કૉલેજ ભણતી હતી ત્યારે મનમાં જાતજાતના કોડ ઉમટતા હતા, જીવન સાથીની સંગે નવું જ જીવન જીવવાનાં. ઘરમાં નવી નવી ભાભીઓ, બહેનપણીઓના નવા નવા લગ્ન થયેલાં જોવામાં આવતાં, તે જોઈને મનમાં ગલગલિયાં થઈ જતાં ! સંસ્કારી ને મધ્યમવર્ગી ઘરની દીકરી એટલે ડહાપણથી જીવવું જોઈએ. કૉલેજમાં છોકરાઓ જોડે રંગરેલિયાં કરીએ ને પાછળથી છોકરાઓ હાથતાલી દઈ જાય તો પછી નાલેશીભરી જીંદગી. જીવવામાં શું મઝા ? વળી માં –બાપને છકેલી છોકરીને પરણાવવામાં પણ કેટલી મુશ્કેલીઓ આવે ?! આ બધી સમજણના આધારે કોઈ છોકરા માટે આકર્ષણ ખૂબ થાય તો ય મનને મનાવી વાળી લેતી ને આગળ વધવા જ ના દેતી. ગ્રેજ્યુએટ થઈ. બી. એસ.સી., ફર્સ્ટ કલાસ. દેખાવમાં સુંદર હોવાને કારણે બે ચાર છોકરા જોયા ને હા-ના કરતાં એક મને ગમી ગયો ને તેને હું પણ ગમી ગઈ ને મા-બાપે સારો એવો ખર્ચો કરી લગ્ન કરાવ્યા. ખુબ કોડ લઈને સાસરે ગઈ.
પતિને આમ ખુશ રાખીશ,સાસુ સસરાની આમ સેવા કરીશ, બધાંના દીલ જીતી લઈશ,ઘરનું બધું કામ ઉપાડી લઈશ અને ઘરમાં બધાંની માનીતી થઈ જઈશ અને ભણવામાં ફર્સ્ટ ક્લાસ કેરીયર હોવાને કારણે આગળ ભણીને પ્રોફેશન ડિગ્રી લઈ કામ કરીને સોસાયટીમાં પણ એક આગવું સ્થાન મેળવીને જ જંપીશ. આમ અનેક કોડ સાથે પતીગૃહે પ્રવેશી. બંને ઘરની રીત ભાત સાવ જુદી. દાળથી માંડીને રસોઈની એકેએક વાનગીમાં ફેર.આ બધું ક્યારે શીખીશ ? સાસરીમાં પીયરનું અવળું ના દેખાય, મારું પોતાનું જરાય ઈમ્પ્રેશન ડાઉન ના થાય તેનો સતત માનસિક બોજો. તેથી કામ કરવામાં, નવું શીખવામાં ઉમંગ ને ઉત્સાહને બદલે ભયથી ફફડતી રહી. એના કારણે દરેક કામમાં કંઈ ને કંઈ ધબડકો વળતો ગયો. સાસુમા વારેવારે ખફા થઈ જતાં. શરુઆતમાં માત્ર મોઢાનાં ભાવોથી નારાજગી વ્યક્ત થઈ જતી તે ધીરે ધીરે વાણીમાં પણ આવવા લાગી. ‘માએ કંઈ આને શીખવાડયું નથી. ભણતર છે પણ ગણતર નથી. શું થશે ?’ વિ.વિ. ક્યારેક હું, તો ક્યારેક સાસુ મારા પતિને વચ્ચે લાવતા ને કડવાટ ત્રણેમાં વ્યાપી જતો. એમ કરતાં પરણીને થોડાક જ મહિનામાં ગર્ભ રહી ગયો અને અકળામણ ખુબ વધી ગઈ. હજુ આટલું તો પહોંચી નથી વળાતું તો બાળકનું કેમનું કરીશ ? મા થવાની મીઠી મીઠી લાગણીઓ ઉભી થાય ત્યાં જ બાળકને કેમનું ઉછેરીશ ? વિ.વિ. મુંઝવણ થતાં જ ગુંગળામણ થવા માંડતી. છેવટે બેબીબેન પધાર્યા ! બાબો હોત તો’ ની આશા બધાનાં મોઢાં ઉપર ચાડી ખાતી હતી. આગળ ભણવાની વાત તો મારા મનથી આગળ ના જઈ શકી. ખુબ જ પછડાટ જેવું લાગ્યું. ભણીને કંઈક કેરિયર કરી બતાવું તે ઉમંગ ઉપર પાણી ફરતું દેખાવા લાગ્યું. છતાં મનને મનાવ્યું કે બાળક જરા મોટું થશે પછી ભણીશ.
