અનુકૂળતા અને પ્રતિકૂળતા એ સિક્કાની બે બાજુ છે. સિક્કો ઊંધો પડે એટલે માની લીધું અને જાણે પ્રતિકૂળતાની ઝલક દેખાય. જે ઘરમાં પવન પણ પૂછીને આવતો હોય, એ ઘરમાં જ્યારે વાવાઝોડું ઘૂસી આવે! ત્યારે તમે સમજી શકો પ્રતિકૂળતા કેવી હોય. ઘરના સર્વે સાનભાન ગુમાવી બેસે. સાચુ ખોટું તો ઠીક પણ જાણે જીવનમાં સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેવી ભાવના જન્મ લે. એવા કપરા પ્રતિકૂળ સંજોગમાંથી બહાર આવવું એ દાદ માંગી લે તેવી વાત છે. ઉમર પણ કેવી, નહી નાની નહી ખૂબ મોટી ! બાળકોનું ભણતર હજુ તો આખરી મુકામ પર પહોંચવા માટે વલખાં મારતું હતું! એવા સમયે ઘરનો મોભ ક ડ ડ ડ ભૂસ કરતો ટૂટી પડ્યો
સંજોગ ભલે પ્રતિકૂળ હતા. હિમત ન હારે, દુઃખી અવસ્થામાં પણ સાન ભાન ગુમાવ્યા વગર નિરાશ હ્રદયે, શ્રદ્ધા પૂર્વક તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન જારી રાખ્યો.” હતું ન હતું થવાનું ન હતું”. સંજોગો જરૂર બદલાયા હતા. પ્રતિકૂળતાનું સામ્રાજ્ય ચારેકોર છવાયું હતું. હૈયાની આશાની જ્યોત બુઝાવા ન દેતા તેને જલતી રાખવાના સતત પ્રયત્ન જારી રાખ્યા. આ એ સમય હતો જ્યારે જીવનની આકરી કસોટીમાંથી પાર ઉતરવાનું હતું. ઈશ્વર સર્જિત આ પ્રતિકૂળતાનો કુનેહ ભેર સામનો કરી હેમખેમ પાર ઉતરવાનું હતું. પુરુષાર્થ જારી રાખવાનો હતો.
એ તો નસિબ સારા, ૨૬ વર્ષનો જુવાન જોધ પુત્ર હજુ તો હાથનું મિંઢળ છુટ્યું પણ ન હતું . તેણે નાવને વાળી તેનું સુકાન સંભાળી ફરીથી સંસારમાં તરતી મૂકી. આભાર માનવાનો સર્જનહારનો અને તેના માતા, પિતાના સંસ્કાર. આમ પણ બચપનથી તેના સુંદર લક્ષણ હતા . અભયતા તેને વરી હતી. ઘરના સહુને સાચવ્યા. ભર જુવાનીમાં પ્રતિકૂળતા સામે અણનમ ઉભો રહ્યો. માતા પ્રતિકૂળ સંજોગોમાં સાવ ભાંગી પડી હતી. નાના પુત્રએ તો કમાલ કરી. બે વર્ષ માટે બલિદાન આપ્યું. આગળ ભણવા જવાનું મુલતવી રાખ્યું. માતાનો સહારો બનીને રહ્યો. કોણ કહે છે, પુત્રને માતાની લાગણી નથી હોતી? સાવ ખોટી વાત ! તે માતા તેમજ પિતાને ખૂબ ચાહે છે. માત્ર દીકરી ની જેમ બોલીને કે સોડમાં સમાઈ લાગણી નથી દર્શાવતા. જે આવશ્યક પણ નથી. તેમના મુખેથી દરેક શબ્દ નર્યા પ્યાર ભીના હોય તે શું કાફી નથી ? માત્ર પુત્રની માતા જ તે લાગણીઓને અનુભવી શકે. દિકરા યા દીકરી એ સર્જનહારની કૃપા છે. જે હોય તેમાં સંતોષ અને પ્યાર સમાયેલા છે ! કોઈ પણ માતા પુત્ર હોય યા પુત્રી સરખું દર્દ અનુભવે છે.
