Vasudha - Vasuma - 64 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ - 64

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ - 64

વસુધા પથારીમાં આડી પડી. આકુને પોતાની તરફ ખેંચી છાતી સરસી ચાંપી દીધી એનાં કપાળે બચી ભરી અને જાણે એનું માતૃત્વ છલકાઈ ગયું. એની નજર બારીની બહાર અવકાશ તરફ પડી.

બધે સુનકાર છવાયેલો. થાકેલાં માળાનાં પંખી કે થાકેલા માણસો બધાં ઘસઘસાટ નીંદરમાં હતાં. અહીં વસુધા અવકાશ તરફ મીટ માંડીને સૂતી હતી. એની આંખોમાં ભીનાશ છવાઈ હતી. બે દિવસની બધી ચર્ચાઓ અત્યારે એક સાથે મનમાં વાગોળી રહી હતી. એનાં સાસ સસુર એમની ફરજ બજાવવા અહીં એનાં માવતરને ત્યાં આવ્યાં હતાં. એમની ફરજમાં વસુધાનું સુખ છુપાયું હતું.

વસુધા બધું સમજતી હતી કે એ માત્ર ફરજ ખાતર નહીં પણ ખરેખર માવતરની લાગણીથી ઇચ્છતાં હતાં કે વસુધાને ફરીથી સારો છોકરો જોઈ વળાવી દઈએ હજી એની ઉંમરજ શું છે ? પણ વસુધાને હવે કશુંજ માન્ય કે સ્વીકાર્ય નહોતું...દરેક સુખની આવરદા હોય છે જેમ જીવનનું મૃત્યુ નિશ્ચિત છે તેમ સુખનું અને દુઃખનું સમાપન હોય છે. મારાં સુખનું આયુષ્ય આટલુંજ હતું મારે રંડાપો સેહવાનો છે હવે...જે સુખની અવરદા હોતતો પીતાંબરનું આયુષ્ય લાબું હોત. મરણ કોઈ કારણજ ના શોધત. ફરી પરણીને પણ વિધવા જ થવાનું છે હવે કોઈ સંસારી સુખજ નથી મનથીજ સ્વીકારી લીધી વાસ્તવીકતા.

એનાંથી ધીમું ડૂસકું નંખાઈ ગયું...જેટલી રહી સહી ઈચ્છાઓ મનમાં ધરબી રાખી હતી એ આજે આંસુ વાટે બહાર વહી ગઈ... એને થયું હાંશ મન મોકળું થઇ ગયું ફરજો અને આત્મસમ્માન જાળવવાની શક્તિજ રહી છે બધું ભુલાવી દેવાનું અને લક્ષ્ય અચળ રાખવાનું છે.

આમ વિચારોમાં રહેતાં રહેતાં એને નીંદર આવી ગઈ પણ એક પથારીમાં સુતેલી સરલાને બધાંજ એહસાસ હતાં કે વસુધા રડી રહી છે પણ એણે વિક્ષેપ ના કર્યો એને રડવા દીધી ભલે એનું હૈયું ખાલી થઇ હળવું થતું...

******

સવારથી બપોર થઇ ગઈ હતી બધું પરવારીને વસુધા બધાંજ એનાં સામાન સાથે તૈયાર થઇ ગઈ હતી એને થયું માં પાપાને થોડીવાર મળી લઉં એણે સમજીને એવો સમય જ ના ગોઠવ્યો કે વધારે કોઈ વિરહ -વેદનાની વાતો થાય બસ એમજ મળવા આવી હોય એવું વર્તી.

વસુધાએ માં ને કહ્યું “માં તમે કોઈ રીતે શોક ના કરશો હું હવે સંભલી ગઈ છું મને લાગણીથી ક્યાંય વિક્ષેપ ના કરશો મારાં નસીબમાં હતું મને મળી ગયું હવે આ રંડાપો મારાં માથે લખાઈ ચુક્યો છે પણ માં હું ભલે વિધવા છું પણ એક ખૂણો પકડી બેસી નહીં રહું...નહીં હું મંદીરોનાં પગથિયાં ઘસું હું મારી આકુને સરસ ઉછેરીશ હું હજી આગળ ભણીશ અને પીતાંબર સાથે જોયેલાં સ્વપ્ન પુરા કરીશ. સમય મળે તમને મળવા આવીશ તમે પણ આવજો...તમારી વસુનું જીવન હવે નવજીવન હશે”.

આમ બોલી બંન્ને માંબાપને પગે લાગી અને દ્રઢનિશ્ચય અને આત્મવિશ્વાસથી બધાની સામે જોયું એનાં સાસુ સસરા , દિવાળી ફોઈ,સરલા બધુંજ બધાં સાંભળતાં હતાં.