સવારે સાડા પાંચ વાગે બેબીને દૂધ પાવા ઊઠી જવું પડે. પછી એ રમે ને સુવા ના દે. ઘરમાં વહેલું પાણી છ વાગે ભરી લેવાનું. પતિ ઊઠીને ચા નાસ્તો કરીને સાથે ટિફિન લઈને આફીસે જાય તેનું કરવાનું. સસરાની માંદગીને હિસાબે તેમનું ખાવાનું જુદી જાતનું બનાવવાનું. સાસુનું જુદું. બપોરે રાશન, શાકભાજી લાવવાની, કે ઘરમાં સાફસૂફી કરવાની, વીણવાનું દળવવાનું આમ કર્તા ચા પાણીનું પતાવતાં સાંજની રસોઈનો સમય થઈ જાય. પતિ ઘેર આવે તે પહેલાં જમવાનું તૈયાર રાખવાનું. બેબીનું તો આખો દહાડો કંઈનું કઈ કર્યે જ રાખવું પડે. રાત્રે જમીને બેબીનું રાતનું ખાવાં પીવાનું કરીને થાકીને લોથ થઈ ગઈ હોઉં ત્યારે મોડે અગિયારે સાડા અગિયારે સુવા પામું ! કંઈ નવું વાંચવાનું, વિચારવાનું, ફ્રેન્ડ સાથે આનંદ માણવાનો કે પતિ સાથે ફરવા કે નાટક જોવા જવાનો ય સમય ન રહે. સમય કયારેક મળે તો મારે મૂડ ના હોય કે કાં તો પતિનો મૂડ ના હોય કે કાં તો બેબી પજવતી હોય કે કાં તો છેવટે સસરા કે સાસુ માંદા હોય ! બે-વર્ષ પછી બીજો ગર્ભ ને તેમાં આવી બીજી બેબી ! લક્ષ્મી આવીના ઉમંગને બદલે ઘરમાં બધાના મોઢા પથરો પાક્યો તેવાં થઈ ગયાં ! હું પણ ખુબ રડી. પણ આ ઋણાનુંબંધ પ્રમાણે જન્મે છે, આપણી ઈચ્છા પ્રમાણે નહી, એ કોણ સમજે ?
જીવન જીવી જવાતું હતું, જેમ નદીના વહેણમાં તણખણા તરી જાય છે તેમ ! તણખલાંનું જોર આમાં ક્યાં ને કેટલુંક ચાલે ? શું ભારતીય સ્ત્રીઓ તણખલાંથી વિશેષ કંઈ જ નાં થઇ શકે ? ફર્સ્ટ ક્લાસ કેરિયર પણ તેનો ઉપયોગ શું ? આટલું જ ? આ બેબીઓ મોટી કરીને તેમને પરણાવાની ચિંતા, મુરતિયા શોધવાની ચિંતા, સરખા મળ્યા કે ના મળ્યા તો ? પછી તો એક છોકરી પાછી આવી સાસરેથી તેના બે બાળકો સાથે. ફરીથી એકેડ એકથી જીવન જીવવાનું એમની સાથે શરુ થયું. ઘૈડપણમાં દવાદારૂ કરતાં કરતાં હવે તો ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું છે. પણ ભગવાન કંઈ સાંભળતો હોય તેવું લાગતું નથી. ક્યાં બેઠો છે તેનું ય ઠેકાણું નથી. આને મારા કર્મ કહેવાં, ભગવાનનો શ્રાપ કહેવો કે જીવન કેમ કરીને જીવવું તેની અણઆવડત કહેવી ? શું મારી મનોવ્યથા કેટલીય ભારતીય નારીઓની નથી ? આમાં મારા સંસ્કાર કોઈને ય દોષીત નથી દેખવાં દેતાં. પણ સતત મનમાં વ્યથા તો રહ્યા જ કરે છે કે જીવન જીવાયું પણ એમાં મેં શું મેળવ્યું ? સામાન્ય જીવન તો બધાં જીવી જાય છે પણ એથી શું ? કંઈક અસામાન્ય તો જીવનમાં હોવું જોઈએ ને ? મેં મારા માટે, મારા સગાં માટે જ જીવનનો અમુલ્ય સમય આપ્યો, પણ પારકા માટે મે શું કર્યું ? કદાચ એને લીધે શું મારા જીવનમાં આનંદ કે સંતોષ નથી ? કારણ પારકાંને સુખ આપે તેનાથી જ શુભકર્મ થાય જે સદા સુખ જ આપે. બાકી જે જીવન ભારતીય નારીઓ જીવે છે તે ચાર દિવાલની બહારના માટે શું કરી શકે છે ?