પ્રતિકૂળ સંજોગોને કેવી રીતે અનુકૂળ બનાવવા એ માટે બીરબલ અને અકબરની એક વાત ખૂબ મશહૂર છે, દીકરી પરણવવાના પૈસા ન હોવાથી એક આમ આદમી જીવના જોખમે જમુનાના ઠંડા નીરમાં આખી રાત ઉભો રહેવા તૈયાર થયો. દૂર દીવાદાંડીનો આછો પ્રકાશ, તેની જીજીવિષા જીવાડી ગયો. બરફ જેવી ઠંડીમાં તેણે પ્રતિકૂળ સંજોગોમાં શરણું સ્વીકારી હાર માનવાની ચોખ્ખી ના પાડી. સવારે જીવતો જાગતો બહાર આવ્યો.
અકબર બાદશાહે અનાડી વેડા કર્યા. બિરબલ, બાદશાહને પાઠ ભણાવવા માગતો હતો. ‘ખીચડી પકાતા’ હું નો નાટક કરી દરબારમાં ધરાહાર ગેરહાજર રહ્યો. બાદશાહની આંખ ખૂલી. બમણું ઈનામ આપી નવાજ્યો. હવે પ્રતિકૂળ સંજોગ, પ્રતિકૂળ બાદશાહનું વર્તન છતાંય હિમત ન હારનાર એ સામાન્ય માનવીને પણ બિરદાવવો રહ્યો.
પ્રતિકૂળ સંજોગો કરતાં , સંજોગ પ્રત્યેનું આપણું દૃષ્ટિબિંદુ કેવું છે એ અતિ મહત્વનું છે. સંજોગને વિશે છણાવટ કરીશું તો ખ્યાલ આવશે. આપણે હંમેશા સ્વાર્થી વૃત્તિ કેળવી તેનું અવલોકન કરીએ છીએ. સારી કૉલેજમાં એડમિશન મેળવવું હતું. ડોનેશન આપવું. ઈન્ટરવ્યુમાં સરખી રીતે દેખાવ કરવો. સારા ગુણાંક મેળવવા. હવે જો આ ત્રણેયમાં સારી રીતે પેશ આવીએ તો એડમિશન કેમ ન મળે? ડોનેશન તો માગ્યા કરતાં વધારે આપ્યું. ગુણાંકમાં બહુ વાંધો ન આવ્યો. પણ ઈન્ટરવ્યુમાં ઉકાળ્યું. હવે એમાં વાંક કોનો? બહાર આવીને ખોટી રીતે યુનિવર્સિટીને બદનામ કરવી. ‘મારા જેવાને ના પાડી.’ આ બેકાર યુનિવરસિટી છે’. સંજોગો બધી રીતે અનુકૂળ હતા. તમારા પ્રતિકૂળ આચરણને કારણે નાસીપાસ થવું પડ્યું
હવે એ જ કિસ્સાને બીજી રીતે જોઈએ. એડમિશન ન મળ્યું તો સારું થયું. પિતાજીને હાર્ટ એટેક આવ્યો. તેમનાથી ધ્યાન ન રખાયું એટલે કંપની ડામાડોળ થઈ. તમારે પિતાજીના ચાલુ ધંધા પર બેસી સુકાન સંભાળવાનો વારો આવ્યો. જે પ્રતિકૂળ લાગ્યું હતું તે સંજોગવશાત એકદમ અનુકૂળ થઈ ગયું કારણ તમે જે શહેરમાં રહેતા હતા ત્યાંની સ્થાનિક કૉલેજમાં જ ભણતા હતા. વિદ્યા મેળવવામાં પણ વાંધો ન આવ્યો. પિતાજી સારી દેખરેખને કારણે સાજા થયા. ધંધાને આંચ ન આવી. હવે સંજોગને બદનામ કરવા તેના કરતા ઉપચાર કરવો વધારે હિતાવહ છે.
