મથાળા પરથી ચોક્કસ ખ્યાલ આવે કે આ કહાની નારીની છે. પછી તે ભારતના ગામમાં હોય, શહેરમાં હોય કે અમેરિકામાં ! ઓછા વત્તા અંશે સમગ્ર વિશ્વમાં નારીના હાલ એક સરખા છે. હા, તેમાં સ્થળ અને સંજોગ ભાગ જરૂર ભજવે છે. અંતે એક સૂર નીકળે છે.
૨૧મી સદીમાં જ્યાં નારી પુરૂષની સાથે ખભે ખભા મિલાવી ડગ માંડી રહી છે, છતાં પણ એવી લાગણી શામાટૅ અનુભવે છે ? શું આ તેના માનસનું અધઃપતન છે? તે આ વિષચક્રમાંથી કદી બહાર નહી આવે ? ના સાવ એવું તો નથી. કેટલીક વિરાંગનાઓ તેનાથી પર છે. જ્યારે જે ઘરમાં ‘સ્ત્રીઓ પાટલુન’ પહેરે છે, તે એમાં અપવાદ રૂપ છે. જે ઘણા જૂજ પ્રમાણમાં છે. મોટાભાગની નારી અબળા તરિકે માનસિક તાણમાં જીવતી હોય છે. આજકાલ વિદ્યાપીઠનું ઉચ્ચ શિક્ષણ પામેલી નારી પુરુષ કરતાં અનેક ગણું કમાઈ પણ જાણે છે !
‘નારી તું નારાયણી’, માત્ર ઉક્તિ તરિકે સારું લાગે છે. બાકી નારીની ડગલે અને પગલે નિઃસંકોચ અવહેલના કરતો સમાજ આજે પણ મોજૂદ છે. પુરુષ પ્રધાન આ સમાજમાં નારી મૂંગી રહે ત્યાં સુધી. વિફરે ત્યારે કોઈની નહી. બાકી ઉમર અને સમાજનો મલાજો પાળતી નારી નિર્બળ કે અબળા નથી. એ નથી બોલતી તેમાં તેનું સ્વમાન જળવાય છે. બાકી બોલીને લોકજીભે ચડવું કે ચર્ચાનો વિષય બનવો એ સારો કે સાચો માર્ગ નથી.
‘નારી વિના દુનિયાની કલ્પના અસંભવ છે, અશક્ય છે, અકલ્પનીય છે’! છતાં પણ એ નારીનું સ્વમાન ડગલેને પગલે હણવામાં શું પ્રાપ્ત થતું હશે ? જેમ પત્ની ન હોય એ પુરુષ મુખ ઓઝપાઈ જાય છે. તેમ પતિ વિનાની નારી જ્યારે પણ જોવા પામે ત્યારે તેના પર શરમના શેરડા તણાયેલા જોવામાં આવશે. જાણે સમગ્ર સંસારમાં તે એકલી અટૂલી ન હોય? હા, જીવનમાં એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. માથે પતિનું છત્ર હોય એ નારીની મુખની રેખા અલૌકિક જણાય તેમાં બે મત નથી. તેને ખસ કહેતા પહેલા, કુટુંબ યા સમાજ બે વખત વિચાર કરશે ?
બાકી તેના પતિ જીવનમાંથી વિદાય લઈ ચૂક્યા હોય તેવી નારી ને ‘બિચારી યા અસહાય’ ન સમજશો. તેનામાં રહેલી સ્ત્રી બીજા અનેક ક્ષેત્રમાં વિકાસ સાધી શકે છે. સુંદર સંસ્કારી બાળકો દ્વારા જીવન સુશોભિત કરી સુંદર રીતે જીવનના બાકીના વર્ષો જીવી જાણે છે.
જો સ્ત્રી કુંવારી હોય તેના મુખ રેખા કંઈક જુદી વાત કહેશે? ઘણી વખત કૌટુંબિક સંજોગોને કારણે યા કોઈ પણ પ્રતિકૂળ સંજોગવશાત તે ન પરણી હોય તેમાં કોઈ ગુનો નથી ! શું પરણવું એ જ માત્ર જીવનનો ઉદ્દેશ છે ? નારી પ્રતિભા, તેનું ગૌરવ તેને ઈજ્જત અને આદર આપે છે. ઉઘાડે છોગ થતા બળાત્કારના પ્રસંગો પુરુષની અધમતાનું પ્રમાણ છે. તેમનામાં રહેલી પાશવી વૃત્તિનું છડેચોક પ્રદર્શન કરે છે. નારીમાં જ દૈવત છે તે પુરૂષમાં નહી જણાય. સર્જનહારે બંનેને એકબીજાના પૂરક તરિકે આ પૃથ્વી પર મોકલ્યા છે. એક વગર બીજું અધુરું છે. તે બન્નેના સુભગ મિલનથી આ સંસારનું ચક્ર અવિરત પણે ચાલે છે.