આપણી કુટુંબ વ્યવસ્થામાં ધરખમ ફેરફારો અનિર્વાય છે. ભણેલી ગણેલી કે અભણ સ્ત્રીઓને ઘરની ચાર દિવાલથી બહારની દુનિયામાં ભળવા દેવી જરૂરી છે. જેને જે પ્રમાણે પ્રકૃતિને ફીટ થાય તે પ્રમાણે કામ કરવાની છૂટ આપવી જોઈએ. નોકરી, ધંધો , ગૃહઉદ્યોગ, ફેશન ડીઝાઈનીંગ, સીવણ, ભરત વિ.વિ. કાર્યોમાં પરોવવાથી મન વિશાળતાને પામે. સમાજ સેવાના કે અધ્યાત્મના કે ધર્મના ક્ષેત્રમાં પણ રૂચી ધરાવનારને આગળ વધવા સાનુકૂળતા આપવી ઘટે. જેમ આપણા ઘરમાં માં-બાપ બાળકોને ભણવવા, કલ્ચરલ એક્ટીવીટી, સ્પોર્ટસ બધામાં પ્રગતિ કરાવવા કેટલી બધી તનતોડ મહેનત કરે છે તેમ વહુઓ માટે પણ એટલું જ જરૂરી છે.
ધાર્મિક, તાત્વિક વાંચન, મનન ચિંતન પણ અંતરની સાત્વિકતાને બહાર લાવવામાં ખૂબ મદદરૂપ નીવડશે. અને એમાંય નિસ્પુહી, નિર્વિકારી, કોઈ સત્પુરુષને માથે રાખીએ અને વ્યવહારની જવાબદારી અધ્યાત્મિક જ્ઞાનમાં રહીને નિભાવીએ તો આ ભવ-પરભવનું શ્રેય થાય ! સંસારમાં ક્યાંય સુખ નથી એવું સરવૈયું આવવું એ તો અધ્યાત્મની બહુ મોટી કામણી છે ! અધ્યાત્મના સહારા વિના અંતરશાંતિ થાય નહીં. ગમે એટલું બાહ્યમાં પ્રાપ્તિ થશે પણ અંત:કરણના ઉત્થાન વિના સુખચેન નહીં મળે. બધાં દુઃખોનું મૂળ અજ્ઞાનતાથી છે એ અજ્ઞાનતા દૂર થાય, પ્રકાશ લાધે તો પછી જીવનમાં ઠોકર વાગે ?! અંતરનો આત્મદીપ જગાડવો એટલો જ જરૂરી છે. સમ્યક્ સમજણ એટલે સવળી સમજણ. દરેક વાતને સવળી રીતે લે, પોઝીટીવનેસમાં જ રહે, નેગેટીવ તત્ત્વને મહીં પેસવા જ ના દે. દેખે ત્યાંથી એને ડામી દે તો જીવન હતાશામાંથી પરમસુખમાં પરિવર્તિત થશે !