જેમ લીલા ચશ્મા પહેર્યા હોય તો લીલુ દેખાય. એમ સંજોગને તમે કઈ નજરે નિહાળો છો એ ખૂબ અગત્યનું છે. જો સંજોગની સામે ટક્કર લેવાની હોય તો તેમાં પાછી પાની ન કરવી. પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ કઈ રીતે બનાવાય તે માટે કમર કસવી. યાદ છે ને ,’હિમતે મર્દા તો મદદે ખુદા’. બાકી સંજોગ પ્રતિકૂળ છે માની શરણાગતિ સ્વીકારવામાં કોઈ કાંદા ન નિકળે. બાકી આ જીવનમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાતો આવતી જ રહેવાની. બસ હસતે મુખે તેનો સામનો કરી માર્ગ મોકળો કરવો.
પ્રતિકૂળ સંજોગોમાં માથે હાથ મૂકીને બેસવાથી સમસ્યા હલ થતી નથી. ઘરમાં અચાનક માંદગી આવે ! નોકરીમાંથી ફારગતી મળી. ધંધામાં રોકેલા પૈસા મંદીને કારણે ડૂબી ગયા. સ્ટોક માર્કેટમાં તડાકો પડ્યો. સાધારણ સ્થિતિમાંથી કરોડો પતિ થઈ ગયા. જીવન છે. પાસા સીધા પણ પડે કે અવળા પણ પડે. સીધા પડે ત્યારે અભિમાનમાં ચકચૂર થવું. અવળા પડે ત્યારે પોક મુકીને રડવું. આ બંને સ્થિતિ પ્રશંસનિય નથી.
પ્રતિકૂળતા સમયે સંયમ રાખીને કામ કરીશું તો સફળતા કદમ ચૂમતી આવશે. માનસિક સંતુલન અને સ્વમાં વિશ્વાસ કેળવાય છે. હિંમત હાર્યા કરતાં શાંતિથી બેસીને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવો આવશ્યક છે. એક પ્રસંગ જીંદગીમાં હૈયે કોતરાઈ ગયો છે. ૧૪ વર્ષની ઉમર હતી. એ વર્ષે વરસાદ ખૂબ પડ્યો. અમે પાંચ ભાઈ બહેન, મમ્મી અને મોટાઈ સાથે ઘરમાં રહેતા હતા. ત્યાં અમે બે વર્ષ પહેલા રહેવા ગયા હતા. હવે પહેલા બે માળનું મકાન હતું. તેના પર બીજા બે માળ ચણ્યા હતા. અમને ખબર નહીં. એ ચોમાસામાં અચાનક ઘરની દિવાલ દૂર ખસેલી જણાઈ. બંબાવાળા આવ્યા. પહેરેલા કપડે ઘરની બહાર કાઢ્યા. મારી નાની બહેનનો હાથ પકડી ધડ ધડ ચાર દાદરા ઉતરી ગઈ. મમ્મી કબાટમાંથી ચાંદીના વાસણ, દાગીના અને રોકડ રકમ લઈ રહી હતી. બંબાવાળા ઉતરવાનો તકાજો કરતા હતા. કપડાં કે કશું લેવાનો સમય ન આપ્યો. અમે નાના ત્રણ ભાઈ બહેન મામાને ત્યાં ગયા. મમ્મી તેના મોટાભાઈ મતલબ મોટા મામાને ત્યાં ગઈ. પિતાજી આખી રાત મકાનની સામે બીજા માળાના પાડોશી સાથે ઉભા રહ્યા.
સવારે ચાર વાગે આખું મકાન પત્તાના મહેલની માફક બેસી ગયું. મોટી બહેન તેના સાસરે ગઈ . મારો મોટો ભાઈ મિત્રને ત્યાં. હવે આનાથી કયો વધારે પ્રતિકૂળ સમય ૧૪ વર્ષની ઉમરમાં કહેવાય? અમે કોઈ રડ્યા નથી. પિતાજી ખૂબ હિમતવાળા હતા. જેવી શ્રીનાથજીની ઈચ્છા કહી આભાર માન્યો કે ઘરના બધા સહી સલામત હતા. એક પણ જાનહાનિ થઈ ન હતી. વેપારી હતા. પૈસાની સગવડ કરી ૨૦ દિવસમાં નવો ત્રણ બેડરૂમનો ફ્લેટ મલબાર હિલ પર ખરીદ્યો. હવે આ સંજોગોમાં તેઓ રડવા બેઠા હોત તો પાંચ બાળકોનો પરિવાર કેવી હાલતમાં આવી જાય. મમ્મી પણ ખૂબ કુશળ સ્ત્રી હતી. નિરાશાને નજીક સરવા ન દીધી. બાળકોને પાંખમાં ઘાલ્યા. આ પ્રસંગ ખરેખર સંજોગો સામે ઝુકવાને બદલે તેનો હલ કાઢવાનું શિખવે છે
જીવનમાં જો બધું જ અનુકૂળ હોત તો માનવી થોડો નમાલો યા પામર બને તેની શક્યતા વધારે છે.પ્રતિકૂળ સંજોગોમાં માનવીમાં સાહસ અને કંઈક કરી શકવાની તમન્ના ઉત્પન્ન થાય છે. યાદ કરો આપણું ભારત, જ્યારે અંગ્રેજોના નેજા હેઠળ હતું ત્યારે દેશભક્તો ગણ્યા ગણાય નહી તેટલા થયા. તેમના નામ ઈતિહાસના પાને કદી ન લખાયા. જેમનું જીવન મા ભોમની સ્વતંત્રતાની લડતમાં હોમાઈ ગયું. કેટલી માના વહાલા લાડકવાયા ચિતા પર પોઢી ગયા. કારણ એક જ મારી માતૃભૂમિ પરથી અંગ્રેજો હટવા જોઈએ. ‘મારી મા’ આઝાદ થવી જોઈએ. પ્રતિકૂળ સંજોગો તેનું મુખ્ય કારણ બન્યા.
આજે જ્યારે ભારત આઝાદ છે ત્યારે બતાવો કોઈ માઈનો લાલ, જેના દિલમાં દેશભક્તિ છે? સંજોગો અનુકૂળ છે. ભારત આઝાદ અરે, પ્રજાસત્તાક પણ છે. દરેકને પોતાની પડી છે. ‘ભારતમાકી ‘ઐસી કી તૈસી’. હા આજે હવે દેશદાઝ ગાયબ. આપણી સરકાર છે. જોયો પ્રતિકૂળ સંજોગોનો પ્રભાવ ! જીવનના હર ક્ષેત્રમાં આવું બનતું આવ્યું છે. સામાન્ય નાગરિક ઉપર આવવા અથાગ મહેનત કરે છે. પ્રતિકૂળ સંજોગોને ગાંઠતો નથી. તેને પોતાના પુરુષાર્થ પર વિશ્વાસ છે. ‘યેન કેન પ્રકારે ન’ પોતાની મંઝિલ પર પહોંચે છે. સિદ્ધિ સર કર્યાનો મુક્ત આનંદ મેળવે છે.
જેની પાસે લાખો અને કરોડો રૂપિયા હોય એવા શેઠિયાઓના નબીરા જુઓ. અનુકૂળ સંજોગો. લક્ષ્મી પ્રત્યે બેદરકારી. બાપની ગાદી પર બેસી રોફ જમાવવાનો. ભૂલી જાય છે બાપે કેટલી તનતોડ મહેનત કરી હતી. પરિણામ પૈસાને પગ આવે છે. પૈસા સાથે નામ, સાહેબી, ગાડી, વાડી વઝીફા બધું ધીરે ધીરે અદૃશ્ય થવા લાગે છે. અનુકૂળ સંજોગોમાં જો જાગ્રતતા ન હોય તો તે સંજોગોને બદલાતાં ઝાઝો સમય લાગતો નથી. પછી માથે હાથ મૂકી રડવાથી ગયેલો સમય પાછો આવતો નથી. બેદરકારી, વિલાસીપણું, ઉધ્ધતાઈ એ બધા ચારે કોરથી પ્રવેશી જીવનમાં હુલ્લડ મચાવી ને ઝંપે છે.
અનુકૂળ સંજોગો હોય તો સંયમ ન ખોતાં આ્ભારવશ શાંતિથી જીવો ! જો ન કરે નારાયણને કુદરતનું ચક્ર ફરે તો હામ ન હારવી. સામે આવેલા સંજોગોને આહવાન આપો. શક્તિ મળશે અને ફરી પાછું ચક્ર ફરશે !
*********