ગુણવંતભાઈએ કહ્યું “ચાલો પુરુષોત્તમભાઈ.. વેવાણ આવજો. તમે આવતા રહેજો અને બકુલને કહ્યું ચલો ભાઈ ગાડીમાં બધો સામાન ગોઠવી દો”. ભાનુબહેને જોયું કે વસુધાને આકુનાં જન્મ પછી આપવાનો બધો કરીયાવર સાથે આપેલો. એમણે કંઈક બોલવા પ્રયત્ન કર્યો પણ વસુધાએ હાથ પકડી શાંત કરી દીધાં એ બોલી “માં એ મારી માં ની હોંશ છે અને એ પુરી કરી છે એણે આજે આ કરીયાવરનો વ્યવહાર મારાં પતિ પીતાંબર હજી મારામાં જીવે છે એનો પુરાવો છે..” આંખ ના નમ થવા દીધી ના કંઈ કોઈને બોલવા દીધું.

બધાં ગાડીમાં ગોઠવાયાં દિવાળી ફોઈએ બધાને જય શ્રી કૃષ્ણ કહ્યું પાર્વતીબહેને કહ્યું “તમે છો બેન એટલે વસુધાને એક હૂંફ રહે છે અમે પણ આવતાં જતાં રહીશું.” ત્યાં દૂરથી દુષ્યંત દોડી આવતો દેખાયો.

વસુધા હજી ગાડીમાં બેસવા જાય છે એ પાછી ઉતરી ગઈ અને દુષ્યંતને વળગી ગઈ અને બોલી “મને એમકે સવારનો ભણવા ગયો છું હવે સાંજેજ આવીશ.”

દુષ્યંતે કહ્યું “ના મને ખબર હતી તું અત્યારે પાછી ગાડરીયાં જવાની એટલે આવી ગયો. દીદી હું તારાં ઘરે વેકેશનમાં રહેવા આવીશ એકવાર પરીક્ષા પતી જાય.”

સરલા બોલે એ પહેલાં ભાનુબહેને કહ્યું “દીકરા ચોક્કસ આવજે વસુને તો ગમશે પણ અમને બધાને ખુબ ગમશે આવજેજ હાં...”

દુષ્યંતે કહ્યું “હાં જરૂર આવીશ મને તો દીદી સાથે રહેવાજ નથી મળ્યું.” એમ બોલતાં બોલતાં રડી પડ્યો. વસુધાએ રોકી રાખેલું રુદન છૂટી ગયું એ દુષ્યન્તને વળગીને ખુબ રડી... એણે દુષ્યંતનો આખો ખભો ભીંજવી નાંખ્યો એણે કહ્યું “સરસ વાંચજે સારા ટકાએ પાસ થઇ જવાય ભાઈ તું ચોક્કસ આવજે આપણે સાથે રહીશું હું અહીં પણ આવીશ. ચલ હું નીકળું દીદીને યાદ કરજે.”

વસુધા ભગ્નહૃદયે ગાડીમાં બેઠી. સરલા અને ભાનુબહેને બેસી ગયેલાં. ગણવંતભાઈ આગળ બેઠાં દિવાળી ફોઈએ ખસીને જગ્યા કરી ભાનુબહેને કહ્યું “આકુ મારી સાથે ભલે રહી...” વસુધા અડધી દિવાળી ફોઈના ખોળામાંજ બેસી ગયેલી.

સરલાએ કહ્યું “ગાડરીયા ક્યાં દૂર છે હમણાં પહોંચી જઈશું અને બોલી દુષ્યંત રહેવા આવશે પરીક્ષા પછી સારું લાગશે ઘરમાં ભર્યું ભર્યું લાગશે”. અને એ આગળનાં શબ્દો ગળીજ ગઈ.

******

વસુધાને ગાડરીયા આવે 10 દિવસ ઉપર થઇ ગયાં હતાં. લાલીને પણ એક સુંદર વાછરડું આવી ગયેલું. સવારે ઉઠી વસુધા લાલીનાં વાછરડાને પંપાળતી બેઠી હતી એણે લાલીને ઘાસ અને ખોળ ખાવા આપી દીધેલાં બધાંજ ગાય ભેંસને નીર આપી દીધેલું.

ભાનુબહેને વાડામાં આવીને કહ્યું “વસુ મારે તને એક વાત કરવી છે.” વસુધાએ ભાનુબહેનનાં ચહેરાં સામે જોયું એને લાગ્યું કે કંઈક ગંભીર વાત લાગે છે એણે કહ્યું “બોલોને માં શું વાત છે ?”

ભાનુબહેને કહ્યું “આટલો વખત થઇ ગયો કુમાર સરલાને ગુસ્સામાં મૂકી ગયાં પછી કોઈ નથી કાગળ નથી ફોન મને ચિંતા થાય છે મારી સરલાને છોડી ના દે. સરલાને બાળક નથી થતું એવું આળ લગાડી બીજાં લગ્ન ના કરી લે. આપણી ન્યાતમાં તો આવી કોઈ નવાઈ નથી...”

વસુધાએ કહ્યું “માં શું કરવું છે ? તમે કહો એમ કરીએ.” ભાનુબહેન કહે “તારાં પાપાએ બે વાર ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મોબાઈલ તો ઉઠાવતાંજ નથી એટલે મને શંકા પડી છે. સરલા મનમાં ને મનમાં સંતાપ કરે છે...”



વધુ આવતા અંકે -પ્રકરણ -65