અતીતરાગ- ૫૪
વાત છે, એંસીના દસકની
ફિલ્મ એવોર્ડની ચર્ચા કરીએ તો, તે સમયે ફક્ત એક ‘ફિલ્મફેર’ એવોર્ડ સંસ્થાનું જ અસ્તિત્વ હતું.
ચાર દાયકા પહેલાં અપાયેલા એ ફિલ્મફેર એવોર્ડનો રેકોર્ડ, આજે પણ કોઈ તોડી નથી શક્યું.
સૌથી નાની વયે મેળવેલાં પ્લેબેક સિંગરનો રેકોર્ડ.
કોણ હતું એ સિંગર ? કે, જેણે ગાયેલા ગીતની ઘેલછા અને લોકપ્રિયતા આજે ચાર દાયકા પછી પણ અકબંધ છે.
શું નામ હતું એ ફિલ્મનું ? વધુ વિગત જાણીશું આજની કડીમાં.
આજે જે કિસ્સાનો ઉલ્લેખ કરી રહ્યો છું, તે વર્ષ ૧૯૮૧ના સમયગાળાની વાત છે.
એકમાત્ર ‘ફિલ્મફેર’ સંસ્થા હિન્દી ફિલ્મ જગત સાથે સંકળાયેલા કલા કસબીઓને તેના અપ્રતિમ પ્રતિભાની સરાહના કરવાના સબબ માટે એવોર્ડ આપી સન્માનિત કરતી હતી.
વર્ષ ૧૯૮૧માં એનાયત થયેલા બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલના એવોર્ડથી સન્માનિત થઇ હતી, સૌથી નાની વયે ગાયિકાનો એવોર્ડ હાંસિલ કરનાર ગાયિકા, નાઝિયા હસન.
નાઝિયા હસન. આ નામનો ઉલ્લેખ થતાં તરત જ વાંચકોના સ્મૃતિપટલ નામ અંકિત થાય ફિલ્મ ‘કુરબાની’. અને સહજ ધીમા સ્વરમાં ગણગણવાનું પણ મન થાય એ આઈકોનિક સોંગ...
‘આપ જૈસા કોઈ મેરી ઝીંદગી મેં આયે...’
નાઝિયા હસનના એક અલગ અંદાઝના અવાજમાં ગવાયેલા એ ગીતથી રાતોરાત દેશ-વિદેશના કરોડો સંગીત પ્રેમી પર એક અલાયદી જાદુઈ અસરથી સૌને ઘેન જેવું ઘેલું ચડ્યું.
અભિનેતા ફિરોઝખાન નિર્મિત ફિલ્મ ‘કુરબાની’ રીલીઝ થઇ હતી. વર્ષ ૧૯૮૦માં.
ફિલ્મના સંગીકાર હતાં, કલ્યાણજી-આણંદજી.
પણ જે ગીતથી નાઝિયા હસનનું નામ રાતોરાત સફળતાની બુલંદી પાર કરી ગયું, જે ગીત ફિલ્મ ‘કુરબાની’ની ઓળખનું પર્યાય બની ગયું, એ ગીત સ્વરબદ્ધ કર્યું હતું, સંગીતકાર બીડ્ડુએ. અને તે પણ લંડનમાં.
‘આપ જૈસા કોઈ મેરી ઝીંદગી મેં આયે તો....’
આ યાદગાર ગીત સાથે જોડાયેલી એક વિશેષ વાત એ છે કે, સૌથી નાની વયે બેસ્ટ પ્લેબેક ફીમેલ સિંગરનો ખિતાબ પણ તેના નામે હજુએ અકબંધ છે. જી હાં, માત્ર સોળ વર્ષની ઉંમરમાં નાઝિયા હસને આ સિદ્ધિ હાંસિલ કરી હતી.
અને બીજી એક ખાસ વિશેષતા એ હતી કે, નાઝિયા હસનને આ એવોર્ડ ફિલ્મ જગતની જે દિગ્ગજ હસ્તીના હસ્તે એનાયત થયો હતો તેમનું નામ હતું,
ધ ગ્રેટ શો મેન રાજકપૂર.
અને આ એવોર્ડ મેળવનારી એ પ્રથમ પાકિસ્તાની ગાયિકા હતી. વર્ષ ૧૯૮૧માં તેનું સોલો આલ્બમ આવ્યું, નામ હતું ‘ડિસ્કો દીવાને’. વિશ્વભરના ચૌદ દેશના હીટ મ્યુઝીક ચાર્ટમાં આ આલ્બમના ગીતોને સ્થાન મળ્યું. અને બેસ્ટ એશિયન પોપ સેલરની યાદીમાં કીર્તિમાન સ્થાપિત કર્યો.
વર્ષ ૧૯૮૨માં આવેલા તેના હીટ આલ્બમ ‘બૂમ બૂમ’ને સ્થાન મળ્યું, કુમાર ગૌરવ અભિનીત ફિલ્મ ‘સ્ટાર’માં. જેના સંગીતકાર હતાં, બીડ્ડુ.’
વર્ષ ૧૯૯૧માં પાંચમું આલ્બમ ‘ કેમેરા કેમેરા’ની પૂર્ણાહુતી બાદ વર્ષ ૧૯૯૨માં ગાયકીની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી, તેમણે નિવૃત્તિ જાહેર કરી.
ત્યાર બાદ બીડ્ડુએ ‘મેડ ઇન ઇન્ડિયા’ નામનું આલ્બમ નાઝિયા હસનના સ્વરમાં કમ્પોઝ કરવાનો પ્રસ્તાવ તેમની સમક્ષ મુક્યો. પરંતુ નિવૃત નાઝિયા હસને
‘હું પાકિસ્તાનની પ્રજાને નારાજ કરવા નથી ઇચ્છતી.’
એવું કહીને પ્રસ્તાવનો સવિનય અસ્વીકાર કર્યો. અને તે પછી ગાયિકા આલિશા ચિનોયે તે આલ્બમમાં સ્વર આપીને ઈતિહાસ રચી દીધો.
આખરે ફેંફસાના કેન્સરની બીમારી પીડિત નાઝિયા હસનનું ૧૩ ઓગસ્ટ ૨૦૦૦ના રોજ લંડન ખાતે માત્ર પાંત્રીસ વર્ષની ટૂંકી આયુમાં અવસાન થયું.
આગામી કડી..
‘કિશોર કુમાર’
આ નામ કાને પડતાં અથવા વાંચતા સૌ પ્રથમ ચિત્તમાં, ચિત્ર અંકિત થાય ગાયક કિશોર કુમારનું. પરંતુ ગાયક કિશોર કુમાર પચાસના દાયકામાં વ્યસ્ત અને પ્રખ્યાત અભિનેતા પણ રહી ચુક્યા હતાં. કિશોર કુમાર અભિનીત ફિલ્મો સફળ પણ રહી છે.
એ સમયગાળા દરમિયાન કિશોર કુમારે એક ફિલ્મના સોંગમાં એક નહીં.. બે નહીં.. પણ, પુરા સાત અલગ અલગ કિરદાર નિભાવ્યા હતાં. જી હાં સાત પાત્રો. સાત વિભન્ન વેશભૂષા એક જ ગીતમાં.
કઈ હતી એ ફિલ્મ ? અને ક્યુ હતું એ સોંગ ?
જાણીશું અતીતરાગની આગામી શ્રેણીમાં.
વિજય રાવલ
૦૯/૧૧/૨૦૨૨