વસુધાએ ભાનુબહેનનાં મોઢે સાંભળ્યું કે સરલા સંતાપ કરે છે અને ભાવેશકુમાર નથી જવાબ આપતાં.. નથી તેડવા આવતાં. વસુધાએ સાંભળતાં તરતજ એનો મોબાઈલ લીધો અને ભાવેશ કુમારને સીધો ફોનજ કર્યો.
ભાનુબહેન તો વસુધાને જોઈ જ રહ્યાં કે આ છોકરીએ સીધો અમલ જ કર્યો. ત્યાં સરલા પણ રસોડામાંથી આવીને ઉભી રહી...એને ખબર હતી માં એને રડતા જોઈ લીધી અને વસુધાને એનાં અને ભાવેશ અંગે વાત કરી રહી છે.
રીંગ વાગી, થોડીવાર વાગતી રહી પછી ભાવેશે ફોન ઉપાડ્યો. વસુધાએ કોલ રેકોર્ડીંગમાં ફોન મૂકી દીધો એને પીતાંબરે બધું ફોનનું શીખવ્યું હતું પછી બોલી “કેમ છો ભાવેશ કુમાર ? જય મહાદેવ... આશા રાખું તમારી તબીયત સારી હશે.”
ભાવેશે કહ્યું “વસુધા જય મહાદેવ પણ ફોન શા કારણે કર્યો છે ? ત્યાં બધાં મજામાં જ હશે..”.અને પછી આગળ કઈ બોલવા જાય પહેલાંજ વસુધાએ કહ્યું "ક્યાં મજામાં હોય ? તમારાં વિનાં સરલાબેન સાવ સુકાઈ ગયાં છે. ક્યારે આવો છો અહીં ? ત્યાં હરસિધ્ધિમાં બધું જુએ છે આમ આપણાં માણસને એકલાં ના મૂકી દેવાય.”
“ભાવેશ કુમાર અમને તો ઈશ્વરે એકલાં કરી દીધાં પણ તમારાં નસીબતો સાબૂત છે તમે સરલાબેનને લેવા અહીં ક્યારે આવો છો ? અમે બધાં રાહ જોઈએ છીએ.”
ભાનુબહેન, સરલા, દિવાળી ફોઈ બધાંજ સાંભળી રહેલાં દિવાળી ફોઈ પણ ઓસરીમાંથી બહાર આવી ગયેલાં બધા ભાવેશનાં જવાબની રાહ જોતાં હતાં ત્યાં થોડીવાર ભાવેશ કંઈ બોલયોજ નહીં પછી કહ્યું “પૂનમ પતાવીને આવું છું એને કહેજો તૈયાર રહે અહીં માં પણ કચ કચ કરે છે મને લાગે છે તમારે એટલેકે સરલાનાં માં બાપે એકવાર વાત કરવી પડશે મને પોતાને કોઈ વાંધો નથી સરલા મને પણ યાદ આવે છે પણ...”
વસુધાએ કહ્યું “ચાલુ રાખો ચાલુ રાખો હું સરલાબેનનેજ ફોન આપું છું એમની સાથેજ વાત કરો.” એમ કહી સરલાને ફોન પકડાવી દીધો.
સરલા તો વસુધાની વાત સાંભળીને ફરી આશા અને આનંદથી ઝૂમી ઉઠી. ભાવેશનાં મોઢેથી બોલાવી દીધું એણે ફોન લીધો અને પાછળ વાડામાં જતી રહી.
ભાનુબહેન વસુધાની સામે જોઈ રહ્યાં અને બોલ્યાં “ભગવાન તને ખુબ આશિષ આપે તેં ભાવેશકુમારને બોલતાં કરી દીધાં. બાકી મૌની બાબા એક અધર પાડે એમ નથી... એ બોલ્યાં પરથી ખબર પડી કે એમની માં ના જ આ બધાં વઢાયા છે એજ ચઢવે છે એમને જરૂર પડે આપણે રૂબરૂ મળી આવીએ.”
વસુધાએ કહ્યું “એટલેજ મેં ફોન સ્પીકર પર મૂકી દીધેલો જેથી બધાં અક્ષરે અક્ષર સાંભળી શકે.” ત્યાં સરલા ફોન પતાવીને આવી બોલી “માં એમને તો તેડીજ જવી છે પણ એમની માં કચ કરે છે કહે છે એ વાંઝણીને અહીં લાવીને શું કરવું છે ?” એમ કહી રડી અને વસુધાને વળગી ગઈ.
