ અને ‘આશા’.
જી હાં, હું ઉલ્લેખ કરી રહ્યો છું, ખૂબસૂરત અદાકાર વૈજંતીમાલા વિષે.
હવે સવાલ એ ઉભો થયો કે, કિશોર કુમારને એક જ ગીતમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરીને સાત કિરદાર નિભાવવાની શું જરૂર પડી ?
કારણ હતું વૈજંતીમાલા.
ફિલ્મમાં વૈજંતીમાલાનું પાત્ર હતું, એક ડાન્સરની ભૂમિકાનું. અને ફિલ્મમાં સિચ્યુએશન એવી છે કે, એક ડાન્સના પર્ફોમન્સ પહેલાં તેમનો પગ મચકોડાઈ જાય છે, અને ત્યારબાદ તે ડાન્સ પર્ફોમ કરવાં માટે કિશોર કુમાર તેમણે મદદ કરી રહ્યાં છે.
વૈજંતીમાલાની અવેજીમાં કિશોર કુમાર પ્રેક્ષકોનું મનોરંજન કરે, જુદા જુદા વેશ ધારણ કરી, અલગ અલગ ભૂમિકા ભજવીને.
એક રૂપ શરાબીનું, અને બીજું રૂપ કબાબીનું.
શરાબ વેંચનાર પણ કિશોર કુમાર અને ખરીદનાર પણ કિશોર કુમાર અને કબાબ વેંચનાર પણ કિશોર કુમાર.
ગીતમાં એક શાહુકાર છે, તે પણ કિશોર કુમાર, અને એક પઠાણ પણ છે, એ પણ કિશોર કુમાર.
અને અંતે પેલા શરાબી કિશોર કુમારની પત્ની આવે છે, તે પણ કિશોર કુમાર..
સંગીતના સાત સૂર સમા સતરંગી કિશોર કુમારના તે ગીતના શબ્દો હતાં...
‘ચરણદાસ કો પીને કી જો આદત ન હોતી,
તો આજ મિયાં બહાર બીવી અંદર ન સોતી.’
ફિલ્મના સંગીતકાર હતાં, સી. રામચન્દ્ર. ગીતકાર હતાં, રાજેન્દ્ર ક્રિશ્ના, અને
ગાયક હતાં, અફ કોર્સ હરફન મૌલા, કિશોર કુમાર.
અને એ ફિલ્મનું નામ હતું.... ‘પહેલી ઝલક.’
જે રીલીઝ થઇ હતી વર્ષ ૧૯૫૫માં.
ફિલ્મના દિગ્દર્શક હતાં, એમ.વી.રમન.
આ ફિલ્મ યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે.
આગામી કડી...
સામાન્ય રીતે સિલ્વર સ્ક્રીનની રીલ લાઈફ અને સંસારની રીયલ લાઈફમાં અનેક એવી પ્રેમ કહાની છે, જેની બલી ચડી જાય છે, ધર્મ અને જાતિવાદના નામ પર.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અનેક કલાકારોની રીઅલ લાઈફમાં પણ વિધર્મી પ્રેમ લગ્નની અનેક દાસ્તાન છે. જેમાં થોડી સફળ રહી અને ઘણી અસફળ.
‘અતીતરાગ’ની આગામી કડીમાં એક એવી અભિનેત્રીના પરિવારની વાત કરવાની છે, જેમને બાળ કલાકારથી અનાયસે સંજોગોવસાત શરુ કરેલી તેમની ફિલ્મી કારકિર્દી તેમને છેક દાદા સાહેબ ફાળકે પુરુસ્કાર સુધી લઇ ગઈ.
જી હાં, હું વાત કરી રહ્યો છું, અભિનેત્રી આશા પારેખની. અને વિગતવાર ચર્ચા કરીશું આશા પારેખના માતા- પિતાની અનોખી સંઘર્ષપૂર્ણ પ્રેમ કહાની વિષે.
વિજય રાવલ
૧૪/૧૧/૨૦૨૨