જ્યારે નારીને ચારે દિશાએથી સુંદર ઈશારા પ્રાપ્ત થતા હોય છે. એ નારીનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. તેનો સંસાર સુંદર રીતે સમૃદ્ધિમાં સ્નાન કરતો જણાય છે. સંકટ સમયે પણ તેની ગતિમાં ખાસ ફરક પડતો નથી. સ્ત્રીનું ધૈર્ય અને સહનશીલતા પ્રકાશી ઉઠે છે. વિપરીત કાળમાં તેમાં શૌર્ય પ્રવેશી તેને હિમતવાન બનાવે છે. એક સ્ત્રી પતિની ગેરહાજરીમાં ચાર બાળકોના ભરણ પોષણ કરી તેમને જીંદગીની સઘળી સુવિધા મળે તેવા પ્રયાસ સફળતા પૂર્વક કરે છે. જ્યારે ચારે બાળકો મોટા થાય ત્યારે તેમને એક ‘મા’ ભારે પડે છે. એ આ સંસારની સત્ય કરુણતા છે!
નારીને અબળા કહી તેનું અપમાન ન કરશો. હા, કદાચ તેની પાસે પૈસા ન હોય કે શારીરિક સ્વાસ્થ ન હોય તો તે શક્ય છે. બાકી સ્ત્રી ગમે તેવા ઝંઝાવાતો સામે ટકી શકવાની હિમત ધરાવે છે. અમુક શબ્દો એવા હોય છે જે સચોટતાને કારણે હ્રદયને સ્પર્શી જાય છે. હ્રદયનો ઊભરો શાંત કરવા એ કોઈ પણ માર્ગ અપનાવે ! તેને કોઈ માન આપીને વધાવે કે હારતોરા પહેરાવે એવી ઉમ્મીદ નથી હોતી. માત્ર તેનું ગૌરવ સચવાય એ જ તેની મનની મુરાદ. બાકી આ જગમાં પડતાને પાટુ મારવું ખૂબ સહજ છે. ગિરતાને ઉઠાવવો એમાં ખરી માનવતા છૂપાયેલી છે
જે સ્ત્રીએ પુરૂષને જન્મ આપ્યો એ પુરુષ સ્ત્રીને બજારમાં બેસાડી તેનું ઘોર અપમાન પણ કરી શકે છે ! દયનીય છે. સ્ત્રીનું માતા સ્વરૂપ ખૂબ પાવન અને વંદનીય છે. પત્ની સ્વરૂપ તે અતિ રળિયામણું છે. બહેનનું સ્વરૂપ અજોડ છે. દીકરી રૂપે તેની કલ્પના પણ રોમાંચિત કરી મૂકે.
જ્યારે સ્ત્રી અગણિત રૂપે વરદાન છે તો તેને અબળા શામાટે કહેવી ? ખરી કરુણતા ત્યાં છે જ્યારે સ્ત્રી , સ્ત્રીની દુશ્મન બને છે. હકિકતનો ઈન્કાર ન થઈ શકે! સ્ત્રી બીજી સ્ત્રીને અદેખાઈની આગમાં જલી ઘોર અન્તયાય કરે છતાં તેનું રૂંવાડુ પણ ન ફરકે.
સ્ત્રીને સમજવી મુશ્કેલ છે. તેનો પ્રયત્ન કરનાર કદી સફળ થયો જાણ્યું નથી ! બાકી કળાઓમાં સ્ત્રીની નિપુણતા દાદ માંગી લે તેવી છે. સ્ત્રીને ‘અબળા કે સબળા’નું કોઈ વિશેષણ આપવાની જરૂર દેખાતી નથી. સ્ત્રી હર હાલમાં સ્ત્રી રૂપે શોભાયમાન છે. તેનું અસ્તિત્વ જાજ્વલ્યમાનથી ઉભરાતું છે.
નારીની અવહેલના, નારી પર બળાત્કાર એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોઈ શકે ! નારી તું નારાયણી.
ચિક્કાર માનવ મેદનીમાં ધિક્કાર મળે છે
એ જ મેદનીમાં સન્માન અને સત્કાર મળે છે !
નારી તારા રૂપ ઝૂઝવાં છે પણ અલૌકિક છે.