વસુધાએ કહ્યું “સરલાબેન આમ ઢીલા ના થાવ આપણો કોઈ વાંક નથી તમારામાં કોઈ ખોટ નથી ડોકટરી રીપોર્ટ બેન્નેનાં કઢાવો પછી ખબર પડે નહીંતર એકવાર પણ ગર્ભ ના રહે. વાંઝણાંપણું દૂર કરવાનાં હવે ઘણાં ઉપાયો છે જરૂર પડે આપણે એપણ વિચારશું જે કરવું પડે એ કરશું. આમ રડ્યા ના કરશો નહીંતર જીંદગીભર રડાવ્યા કરશે મજબૂત બનો આપણે કોઈ ઝગડા નથી કરવાં પણ આમ આત્મ સન્માન પણ નહીં ખોવાનું..”
સરલા ચૂપ થઇ ગઈ. એણે ભાનુબહેનની સામે જોયું દિવાળી ફોઈએ કહ્યું “દીકરા વસુધા સાચું કહે છે રડીશ તો જીંદગીભર રડાવશે આ ઓદા કોદા ને આંખલા કદી સીધાં નહીં રહે...” એમ કહીને જાત પરજ કડવા વેણ બોલી ગયાં.
વસુધાએ સાંભળ્યું અને એને હસું આવી ગયું એણે પૂછ્યું “ફોઈ આવું શું બોલ્યાં ? કોઈ કહેવત છે ?” દિવાળી ફોઈએ હસતાં પણ ગુસ્સામાં કહ્યું “સાચું કહું આપણાં સિધ્ધ્પુરનાં બ્રાહ્મણો... એટલાં એજ નહીં બધાં બ્રાહ્મણો..”. આગળ બોલવાં ગયાં અને વસુધાએ રોકી લીધાં.
વસુધાએ કહ્યું સમજી ગઈ... સમજી ગઈ પણ એવું નહીં બોલવાનું બધીજ જાતમાં આવુંજ હોય છે... આપણી ઉચ્ચ જાતી છે એતો બધે કાગડા કાળાજ હોય.
વસુધાએ સરલાને પૂછ્યું “ક્યારે લેવાં આવવાનું નક્કી થયું ? પહેલાં તો પૂનમ પછી બોલ્યાં છે”. સરલા કહે “તેઓ પૂનમનાં બીજેજ દિવસે આવી જશે અને ગાડી લઈને આવવાનાં છે. એમને અને મારાં સાસુ વચ્ચે થોડું બોલવાનું થયું છે.”
વસુધાએ આંગળીનાં વેઢે ગણતાં કહ્યું “ઓહો તો નવમી તારીખે આવશે વચ્ચે ત્રણ દહાડા જ રહ્યાં હાંશ ચાલો એ આવી જાય પછી કોઈ ગેરસમજ નહીં રહે તમને પણ કોઈ સંતાપ નહીં...”
સરલાએ કહ્યું “વસુધા આ તારાં કારણે થયું મારી તો હિંમતજ નહોતી બે વાર મેં ફોન કરેલાં પાપાએ બે ત્રણ વાર ફોન કરેલાં પણ એમનોય ફોનનો જવાબ નહોતો આપ્યો.”
ભાનુબહેન કહે “આપણી વસુધાને હાથે જસ લખાયો છે દીકરી એને મહાદેવનાં આશીર્વાદ છે.” વસુધાએ થોડાં ખારા થતાં કહ્યું “માં મહાદેવનાં આશીર્વાદ હોત તો મારાં હાથેથી મારો જણ ના ગયો હોત. છોડો બધી વાત એતો કાગનું બેસવું અને ડાળનું પડવું. કામ થઇ ગયું એજ પૂરતું છે.” ને સરલાએ વસુધા તરફ જોયું...
વસુધાની આંખમાં જળ ના જણાયાં હવે એ બધી રીતે તૈયાર થઇ ગઈ હતી કોઈ કંઈ બોલે એને અસરજ નહોતી થતી એને ફક્ત કામ -કુટુંબ અને આકુમાંજ રસ હતો.
કલાક થયો ને ગુણવંતભાઈ આવ્યાં અને વસુધાને બૂમ પાડી “વસુધા...વસુધા...” ભાનુબહેને કહ્યું “બોલાવું છું પાછળ વાડામાં છે પણ શું થયું આવ્યાં એવાં વસુધાના નામની બૂમ પાડો છો ?”
ગુણવંતભાઈએ કહ્યું “ખબરજ એવી છે,” વસુધા વાડામાંથી દોડી આવી અને બોલી “હા પાપા શું થયું ?”
ગુણવંતભાઈએ કહ્યું “દીકરા એક સાથે ત્રણ સારી ખબર લાવ્યો છું મને થયું પહેલાંજ તને જાણ કરું...” વસુધાએ કહ્યું “પાપા.. ના બધાને હું બોલાવું છું બધાની સામેજ કહો ઘણાં સમયે આ ઘરમાં "સારી" ખબર આવી છે...”
વધુ આવતા અંકે પ્રકરણ -66