8.
હું કેટલીયે વાર સુધી એમ ને એમ પડ્યો રહ્યો. અંદરથી હું સખત ડરી ગયેલો. મને લાગતું હતું કે ગમે તે ઘડીએ આ પ્રેતાત્મા મારો જીવ લઈ લેશે. મારી આંખ ખોલવાની હિંમત નહોતી અને નહીં તો પણ ચારે બાજુ, આ બંગલાની બહાર તેમ જ અંદર માત્ર ઘોર અંધારું હતું. આંખ ખોલું તો પણ શું?
વળી વિચારો મગજ થોડું શાંત થતાં ફર્યા. દરિયાનાં મોજાંની જેમ લાગણીઓ ઘડીકમાં તેને મને ગમી ગયેલી સુંદર સ્ત્રી કલ્પે તો ઘડીમાં તેનું હમણાં જોયેલું પ્રેત સ્વરૂપ. એક તરફ થોડી ઉત્તેજના થવા લાગી તો બીજી તરફ ડર. આખરે લાગ્યું કે એ મનુષ્ય ન હોઈ શકે અને આવું અપ્રતિમ સૌંદર્ય એકલું આવા બંગલામાં ન રહેતું હોય. આ છળ છે. માયા છે અને હું ફસાઈ ગયો છું.
હવે તે વેમ્પાયર હોય તો પણ હું કશું કરી શકવાનો નથી. આવી સુંદર સ્ત્રીને હાથે ગળું ઘોંટાઈને કે મોં દ્વારા લોહી પિવાઈને મરવું પણ એક લ્હાવો ગણીશ. સ્વર્ગની અપ્સરાએ મારો જીવ લીધો એમ ગણી.
બહુ વાર થઈ. એ આવી કેમ નહીં? હમણાં તો તેનો સ્પર્શ અને સુગંધ અનુભવેલાં.
હું મનોમન ફરીથી હનુમાન ચાલીસા બોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ એક લીટી બોલી ભૂલી જવાતું હતું.
મને થતું હતું કે એ.. આવી. એ.. મને પકડ્યો. આ મારાં ગળે દાંત ભીડ્યા અને મારું લોહી ખેંચ્યું. મારા કલ્પિત અંતકાળે મને ખરેખર ગળાં પાસે કંઇક ખેંચાતું હોય તેવી લાગણી થઈ. ક્યાં સુધી આમ ને આમ પડ્યો રહીશ? મોત આવવું હોય તો જલ્દી આવે. બહુ રાહ જોવરાવી.
વિચારો મૂકી મેં આંખ ખોલી. આજુબાજુ જોયું. ત્યાં ફરી મારી નજર ઉપર ગઈ. તે મારી ઉપર ઝળુંબતી હતી. મેં ડરથી જોરથી આંખો મીંચી દીધી .
હવે તે શું કરશે?
મારે વાંસે તેનો હાથ ફરી રહ્યો. હા. ચોક્કસ એનો જ સ્પર્શ છે. મારાં ગળાં પર મેં ટુવાલ વિંટેલો તે ખેંચાયો. આ તો એક સબળા કોઈ અબળ પુરુષનું વસ્ત્રાહરણ કરે છે! સાલું શું જમાનો ફરી ગયો છે!
એ મને અડી કે મારા પડખું ફરવાને કારણે ટુવાલ સહેજ ભીંસાયો? હું તેના દાંત મારામાં ભીંસાય તેની રાહ જોતો હતો. એકદમ મારાથી આંખો ખોલાઈ ગઈ.
"બચાવો.." એવી ચીસ નીકળી. એનો હાથ મારા મોં પર દબાયો. ફરી એ અટ્ટહાસ્ય મારી સાવ ઉપર ઝળુંબી રહ્યું.
હું ઝટકો મારી ભાગ્યો. આ વખતે કિચનની વિરુદ્ધ બાજુ.
મારો પગ જોરથી ઠેસાયો. એ દાદરાનું પહેલું પગથિયું હતું. ફરીથી મેં "ઓ મા.. બચાવો.." કહેતી મોટેથી ચીસ પાડી. મારી ચીસ એ ઉપર જતા પેસેજમાં પડઘા પાડી રહી. હું ઉપર ચડતો હતો ત્યાં પાછળથી મારી કમરે તેનો હાથ અડ્યો. મેં ટીશર્ટ પહેરી રાખ્યું હોત તો સારું થાત. અરે! મેં પહેરેલી શોર્ટ્સ, ચડ્ડી ખેંચાઈ. હું પડવા જતો હતો. હું કપડાંની પરવા કર્યા વગર દાદરાનાં પગથિયાં ચડવા લાગ્યો. દાદરો અહીથી વળાંક લઈ ઉપર જતો હતો. હું ત્યાં થંભ્યો તો આગળ તે ઊભી હતી! તેણે હમણાં જ મને પાછળથી ખેંચેલો. વળી એ આગળ જઈ સામે આવી ગઈ! હું ઊંધો ઉતરવા ગયો. એમાં પડતો રહી ગયો. બેલેન્સ ગુમાવત પણ તેણે જ મને પકડ્યો.
ફરી મારા કાનમાં અટ્ટહાસ્ય. હું તેની પક્કડમાં હતો. અમે દાદરો V શેપમાં વળાંક લે તે ચોકઠાં પર ઊભેલાં. બાજુના મેઈન ડોર પરના ખૂલ્લા પેસેજમાંથી બહારનું વરસાદ રહી ગયા પછીનું દૂધિયું આકાશ અને તેમાં વાદળો દેખાતાં હતાં. મેં હાથ ફેલાવ્યા. તેણે મને પકડેલો અને મારા ફેલાવેલા હાથમાં તેના વાળ આવ્યા તેને પીઠ નથી એમ મને લાગેલું એટલે મેં વાળમાં હાથ ઘુસાડ્યો. તેનાં પેટ પર હાથ વાગ્યો.
છેલ્લો પ્રતિકાર કરું. કહે છે ભૂતની ચોટલી હાથમાં આવે તો તમે તેની પાસે મનમાન્યું કરાવી શકો. મેં તેની ચોટલી પકડવા એક હાથ મારા કાન તરફ ઊંચો કર્યો. તે નીચે પડ્યો. તેની પીઠ હતી ભાઈ! મારો હાથ તેની પીઠ પર ગયો પણ હું તેની પક્કડમાં હતો. ફરી અટ્ટહાસ્ય સાથે મારો દેહ દાદરા સાથે દબાયો અને મેં અંતિમ શ્વાસ લેવા કર્યું ત્યાં તો..
લાઈટ આવી. ઝબકારો થયો. હું તેને અને તે મને પકડીને દાદરાનાં ચોકઠાંમાં ઊભેલાં.
ફરી બહારની પૉર્ચની, રૂમની, કિચન તરફના પેસેજની લાઇટનો પ્રકાશ રેલાયો. અમે દાદરા ઉપર એક બીજાંને પકડીને ઊભેલાં!
અપ્રતિમ સુંદરતા મારા હાથોમાં, મારી અત્યંત નજીક હતી! માત્ર વેંત દૂર!
ક્રમશ: